✍️ હરીશભાઈ પટેલ (Harish Art Vapi)
ખેડૂત – એ માત્ર એક વ્યક્તિ નથી, એ તો ધરતીનો દેવ છે. જે દિવસ-રાત પરિશ્રમ કરીને આપણા થાળીમાં અન્ન પરોસી આપે છે. જ્યારે શહેરમાં માણસો સુખના સપનાં જુએ છે, ત્યારે ગામડાનો ખેડૂત ચોમાસાની પ્રથમ બૂંદ માટે આકાશ તરફ આશાભરી નજરે જુએ છે. એની આંખોમાં શ્રદ્ધા હોય છે, હાથમાં હળ હોય છે અને દિલમાં દેશ માટેનો અણમોલ પ્રેમ હોય છે.

ખેડૂત કેટલો દયાળુ હોય છે તેનો ઉદાહરણ આપવું હોય તો એની ખેતર જ તેની સાબિતી છે. એના ખેતરમાં પક્ષી ખાય, ઈયળ ખાય, ભૂંડ ખાય, ઢોર ખાય, રોમડા ખાય, દાડીયા ખાય, વેપારી ખાય, સરકાર ખાય — અને અંતે જો કંઈ બાકી રહે તો પોતે અને પોતાનો પરિવાર ખાય. છતાં એ ક્યારેય ફરિયાદ નથી કરતો. એ ધરતીને માતા સમજીને એની સેવા કરે છે.

ખેડૂતના પરિશ્રમથી દેશ જીવતો રહે છે. એના ખેતરમાં ઉગેલો એક એક દાણા માત્ર અનાજ નથી, એ એના પરસેવાનો ફળ છે. છતાં irony એ છે કે જેણે બધાને ખવડાવ્યા, એ જ પોતાના ઘરમાં ક્યારેક ભૂખ્યો રહે છે. બજારના ચઢતા ભાવ, વરસાદની અનિશ્ચિતતા, સરકારની નીતિઓ અને ક્યારેક કુદરતનો ક્રોધ — આ બધું સહન કરીને પણ એ સ્મિતથી ખેતરમાં પાછો ઊતરી જાય છે.
ખેડૂતના હક્ક માટે જ્યારે એ અવાજ ઉઠાવે છે, ત્યારે એને “આંદોલનકારી” ગણવામાં આવે છે. પોતાના અધિકાર માટે રસ્તા પર ઉતરે તો દંડા ખાય છે. પરંતુ એના મનમાં હજી પણ દ્વેષ નથી, કારણ કે એ જાણે છે કે એનો હક્ક ફક્ત માગવાનો નથી, એ તો ધરતીથી ઉગાડવાનો છે. એના પરિશ્રમમાં પ્રાર્થના છે, એના પરસેવામાં પવિત્રતા છે.
ખેડૂત વગર સમાજનું અસ્તિત્વ અશક્ય છે. એ તો એ વ્યક્તિ છે, જે પોતાના પરિવાર કરતાં દેશના લોકોના ભોજનની વધુ ચિંતા કરે છે. શહેરમાં બેઠેલા લોકોના થાળીમાં જે અન્ન છે, એ એની મહેનતનું ફળ છે. એટલા માટે કહેવાય છે — “અન્નદાતા એ જ જગતનો તાત છે.”
આજે સમય છે કે આપણે અન્નદાતાને સાચા અર્થમાં વંદન કરીએ. માત્ર શબ્દોથી નહીં, પણ કૃતિથી. ખેતરની જમીન, કુદરત અને ખેડૂતનો સન્માન કરીએ. જેની મહેનતથી આપણું જીવન ચાલે છે, એને યોગ્ય માન, ભાવ અને સહકાર આપીએ.
જો તમારા પેટમાં પણ એ અન્નદાતાનું અન્ન છે —
તો આ સંદેશને હૃદયથી શેર કરો…
કેમ કે એના પરસેવાનો એક એક ટીપો આપણા રાષ્ટ્રનું વલણ ઘડતો છે.
🌾 અન્નદાતાને વંદન! 🌾
– હરીશભાઈ પટેલ (Harish Art Vapi)