1. News
  2. આદિવાસી સમાજ
  3. ધરમપુરના ઓઝરપાડામાં વડીલોના ચરિત્રની ઝાંખી કરાવતુ ” આમણે બાહાયો વડલો ‘ પુસ્તકનું વિમોચન કરાયુ

ધરમપુરના ઓઝરપાડામાં વડીલોના ચરિત્રની ઝાંખી કરાવતુ ” આમણે બાહાયો વડલો ‘ પુસ્તકનું વિમોચન કરાયુ

Share

Share This Post

or copy the link

ધરમપુરના ઓઝરપાડામાં “આમણે બાહાયો વડલો” પુસ્તકનું વિમોચન

ધરમપુર તાલુકાના આદિવાસી વિસ્તાર ઓઝરપાડામાં એક અનોખું અને સંસ્કારસભર સાહિત્યિક આયોજન થયું, જેમાં પ્રાધ્યાપક શ્રી વી.ડી. હરકણીયા દ્વારા રચાયેલ “આમણે બાહાયો વડલો” નામના પુસ્તકનું વિમોચન સન્માનપૂર્વક કરવામાં આવ્યું. આ પુસ્તકમાં ગ્રામ્ય અને આદિવાસી સમાજના વડીલોના જીવનચરિત્ર, એમના મૂલ્યો, સેવા અને સમર્પણની ઝાંખી પ્રેરણારૂપ રીતે રજૂ કરવામાં આવી છે.

આ વિમોચન સમારંભમાં પ્રમુખ તરીકે ઉપસ્થિત રહ્યા ધારમપુરના જાણીતા લાઇબ્રેરિયન અને સાહિત્યપ્રેમી શ્રી કમલેશ બી. પટેલ. એમણે પોતાના પ્રવચનમાં વડીલોના આદર્શ જીવન પર પ્રકાશ પાડતા જણાવ્યું કે, “વડીલો આપણા સંસ્કારના જીવંત ઉદાહરણ છે. એમના જીવનમાં દાન, સેવા અને શ્રદ્ધા એ ત્રણ મુખ્ય સ્તંભો હતા.” કમલેશભાઈએ ઉલ્લેખ કર્યો કે જૂના સમયમાં વડીલો સવારમાં સૂર્યપૂજા, ધરતીમાતાની પૂજા અને પ્રકૃતિની આરાધના કર્યા વિના પોતાનું કાર્ય આરંભ કરતા નહોતા. એમણે ઉમેર્યું કે, પિતૃ તર્પણ અને શ્રાદ્ધ વિધિઓ પ્રત્યેની વડીલોની ભાવના ખુબ ઊંડાણસભર હતી, અને તે સમયના લોકો બ્રાહ્મણ વિના પણ ભાવપૂર્વક શ્રાદ્ધ કરતા હતા.

કાર્યક્રમમાં વિશિષ્ટ અતિથિ તરીકે ઉપસ્થિત રહેલા હસમુખભાઇએ વડીલોની સ્વસ્થ અને નિયમિત જીવનશૈલીનું સુંદર વર્ણન કર્યુ. નિવૃત વિસ્તરણ અધિકારી શ્રી સુરેશભાઈ ગાંવિતે વડીલોની સેવા અને કાર્યોને ઉજાગર કરવા માટે આવા કાર્યક્રમો વારંવાર યોજવા વિનંતી કરી. શ્રી કેસુરભાઇ પટેલે પોતાના વક્તવ્યમાં ધાર્મિકતા સાથે સેવાકીય પ્રવૃત્તિઓને પણ જીવનમાં સ્થાન આપવા જણાવ્યું.

એડવોકેટ શ્રી વિનોદભાઇએ પુસ્તકના વિષયને ધોડિયા ભાષામાં રસપ્રદ રીતે રજૂ કરતા કાર્યક્રમને જીવંત બનાવ્યો હતો. લેખક પ્રાધ્યાપક વી.ડી. હરકણીયાએ સૌ મહેમાનોનું સ્વાગત કરી આનંદ વ્યક્ત કર્યો અને જણાવ્યું કે આ પુસ્તક વડીલોની જીવનમૂલ્ય પર પ્રકાશ પાડે છે તથા યુવા પેઢી માટે પ્રેરણારૂપ છે.

કાર્યક્રમની શરૂઆત નાનકડી બાળાઓ કુ. ચા અને કુ. દિતિ દ્વારા રજૂ થયેલી પ્રાર્થનાથી થઈ હતી, જે સૌના મનમાં શ્રદ્ધાભાવ જગાવી ગઈ. ફાલ્ગુનીબેને કાર્યક્રમનું સંચાલન શિસ્તપૂર્ણ રીતે કર્યુ અને અંતે મહેશભાઈએ સૌનો આભાર માન્યો.

આ પ્રસંગે ગામના આગેવાનો છોટુભાઈ, ચીમનભાઇ, વિનોદભાઈ સહિત અનેક મહેમાનો હાજર રહ્યા હતા. યુવાઓ અને બહેનોના સહકારથી કાર્યક્રમને સુંદર સફળતા મળી. “આમણે બાહાયો વડલો” પુસ્તકના વિમોચન દ્વારા ઓઝરપાડાના ગામે એક અનોખું સંસ્કારમય સાહિત્યિક યોગદાન આપ્યું છે — જે વડીલોના ચરિત્ર, સંસ્કાર અને સમર્પણને નવી પેઢી સુધી પહોંચાડશે.

ધરમપુરના ઓઝરપાડામાં વડીલોના ચરિત્રની ઝાંખી કરાવતુ ” આમણે બાહાયો વડલો ‘ પુસ્તકનું વિમોચન કરાયુ
Comment

Your email address will not be published. Required fields are marked *