
વલસાડ જિલ્લામાં “વિકાસ સપ્તાહ – 24 વર્ષ જનવિશ્વાસ, સેવા અને સમર્પણ” અંતર્ગત નાનાપોઢા ખાતે કૃષિ વિકાસ રવિ કૃષિ મહોત્સવનું આયોજન પૂર્વ મંત્રી તથા કપરાડાના ધારાસભ્ય શ્રી જીતુભાઈ ચૌધરીના અધ્યક્ષ સ્થાને ભવ્ય રીતે યોજાયું હતું. કાર્યક્રમમાં જિલ્લામાંના અનેક ખેડૂતો, મહિલા સ્વ સહાય જૂથો તથા કૃષિ સંબંધિત અધિકારીઓએ ઉપસ્થિતિ નોંધાવી હતી.

આ અવસરે ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ દેશના ખેડૂતો માટે અનેક લોકકલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકી છે, જેના સીધા લાભો આજે ખેડૂતો સુધી પહોંચી રહ્યા છે. પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દર વર્ષે ખેડૂતોના ખાતામાં રૂપિયા 6000ની સહાય જમા થાય છે, જે ખેડૂતો માટે મોટો આધારરૂપ સાબિત થયો છે. સાથે ટ્રેક્ટર, ખાતર અને કૃષિ યંત્રો પર મળતી સહાયના કારણે ખેતી વધુ આધુનિક બની છે. મહિલા ડેરી ઉદ્યોગમાં જોડાઈ સ્વનિર્ભર બની રહી છે, જે ગ્રામ્ય અર્થતંત્ર માટે સકારાત્મક સંકેત છે.

તેમણે જણાવ્યું કે ખેડૂતો દેશના વિકાસના પાયા છે, અને તેમની સમૃદ્ધિ વિના રાષ્ટ્રીય સમૃદ્ધિ શક્ય નથી. રાજ્ય સરકાર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ પ્રાકૃતિક કૃષિ અને ઓર્ગેનિક ખેતીને પ્રોત્સાહન આપી રહી છે. ડેમ નિર્માણ અને સિંચાઈ સુવિધાઓના વિકાસથી ખેડૂતોને રવિ અને ખારીફ બંને પાકોમાં વધારો કરવા સહાય મળી રહી છે.

કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી, ખેતીવાડી અધિકારી, તાલુકા વિકાસ અધિકારી, કારોબારી અધ્યક્ષ હિતેશભાઈ તથા અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ખેડૂતો માટે વિવિધ પ્રદર્શન સ્ટોલ ગોઠવાયા હતા, જેમાં ડિજિટલ પોર્ટલ, સહાય યોજનાઓ, પ્રાકૃતિક ખેતી તથા આધુનિક ટેક્નોલોજી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું.
અંતે ઉપસ્થિત મહાનુભાવોએ ખેડૂતોને શુભેચ્છા પાઠવી કૃષિ વિકાસ માટે વધુ પ્રયત્નો ચાલુ રાખવાની અપીલ કરી. ઉત્સાહભેર યોજાયેલા આ કાર્યક્રમનો સમાપન રાષ્ટ્રીય વિકાસમાં ખેડૂતોના યોગદાનની પ્રશંસા સાથે કરવામાં આવ્યો.