જીએનએ અમદાવાદ:
મારો યુવાન ભાઈ ઘરનો ‘સાવજ’ હતો. તેનું સંઘર્ષપૂર્ણ જીવન અને સાહસિક સ્વભાવ અમારા ઘરના જ નહીં પરંતુ અગણ્ય લોકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું છે. ફક્ત ૨૨ વર્ષની વયે બ્રેઇનડેડ મૃત્યુ થતા પરિવારજનો અત્યંત દુઃખની લાગણી અનુભવી રહ્યા છીએ. પરંતુ મરણોપરાંત પણ અમારા ઘરનો વીરો અન્ય ચાર જરૂરિયાત મંદોને નવજીવન આપી ગયો તેનો ગર્વ છે. આ શબ્દો છે અંગદાતા વિજય ભાઈના ભાઈ સચીન ભાઈ રાવલના.
વિજાપુરના ૨૨ વર્ષીય વિજયભાઈ રાવલનો મહેસાણા પાસે માર્ગ અકસ્માત થતાં મહેસાણાની હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અર્થે લઇ જવામાં આવ્યા. ત્યાં તબીબોને સ્થિતિ ગંભીર જણાતા અમદાવાદ સિવીલ હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામાં હતા.ત્યાંના તબીબોએ સારવાર દરમિયાન વિજય ભાઈને બ્રેઈનડેડ જાહેર કર્યા.
રાજ્યમાં અંગદાનની પ્રવૃતિઓ સાથે સંકળાયેલા શ્રી દિલીપભાઈ દેશમુખના અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટ સંસ્થાના સ્વયંસેવકો દ્વારા વિજાપુર જઈને વિજયભાઈના પરિવારજનોને અંગદાન માટે પ્રેરિત કરવામાં આવ્યા. પરિવારજનોએ પણ અંગદાન માટે સંમતિ દર્શાવ્યા બાદ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અંગદાન માટેના વિવિધ ટેસ્ટ કરવામાં આવ્યા.જે તમામ ટેસ્ટ અંગદાન માટેના માપદંડોમાં બંધબેસતા વિજયભાઈના અંગોના રીટ્રાઇવલની પ્રક્રિયા હાથ ધરાઈ.
વિજયભાઈના અંગોના દાનમાં હૃદય ગ્રીન કોરિડોર મારફતે સિમ્સ હોસ્પિટલ અને ફેફસાને ગ્રીનકોરિડોર મારફતે મુંબઈ, જ્યારે લિવર અને બંને કિડની અમદાવાદ સિવિલ મેડિસીટીની કિડની હોસ્પિટલમાં પ્રત્યારોપણ માટે મોકલવામાં આવ્યા હતા.
સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ ડૉ.રાકેશ જોષી સમગ્ર વિગત આપતા જણાવે છે કે, સિવિલ હોસ્પિટલ માં અત્યાર સુધી ૨૯ અંગદાતાઓના અંગદાન મેળવવામાં સફળતા મળી છે. ૮૦ વ્યક્તિઓમા ૯૫ અંગોનુ પ્રત્યારોપણ કરી આ તમામ જરૂરિયાત મંદોને નવજીવન આપવામાં સફળતા મળી છે.
સમાજમાં પ્રવર્તી રહેલી અંગદાન માટેની જનજાગૃતિ એ જરૂરિયાતમંદ દર્દીઓની મદદ દ્વારા તેમના જીવનમાં ઉજાસ પાથરી તેમને નવજીવન આપવા માટે નવો રાહ ચિંધ્યો છે તેઓ સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ઉમેર્યું હતું.
Ad…