વલસાડ જિલ્લામાં માવઠાને કારણે પાકો ઉપર સંભવિત અસરો અને તેના ઉપાયો અંગે માર્ગદર્શિકા જારી

0
144

  • ખાસ કરીને તુવર, ચણા અને શાકભાજી પાકો માટે શું કાળજી રાખવી તે અંગે ખેડૂતોને માહિતગાર કરાયા
  • હવામાન ખુલ્લુ થયા બાદ દવાનો છંટકાવ કરવો અને પિયત આપવાનું હાલ પૂરતું ટાળવું
  • આગોતરા વાવણી કરેલા પાકમાં લીલી ઇયળનો ઉપદ્રવ થઈ શકે તેવી સંભાવના

વલસાડ જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ તેમજ છુટાછવાયા જગ્યાએ મધ્યમથી ભારે કમોસમી વરસાદ પડતા તાજેતરમાં વાવણી/રોપણી કરેલા પાકો તથા ઉભા પાકોમાં થવા પાત્ર સંભવિત અસરો સામે તેના બચાવ માટેના ઉપાયો અંગે વલસાડ જિલ્લા ખેતીવાડી કચેરી દ્વારા માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે.

તુવેરના પાકમાં વાદળછાયા અને ભેજવાળા હવામાનને કારણે શીંગ માખીનો ઉપદ્રવ થઈ શકે, હવામાન ખુલ્લું થયા બાદ ભલામણ મુજબની (એમામેક્ટીન બેન્ઝોએટ ૪ ગ્રામ/૧૦ લીટર પાણીમાં ભેળવી) દવાનો છંટકાવ કરવો, ખેતરમાં વરસાદના વધારાના પાણીના નિકાલ માટે વ્યવસ્થા કરવી. પિયત આપવાનું હાલ પૂરતું ટાળવું.

ચણાના પાકમાં તાજેતરમાં વાવણી કરેલા પાકના ઉગાવવા ઉપર અસર તેમજ આગોતરા વાવણી કરેલા પાકમાં લીલી ઇયળનો ઉપદ્રવ થઈ શકે છે, ખેતરમાં હેક્ટર દીઠ ૨૦ ફેરોમોન ટ્રેપ ગોઠવવા.
શાકભાજી પાકોમાં ફુલ ફળનું ખરણ થઈ શકે છે. રોગ જીવાત (ચુસીયા/કોકડાવા)નો ઉપદ્રવ થઈ શકે છે. વધારે પવન સાથે વરસાદના કારણે છોડ નમી શકે છે, પરિપકવ શાકભાજીના ફળો વહેલી તકે વીણી બજારમાં વેચાણ માટે મોકલવા. ફળવાળા છોડને લાકડા અથવા વાંસ વડે યાંત્રિક ટેકો આપવો. હવામાન ખુલ્લું થયા બાદ ભલામણ મુજબની (સ્પીનોસાડ ૩ મી.લી/૧૦ લીટર પાણીમાં ભેળવી) દવાનો છંટકાવ કરવો. કાપણી/લણણી કરેલા પાકોમાં ખુલ્લા રાખેલા પાકોની ખેત પેદાશોની ગુણવત્તામાં અસર થઇ શકે છે, કાપણી/લણણી કરેલા પાકોની ખેત પેદાશોને સલામત જગ્યાએ મુકવી અથવા તાડપત્રી વડે ઢાંકીને રાખવી.
આ અંગે વધુ જાણકારી આપના વિસ્તારના ગ્રામસેવક/વિસ્તરણ અધિકારી/તાલુકા અમલીકરણ અધિકારી/ મદદનીશ ખેતી નિયામક(તા.મુ.), જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ ખેતી નિયામક(તાલીમ), KVK અથવા કિસાન કોલ સેન્ટર ટોલ ફ્રી નંબર – ૧૮૦૦ ૧૮૦ ૧૫૫૧ નો સંપર્ક કરવા વલસાડ જિલ્લા ખેતીવાડી અધિકારીએ અખબારી યાદીમાં જણાવ્યું છે.
-૦૦૦-

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here