હળવદ પાસે નવદંપતીની કાર કેનાલમાં ખાબકી, બચવા માટે બોનોટ પર ચડીને દોરડું પકડ્યું છતાં ન બચ્યાં, 10 મહિના પહેલાં થયા હતા લગ્ન

0
245

હળવદના અજિતગઢથી માળીયા તરફ કેનાલના રસ્તે જઈ રહેલી અજિતગઢના નવદંપતીની કાર જુના અને નવા ઘાટીલા વચ્ચે મંદરકીના નાળા નજીક કેનાલમાં ખાબકતા નવદંપતીનું મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે હળવદ પંથકમાં અરેરાટી વ્યાપી જવા પામી છે.

નોંધનીય છે કે કાર કેનાલમાં ખાબકતાં બંને ગાડીના કાચ તોડીને બહાર નીકળી જઇ બોનેટ પર ચઢી ગયા હતા. તેમજ એક ભાઇએ એમને બચાવવા માટે કેનાલમાં રાંઢવુ પણ નાખ્યું હતું અને આ નવદંપતીએ દોરડું પકડી પણ લીધુ હતુ પણ તેઓ બચી શક્યા નહોતા.

દસ મહિના અગાઉ જ બંનેના લગ્ન થયા હતા
સૂત્રો અનુસાર હળવદ તાલુકાના અજીતગઢ ગામે રહેતા રાહુલભાઈ પ્રવીણભાઈ ડાંગર (ઉંમર વર્ષ 22) અને તેમના ધર્મ પત્ની મિતલબેન રાહુલભાઈ આહીર આજે શનિવારે સવારે અજીતગઢ ગામેથી કારમાં માળીયાના મેઘપર ગામે સગાઇના પ્રસંગમાં જવા નીકળ્યા હતા. ત્યારે જુના અને નવા ઘાટીલા નજીક મંદરકી ગામના નાલા પાસે પસાર થતી વેળાએ માળીયા બ્રાંચની નર્મદા કેનાલમાં તેઓની કાર ખાબકી હતી. ઘટનાની જાણ થતાં આજુબાજુના લોકો કેનાલમાં શોધખોળ કરી હતી. જેમાં મિત્તલબેનના મૃતદેહને કેનાલમાંથી બહાર કાઢવામાં આવ્યા બાદ રાહુલભાઈની શોધખોળ હાથ ધરવામાં આવી હતી અને કલાકો બાદ રાહુલભાઈનો મૃતદેહ મળી આવતા પરિવારજનોમાં કલ્પાંત છવાઈ ગયો હતો.

ઉલ્લેખનીય છે કે, અકાળે મોતને ભેટનાર રાહુલભાઈ અને મિતલબેનના લગ્ન દસેક માસ પહેલા જ થયા હતા અને સપરમાં દિવસો શરૂ થતાં સગાઈમાં જતી વખતે જ આ કરુણ ઘટના બનતા આહીર પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

ગાડીના કાચ તોડીને બોનેટ પર પણ ચઢી ગયા હતા
સૂત્રોના જણાવ્યા અનુસાર બંને જણા ગાડીના કાચ તોડીને બહાર નીકળી જઇને બોનેટ પર પણ ચઢી ગયા હતા. ઉપરાંત એક ભાઇએ એમને બચાવવા માટે કેનાલમાં દોરડું પણ નાખ્યું હતુ અને આ નવદંપતીએ દોરડું પકડી પણ લીધુ હતુ. પણ દુર્ભાગ્યવશ તેઓ બચી શક્યા નહોતા. બનાવની જાણ થતા જ આજુબાજુના ગામના ગ્રામજનો તેમજ ટીકર જિલ્લા પંચાયતના સદસ્ય ધર્મેન્દ્ર ભાઈ એરવાડીયા, અજીતગઢ ગામના સરપંચ રજનીભાઈ પટેલ, અશ્વિનભાઈ આહિર સહિત મોટી સંખ્યામાં લોકો કેનાલ કાંઠે દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતા માળીયા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને દંપતિના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડયા હતા.

Ad.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here