વિધાતાની વિચિત્રતા!!

0
50

ગયાં અંકમાં આપણે જોયું કે સુધીર દત્ત શ્રીદેવીને સુરેખા અને સિદ્ધાર્થની ઘાતકી નજરથી બચાવી સેફલી એક એવી જગ્યા પર મુકી દીધી, કે જ્યાં આગળ સુરેખા અને સિદ્ધાર્થની નજર ક્યારેય પડે નહીં. એક બીજું કામ એ કર્યું કે તેને સાર્થક ને પણ એ લોકોના ચંગૂલમાંથી બહાર કાઢી લીધો, અને એને શ્રીદેવી સાથે જ રાખી દીધો હતો, એટલે બંને જણાં એકબીજાની કંપનીમાં દિવસો સારી રીતે પસાર કરી શકે. પરંતુ મુશ્કેલી ત્યાં ઊભી થઈ કે જે હવેલીમાં શ્રીદેવીને રાખવામાં આવી હતી, એ હવેલીનો માલિક એટલે કે સુધીર દત્તની સિસ્ટરનો પતિ જમીનદાર સુખવંત એક ઐયાસ આદમી હતો, અને એની નજર જો શ્રીદેવી પર પડે! તો એને કોઈ બચાવી શકે તેમ નહોતું. એટલે એની નજર પડે એ પહેલા જો સુધીર દત્ત એને અહીંથી લઈ જાય તો કોઈ તકલીફ નહોતી. બીજી બાજુ સુરેખા અને સિદ્ધાર્થ પણ પહેલી પાંચેક મિનિટ તો શ્રીદેવી નામનો કાંટો નીકળી ગયો! પોલીસ જીપ ખાઈમાં પડી અને શ્રીદેવી બચી શકી નહીં! એ સમાચાર જાણી ખૂબ ખુશ થયા! પરંતુ એ લોકોને તરત જ વિચાર આવ્યો કે, એટલી આસાનીથી શ્રીદેવી મરે નહીં. કારણ કે શ્રીદેવીની સામે સુધીર દત્ત ઢાલ બનીને ઊભો છે, એ શ્રીદેવી ને મરવા ન દે એ વાત પાક્કી હતી, એટલે એ લોકો એ એની પર નજર રાખવા માટે સીક્યોરીટી ગાર્ડની પસંદગી કરી. હકીકતમાં સિક્યુરિટી ગાર્ડ સુધીર દત્તનો માણસ હતો, એ સુરેખા અને સિદ્ધાર્થ હજી જાણતા નહોતા! બીજું શ્રીપાલને દુબઈ જે બિઝનેસ ડીલ માટે મોકલવામાં આવ્યો હતો એ બિઝનેસ ડીલ થાય એ પહેલા સુરેખા અને સિદ્ધાર્થ દ્વારા રચવામાં આવેલું ષડયંત્ર કંપનીની પકડમાં આવી ગયું, અને એ લોકોએ શ્રીપાલને દુબઈ પોલીસને હવાલે કરી દીધો. દુબઈ પોલીસે સુરેખા ને તાત્કાલિક દુબઈ આવી પોતાના નિર્દોષ હોવાના પુરાવા આપવા જણાવ્યું. નહીં તો! એ લોકોથી બચવું નામુમકીન છે, એમ પણ જણાવ્યું, અને એ બાબત હવે બંને જણાંની હવા નીકળી ગઈ હતી. હવે શ્રીદેવી પર સુખવંતની નજર પડે છે કે, એ પહેલા જ સુધીર દત્ત એને ત્યાંથી લઈ જાય છે, કે એની ભલી ભોળી પત્ની પાર્વતીને એની માટે કોઈ સંકટમાં મુકાવું પડશે! સાર્થક આવી જેલ જેવી જગ્યાએ રહી શકશે? કે પછી એને કારણે શ્રીદેવી હાઈલાઈટ થઈ જશે! આ ઉપરાંત દુબઈ પોલીસ સુરેખા અને સિદ્ધાર્થને સકંજામાં લઈ લે છે, કે પછી આ બધી જ યુક્તિ પ્રયુક્તિ સુધીરદત્તનાં ડિટેકટીવ માઈન્ડની નીપજ હતી, એ બધું જ જાણવા માટે વાંચો આગળ….

AD…

પાર્વતીનાં ચાલ્યાં ગયાં પછી શ્રીદેવી વિચારતી હતી, કે કેવી અમાનુષી ઘટનાનો એ શિકાર બની! અને ખુદનો પતિ જ આવો હોય ત્યાં કોઈને શું કહેવા જાય, અને હવે તો બોલી પણ શક્તી નથી, એટલે કોણ એની વાત સાચી માને! શ્રીદેવીને થયું કે, શું હું અને પાર્વતી બંને એક જ સમાજમાં જીવીએ છીએ? જ્યાં મને પૂર્ણ પણે સ્વતંત્રતા છે, અને એ પૂર્ણપણે ગુલામ! શહેરના લોકો તો એમ જ સમજે છે કે ભારતે બહુ જ વિકાસ કર્યો છે, અને વિજ્ઞાનની રીતે કદાચ થયો પણ હશે, પણ સામાજિક રીતે તો હજી પણ આપણો સમાજ બહુ પછાત છે! અને એ પણ કોઈ અન્યને કારણે નહીં પોતાનાં જ્યારે દુશ્મન બને ત્યારે બીજું શું થાય! પોતે પણ એવી જ ઘટનાનો શિકાર બની હતી, એટલે કે શ્રીપાલ સાથે સુરેખાનાં લગ્ન કર્યા, ત્યારે એને ક્યાં ખ્યાલ હતો કે એ એક ઝેરીલી નાગણને ઘરમાં લાવે છે. સૌપ્રથમ તો એણે પોતાના પુત્ર ને દત્તક આપી દીધો, અને ત્યારબાદ એની માટે થઈને રૂપિયા માંગ્યા પછી, એનાં પ્યારા પતિનું મર્ડર કર્યું, પોતાના દેર ને રમતનું પ્યાદું બનાવી અને આ ઘરમાં આવી ગઈ, સાથે તેના જેવી જ વિચારધારા વાળા પોતાના ઐયાસ બોયફ્રેન્ડને પણ ઘરમાં લઈ આવી! હવે કોણ જાણે ક્યારે બધું સરખું થશે, એ તો સારું થયું કે મને જ વિચાર આવ્યો કે, સુરેખા એ ક્યાંક શ્રીકાંતનું મર્ડર તો નથી કર્યું ને! અને મેં પોલીસ કમ્પ્લેન નોંધાવી, એમાંથી સુધીર દત્તનો ભેટો થયો, નહીં તો અત્યાર સુધીમાં હું પણ ઉપર પહોંચી ગઈ હોત. જીવવા મરવાનું તો હવે કોઈ ડર કે અફસોસ નથી, પરંતુ આ નાનકડા એવા દીકરાનું શું થાત! આ લોકો તો પોતાનું કામ પૂરું થતાં, એને મારી નાખતા પણ અચકાય એવા નથી! હે ભગવાન બધું સહી સલામત પાર પાડજે આ ઉપરાંત તેને પાર્વતી પ્રત્યે સંવેદના પણ જાગી, અને સાથે સાથે પોતાના ભવિષ્ય વિશે ડર પણ લાગ્યો. એટલે કે સુધીર લઈ જાય એ પહેલા જો આ માનવી મને જોઈ જશે તો તો મારું શું થશે? ક્યાંક એનાં અમાનુષી ત્રાસથી પાર્વતીની જેમ મારી વાચા પણ ચાલી જાય! અથવા ઈજ્જત….પરંતુ આ વિચારની આંધી તબાહી મચાવે એ પહેલાં જ સાર્થક જાગી ગયો, અને મોટી મમ્મી ભૂખ લાગી છે! ક્રીમ વાળું બિસ્કીટ ખાવું છે! ની જીદ લઈને બેઠો! હવે એને કેમ સમજાવું કે ક્રીમ વાળું તો ઠીક અહીં તો સાદું બિસ્કીટ પણ મળે એમ નથી! શ્રીદેવીને પોતાની જાત પર નફરત થઈ ગઈ કે, પોતાનો લાડકો દીકરો કંઈક માગી રહ્યો છે, અને તે અપાવી પણ શક્તી નથી. અહીં આગળ આવતા હતા ત્યારે ગાંડી માંથી અહીંથી સામેની બાજુએ સાંકડી કેડીના ખૂણે એક હાટડી જેવું છે, અને ત્યાં આગળ ગ્લુકોઝના બિસ્કીટનાં નાના નાના પેકેટ એણે લટકતા જોયા હતાં. એટલે કદાચ ક્રીમવાળા પણ એની પાસે હોય ખરાં! એને ખબર હતી કે પાર્વતી રૂમનું બારણું બહારથી લોક કરીને ગઈ છે, પરંતુ તે છતાં તેને થયું કે જો ખુલ્લું હોય તો બપોરના ભાગે બુરખો પહેરીને થોડા બિસ્કીટ લઈ આવીશ, જેથી કરીને સાર્થક ને અહીં આગળ રાખવો સરળ બને! એણે સાર્થક ને સમજાવ્યો કે, અત્યારે તને શરદી છે, એટલે ક્રીમવાળા બિસ્કીટ ખવાય નહીં. પરંતુ આવતીકાલે બપોરે તને ચોક્કસ ક્રીમ વાળા બિસ્કીટ આપીશ બસ! શ્રીદેવીની સમજાવવાની રીત જેટલી સરસ હતી કે સાર્થક માની ગયો, અને એને સવારના નાસ્તામાં આવેલ આલું પરાઠુ વધ્યું હતું એ ખવડાવી દીધું. વળી પાછા બંને જણા કંઈક રમ્યા અને એ રીતે બંને જણાએ રાત પાડી દીધી. શ્રીદેવીએ મનોમન એક યુક્તિ કરી અને વિચાર્યું કે થોડુંક સાહસ કરવું તો પડશે! કારણ કે હું એક મા છું, અને મારા બાળકને જોઈતી વસ્તુ મારે આપવી જ જોઈએ! વળી બીજા દિવસની સવારનો સુરજ ઉગ્યો, અને આજે પાર્વતી ચા નાસ્તા સાથે થોડા રમકડા અને બુક્સ પણ લાવી હતી. શ્રીદેવીને એને જરુરત વિશે કેટલુંય કહેવું હતું, પરંતુ એ તેની લાચારી સમજતી હતી, એટલે ચૂપ રહી. કારણ કે એ પણ જાણતી હતી કે, શ્રીદેવી અને સાર્થક બંને શહેરમાં અદ્યતન બંગલોમાં રહેવાવાળા છે, એટલે એને અહીં કેમ ફાવે! પણ છુટકો નહોતો. વળી બે કલાક થયા એટલે પાર્વતી જમવાનું આપવા ઉપર આવી, અને શ્રીદેવી મનોમન પ્રાર્થના કરતી હતી કે, આજે એકવાર પાર્વતી તાળું મારવાનું ભૂલી જાય તો કેવું સારું, અને ભગવાને તેની પ્રાર્થના સાંભળી હોય તેમ પાર્વતીનાં નામનો એકદમ ગુસ્સામાં નીચે સાદ પડ્યો, અને પાર્વતી ગભરાઈને તાળું દીધા વગર નીચે ચાલી ગઈ! શ્રીદેવીએ મનોમન કહ્યું હાશ ચાલો! એમ કરીને રૂમનું બારણું અંદરથી સરખી રીતે બંધ કરી દીધું. હવે શ્રીદેવીને બપોર પડવાની રાહ હતી, કારણ કે હવેલીમાં તેમજ મહોલ્લામાં બધા જ જ્યારે બપોરની નિંદ્રા માણી રહ્યાં હોય, ત્યારે સામેની એ હાટડીમાં જવું અને સાર્થક માટે ક્રીમ વાળા બિસ્કીટ વગેરે ત્યાં જે મળતું હોય તે ખરીદી લાવવું! એણે વિચાર્યું કે પણ રુપિયા ક્યાંથી કાઢીશ! એને થયું કે સુધીર એ મારા કપડાં અને સાર્થકના કપડાની બેગ જે આપી છે, એમાં નક્કી રૂપિયા પણ રાખ્યા હશે! અને તેણે બેગ ખોલીને જોયું તો સાઈડની ખીસ્સીમાં એક નાનકડું એવું પર્સ રાખ્યું હતું, અને જેમાં નાનાથી શરૂ કરી મોટા સુધીની તમામ નોટો હતી. સુધીર જાણતા હતા કે ગામડામાં 2000ની નોટ નું બહું કામ ન પડે! એટલે 10 ની, 20 ની, 50 ની, અને 100 ની, એવી ઘણી નોટો એમાં રખાઈ હતી, આ ઉપરાંત 500ની અને 2000ની નોટો પણ થોડે ઘણે અંશે ત્યાં આગળ હતી! ફરી એકવાર તેને સુધીર પ્રત્યે ખૂબ જ માન થઈ આવ્યું! અને તેણે તેને મનોમન થેન્ક્યુ પણ કહ્યું. એણે સાર્થક ને ફરીવાર નવડાવીને સુવડાવી દીધો, કારણકે નાહીને સુવે તો સાર્થક ફરી પાછા ચાર કે પાંચ કલાક સુધી ઊઠે નહીં! એને ખાતરી થઈ ગઈ કે હવે સાર્થક બરોબર સૂઈ ગયો છે, એટલે પેલા પાકીટમાંથી થોડા રૂપિયા કાઢ્યા, અને બુરખો પહેરીને ધીરેથી રૂમનું બારણું ખોલી, બહારથી બંધ કરી તાળું મારવાં જતી હતી ત્યાં તેને થયું કે નહીં ને પાર્વતી ને તાળું મારવાનું યાદ આવશે! અને તાળું જોશે તો એ સુધીર દત્ત ને કહી દેશે, એટલે આમ જ પણ ચાવી લઈ ને દબાતા પગે બહાર નીકળી! એકાદ સેકન્ડ માટે પગલા અટકી ગયાં, કારણકે તે જે કાંઈ કરી રહી છે તે બરાબર તો છે ને? નહીં ને કંઈ થશે તો! એટલે કે કોઈ જોઈ જશે, અને સુખવંત ને કહી દેશે તો! આવતી કાલે પોતાની સાથે સાથે એક માસુમ બાળકના જીવને પણ જોખમ ઉઠાવવું પડશે. પરંતુ અંતે મમતા જીતી ગઈ અને એ બુરખો પહેરીને સીડી પરથી નીચે ઉતરી આવી, અને પેલી નાનકડી હાટડી તરફ ચાલવા લાગી….

AD..

એ હાટડી તરફ જતી હતી ત્યાં એણે જોયું કે એની જેમ જ કોઈ સ્ત્રી ત્યાંથી બુરખો પહેરીને બહાર નીકળી! કોણ હશે એ ! અને એ સ્ત્રીની નજર તેની પર ન પડે એટલે એ એક તરફ સંતાઈ ગઈ, થોડીવાર એ સ્ત્રી એ આસપાસ નજર ફેરવીને જોઈ લીધું કે એને કોઈ જોતું નથી ને ! એટલે એ ત્યાંથી નીકળી સરકી ગઈ. એ હાટડી વાળો પુરુષ પણ બહાર આવ્યો, અને એણે તેને પ્રેમથી ફરીવાર આવવાનું આહવાન કરવા હાથ હલાવ્યો! પ્રત્યુતર માં એ સ્ત્રી એ પણ હાથ હલાવ્યો, એટલે શ્રીદેવી સમજી ગઈ કે કોઈ પ્રેમી પંખીડા છે,કેવો એ તેને જતી જોઈ રહ્યો હતો, એની નજરમાં ભારોભાર પ્રેમ હતો! શ્રીદેવી એ બધું જોઈ ને કંઈ વિચારી રહી હતી, ત્યાં એની નજર એ સ્ત્રી પર પડી , અરે આ શું એ સ્ત્રી તો આ તરફ જ આવી રહી છે! શ્રીદેવી એકદમ સતર્ક થઈ ગઈ, એણે પોતાની જાતને એ દિવાલની ઓથે જાણે જડી દીધી હોય એમ ઉભી રહી ગઈ. ધીરેધીરે એ સ્ત્રી અંત્યંત નજીક આવી ગઈ, અને હડબડાટમાં એને ઠેસ વાગી, અને એનાં હાથની કેરી બેગ પડતા પડતા રહી ગઈ. એની આંખમાંથી આંસુ નીકળી આવ્યાં, પણ એણે આવાજ સુધ્ધાં ન કર્યો. એ સ્ત્રી એકદમ નજીકથી પસાર થઈ, આમ તો બુરખો હતો પણ તે છતાં શ્રીદેવી ને થયું કે બહુ જાણીતો અણસારો લાગે છે, કોણ હશે! અને ત્યાં જ એની નજર એ સ્ત્રીનાં હાથ પર પડી, જેની પર એક દાઝ્યાનો ડાઘ હતો, અને એ ઓળખી ગઈ, અને સ્વગત બોલી આ તો પાર્વતી છે! એ શું કામ છુપાઈને અત્યારે બપોરે અહી આવી હશે!

AD…

સુધીર દત્ત પોતાની જીત પર હસી રહ્યા હતાં, તેમણે બીછાવેલી જાળમાં સુરેખાને સિદ્ધાર્થ બરોબરના ફસાઈ ગયા હતાં. એટલે કે જે ફોન આવ્યો હતો તે સિક્યુરિટી ગાર્ડનો ફોન હતો, સુધીર દત્ત ઇચ્છતા જ હતાં કે, સુરેખા અને સિદ્ધાર્થ પોતાની પર શંકા કરે, અને બાતમી મેળવવા કોઈ માણસને તેની પાછળ રોકે! એટલે હવે તો બાતમીને નામે પોતે જે સમાચાર પહોંચાડવા માંગતા હશે, એ જ સમાચાર સુરેખા અને સિદ્ધાર્થને મળશે! એ વિચારીને તે અત્યંત ખુશ થઈ અટહાસ્ય કરે છે. આ ઉપરાંત દુબઈની ચાલમાં પણ તેનો થોડો મહત્વનો રોલ હતો, એટલે કે શ્રીપાલ જે કંપની સાથે ડીલ કરવા ગયો હતો, એ કંપનીને ફ્રોડ હોવાની આશંકાનો હિતેચ્છુ તરીકે નો ફોન સુધીર દત્તે જ કર્યો હતો! અને તેણે સ્પષ્ટ જણાવી દીધું હતું કે શ્રીપાલ એને વિશે કંઈ જ જાણતો નથી, માટે એને ટોર્ચર કરવાથી કંઈ હાથ આવશે નહીં! હા તેને સકંજામાં રાખવો જરૂરી છે, નહીં તો ત્યાં સુધી સુરેખા અને સિદ્ધાર્થ પોતાની બીછાવેલી બાજી રમીને બહુ મોટો હાથ મારી લેશે, અને આંખો ઈલજામ શ્રીપાલ અથવા શ્રીદેવી પર નાખી દેશે! અને શ્રીપાલની અણ આવડતનું પરિણામ છે,એમ કરશે, આમ તો આખો બિઝનેસ વેંચી સાટીને રુપિયા લઈને ફરાર થઈ જવું હતું,પણ સુધીર દત્ત આગળ એલોકોનો પનો ટૂંકો પડ્યો!

AD..

શું શ્રીદેવી સાર્થક માટે બિસ્કીટ લાવી શકશે? તમને શું લાગે છે આમ જુઓ તો આવું જોખમ તેણે લેવું જોઈએ નહીં, અને પાર્વતીની એના પતિએ આવી હાલત કરી છે, એ જાણ્યાં પછી તો હરગીઝ નહીં! પરંતુ ભર બપોરે હાટડી માંથી પાર્વતીને છુપાઈને બહાર નીકળતી જોઈને, શ્રીદેવીના મનમાં કેટલાએ વિચારોનો ઉત્પાત મચ્યો. એને પહેલી વાર શંકા ગઈ કે શું પાર્વતીના આવાં સંબંધને કારણે તો ક્યાંક એના પતિએ એને કોઈ દંડ નહીં આપ્યો હોય એવું પણ બની શકે! અથવા તો એની આવી હાલત થયા પછી પ્રેમ માટે કે લાગણી શોધતી શોધતી અહીં આવી ચડી હોય, એવું પણ બને! સ્ત્રી છે તો શું થયું એને પણ પ્રેમનો અધિકાર છે. પતિ આવી રીતે અમાનુષી વ્યવહાર કરે તો બિચારી શું કરે! હાથ પર પડેલા દાઝ્યાનો ડાઘ જોઈ શ્રીદેવીને યાદ આવ્યું કે એકવાર ડાઘ જોઈ પુછ્યું કે શું થયું? તો પાર્વતીએ તેને લખીને કહ્યું હતું કે, તેનો પતિ સિગારનો અને હુક્કાનો શોખીન છે. જમીનદારોનો આ શોખ છે, એકવાર ચિમનીમાં ગરમ કોલસા નાખવામાં વાર લાગી એટલે જ્યારે નાખવા ગઈ ત્યારે એક ધગધગતો કોલસો હાથ પર મુકી દીધો! પાર્વતીની કમનસીબીએ હતી કે એ ચીસ પણ પાડી શકતી નહોતી. એના ગળામાંથી કોઈપણ પ્રકારનો અવાજ જ નીકળતો ન હતો, એટલી તે ડરી ગઈ હતી. એટલે એની મદદથી પણ કોણ આવે? જો કે હવેલીના નોકર ચાકરો તો ત્યાં જ હતાં, પણ બધા જ સુખવંત થી બીતા હોવાથી, કોઈ આગળ આવ્યું નહીં! અને હા એને ત્યારે લખીને ઉલ્લેખ કર્યો હતો કે, હવેલી માટે કરિયાણું આપવા આવેલ એક યુવાને પછીથી તેને મલમ લગાડી દીધો હતો! તો શું આ હાટડી વાળો પુરુષ એ યુવાન હશે? પાર્વતીએ મને જે વાત કરી તે વાત તેને પોતાના ભાઈ સુધીર દત્તને શું નહીં કરી હોય? સુધીર દત્ત કેમ પોતાની બેન સાથે થયેલા અમાનુષી વ્યવહારનો બદલો નથી લેતો? અને હા દુબઈ પોલીસ ના ચક્રવ્યુ માંથી સુરેખા અને સિદ્ધાર્થ કેમ બચશે! સુધીર દત્તની આ ચાલ કેટલે અંશે કામ કરશે? સુરેખા અને સિદ્ધાર્થ અત્યારે પોતાને બચાવવામાં પડ્યા છે, એટલે શું શ્રીદેવી અને સાર્થક પરથી એનું ધ્યાન હટી જશે? સિક્યુરિટી ગાર્ડ હવે સુધીર પાસેથી લઈને કઈ બાતમી સુરેખા અને સિદ્ધાર્થને આપશે! અને તેની બીજી ચાલ કઈ હશે? તેમજ સુરેખા અને સિદ્ધાર્થ પણ દુબઈ પોલીસથી બચવા હવે કેવો વ્યુહ રચે છે? આ બધાં જ સવાલોના જવાબ જાણવા માટે હજી થોડું થોભો વધુ આવતા અંકે……

લી. ફાલ્ગુની વસાવડા (ભાવનગર)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here