વિધાતાની વિચિત્રતા!!

0
54

ગયા અંકમાં આપણે જોયું કે સુખવંત પોલીસની જીપમાં ગયો એનો લાભ લઈને પાર્વતી શ્રીદેવી તથા સાર્થક ને અખિલેશના હવાલે કરે છે, અને એ દરમિયાન સુધીર દત્તનો ફોન આવતાં અખિલેશ શ્રીદેવીને એક દિવસ સુધી રાખી શકવાની તૈયારી બતાવે છે. પરંતુ કલાક દોઢ કલાક પછી સુખવંત પાછો આવે છે, અને ગામ લોકોને ભેગા કરે છે, અને એમને હવેલી આપવાની લાલચ બતાવે છે. પાર્વતી એને કોઈ લઈ ગયું એવું ઈશારાથી ખોટું બયાન આપે છે, અને અખિલેશ પણ પગે લંગડાતો લંગડાતો આવે છે, અને કહે છે કે મેં એને પકડવાની ઘણી કોશિશ કરી. સુખવંત સમજી જાય છે કે આ બંનેની જ કોઈ ચાલ છે! શ્રીદેવી જુવે છે કે ગામ લોકો જે રીતે એકઠા થયા છે, એ રીતે સુખવંત કોઈને છોડશે નહીં, અને હવે એની સલામતી અહીં નથી, માટે સાર્થક ને કપાળ વાગી ગયું હોવા છતાં એને લઈને ભોંયરા ની આંટીઘૂટી માંથી પસાર થઈ, હાઇવે તરફ નીકળે છે! અખિલેશ ના બતાવ્યા મુજબ હજી તો થોડુંક આગળ ચાલી હશે, ત્યાં કોઈ ગાડી આવી અને એનું મોઢું દાબી એને તથા સાર્થક ને અંદર ખેંચી લે છે, અને એ ગાડી શહેર તરફ ફૂટપાટ ઝડપે દોડવા લાગે છે, જાણે કંઈ જ થયું જ ન હોય એમ! કોણ હશે એ? શું સુખવંતના માણસો હશે? કે પછી કોઈ અન્ય વ્યક્તિ અજાણી અને સુંદર સ્ત્રીને હાઈ વે પરના રસ્તે એકલી ચાલતા જોઈ ઉઠાવી ગયું, તેમજ કહાની નું મુખ્ય વિલનનું પાત્ર એટલે કે સુરેખા નું શું થયું? અને એની ખબર લેવા ગયેલા બહાદુર નંબર ટુ સાથે શું થયું? સિદ્ધાર્થ જેલમાં શું કરે છે? આ બધું જ જાણવા વાંચો આગળ….

શ્રીદેવી ચીસ પાડવા માટે ઝઝુમી રહી હતી, અને એને ખ્યાલ હતો કે હવે બે પાંચ મિનિટનો રસ્તો જ ગામ સુધીનો છે! પછી તો મૂળ હાઇવે પકડાઈ જશે, અને ત્યાં આગળ કોઈ દેખાશે નહીં! એટલે મદદ માગવી હશે, તો આટલામાં જ માંગવી પડશે! અને એથી એ પેલી વ્યક્તિએ‌ મોઢુ દાબેલું હોવા છતાં ચીસ પાડવા કોશિશ કરી રહી હતી, અને છેવટે એણે તેના હાથે બટકું ભરવાની પણ કોશિશ કરી, જેને કારણે એ હાથ છોડી દે, અને પોતે ચીસ પાડી શકે! પરંતુ ગામ પસાર થઈ ગયું, ત્યાં સુધી એવું કંઈ જ થયું નહીં! શ્રીદેવીને આશ્ચર્ય એ વાતનું થતું હતું કે એ વ્યક્તિએ એક હાથે પોતાનું મોઢું દાબ્યું હતું, અને બીજે હાથે આરામથી ડ્રાઇવિંગ કરી રહ્યો હતો. ઉપરાંત સાર્થક ને મોટી કેડબરી આપી એને એમાં વ્યસ્ત કરી દીધો હતો! શું એને પહેલેથી ખબર હશે કે કોઈ બાળક છે! કે પછી આવી તૈયારી રાખતાં જ હશે! શ્રીદેવી ને વધુ ને વધુ આશ્ચર્ય થતું હતું, કારણ કે ગામડાઓ વચ્ચેથી આ હાઇવે પસાર થતો હોવા છતાં એના ડ્રાઇવિંગમાં ક્યાંય રુકાવટ આવી નહીં, અને કોઈ ખાડા ટેકરા માં ગાડી ઉછળી પણ નહીં! સાર્થકની ઉંમર હજી આ બધા ખેલ સમજવા માટે ઘણી નાની હતી! એની માટે તો એની મોટી મમ્મી એની સાથે હતી, અને એ તેના ખોળામાં આરામથી બેઠો બેઠો કેડબરી ખાતો હતો, એટલું જ પર્યાપ્ત હતું. ગામડું હવે ઘણું દૂર રહી ગયું, પછી એ વ્યક્તિએ શ્રીદેવીના મોઢા પરથી હાથ લઈ લીધો, અને પોતાના હાથે જ પોતાની દાઢી પસવારવા લાગ્યો, અને મરક મરક હસતો પણ હતો. શ્રીદેવી એ કહ્યું કે સ્ત્રીની લાચારી ઉપર હસે એ પુરુષ ન કહેવાય! એણે પોતાના હાથે જ પોતાની દાઢી કાઢી નાખી, અને ગોગલ્સ પણ કાઢી નાખ્યાં! શ્રીદેવી તેની સામે જોઈ રહી પરંતુ હજી માથે શીખની પાઘડી હતી. અચાનક તેની કલ્પના શક્તિ એની મદદે આવી અને એને વિચાર્યું કે સુધીર દત્ત પાઘડી પહેરે તો બિલકુલ આની જેવો લાગે! એ ધારી ધારીને જોવા લાગી, અને એને સમજાઈ ગયું કે આ તો સુધીર દત્ત છે. સુધીર દતે કહ્યું ક્યુ આ ગયા ના મજા? શ્રીદેવી એ ગુસ્સો કર્યો! સુધીર આતે કંઈ રીત છે, હું કેટલી ડરી ગઈ હતી, અને એ પણ મારી માટે નહીં સાર્થક માટે થઈને, પણ હવે મારે ચૌકના રહેવું પડે! અને તમે છો તે મને આમ કીડનેપ કરીને રસ્તા પરથી ઉઠાવો છો! સુધીર દત્તે કહ્યું કે તું બિલકુલ નાદાન છે, દિવાલને પણ કાન હોય, એમ એ વિસ્તારમાં કોઈને કોઈ તો સુખવંતનું માણસ હોય જ! અથવા તો લાલચનું બે રૂપિયાનું બિસ્કીટ નાખે એટલે પૂંછડી પટપટાવતા કુતરા પણ ગામમાં હોય જ! અને ઉપરથી બધાનો કામ કરીને પાછા આવવાનો સમય હોવાથી, કોઈ તો એવું નીકળે જ જેને તું સુખવંત ના હાથમાં આવી જાય એ જોવાની મજા આવે! અને એવું કોઈ આ બાજુ હોય તો! ત્યાં જો હું આવાં વેશમાં આવું,તો કોઈ ઓળખી ન શકે! અને કહે તો પણ એટલું કહે કે કોઈ કીડનેપ કરીને લઈ ગયું! અને એટલે તો આ પોલીસ કસ્ટડીમાં આવેલી ચોરેલી ગાડી લઈને તને લેવા આવ્યો છું, એટલે નંબર નોટ કર્યો હોય તો પણ પકડી ન શકે! શ્રીદેવી એ કહ્યું કે પણ સુખવંત એવું કંઈ કરશે નહીં! અને છતાં એ પોતાનું ધાર્યું કામ કરાવી શકે એમ છે. સુખવંત પાર્વતી અને અખિલેશ પર ટોર્ચર કરી અને આપણને એની ચાલ ચાલવા માટે મજબૂર કરશે! એટલે કે ઇન્સ્ટન્ટ આઈડીયલ ટેકનોલોજી દ્વારા એ આપણને એવા મેસેજ મોકલી, અને આપણને બ્લેક મેઇલ કરી શકે ખરો! સુધીર દત્ત એ કહ્યું વેલ ડન માય બ્રેવ એન્ડ બ્યુટીફુલ ગર્લ ફ્રેન્ડ! આઈ લવ યુ ટુ મચ! શ્રીદેવી એ એક મોહક માર્મિક સ્મિત એની તરફ ફેંક્યું, અને કહ્યું હા મારા મજનૂ પણ હવે પાર્વતી અને અખિલેશ વિશે પણ વિચારવું પડશે,કે એમને સુખવંતની કેદ માંથી કેમ છોડાવીશું? ગાડી આગળ જઈ રહી હતી, અને અચાનક ગાડીએ યુ ટન લીધો, અને એક અજાણ્યા રસ્તા તરફ આગળ ચાલવા લાગી. શ્રીદેવીએ પૂછ્યું સુધીર શું થયું? આપણે શહેર નથી જતાં? સુધીર દત્ત એ કહ્યું ના! હજી એક વીક જેટલું તારે ક્યાંક બહાર રહેવું પડશે. આ સુખવંત જોઈ ન ગયો હોત તો તો કોઈ પ્રશ્ન જ નહોતો, અને આમ પણ મને ક્યાં સુખવંતની હેવાનિયત વિશે આટલી બધી ખબર હતી! બિચારી દીદી એ કોઈ દિવસ કંઈ કહ્યું જ નહીં! શ્રીદેવીએ કહ્યું કે એણે ન કહ્યું, પણ ભાઈ તરીકે તને પણ એની વેદના નો અનુભવ થયો નહીં! સુધીર દતે કહ્યું તારી વાત સાચી છે, પણ અમારે એટલું મળવાનું પણ થતું નથી, અને એ બોલી શકતી નથી, એટલે ફોનમાં પણ વાત થઈ શકે નહીં, હા ક્યારેક ક્યારેક મેસેજ કરે! શ્રીદેવી એ કહ્યું કે ભારતીય સમાજની સ્ત્રીઓની આ જ કરુણતા છે,કે એ પતિને પરમેશ્વર માનીને પથરો હોય તો પણ પૂજીને ભવ કાઢી નાખે, પણ એ પથ્થર એને મારવાનું ક્યારેય ચૂકે નહીં!:

10 મિનિટ પછી એક ખુલ્લા મેદાનની વચ્ચોવચ આવેલા ફાર્મ હાઉસ જેવા ઘર પાસે ગાડી ઊભી રહી, જ્યાં આજુબાજુ બધે લીલાછમ ખેતરો લહેરાતા હતાં, અને આ પણ એક નાનકડું એવું ગામ હતું. શ્રીદેવીએ કહ્યું પણ આ ક્યાં આગળ તમે લઈ આવ્યા છો, એ વિશે આ વખતે પૂરેપૂરી વાત કરો, પછી જ ત્યાં જવુ છે, નહીં તો પછી બહુ તકલીફ થાય છે. સુધીર દત્ત એ કહ્યું કે, અહીં તારે સંતાવાની જરૂર નથી. આ ઘરમાં ફક્ત એક વડીલ સ્ત્રી જ રહે છે, અને એ મારા આંટી એટલે કે માસી થાય! પણ એક વાતનું ધ્યાન રાખવાનું છે, કે બહારથી કોઈ આવે ત્યારે એટલું ઝડપથી બહાર નીકળવાનું નથી! કેમકે સુખવંત ના માણસો પણ હોઈ શકે, અને સિદ્ધાર્થને સુરેખાએ મુકેલા માણસો પણ હોઈ શકે! શ્રીદેવી એ કહ્યું પણ સુધીર મારું તો ઠીક છે, આ સાર્થક હવે બંધિયાર જીવનથી અકળાઈ ગયો છે! અને જો ને આ દોડીને ભાગ્યો એમાં કપાળે કેટલું બધું વાગી ગયું. સુધીર દત્ત એ કહ્યું કે હા સાચી વાત છે, પરંતુ હવે ફક્ત એક અઠવાડિયું! પછી તો હું પોતે તને શહેરમાં લઈ જઈશ.

સુધીર દત્ત એ કહ્યું કે તે છતાં હું હજી એકાદ કલાક અહીં છું, મને યોગ્ય લાગશે તો જ અહીં રાખીશ! સુધીર દત્તના આ નિર્ણયથી શ્રીદેવીને થોડો હાશકારો થયો. શ્રીદેવી સાર્થક ને લઈને સુધીર દત્ત એ ફાર્મ હાઉસ જેવા ઘરમાં પ્રવેશે છે, અને એક 65 વર્ષ આસપાસની મહિલા કોઈ આવ્યું છે, એવી ખબર પડતા બહાર આવે છે, અને સુધીર ને જોઈને આનંદની લાગણી અનુભવે છે. સુધીર દત્ત એને કહે છે, કેમ છો વીણા માસી! વીણા માસીએ હસતા હસતા કહ્યું મજામાં છું, પણ તું આજે અહીં ઓચિંતાનો ક્યાંથી? સુધીર દત્તે કહ્યું બસ આજે તમે યાદ આવ્યાં! એણે કહ્યું ખોટું બોલે છે, મને ખબર છે જરૂર કંઈક કામ હશે, કોઈને અહીં રાખવાના હશે! અથવા તો કંઈક છુપાવવાનું હશે! સુધીર દત્ત હસવા લાગ્યો, અને કહ્યું માસી તમે ખરું પરખ્યું! એટલે કે હું આ બંને જણાને એક અઠવાડિયા માટે મૂકવા જ આવ્યો છું. વીણા માસીને ખબર હતી કે સુધીર દત્ત એક જાસુસ છે, અને નક્કી આ લોકો કોઈ ખતરામાં હશે! એટલે શહેરથી દૂર અહીં રાખી જશે. એણે શ્રીદેવી સામે જોઈને કહ્યું તું તારું ઘર સમજી ને જ રહેજે, અને કહ્યું બહુ સુંદર છે! અને આ એનો દીકરો છે? સુધીર દત્તે કહ્યું હા વીણા માસી એમ કહી બહુ ટૂંકમાં પતાવ્યું. તારો આ કોઈ નવો કેસ છે, કે પછી કોઈ જૂની ઓળખાણ? એટલે કે મને એને રાખવાની ખબર પડે! સુધીરે કહ્યું કે માસી બંને રીતે આની હિફાઝત કરજો, એ મારી જાણીતી પણ છે, અને મારી ક્લાઈન્ટ પણ છે! પરંતુ એ પહેલા મને બહુ ભૂખ લાગી છે વીજું ને કહીને આજે રોટલા શાક બનાવડાવો કેટલા દિવસથી બાજરીનો રોટલો જ ખાધો નથી. વીણા માસીએ કહ્યું તું વીજું ને ક્યારથી ઓળખે છે? શું માસી તમે પણ હજી તો હમણાં તો આવ્યો હતો, હાં! હાં! યાદ આવ્યું, હમણાં એટલે એક વર્ષ થયું હો એ વાતને! સુધીર હસવા લાગ્યો, એણે કહ્યું સાચી વાત છે, પણ આ આટલી વ્યસ્ત જીંદગી માંથી સમય જ મળતો નથી આ શ્રીદેવીનો કેસ પૂરો થાય ને પછી એક મહિનો અહીં જ રોકાવું છે! નવું કોઈ કામ હાથ પર લેવું જ નથી! વીણા માસી હસવા લાગ્યાં, અને બોલ્યા જા જા હવે સાવ જૂઠ્ઠાડો! આમ માસી ભાણેજ વચ્ચે એવી મીઠી રમુજ ચાલી, ત્યાં થોડીવારમાં વીજું એક ટ્રે માં ગરમાગરમ ચા ના કપ લઈને આવી અને સુધીર ને જોતા જ બોલી ભૈયા ક્યારે આવ્યાં! સુધીરે કહ્યું બસ જો હમણાં જ, અને આજે તો તારા હાથનું જમીને જ જવાનો છું. વીજુ એ કહ્યું તો એ તો એમ જ હોય ને! હું હમણાં જ તમારું ફેવરીટ શાક અને રોટલા બનાવી કાઢું છું. ચા પી લીધા પછી વિણા માસી સામે ફરીને કહ્યું, માસી હું શ્રીદેવીને આ આસપાસના આપણા ખેતરો દેખાડી આવું!: અને મકાઈ હોય તો થોડી લેતો આવું!: સાર્થક પણ ખુલ્લા મેદાન જોઈને રંગમાં આવી ગયો હતો અને એ પોતાનું દુઃખ ભૂલી અને દોડાદોડી કરતો હતો શ્રીદેવી અને સુધીર દત્ત બંને જણા ખેતરો વચ્ચે ચાલતા હતાં.

અચાનક શ્રીદેવીએ પૂછ્યું પણ સુધીર તમે તો આજે કેસિનો પર રેડ પાડવા જવાના હતાં, એમાંથી ઓચિંતા આ બાજુ કેમ આવ્યા! દિલીપ ચાવડા સાથે મારે વાત થઈ, અને અખિલેશ સાથે પણ વાત થઈ. પછી મને થયું કે સુરેખા હજી એમ દુબઈ થી આવી શકશે નહીં, તેમજ સિદ્ધાર્થ પણ જેલમાંથી છૂટી શકે નહીં, તો પછી કેસિનો મા તો કાલે જઈએ તો પણ ચાલે. પરંતુ જો સુખવંત તને પકડી પાડે, તો એની ચંગૂલમાંથી તને અને સાર્થક ને બહાર લાવવા બહુ મુશ્કેલ થઈ જાય! એટલે મેં વિચાર્યું કે પહેલા આ કેસ જ સોલ્વ કરી નાખું, એમ કરીએ અને હું પોલીસ સ્ટેશન પહોંચ્યો દિલીપ ચાવડાને બધી વાત કરી, અને એક જૂની અને ચોરાઉ કાર ત્યાંથી લઈને તને લેવા નીકળી પડ્યો. રસ્તામાં મેં જોયું કે અખિલેશ ના ચાર પાંચ મેસેજ આવતા હતાં અને પાર્વતી નો પણ એક મેસેજ હતો. અખિલેશ નો મેસેજ હતો, કે સુખવંત ગામમાં આવી ગયો છે, અને હવે ક્યાં સુધી મેડમ સેઇફ રહેશે, એ તો ઈશ્વર જ જાણે! તો પાર્વતીએ પણ લખ્યું હતું કે ભૈયા અબ મેં કુછ ભી નહી કર સકતી, આપ જલ્દી આ જાઓ! છેલ્લા મેસેજમાં અખિલેશે ભોંયરા વિશે પણ લખ્યું હતું, અને એમ પણ લખ્યું હતું કે શ્રીદેવીને એટલે કે મેમસાબ ને મેં આ ભોંયરા વિશે વાત કરી છે, એટલે એ ત્યાંથી જ બહાર નીકળશે! એને એક્ઝેટ ઝાડ નું નિશાન પણ આપ્યું હતું, એટલે હું અડધી કલાકથી એ દિવાલની સામેના ભાગમાં કોઈ જોવે નહીં તેમ મારી ગાડી બંધ પડી ગઈ છે, એમ લાગે એ રીતે ઉભો હતો! જેવા તમે લોકો બહાર નીકળ્યા એટલે મેં ગાડી સ્ટાર્ટ કરી અને તમને બેઈને અંદર ખેંચી લીધાં.

સુધીર દત્ત લગભગ રાતના 8:30 09:00 વાગે વીણા માસી ના ઘરેથી બાજરાના રોટલા અને રીંગણાનું શાક જમીને બહાર નીકળ્યો. વીણા માસીએ કહ્યું કે તું શ્રીદેવી અને સાર્થકની જરાય ચિંતા કરતો નહીં, એવું લાગશે તો હું એને મેડા પર રાખી દઈશ! શ્રીદેવી આશ્ચર્ય થી એની સામે જોઈ રહી, કોકના ઘરમાં ભોંયરું છે! તો કોકના ઘરમાં મેડો! એ ભગવાન હું ક્યાં સુધી આમ ભટકીશ! સુધીર દત્ત એના હાવ ભાવ જોઈ સમજી ગયો, એટલે એણે એનો હાથ દબાવતા કહ્યું please only one week! અને શ્રીદેવીએ ભારે હૈયે સુધીર દત્તને વિદાય આપી.

સુધીર દત્ત શ્રીદેવીને સેફલી રીતે ત્યાંથી લાવી શક્યો એટલે ખુશ થતો થતો અને કોઈ મધુર રોમેન્ટિક ગીત ગણગણતો એ પોતાનું ઘર ખોલી રહ્યો હતો! એણે ફ્લેટના બારણામાં ચાવી ભરાવી અને બારણું ખોલ્યું. રાતના 10:30 થવા આવ્યા હશે, એટલે સ્વાભાવિક રીતે જ અંધારું હોય! એણે લાઈટ કરી તો સામે સોફા પર સિદ્ધાર્થ બેઠો હતો, અને એ મરક મરક હસતો હતો! સુધીર દત્ત સાચે જ એક સેકન્ડ માટે ચક્કર ખાઈ ગયો, કે આ ચક્ર આખરે છે શું?; સિદ્ધાર્થ સુધીર દત્તના મનની વાત પામી ગયો, અને એને કહ્યું આશ્ચર્ય થાય છે ને, કે હું જેલમાંથી બહાર કઈ રીતે! પણ અહીં બધા જ બિકાઉ છે! જેમ તમે મને સરકારી ગવાહ બનવાની ઓફર આપી, એમ મેં પોલીસ ઇન્સ્પેક્ટરને છોડી મુકવા માટે તગડી રકમ ઓફર કરી! અને સાલુ મને પણ આશ્ચર્ય થયું, એ તરત જ માની ગયો. બોલો આમાં વર્ધીની કિંમત શું છે કંઈ! અને હજી એક આશ્ચર્યથી આંખો ફાટી ગઈ. ત્યાં થોડીવારમાં સુધીના જ બેડરૂમમાંથી સુરેખા બહાર આવી, અને બોલી ડાર્લિંગ શું તું પણ! બધું તે જ કહી દીધું, મારી માટે તો કંઈક કહેવાનું રાખવું હતું ને!: સુધીરની બધી જ ખુશી પર પાણી ફરી ગયું! હવે તો એના મોઢામાંથી શબ્દો પણ નીકળતા નહોતાં. કારણ કે બેય જણા જેલમાં હતાં, ત્યાંથી બહાર કઈ રીતે નીકળ્યાં, અને એમાંય એક તો દુબઈ પોલીસના સકંઝામાં હતી, ત્યારે બીજો પણ અહીં નોન કરપ્ટેડ પોલીસ ઇન્સ્પેક્ટર ના ઇન્ચાર્જમાં હતો!; અને ત્રીજો આંચકો લાગ્યો જ્યારે એણે જોયું કે સામે આવનારો
એ માણસ રમેશ સાવંત આવ્યો! સુધીર નું મન અને મગજ બંને એકદમ સ્પીડથી ચાલવા લાગ્યું, એણે વિચાર્યું કે આ બધું કેમ થયું? એ વિચારવાનો અત્યારે સમય નથી. પરંતુ હવે શું બેસ્ટ થઈ શકે! એ વિચારીને મારે આ કેસ હેન્ડલ કરવો પડશે. એણે તાત્કાલિક વોશરૂમ માટે આંગળી દેખાડી ને કહ્યું કે, હું બે કલાકથી બહાર હતો. એટલે મને વોશરૂમ જવું પડશે! સુરેખાએ કહ્યું બે નહીં તમે લગભગ છ કલાકથી બહાર છો! સુધીર દત્ત વોશરૂમ તરફ ઝડપથી ચાલ્યો ગયો, અને અંદર જઈ એણે પોતાનો ફોન ચાલુ કરીને રેકોર્ડેડ પર રાખી દીધો! એણે બહાર આવી, સુરેખા તથા સિદ્ધાર્થ સામે જોઈને કહ્યું! ખરેખર દાદ દેવી પડે, તમે બંને બહુ વિકટ સંજોગોમાં ઘેરાયેલા હતાં છતાં, પણ ત્યાંથી બહાર આવવામાં સફળ થયાં, તમારી આવડત અને કુનેહ માટે મારે તાળી પાડવી જોઈએ! સિદ્ધાર્થ એ કહ્યું હોતા હૈ સાહબ! હોતા હૈ! યહા સબ કુછ હોતા હૈ. જૈસે મેરે કો કીસીને ધોખા દીયા ઔર જેલ હુઈ! વેસે આપકો ભી તો કોઈ ધોખા દે શકતા હૈ! એમ કરીને રમેશ સાવંત સામે‌ જોયું! સુરેખા એ કહ્યું યસ!! બધા જ મક્ખી મચ્છર જેવી ઔકાત પણ નથી અને પાછાં ઇન્સ્પેકટર બની બેઠા છે. અત્યાર સુધી ચૂપ રહેલો રમેશ સાવંત બોલ્યો મેમસાબ આપ તો એસે બોલ રહી હો, જેસે આપકી તો બહોત બડી ઔકાત હૈં! અને એમ હસતો હસતો એ લોકો બેઠાં હતા એની પાછળનાં ભાગે જતો રહ્યો, અને ઓચિંતો નીચે નમી પગનાં મોજાં માં ભરાવેલી રિવોલ્વર કાઢીને સુરેખા ના માથે રાખી દીધી! અને સુધીર દત્ત સામે જોઈ બોલ્યો લો સાબ આપકા કામ હો ગયા! સુધીર દત્ત એ કહ્યું કે, સાહબ આપ કૌન??? …..

શું સુધીર દત્ત સાચે જ આ રમેશ સાવંતને ઓળખતો નહોતો? સુરેખા કઈ રીતે દુબઈથી આવી?; અને સિદ્ધાર્થ જેલમાંથી બહાર કઈ રીતે આવ્યો? શું દુબઈ પોલીસ પાસે સુરેખા પોતે નિર્દોષ સાબિત થઈ શકી? બહાદુર નંબર ટુ ની વિસ્કી માં વાઈન ભેળવીને રમેશ સાવંત આખરે કઈ ચાલ રમવા માંગતો હતો?; અને જો રમેશ સુરેખા ને ઇન્ડિયા લાવવામાં કામયાબ થયો, તો એના બદલામાં સુરેખા પાસેથી એણે શું લીધું? અને વીણા માસી ના ઘરે શ્રીદેવી અને સાર્થક સુખ શાંતિથી રહી શકશે કે સુખવંત ના માણસો ત્યાં આગળ પહોંચી જશે? અને હવે તો સુરેખા અને સિદ્ધાર્થ પણ બિન્દાસ રીતે પાછા આવી ગયાં, તો એ લોકો શું શ્રીદેવીને શોધી લેશે! સુખવંત પાર્વતી અને અખિલેશ પર કઈ પ્રકારનું ટોર્ચર કરશે! અને શું એ લોકો જણાવી દેશે! આ ઉપરાંત શ્રીપાલ સુરેખા સિદ્ધાર્થ અને શ્રીદેવી તેમજ સાર્થક બધા જ બહાર છે, તો એ બંગલામાં કોણ છે, જે રોજ રાત્રે મુજરા નું ગીત વગાડે છે! અને સુધીર દત્ત આ તમામ પ્રશ્નો સોલ્વ કરીને શ્રીદેવીને ઈજ્જત ભરી જિંદગી આપી શકશે કે નહીં એ જાણવા હજી થોડું થોભો વધુ આવતાં અંકે….

લી. ફાલ્ગુની વસાવડા (ભાવનગર)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here