આસ્થા એક બળ છે, ટેકો છે. આસ્થાના આધારે માણસ ટકી રહે છે, લડી શકે છે, લડતો રહે છે

0
155

માણસ માત્ર માન્યતા કે વિશ્વાસ કે શ્રદ્ધા કે આસ્થાને લીધે કોઈ મૂર્તિ કે દેવતા કે વસ્તુમાંથી આભાસી શક્તિ મેળવે છે એવું નથી. આસ્થા એક બળ છે, ટેકો છે. આસ્થાના આધારે માણસ ટકી રહે છે, લડી શકે છે, લડતો રહે છે
લંડનના એક મૉલમાં કામ કરતી ગોવાનીઝ યુવતી રોજ કામ પર ચડે એટલે ચિંતામાં હોય કે આજનો દિવસ કેવો જશે, કેવા ગ્રાહકો સાથે પનારો પડશે, કામમાં કેવી મુશ્કેલી આવશે વગેરે વગેરે. તેની ચિંતા જોઈને સાથી-કર્મચારી મહિલાએ સલાહ આપી કે મને પણ આવું જ થતું. તારી જેમજ ચિંતા લંડનના એક મૉલમાં કામ કરતી ગોવાનીઝ યુવતી રોજ કામ પર ચડે એટલે ચિંતામાં હોય કે આજનો દિવસ કેવો જશે, કેવા ગ્રાહકો સાથે પનારો પડશે, કામમાં કેવી મુશ્કેલી આવશે વગેરે વગેરે. તેની ચિંતા જોઈને સાથી-કર્મચારી મહિલાએ સલાહ આપી કે મને પણ આવું જ થતું. તારી જેમ જ ચિંતા થતી, પણ પછી મેં પ્રભુને સરેન્ડર થઈ જવાનું રાખ્યું. બધું જ પ્રભુ પર છોડી દીધું. પ્રભુને સરેન્ડર થઈ ગઈ ત્યારથી મારો દરેક દિવસ સારો જાય છે. ‘તું પણ એમ કર, તારી ચિંતા દૂર થઈ જશે.’ ખ્રિસ્તી ધર્મમાં સરેન્ડર થવાનો અર્થ થાય છે પોતાની ઇચ્છા, વિચાર, કાર્યો બધું જ ઈશ્વરને સમર્પિત કરી દેવું.
એક સફળ શૅરબ્રોકર રોજ સવારે ઑફિસ જતાં પહેલાં સિદ્ધિવિનાયકનાં દર્શન અચૂક કરે. કોઈ સ્થિતિમાં દર્શન ન થઈ શકે એ દિવસે તે બિઝનેસ કરતાં બહુ ડરે છે, દર્શન થાય તો બિન્દાસ મોટાં-મોટાં જોખમ લઈ છે છે અને કમાય પણ છે. તેની માન્યતા એવી છે કે દર્શન ન થાય એ દિવસ સારો જતો નથી.
એક કૉલેજની છોકરી પોતાના પર્સમાં એક ટચૂકડી ગણપતિની મૂર્તિ રાખે છે. તેને લાગે છે કે આ મૂર્તિ છે ત્યાં સુધી તેનું કશું જ અહિત નહીં થાય. કોઈ જૈન વેપારી સવારે દેરાસર થઈને આવે પછી આખો દિવસ સારો જશે એવા વિશ્વાસથી ભરપૂર થઈને કામે વળગે છે.
ગાંધીજી નાના હતા ત્યારે અંધારામાં તેમને બહુ બીક લાગતી. દાઈ રંભાએ તેમને એક યુક્તિ બતાવી. આમ જોઈએ તો ગુરુમંત્ર જ આપ્યો ઃ ‘બીક લાગે એટલે રામનામ લેવું. રામનું નામ લેવાથી બીક ભાગી જશે.’ બાળક મોહનદાસ માટે આ યુક્તિ કારગત સાબિત થઈ. રામનું નામ લેવાથી બીક તો જતી જ રહી, પછીથી જીવનભર રામનું નામ તેમને માટે સંજીવની જેવું બની રહ્યું.
અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ બરાક ઓબામા પોતાની સાથે હનુમાનની હોય એવી એક વાનર-પ્રતિમા સતત સાથે રાખે છે. મોટા ભાગના માણસના વૉલેટમાં કોઈ ભગવાનનો ફોટો કે કોઈ નાની મૂર્તિ કે કોઈ દ્વારા અપાયેલી વસ્તુ હોય છે, જેમાં તેને અતૂટ શ્રદ્ધા હોય છે.
ઉપર કહેલા તમામ કિસ્સા શું દર્શાવે છે? એક જ શબ્દમાં જો ઉત્તર આપવો હોય તો કહી શકાય કે આસ્થા. જગતની ૮૫ ટકા વસ્તી કોઈ ને કોઈ ભગવાન, ધર્મ, દેવતા કે સંતમાં શ્રદ્ધા ધરાવે છે. શા માટે માણસ કોઈ મૂર્તિ પર, કોઈ દેવતા પર, ઈશ્વર પર કે ધર્મ પર કે સંપ્રદાય પર આસ્થા રાખતો હોય છે? કોઈ મૂર્તિ કે મંત્ર કે વસ્તુ કે દર્શન માણસનો દિવસ પૉઝિટિવ બનાવી શકે ખરાં? ઈશ્વર પર માણસ શા માટે આસ્થા રાખે? માનસશાસ્ત્રીઓ આસ્થાના મનોવિજ્ઞાન વિશ ઊંડું ખણખોદ કરી ચૂક્યા છે. મોટા ભાગના માનસશાસ્ત્રીઓ ઈશ્વર બાબતે સિગ્મન્ડ ફ્રૉઇડના મતને અનુસરે છે એટલે ઈશ્વર પરની આસ્થાને આધ્યાત્મિક નહીં, પણ માનસિક અવસ્થા માને છે. આસ્થા માણસની સ્વાભાવિક વૃત્તિ છે, તેના મનમાંથી જન્મે છે, તે કોઈ અલૌકિક ચીજ નથી એવું તેઓ માને છે; પણ સામાન્ય માણસ એવું ફીલ કરતો નથી. તેને માટે આસ્થા એક બળ છે, ટેકો છે. આસ્થાના આધારે માણસ ટકી રહે છે, લડી શકે છે, લડતો રહે છે. શરૂઆતમાં ખ્રિસ્તી ધર્મની જે સરેન્ડરની વાત કરી એ પણ ઈશ્વર પર આસ્થા રાખીને પોતાની લડાઈ લડતા રહેવાની જ વાત છે.

ડર નથી લાગતો
એકલા માણસને હંમેશાં બીક લાગે છે. કોઈ સાથે હોય તો ડર નથી લાગતો, પછી ભલે સાથેનો માણસ સાવ માઈકાંગલો હોય, ભીરુ હોય. સાવ તરણા જેવો ટેકો પણ માણસને મોટો આધાર આપી દે છે. કોઈ સાથે હોવા માત્રથી તેની બીક ઊડી શા માટે જાય છે? અંધારામાં નીકળતી વખતે માણસ સિસોટી વગાડતો જાય કે ગીત ગાતો જાય એનાથી બીક ઓછી કેમ થઈ જાય છે? હનુમાન ચાલીસા બોલવાથી કેમ ડર ભાગી જાય છે? કોઈ માણસ કે કોઈ શક્તિ સાથે હોવાની અનુભૂતિ માત્ર માણસની અંદર હિંમત ભરી દે છે. તેને લાગે છે કે મદદની જરૂર પડશે તો મદદ મળી રહેશે. મોટા ભાગે મદદની જરૂર પડતી જ નથી એટલે એ વિશ્વાસ દૃઢ થતો જાય છે. મદદની જરૂર પડે એવી સ્થિતિમાં માણસ પોતાની સાથે કોઈ છે એવા વિશ્વાસથી લડી લે છે.
દુનિયામાં માણસના પોતાના હાથમાં ન હોય એવી અસંખ્ય બાબતો હોય, અગણિત જોખમ હોય, અનેક અડચણો હોય, પાર વગરની મુશ્કેલીઓ હોય. માણસ પોતે પહોંચી વળી શકે એમ ન હોય એવી આ બાબતો માટે તેને કોઈ ટેકાની, કોઈ મદદગારની, કોઈ શક્તિશાળીની, કોઈ સર્વશક્તિમાનની જરૂર હોય છે. સવારે કામ પર ચડનાર પેલી ગોવાનીઝ છોકરીને કામની ચિંતા એટલા માટે હોય છે કે પરિસ્થિતિ તેના કાબૂમાં નથી હોતી. તે ઇચ્છે છે કે કોઈ પરમશક્તિ તેને મદદ કરે જેથી પરિસ્થિતિ નિયંત્રણમાં રહે. શૅરબજારના પેલા વેપારીની તાકાત નથી કે બજારને પોતાની ઇચ્છા મુજબ ચલાવી શકે, પણ તેને આસ્થા છે કે સિદ્ધિવિનાયક શૅરબજારને કન્ટ્રોલ કરી શકે. તેને નુકસાન ન થવા દે. દર્શન થઈ જાય પછી તેનો એવો વિશ્વાસ બેસી જાય કે આજે જેકોઈ સોદા કરીશ એ પાર જ પડશે એટલે વેપારી હિંમતથી જોખમ લઈ લે છે. કૉલેજની પેલી છોકરીના ટચૂકડા ગણપતિ તેને એવો સાથ આપે છે કે તે પોતાને ક્યારેય એકલી મહેસૂસ કરતી નથી.

આભાસી શક્તિ
સિગ્મન્ડ ફ્રૉઇડ એવું કહેતા કે માણસને એક ફાધર-ફિગરની જરૂર હોય છે જેની સાથે તે પોતાને જોડી શકે, જે તેને મદદ કરે, જે તેના પર આવનારી મુશ્કેલીઓને ઝીલી લે. ફ્રૉઇડ તો ઈશ્વરને પણ આ ફાધર-ફિગર હોવાની ઇચ્છાનું જ પરિણામ ગણતા, પણ સાવ એવું નથી. માણસ માત્ર માન્યતા કે વિશ્વાસ કે શ્રદ્ધા કે આસ્થાને લીધે કોઈ મૂર્તિ કે દેવતા કે વસ્તુમાંથી આભાસી શક્તિ મેળવે છે એવું નથી. એવું નથી કે આ શક્તિ માણસની આંતરિક માનસિક શક્તિ માત્ર છે. એવું નથી કે માણસની પોતાની જ તાકાત આસ્થારૂપે તેનું રક્ષણ કરે છે. જો એવું જ હોત તો સાયકોલૉજીના બે-ત્રણ સદીના પ્રયાસ પછી ઈશ્વર અને આસ્થાનું મહત્ત્વ ઘટી ગયું હોત. ઈશ્વરનું મહત્ત્વ હજી નથી ઘટ્યું. ઊલટું વધી રહ્યું છે. વિજ્ઞાન ધર્મને ખાઈ જશે એવું કેટલાકને લાગતું હતું, પણ ધર્મ હજી અડીખમ છે. સંપ્રદાયો અડીખમ છે. આસ્થા અડગ છે. આસ્થા માણસને વિશ્વાસ પૂરો પાડે છે જે પછીથી આત્મવિશ્વાસમાં પરિવર્તિત થાય છે. આસ્થાળુ માણસનો આત્મવિશ્વાસ ઓછો હશે, તે અન્ય પર વધુ અવલંબિત હશે એવું માની લેવું ભૂલભર્યું છે. વાસ્તવમાં આસ્થાળુ માનવીનો આત્મવિશ્વાસ વધ્યો હોય છે. પોતાના ઈષ્ટ પરની આસ્થા તેને પોતાના પર શ્રદ્ધા રાખવા પ્રેરે છે, જે બળને તે દૈવી કે અલૌકિક તાકાત માને છે. આ બળ માનવીની અંદર ટમટમતા આસ્થાના દીપકનું બળ છે. તે માણસને વિપરીત સામે પણ ઊભો રહેવાનો ટેકો આપે છે. રામનું નામ મોહનદાસની બીક ઉડાડી શકે. એમાં માત્ર મોહન જ નહીં, રામ અને આસ્થા બન્ને કારણભૂત છે. આસ્થા એવી ચીજ છે જેના માટે કોઈ કરણ કે પુરાવાની જરૂર રહેતી નથી. એટલે જ આસ્થાળુઓ પાસે
ઈશ્વર વિશેના પ્રશ્નોના જવાબ નથી હોતા. કોઈ શ્રદ્ધાળુને પૂછો કે તને આવી શ્રદ્ધા શા માટે છે તો એનો તર્કબદ્ધ ઉત્તર તે નહીં આપી શકે. તે કહેશે કે હું આવું માનું છું. આસ્થા તર્કની મોહતાજ નથી. જગતમાં ઘણું એવું હોય છે જેના જવાબ નથી હોતા.

Ad…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here