જ્યાં સુધી સામ્રાજ્ય વાદ સમાપ્ત નહીં, થાય ત્યાં સુધી સત્તા માટે કોઈ ને કોઈની શહીદી ચડતી રહેશે! : ફાલ્ગુની વસાવડા.

0
35

જ્યાં સુધી સામ્રાજ્ય વાદ સમાપ્ત નહીં, થાય ત્યાં સુધી સત્તા માટે કોઈ ને કોઈની શહીદી ચડતી રહેશે!

માર્ચ મહિનામાં ઘણા બધાં દિવસ આવે છે, એટલે કે ચકલી દિવસ, જળ દિવસ, કવિતા દિવસ, અને શહીદ દિવસ.

જેમાં દરેકનું પ્રકૃતિમાં કોઈને કોઈ મહત્વ છે.પણ 23 માર્ચ શહીદ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, અને ખાસ કરીને એ આપણા દેશને તેમજ દેશવાસીઓને લાગુ પડતું હોવાથી, એની પ્રત્યે આપણને સહજ વધું ભાવ હોય. જોકે ભારતમાં મહાત્મા ગાંધીનાં બલિદાન દિવસને એટલે કે 30 જાન્યુઆરીને પણ શહિદ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. એમણે અહિંસાની લડતથી ભારતમાં આઝાદી આવે એવા પ્રયત્નો કર્યા હતાં, અને એવી ચળવળની આગેવાની સ્વીકારી હતી. જ્યારે ભારતના જ અમુક યુવાનોએ ક્રાંતિકારી રીત અપનાવી હતી, અને ખાસકરીને લાલા લજપતરાયનાં મૃત્યુ તેમજ જલિયાંવાલા બાગમાં થયેલ હત્યાકાંડને કારણે તેવો એ અંગ્રેજોને જડબાતોડ જવાબ આપવા માટે નુકસાન કરવાનો‌ માર્ગ અપનાવ્યો હતો. એમણે એટલી હદે અંગ્રેજોના નાકે દમ લાવી દીધો, કે અંતે લાહોરમાં કૃષ્ણલાલ વર્માની કોર્ટમાં એમની પર કેસ દાખલ થયો, એમાં 16 ક્રાંતિકારીની ધરપકડ થઈ, અને એમને ત્રણ ફાંસીની સજા થઈ હતી! આજે પણ જ્યારે એ દિવસો યાદ કરીએ કે અંગ્રેજોની ગુલામીમાં આપણો ભારત દેશ જકડાયેલો હતો, અને ગુલામીની આ જંજીર તોડવા માટે દરેક ભારતવાસીઓએ કમર કસી હતી. દરેકે પોતપોતાની રીતે કોઈને કોઈ યોગદાન દીધું હશે, એટલે એ સૌને વંદન, પણ ભગતસિંહ સુખદેવ અને રાજગુરુને 24 માર્ચે ફાંસીની સજા એનાયત કરવામાં આવી હતી. પરંતુ લોક જુવાળ એટલો બધો હતો કે અંગ્રેજો ડરી ગયા, અને તેને 23ના રાત્રે જ ફાંસી આપી દીધી હતી, અને સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ મેં હૈ! એમ કરી 1931 ની સાલમાં માત્ર 23 વર્ષની ઉંમરે ભગતસિંહ સુખદેવ અને રાજગુરુ એ હસતાં હસતાં ફાંસીની સજા સ્વીકારી હતી, અને લગભગ દરેકના મનમાં પોતાની ફાંસી માટે કોઈ રંજ નહોતો!

પણ 22 તારીખથી ચેન્નાઈ ખાતે આઈપીએલની ધમાકેદાર શરૂઆત થઈ, અને આપણે સૌ જાણીએ છીએ કે આજકાલની યુવાનીને ક્રિકેટ કેટલી પ્રિય છે. ખેલાડીઓ અને અભિનેતાઓને યુવાનો રોલ મોડેલ માનવાં લાગ્યા છે! કોઈ પણ વ્યવસાયમાં સચ્ચાઈ અને નિષ્ઠા હોય તો યુવાનો એને આદર્શ માને તો એ કંઈ ખોટું નથી! પણ વારંવાર મેચ ફિક્સિંગ અને એનાં પુરાવાઓ મળે છે, અને એમાં પણ આઈપીએલમાં તો રુપિયા માટે રમવાનું હોય સૌ મોં માંગ્યા દામ પણ માંગે છે. બહુ વિચારવા જેવી વાત છે કે, જેની માટે રુપિયાથી ઉપર કંઈ જ ન્હોય એને આદર્શ કંઈ રીતે માની શકાય! છતાં પણ એને આદર્શ માની આજકાલની યુવાની ભૂલ કરી રહી છે. સ્ટેડિયમમાં જોઈએ તો પોતે કંઈ ટીમને સપોર્ટ કરે છે, એ માટે એના ધ્વજ, એનાં ટીશર્ટ અને બીજુય કેટલું.. અધધધધ રુપિયા વાપરે છે! રુપિયા એનાં પોતાના હોય, જ્યાં વાપરવા હોય ત્યાં વાપરે, આપણે કંઈ જ ન કહી શકીએ! મારી પોતાની દીકરી પણ ગઈ હતી! પણ આ બધું દેશભક્તિ ને નામે તો ન જ થવું જોઈએ! કારણકે, જ્યાં દેશ સૌથી ઉપર નથી એ હકીકત આજના યુવાનો એ સમજવાની જરૂર છે. આદર્શ તો એવો હોવો જોઈએ કે, જેનું સ્મરણ થતાં એમનાં બલિદાન આગળ વગર કહે આપણું મસ્તક નમે! અને એવાં હતાં એ ક્રાંતિકારી જવાનો! કે જેણે અંગ્રેજો ને પણ ડરાવી દીધાં હતાં! અને એમનાં વિશે આજનાં યુવાનો એ જાણવું જરૂરી છે.

સેન્ટ્રલ એસેમ્બલીમાં બોમ્બ ફેંક્યા બાદ,
દેશની આઝાદી માટે બહાદુર પુત્રો ભગતસિંહ, શિવરામ રાજગુરુ, સુખદેવે બલિદાન આપ્યા હતા. બ્રિટિશ શાસન સામે અવાજ ઉઠાવતા, તેમણે જાહેર સુરક્ષા અને વેપાર વિતરણ બિલના વિરોધમાં સેન્ટ્રલ એસેમ્બલીમાં બોમ્બ ફેંક્યા. જે બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી અને તેને ફાંસીની સજા આપવામાં આવી હતી. 23 માર્ચ એ જ દિવસ છે જ્યારે બ્રિટિશ સરકારે દેશના ત્રણ બહાદુર સપૂતોને ફાંસી આપી હતી, જેને વિષે જરાક જોઈએ.

ભગત સિંહ*” માતૃભૂમિ માટે પોતાના જીવનનું બલિદાન આપનાર ભગત સિંહનો જન્મ 28 સપ્ટેમ્બર 1907ના રોજ પંજાબના લાલપુરમાં થયો હતો. ચંદ્રશેખર આઝાદ અને અન્ય પક્ષના સભ્યો સાથે મળીને, ભગતસિંહે ભારતની આઝાદી માટે અભૂતપૂર્વ હિંમત સાથે શક્તિશાળી બ્રિટિશ સરકાર સામે હિંમતભેર લડત આપી હતી. તેઓ માર્ક્સના વિચારોથી ખૂબ પ્રભાવિત હતા. ભગત સિંહનું સૂત્ર ‘ઇન્કલાબ ઝિંદાબાદ’ ખૂબ પ્રખ્યાત છે. આ સૂત્રએ દેશવાસીઓને ઉત્સાહથી ભરી દેવાનું કામ કર્યું. 1928માં સાયમન કમિશનના વિરોધમાં લાઠીચાર્જને કારણે લાલા લજપત રાયનું મૃત્યુ થયું. લાલાજીના મૃત્યુએ ભગતસિંહને ભારે ક્રોધ અને દુ:ખથી ભરી નાખ્યા. તેમણે લાલાજીના મૃત્યુ માટે જવાબદાર પોલીસ અધિક્ષક સ્કોટની હત્યા કરવાની યોજના બનાવી અને લાહોરમાં રાજગુરુ અને ચંદ્રશેખર આઝાદ સાથે મળીને એસપી સાન્ડર્સની ગોળી મારીને હત્યા કરીને સનસનાટી મચાવી. તે જેલમાં 63 દિવસ અનસન પર રહ્યા હતા અને જેલમાં કરેલા ઉપવાસ ખરાબ ભોજન સુધારણા માટે હતાં.

શહીદ સુખદેવ*” સુખદેવનો જન્મ 15 મે, 1907ના રોજ પંજાબના લાલપુરમાં થયો હતો. ભગતસિંહ અને સુખદેવના પરિવારો લાલપુરમાં એકબીજાની નજીક રહેતા હતાં અને બંને વીરો વચ્ચે ગાઢ મિત્રતા હતી. એટલું જ નહીં બંને લાહોર નેશનલ કોલેજના સ્ટુડન્ટ પણ હતા. સુખદેવે સોન્ડર્સ મર્ડર કેસમાં ભગતસિંહ અને રાજગુરુનું સમર્થન કર્યું હતું.

શહીદ રાજગુરુ*” શહીદ રાજગુરુનો જન્મ 24 ઓગસ્ટ, 1908ના રોજ પુણે જિલ્લાના ખેડા ખાતે થયો હતો. રાજગુરુ શિવાજીની ગેરિલા શૈલીના પ્રશંસક હોવા ઉપરાંત, લોકમાન્ય બાળ ગંગાધર તિલકના વિચારોથી પણ પ્રભાવિત હતા.

શહીદોના સન્માનમાં ભારતમાં દર વર્ષે કુલ સાત શહીદ દિવસ મનાવવામાં આવે છે. તેઓ જુદી જુદી તારીખો અને મહિનાઓ પર પડે છે. આ સાત દિવસ છે 30 જાન્યુઆરી, 23 માર્ચ, 19 મે, 21 ઓક્ટોબર, 17 નવેમ્બર, 19 નવેમ્બર અને 24 નવેમ્બર. જો આપણે 30 જાન્યુઆરી અને 23 માર્ચે મનાવવામાં આવતા શહીદ દિવસની વાત કરીએ, તો આ બંને વચ્ચે તફાવત છે. હા, 30 જાન્યુઆરી, 1948 ના રોજ, ભારતને આઝાદી મળ્યાના માત્ર પાંચ મહિના પછી, નથ્થુરામ ગોડસેએ નવી દિલ્હીના બિરલા હાઉસ સંકુલમાં મહાત્મા ગાંધીની છાતી અને પેટમાં ત્રણ ગોળીઓ મારી હતી. બીજી તરફ, શહીદ ભગત સિંહ, સુખદેવ અને રાજગુરુના બલિદાનને 23 માર્ચ 1931ના રોજ યાદ કરવામાં આવે છે, જ્યારે અંગ્રેજોએ તેમને ફાંસી આપી હતી.

ક્રાંતિકારીના જીવનનો એક માત્ર ઉદ્દેશ્ય ભારતને ગુલામીની બેડીમાંથી મુક્ત કરવાનો હતો. તેમણે અંગ્રેજોના અમાનુષી અત્યાચારો સહન કર્યા, અને અસંખ્ય યાતનાઓ સહન કરી હતી, પણ ક્યારેય રુપિયાને કે પરિવાર પ્રેમને દેશથી વધુ મહત્વ આપ્યું નહોતું.

જેલમાં એ લોકોએ ઉચ્ચ અભ્યાસ કર્યો, આ ઉપરાંત બે ક્રાંતિકારી સામાયિક શરૂ કર્યા, અને દેશના યુવાનોને આઝાદીની ચળવળમાં જોડાવા માટે આહવાન કર્યું.વિશ્વના મોટા ભાગ પર જેમનું નિયંત્રણ હતું, એક એવું સામ્રાજ્ય જેના વિશે એવું કહેવામાં આવે છે કે તેમના શાસન હેઠળ ક્યારેય સૂર્ય આથમતો નથી, આટલું શક્તિશાળી શાસન માત્ર 23 આસપાસની યુવાનોથી ડરી ગયું. આજના આધુનિક યુવાનો જે નાની નાની સમસ્યાઓમાં પણ હતાશ થઈ જાય છે, માનસિક વિકૃતિઓથી ઘેરાઈ જાય છે, જેઓ સહેજ સંઘર્ષને કારણે ડિપ્રેશનમાં આવવા લાગે છે, તેવાં યુવાનોએ આ શહીદોના જીવનમાંથી પ્રેરણા લેવી જોઈએ.

એમણે કહ્યું કે ક્રાંતિનો અર્થ આખરે એવી સામાજિક વ્યવસ્થાની સ્થાપના છે, જેમાં માત્ર વિદ્રોહ ન્હોય પણ શ્રમજીવીની સર્વોપરિતાને સાર્વત્રિક રીતે સ્વીકારવામાં આવે. જ્યાં સુધી માણસ દ્વારા માણસનું શોષણ થાય છે, અને એક રાષ્ટ્ર દ્વારા બીજા રાષ્ટ્રનું શોષણ, જેને સામ્રાજ્યવાદ કહે છે, તે સમાપ્ત નહીં થાય ત્યાં સુધી માનવતા શરમજનક સ્થિતમાં જ રહેશે. તેઓ કહેતા હતા, “ક્રાંતિનો અમારો અર્થ અન્યાય પર આધારિત વર્તમાન સામાજિક વ્યવસ્થામાં આમૂલ પરિવર્તન છે.

તો આપણાં યુવાનો ને આવાં રોલ મોડેલ તરીકે રાખવા જોઈએ જેનાથી તે પણ પોતાનું નામ આ રીતે ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાવી શકે, અથવા તો જેનું લખાયું છે એના સમર્થક રહ્યાનો સંતોષ થાય.જય હિન્દ.

લી. ફાલ્ગુની વસાવડા (ભાવનગર)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here