ધોરણ 12ની પરીક્ષાઓ રદ, કોરોનાકાળમાં રૂપાણી સરકારે વિદ્યાર્થીઓના હિતમાં લીધો મોટો નિર્ણય

0
595

ગુજરાત બોર્ડની પણ ધોરણ 12ની પરીક્ષા રદ્દ કરવા અંગે આજે નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. સીબીએસઇની ધોરણ બારની પરીક્ષા રદ્દ થયા બાદ સરકારે પણ તાત્કાલિક બેઠક બોલાવીને આ બાબતે શું કરવું તે અંગે વિચારણા કરી હતી. આ વિચારણાના અંતે રાજ્ય સરકારે આજે મળેલી કેબિનેટની બેઠકમાં સત્તાવાર નિર્ણય જાહેર કર્યો. ગુજરાત સરકારે કોરોના મહામારીને ધ્યાનમાં લેતા ધોરણ 12ની પરીક્ષાઓ રદ્દ કરવાનો નિર્ણય લીધો છે.

6 લાખ 92 હજાર વિદ્યાર્થીઓ આપવાના હતાં પરીક્ષા

જણાવી દઇએ કે કેન્દ્રની મોદી સરકારે જે રીતે પરીક્ષા રદ્દ કરી છે તે જોતા ગુજરાતમાં પણ ધો.12 સાયન્સ તેમજ સામાન્ય પ્રવાહના 6 લાખ 92 હજાર વિદ્યાર્થીની પરીક્ષા રદ્દ થઇ છે. ધો.12 સાયન્સના 1 લાખ 40 હજાર અને સામાન્ય પ્રવાહના 5 લાખ 52 હજાર મળીને 6 લાખ 92 હજાર વિદ્યાર્થી ગુજરાત માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની શાળાઓમાં અભ્યાસ કરે છે. અગાઉ આ વિદ્યાર્થીઓની તા.1 જુનથી પરીક્ષા લેવાનો નિર્ણય કરી પરીક્ષા કાર્યક્રમ પણ મંગળવારે જાહેર કર્યો હતો. રાજ્યના દરેક જિલ્લામાં અને પરીક્ષા કેન્દ્રો છે તેવી સ્કૂલોમાં પરીક્ષાની તૈયારી હાથ ધરાઇ હતી, પરીક્ષા કેન્દ્રો પણ નક્કી કરવાનું ચાલુ કરાયું હતું. આવા સંજોગોમાં જ કેન્દ્ર સરકારે CBSEના ધો.12ની પરીક્ષા નહીં લેવાનો નિર્ણય કર્યો છે.


ગઈકાલે ટાઈમટેબલ જાહેર કરાયું

તાજેતરમાં શિક્ષણ બોર્ડે ધો. 12 સાયન્સના 1.40 લાખ અને 5.43 લાખ સામાન્ય પ્રવાહના મળીને કુલ 6.83 લાખ વિદ્યાર્થીની લેખિત પરીક્ષા આગામી તા.1 જુલાઇથી કોરોનાની ગાઇડ લાઇનના પાલન સાથે લેવાનો નિર્ણય લીધો છે. ગઈકાલે પરીક્ષાનું ટાઈમ ટેબલ પણ જાહેર કરવામાં આવ્યું હતું. તમામ પરીક્ષા બે ભાગમાં લેવામાં આવનાર હતી. ગુજરાતના વાલી મંડળે CBSE બોર્ડ ધોરણ 12ની પરીક્ષા રદ્દ કરવાનો નિર્ણય આવકાર્યો છે. સાથે જ ગુજરાત સરકાર ધોરણ 12 ની પરીક્ષા રદ કરે તેવી માંગણી કરી હતી.


પરીક્ષા રદ કરવા વાલી મંડળની માંગ

ઓલ ગુજરાત વાલી મંડળના પ્રમુખ નરેશ શાહે સીએમની અધ્યક્ષતામાં બેઠક બોલાવી રાજ્ય સરકાર તાત્કાલિક ધોરણ 12 ગુજરાત બોર્ડની પરીક્ષા લેવા અંગે વિચાર વિમર્શ કરી નિર્ણય લે તેવી માંગ કરી હતી. CBSE બોર્ડ ધોરણ 12ની પરીક્ષા રદ્દ કરવાના નિર્ણયને ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડલના પ્રમુખ ભાસ્કર પટેલે આવકાર્યો હતો. ગુજરાત બોર્ડ દ્વારા પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરાયો ત્યારે બીજી તરફ પીએમની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં CBSE બોર્ડ ધોરણ 12ની પરીક્ષા રદ્દ કરવાનો નિર્ણય લેવાયો હતો. એવામાં રાજ્ય સરકાર પણ મહામંડળ દ્વારા અગાઉ આપેલા વિકલ્પ પર વિચારે એવી વિનંતી કરી હતી. વાલીઓ ચિંતિત બન્યા હતાં અને કોરોનાની ત્રીજી લહેરની આશંકા વચ્ચે રાજ્ય સરકાર યોગ્ય નિર્ણય લે તેવી આશા વ્યક્ત કરી હતી.

સરકારે વિદ્યાર્થીઓને વેક્સિન આપવા અંગે પણ કરી હતી વિચારણા

ગુજરાત સરકાર, ધોરણ-12ના બોર્ડની પરીક્ષા આપનાર 18 વર્ષથી વધુ વયના તમામ વિદ્યાર્થીઓને વેક્સીન આપવા અંગે વિચારણા કરી રહી હતી અને આ હેતુસર વેક્સીનેશન ઝૂંબેશ હાથ ધરવામાં આવશે તેવી માહિતી પણ સામે આવી હતી. વેક્સીનેશન ઝૂંબેશ હેઠળ ધોરણ-12 અને ધોરણ-10ની પરીક્ષામાં રીપીટ થનાર 10 લાખ વિદ્યાર્થીઓ પૈકી 6 લાખ વિદ્યાર્થીઓને આવરી લેવામાં આવશે તેવી વાત હતી.

શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ અંગે જણાવ્યું હતું કે, રાજ્યમાં 18 વર્ષથી વધુ વય જુથના તમામ વિદ્યાર્થીઓનો જિલ્લાવાર ડેટાનું એનાલિસીસ કર્યું છે. વેક્સીનના ઉપલબ્ધ જથ્થાને આધારે આ વિદ્યાર્થીઓને રસી અપાશે. રાજ્ય સરકારે, આ વેક્સીનેશન ઝૂંબેશ હાથ ધરવા માટે સહાય કરવા- સમર્થન આપવા કેન્દ્ર સરકારને વિનંતી કરશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here