વાપીમાં ચલા પોલીસ ચોકી ખાતે ફરજ બજાવતા PSI પી.એલ. દાફડા 1 લાખની લાંચ લેતા વલસાડ ACBના હાથે ઝડપાઇ જતા પોલીસબેડામાં ચકચાર મચી છે. લાંચ પ્રકરણમાં ઝડપાયેલા PSIએ પહેલાં 4 લાખ રોકડા લીધા બાદ 86,700નું ઘરનું ફર્નિચર પણ લાંચમાં ખરીદાવ્યું હોવાની વિગતો ACBને મળી હતી. વલસાડ જિલ્લા ACBની ટીમે વાપીમાં સફળ ટ્રેપ કરી વાપી ટાઉન હસ્તકના ચલા પોલીસ ચોકીમાં ફરજ બજાવતા PSI પી.એલ. દાફડાને ફરિયાદી પાસે 1 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા હતા. PSI કક્ષાના અધિકારી લાંચ પ્રકરણમાં ભેરવાતા પોલીસબેડામાં ચકચાર મચી છે. વલસાડ એન્ટી કરપ્શન બ્યૂરોના પોલીસ ઇન્સ્પેકટર કે.આર.સક્સેનાએ આ ટ્રેપ ગોઠવી હતી. જિલ્લા એન્ટી કરપ્શન બ્યૂરો (ACB)માં વાપીના એક જાગૃત નાગરિકે ફરિયાદ નોંધાવી હતી કે, તે મેડિકલ એજન્સીમાં અગાઉ નોકરી કરી ગયેલા કર્મચારીના મિત્ર સાથે ભાગીદારીમાં મેડિકલ દવાનો હોલસેલ ધંધો શરૂ કરવાના હતા અને કર્મચારીના મિત્ર રાજસ્થાન ગયા બાદ રાજસ્થાનના પોલીસ સ્ટેશનમાં કોઇ ગુનામાં સંડોવાય જતાં તેમણે ફરિયાદીને વોટ્સએપ કોલ કરી ફરિયાદી પાસે રૂપિયા 10 લાખની માંગણી કરતા ફરિયાદીએ આપવાનીના પાડી હતી. જેથી કર્મચારીના મિત્રએ ફરિયાદીની મેડિકલ એજન્સીના નામે ખોટાં લેટર પેડ બનાવી ખોટી સહિઓ કરી રૂપિયા 20 લાખની માંગણી કરી હતી અને રૂપિયા ન આપે તો ફરિયાદીને ખોટાં કેસમાં ફસાવી દેવાની તેમજ તેમના પરિવારને જાનથી મારી નાંખવાની ધમકી આપતાં ફરિયાદીએ આ અંગે કર્મચારીના મિત્ર વિરુદ્ધમાં વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં 14 એપ્રિલે લેખિત અરજી આપી હતી. જે અરજીની તપાસ કરી રહેલા વાપી ટાઉન પોલીસ સ્ટેશન હસ્તકના ચલા પોલીસ ચોકીના વર્ગ-3ના પોલીસ સબ ઇન્સ્પેકટર પી.એલ.દાફડાએ FIR દાખલ કરવાના અવેજ પેટે 5,00,000 રૂપિયાની લાંચની માંગણી કરી હતી. જેમાંથી PSI દાફડાએ ફરિયાદી પાસેથી ટુકડે-ટુકડે 4 લાખ અગાઉ લઈ લીધા હતા અને FIR દાખલ કરી હતી. જે બાદ પોતાના ઘરના જરૂરી ફર્નિચર જેમાં 1 AC, 1 ફ્રીઝ, 2 સેટી, 2 ગાદી, 1 કબાટ, 1 ગીઝર મળી કુલ 86,700 રૂપિયાની ચીજ-વસ્તુઓ ખરીદાવી હતી. બાકીના 1 લાખ રૂપિયા લાંચની રકમ પેટે લેવાના બાકી હોવાથી PSI દાફડાએ માંગણી કરી હતી. જે લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોવોથી ફરિયાદીએ 22 મેના રોજ પોલીસ ઇન્સ્પેક્ટર, વલસાડ અને ડાંગ ACB પોલીસ સ્ટેશન વલસાડનો સંપર્ક કરી ફરીયાદ આપી હતી. જે ફરિયાદના આધારે લાંચના છટકાનું આયોજન કરી PSI દાફડાને ફરિયાદીના ઘરે બોલાવ્યા હતા. જ્યાં PSI પી.એલ.દાફડા 1 લાખની રકમ સ્વિકારતા ACBના હાથે ઝડપાઇ ગયા હતા. આ સમગ્ર ટ્રેપ મદદનીશ નિયામક અને સુરત ACB એકમના સુપર વિઝન અધિકારી એન.પી.ગોહિલના માર્ગદર્શન હેઠળ વલસાડ અને ડાંગ ACB પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર કે.આર.સક્સેના અને તેમના સ્ટાફ દ્વારા ગોઠવવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, PSI પી.એલ.દાફડા વાપી પહેલા અમરેલીમાં ફરજ બજાવતા હતા અને 6 મહિના પહેલા તેનું ટ્રાન્સફર વાપી ટાઉન પોલીસ ચોકીમાં કરવામાં આવ્યું હતું. વાપીમાં નવું ઘર ભાડે લઈ પરિવારે સાથે વસવાટ કરવાના ઇરાદે તેમણે ઘરનું જરૂરી ફર્નિચર ફરિયાદી પાસે ખરીદાવ્યું હતું. PSI દાફડાએ એ મુજબ કુલ 5,86,700ની લાંચ લીધી છે. જે અંગે ACBએ વધુ તપાસ હાથ ધરી છે.