તાઉ-તે વાવાઝોડાએ ગુજરાતને ધમરોળ્યું છે. ત્યારે ભારે ખાના ખરાબી સર્વત્ર સર્જાઈ છે. દક્ષિણ ગુજરાતના ખેડૂત સમાજના પ્રમુખ અને ખેડૂતોએ પોતાની વ્યથા વર્ણવી જગતના તાતને કરોડો રૂપિયાનું આર્થિક નુકસાન થયું હોવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે. સાથે જ ખેડૂતોને થયેલા નુકસાનને લઈને વળતર આપવાની માગ પણ કરવામાં આવી છે.
ખેડૂતો ચિંતામાં મુકાયા
તાઉ-તે વાવાઝોડાથી વાતાવરણમાં એકાએક મોટો ફેરફાર આવ્યો છે. મે મહિનામાં વરસાદી વાતાવરણથી ખેડૂતોને ભારે નુકસાન થયું છે. કમોસમી વરસાદને કારણે લાખો હેકટરમાં વાવેલા ડાંગર સહિતના પાકોને પુષ્કળ પ્રમાણમાં નુકસાન સહન થવાનો વારો આવ્યો છે. બાગાયતી પાકોને પણ નુકસાન છતાં જગતનો તાત ચિંતામાં મુકાયા છે.
અસર લંબાશે તો નુકસાન વધશે
દક્ષિણ ગુજરાતમાં ડાંગરનો પાક અંદાજે 1લાખ 40 હજાર એકરમાં વાવણી કરવામાં આવી હતી. વાવાઝોડાના કારણે કમોસમી વરસાદ ખાબકયો છે. જેની સીધી અસર દક્ષિણ ગુજરાતના સૌથી મહત્વના પાક એવા ડાંગર પર થઈ છે.ડાંગરના પાકને અત્યાર સુધીમાં 25થી 30 ટકા જેટલું નુકસાન થયું છે. પરંતુ હજુ વાવાઝોડાની અસર ચારથી પાંચ દિવસ સુધી લંબાઈ જાય તો ડાંગરના પાકને વધુ નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ડાંગરના પાકની લણણી માટે રાજસ્થાનથી મોટી સંખ્યામાં મજૂરો દક્ષિણ ગુજરાત આવે છે.પરંતુ કોરોના સંક્રમણને કારણે મજૂરો દક્ષિણ ગુજરાતમાં ન આવી શકવાને કારણે ઉભા પાકને નુકસાન થશે.
સહાયની માગ
ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ જયેશ પટેલે જણાવ્યું કે, કમોસમી વરસાદે દક્ષિણ ગુજરાતના ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકસાન કર્યું છે.ડાંગરના પાકને તેમજ બાગાયતી પાકોને પપૈયા ,કેરી ચીકુ, કેળા જેવા પાકોને સૌથી વધુ નુકસાન થયું છે. રાજ્યસરકારે તાત્કાલિક દક્ષિણ ગુજરાતમાં સર્વેની ટીમ બનાવી ખેડૂતોને થયેલા નુકસાનનો તાગ મેળવવો જોઈએ. તેમજ સત્વરે આર્થિક સહાય રૂપે ખેડૂતોને એકરદીઠ રૂપિયા દસ 10,000 ચૂકવવા જોઈએ.