– લુણાવાડાના શ્રીરામ બિલ્ડર્સે બે કિ.મી. રોડનું 3 વર્ષથી કામ ન કરતા લોકો હાલાકી ભોગવવા મજબૂર
કઠલાલના પીઠાઈથી સરાલી જતા બે કિલોમીટરના રસ્તાને 2021માં મુખ્યમંત્રી સડક યોજનામાં સમાવેશ કરાયો હતો. કન્સ્ટ્રકટીંગ પીઠાઈ એપ્રોચ રોડના કામના નામથી નોન પ્લાન વર્ષ 2019-20માં ટેન્ડર રકમ 1.12 કરોડના ખર્ચે તા. 31 માર્ચ 2021થી તા. 31 ડિસેમ્બર 2021 દરમિયાન શ્રીરામ બિર્લ્ડ્સ, લુણાવાડાને કામ પુરૂ કરવા વર્ક ઓર્ડર અપાયો હતો. જે અંગેનું પીઠાઈથી સરાલી રોડ ઉપર બોર્ડ પણ લગાવવામાં આવ્યું હતું. જે બે કિલોમીટર રસ્તાનું આજદિન સુધી નવીનીકરણ થયું જ નથી.
પીઠાઈ ટોલટેક્ષ બચાવવા ચોવીસ કલાક નાના- મોટા વાહનો જીવના જોખમે આ બિસ્માર રસ્તા પરથી પસાર થાય છે. ટોલટેક્ષ ઉપર સર્વીસ રોડ હોય તો નાના વાહનો પીઠાઈ ગામમાં પ્રવેશતાં બંધ થઈ જાય. પીઠાઈ ગામના સરપંચ સતીષભાઈ પટેલે જણાવ્યું છે કે, પીઠાઈથી સરાલીના રસ્તાના નવીનીકરણ અંગે અનેક રજૂઆતો બાદ અધિકારીઓએ સ્થળ તપાસ કરી એક તરફનો રસ્તો બનાવી આપવા આશ્વાસન આપ્યું હતું. ત્યારે રસ્તો તો ઠીક ખાડા પણ પૂરવાની તસ્દી લેવાઈ નથી. આ રસ્તા ઉપર વિદ્યાર્થીઓ સહિત બંને ગામના ગ્રામજનો હાલ હાલાકી ભોગવી રહ્યા છે.
અહીં ઉડતી ધૂળના લીધે આસપાસના ખેતરોમાં નુકસાન પણ થઈ રહ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું છે કે, ત્રણ લેટરપેડ ઉપર માર્ગ અને મકાન કપડવંજ ખાતે જાણ કરતાં કપડવંજ અને નડિયાદથી અધિકારીઓ સ્થળ નિરિક્ષણ કરી ગામની માંગણી સાચી હોવાનું જણાવી મહિના પહેલાં બે ડમ્પર મેટલ નાખ્યા હતા. પરતું વરસાદમાં કારણે ઠેરઠેર ઊંડા ખાડાઓમાં પાણી ભરાઈ ગયા છે. વધુ વાહનોની અવર જવરને લીધે ખૂબ કાદવ- કિચડ સાથે મચ્છરોનો ઉપદ્ધવ વધી ગયો છે. રસ્તો બનાવવો તો ઠીક અહીં દવાનો છંટકાવ પણ કરાતો નથી. હવે આ બે કિ.મી.રસ્તાનું નવીનીકરણ ક્યારે થશે તેની અમે રાહ જોઈ રહ્યા છીએ.
Ad..