તૌકતે વાવાઝોડું જેમ જેમ ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે તેમ તેમ રાજ્યના વાતાવરણમાં પલટો આવી રહ્યો છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો સહિત અમદાવાદ, વડોદરા જેવા શહેરોના વાતાવરણમાં પણ સતત પલટો જોવા મળી રહ્યો છે. તેવામાં અમરેલીના રાજુલા અને જાફરાબાદ પંથકમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે.
અમરેલી-દરિયાકિનારે વાવાજોડાની દહેશત જોવા મળી રહી છે. રાજુલા અને જાફરાબાદમાં તંત્ર દ્વારા 144 કલમ લગાવી દેનામાં આવી છે. રાજુલા અને જાફરાબાદ શહેર સ્વયંભૂ સજ્જડ બંધ રાખવામાં આવ્યા છે. જેને કારણે રાજુલા અને જાફરાબાદ શહેરો ભેંકાર ભાસી રહ્યા છે. લોકો સ્વયંભૂ પોતાના ધંધા રોજગાર બંધ કરી પોતાના ઘરે સુરક્ષિત થયા હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. તો રાજુલા અને જાફરાબાદ વિસ્તારમાં પવન સાથે સતત ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે.
વડોદરાના વાઘોડિયામાં તાલુકામાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. અને પવન સાથે સતત વરસાદ વરસી રહ્યો છે. આ ઉપરાંત વલસાડના દરિયામાં તાઉ તે વાવાઝોડાની અસર જોવા મળી છે. તીથલ દરિયા કિનારે તંબુ હવામાં ફંગોળાયા હતા. 16 બોટ દરિયામાંથી પરત ફરી હતી જ્યારે એક બોટની શોધખોળ શરૂ કરવામાં આવી છે. દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે અને ઊંચા મોજા ઉછળી રહ્યા છે.
ભરૂચના દહેજ બંદરે 9 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. પોર્ટ ઓફિસના કહેવા મુજબ બંદરની જમણી તરફથી વાવાઝોડું અતિ વેગે પસાર થશે. ભરૂચ જિલ્લામાં ચક્રવાતનો મોટો ખતરો ટોળાઈ રહ્યો છે. કરછના માંડવીમાં તાઉ તે વાવાઝોડાને પગલે NDRFની એક ટીમ પહોંચી છે. 25 જવાનોની ટીમ દરિયાઈ વિસ્તારના ગામડાઓનું નિરીક્ષણ કરશે.
તાઉ તે વાવાઝોડાની દાહોદમાં અસર જોવા મળી રહી છે. દાહોદના વાતાવરણમાં પલટો આવ્યો છે. દાહોદ શહેર,ઝાલોદ, લીમડી ,મીરાખેડી, કતવારા,લીમખેડામાં પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો.
છોટાઉદેપુરના સંખેડામાં તોક તે વાવાઝોડાની અસરના કારણે કમોસમી વરસાદ પડ્યો હતો. કમોસમી વરસાદના કારણે મગ અને તલ જેવા ખેતીના પાકોને નુકશાન થવાની શક્યતા છે. કમોસમી વરસાદ પડતાં જ લાઈટો ડુલ થઈ ગઈ હતી.