સંતાનોને ઘરમાં એકલાં છોડો ત્યારે વિવિધ પ્રકારની સાવચેતીઓ રાખવી અનિવાર્ય છે

0
23

વિવિધ આધુનિક ટેકનોલોજીનો યોગ્ય ઉપયોગ કરી ઘરમાં એકલાં બાળકો પર નજર રાખી શકાય

દુનિયાભરમાં ટેકનોલોજીની આગેકૂચ સાથે અનેક પ્રકારની સામાજિક અને પારિવારિક સમસ્યાઓ પણ સર્જાઇ છે. મોટાં મહાનગરોમાં વસતાં પરિવારોને જ્યારે અચાનક બહાર જવાનું આવે ત્યારે નાના બાળકોને ઘણીવાર ઘરમાં એકલાં છોડવાનો પણ વારો આવે છે. આવા સંજોગોમાં કિશોરોને ઘરના વિવિધ જોખમોથી વાકેફકરી તેમને સુરક્ષિત કેવી રીતે રહેવું જોઇએ તે બાબત સમજાવવી જોઇએ.

મોટાભાગે બને છે એવું કે નાના બાળકો માટે તેમનું ઘર એક પ્રયોગશાળા સમાન હોય છે. તેમાં પણ જ્યારે કોઇ મોટું માણસ ઘરમાં ન હોય ત્યારે તેમને જાત જાતના પ્રયોગો કરવાનું સૂઝે છે. જે ઘણીવાર આફતરૂપ બની શકે છે. આજકાલ જમાનો એવો છે કે નાના બાળકોને કોઇના ભરોસે છોડી જવાનું સલામત રહ્યું નથી. આવા સંજોગોમાં બાળકોને ઘરમાં કેવી રીતે શાંતિથી રહેવું જોઇએ તેના પાઠ ભણાવવા જોઇએ.

સામાન્ય રીતે બાળકો ઘરમાં માતા પિતાને કામ કરતાં જોઇ ઘણું બધું શીખતા હોય છે. ઘરમાં બાળકો વિવિધ કામો કરી માતાપિતાને સહાય પણ કરતાં હોય છે. ખાસ કરીને કિચન અને બાથરૂમ આ બે જગ્યાઓ એવી છે જ્યાં કિશોરો જાતજાતના જોખમી પ્રયોગો કરી આફત નોતરી શકે છે. સામાન્ય રીતે બાળકો ઘરમાં માતાપિતાને કામ કરતાં જોઇ તેમનું અનુસરણ કરતાં હોય છે. માતા પિતાઓ આ જોઇ ખુશ થતાં હોય છે પણ જ્યારે માતાપિતા ઘરમાં મોજૂદ ન હોય ત્યારે પણ સંતાનો તેમની ગેરહાજરીમાં તેમના માતાપિતાની જેમ વર્તન કરવાનો પ્રયાસ કરે છે. જ ે ઘણીવાર જોખમી નીવડી શક ે છે. આધુનિક મહાનગરોમાં બાથરૂમમાં ગીઝર અને ઠંડા તથા ગરમ પાણીના ફૂવારાની સુવિધા હોય છે તેમજ ઘણીવાર બાથરૂમમાં જ કપડાં ધોવાનું વોશિંગ મશીન પણ પડયુ રહેતું હોય છે. જ્યારે માતા પિતા ઘરમાં ન હોય અને ઉનાળાનો સમય હોય ત્યારે કિશોરો બાથરૂમમાં ધિંગામસ્તી કરવા જાય ત ે સ્વાભાવિક છે. પણ તેઓ તેમના પ્રયોગો જો વોશિંગ મશીનમાં કરવા માંડે તો મોટું જોખમ સર્જાઇ શકે છે. આમ, ઉનાળામાં જો તમે સંતાનોને ઘરમાં એકલાં છોડવાના હો તો વોશિંગ મશીનને બંધકરી તેના પ્લગ કાઢી બાળકો તેના પર તેમના અખતરાં ન કરી શકે તેવી જગ્યાએ મુકીને જવું હિતાવહ છે. આવી જ રીતે કિચનમાં પણ છોકરીઓ રસોઇના પ્રયોગો કરી શકે છે. નાના બાળકોને ગેસના ચૂલાનો નોબ ફેરવવાનું અને તેમાંથી પ્રગટતી બ્લુ રંગની ફલેમ જોઇને અચરજ થતું હોય છે. તેમના માટે આ એક તિલસ્મિ દુનિયા હોય છે. તેની પાછળ રહેલાં જોખમોથી તેઓ સાવ અજાણ હોય છે. ઘરમાં પાઇપ ગેસ પુરવઠો આવતો હોય તો જોખમ પ્રમાણમાં ઓછું રહે છે પણ ઘરમાં જો ગેસનો સિલિન્ડર વાપરવામાં આવતો હોય તો બાળકોની સહેજ પણ ગફલત મોટી આફત બનીને ત્રાટકી શકે છે. આવા સંજોગોમાં બાળકોને જ્યારે ઘરમાં એકલાં મુકો ત્યારે તેમને કિચનમાં ધરાર ન જવાની સૂચના આપો. ગેસના ચૂલા સળગાવવાની કડક મનાઇ કરો. ઘણીવાર બાળકો ફ્રિજમાં રાખેલી ચીજો ખાવા માટે લલચાઇ જાય છે. ફ્રિજનો યોગ્ય વપરાશ કરવામાં આવે તે માટે જરૂરી પગલાં લો. તેમાં ઢળી જાય તેવા ચીકણાં પ્રવાહીઓ ન રાખો.ડીપ ફ્રિઝરમાં બાળકોની વસ્તુઓ મુકવાનું ટાળી તેનો વપરાશ અટકાવી શકાય. ફ્રિજ વાપરવાની આજના જમાનામાં ના પાડવી શક્ય નથી. પરંતુ તેના વપરાશમાં જો બેદરકારી થાય તો તેના કારણે ફ્રિજ બગડવાથી માંડી તેમાં ખાદ્ય પદાર્થોનો કચરો જમા થવા સુધીના જોખમો રહે છે તે બરાબર બાળકોને સમજાવી બને ત્યાં સુધી ફ્રિજનો ઉપયોગ ઓછો કરવો પડે તેવી વ્યવસ્થા ગોઠવો. બાથરૂમ અને કિચનમાં ગેસ અને વિજળીના જોડાણો હોય તો તેને સુરક્ષિત કરો. બાળકો આ પ્રકારના જોડાણો સાથે પ્રયોગો ન કરે તેની સાવચેતી રાખો.

આ તો ઘરમાં વપરાતી ચીજોના ઉપયોગની વાત થઇ પણ અજાણ્યા લોકો સામે કેવી રીતે સાવચેત રહેવું તે બાળકોને સમજાવવું પણ એટલું જ મહત્વનું છે. અજાણ્યા લોકોને ક્યારેય ઘરમાં પ્રવેશ ન આપવો જોઇએ અને તેને કારણે તેઓ કેવી મુસીબતમાં મુકાઇ શક ે તેનો તેમને સ્પષ્ટ ખ્યાલ આપવો જોઇએ. ઘરમાં કોઇ બળજબરી ઘૂસી જાય તો તેની સામે બચાવ માટે શું કરી શકાય તે બાળકોને સમજાવવું જોઇએ.

આદર્શ સ્થિતિ એ છે કે નાના બાળકોને ઘરમાં એકલાં ન છોડવા. પણ ઘણીવાર અનિવાર્ય સંજોગોમાં બાળકોને ઘરમાં એકલાં મુકવાની નોબત આવે તો ઘરમાં બાળકોએ શું શુંં કરવું અને શું શું ન જ કરવું તેની યાદી બનાવી લેવી જોઇએ. બાળકોએ કિચનમાં જઇ ચૂલા સાથે કોઇપણ પ્રકારની છેડછાડ ન કરવી, બાલ્કની હમેંશા બંધ જ રાખવી, ઘરનો દરવાજો જરૂર વિના ન જ ખોલવો તથા વિવિધ ઉપકરણો સાથે કોઇપણ પ્રકારના ચેડાં ન કરવા જેવી સુરક્ષાની નજરે અત્યંત મહત્વની યાદી બનાવી બાળકોને તેનાથી વાકેફ કરવા જોઇએ. અન્ય એક મહત્વની બાબત પ્રથમોપચારનો ઉપયોગ કરવાની છે. ઘરમાં ફર્સ્ટ એઇડનું બોક્સ રાખી તેનો ઉપયોગ કેવી રીતે કયા સંજોગોમાં કરવો જોઇએ તેની જાણકારી કિશોરોને આપવી જોઇએ. પ્રથમોપચારની કિટમાં રહેલી ચીજો કેવી રીતે વાપરવી તે બાળકોને સમજાવવું જોઇએ. કોઇને ઇજા થાય ત્યારે શું પગલાં ભરવા તેની સમજ બાળકોને આપવી જરૂરી છે.

તમે તમામ પ્રકારની સાવચેતી રાખો તો પણ ઘરમાં એકલાં પડેલાં બાળકો પર અમુક સમયના અંતરે તેમની પર નજર રાખવી જરૂરી છે. ઘરમાં સીસીટીવીની સુવિધા હોય અને તેને મોબાઇલ ફોન સાથે જોડવાની સુવિધા હોય તો કલાકે કલાકે ઘરની સ્થિતિ પર વરચ્યુઅલી નજર રાખી સલામતિ જાળવી શકાય છે. પણ જો ઘરમાં આધુનિક સીસીટીવીની સુવિધા ન હોય તો પણ આ પ્રકારની સુવિધા મોબાઇલ ફોન દ્વારા મેળવી શકાય છે. પણ તેમા બાળકોને મોબાઇલ આપવાનું જોખમ લેવું પડે છે. મોબાઇલ ફોન આપી તેના પર વિડિયો કોલ કરી બાળકોની પ્રવૃત્તિ પર નજર રાખી શકાય છે. પણ આમાં બંને પક્ષે વિડિયો કોલ કરવાની આવડત હોવી જરૂરી છે. આમ, વેકેશનમાં બાળકોને ઘરમાં એકલાં મોજ કરવાની છૂટ આપી તમે ઘરની બહાર રહીને પણ તેમની સુરક્ષા જાળવી શકો છો.

-વિનોદ પટેલ

AD..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here