ટ્રેકરોએ ડ્રોન ઉડાવતાં મધમાખીઓ ભડકી
મધમાખીઓએ સતત 5થી 10 મિનિટ સુધી હુમલો કર્યોઃ મુંબઈ ઉપરાંત ગુજરાતના ટ્રેકર્સ પણ ઘાયલ
મુંબઇ : નાસિક જિલ્લાના પ્રખ્યાત ધાર્મિક યાત્રાધામ ત્ર્યંબકેશ્વર નજીક આવેલા શિતકડા ધોધ પાસે રવિવારે મધમાખીના ઝુંડે અહીં ટ્રેકિંગ માટે આવેલા ટ્રેકરો પર હુમલો કરી દીધો હતો. આ ઘટનામાં ઘણા ટ્રેકરોને મધમાખીઓએ ડંખ દેતા ૨૫ થી ૩૦ ટ્રેકરો ઇજા પામ્યા હતા. જોકે તેમના અનુભવી ગાઇડે તેમને સમયસર જરૃરી સૂચના આપતા કોઇ જાનહાનિ થઇ નહોતી. મધમાખીઓએ મોટા ઝુંડમાં સતત પાંચથી દસ મિનિટ સુધી સતત હુમલો ચાલું રાખ્યો હતો. એવું કહેવાય છે કે ટ્રેકરોએ ડ્રોન ઉડાડયું હતું જેનો અવાજ થતા મધમાખીઓ ભડકી હતી અને ટ્રેકરો પર હુમલો કરી દીધો હતો.
આ સંદર્ભે પ્રાપ્ત વધુ વિગતાનુસાર ત્ર્યંબકેશ્વરના હરિહર ગઢ અને ભાસ્કર ગઢ ડુંગરોની હારમાળામાં શિતકડા ધોધ દુર્ગમ જંગલ વિસ્તારમાં ૩૫૦ ફૂટ ઉંચે આવેલો છે. અહીં ટ્રેકરો ‘વોટર ફોલ રેપલિંગ’નો આનંદ ઉઠાવવા મોટી સંખ્યામાં આવે છે. રવિવારે સાઉથના રાજ્યો, ગુજરાત અને મુંબઇના કલ્યાણથી ૫૦ જેટલા સાહસિક ટ્રેકરો સવારે ૧૦ વાગ્યે હરિહર ગઢના પગથિયા પાસે આવેલા નિરગુડપાડા વિસ્તારમાં પહોંચી ગયા હતા. ગોઢ બે કલાક ડુંગરો પર ટ્રેકિંગ કરી આ લોકો શિતકડા ધોધ પર પહોંચી ગયા હતા. ટ્રેકરોના ગાઇડે રેપલિંગ માટેની તૈયારી બાદ નિરીક્ષણ માટે એક ડ્રોન હવામાં ઉડાડયું હતું. આ ડ્રોન અહીં આવેલ એક મસમોટા મધમાખીના પુડાની એકદમ પાસે પહોંચી જતા મધમાખીઓ છંછેડાઇ હતી અને મોટી સંખ્યામાં એખ સાથે ટ્રેકરો પર હુમલો કરી દીધો હતો.
મધમાખીઓએ અચાનક હુમલો કરી દેતા ટ્રેકરોમાં નાસભાગ મચી ગઇ હતી. જોકે ટ્રેકરોના અનુભવી ગાઇડે તમામને તરત જ મહત્વની સૂચના આપી હતી અને જમીન પર સૂઇ જઇ કાન ઢાકી બને તેટલું શરીર કમડાથી ઢાંકી દેવાની સૂચના આપી હતી.
Ad.