UK Will Deported illegal Immigrants: યુકે જવાની યોજના બનાવી રહેલાં ભારતીયોને આગામી સમયમાં શરતી વિઝા મળે તેવો કાયદો ઘડાઈ શકે છે. યુકેની ગવર્નમેન્ટ સમક્ષ વિદેશોમાંથી આવતા લોકોને પાછા જવાની શરતે જ વિઝા આપવાનો પ્રસ્તાવ રજૂ કરવાનું વચન આપી રહ્યા છે. તેમજ યુકેમાં ગેરકાયદે રહેતાં લોકોને દેશમાંથી હાંકી કાઢવા કવાયત હાથ ધરવા અપીલ કરવામાં આવી છે.
બ્રિટનમાં કન્ઝર્વેટિવ પાર્ટી (વિપક્ષ)ના નેતા માટે ઉમેદવાર રોબર્ટ જેનરિકે ભારત સહિત અન્ય વિદેશો માટે વિઝા પ્રતિબંધો કડક બનાવતો પ્રસ્તાવ રજૂ કરવાનું નિવેદન આપતાં ચર્ચામાં આવ્યા છે. તેમણે યુકેમાં ગેરકાયદે રહેતાં લોકોને હાંકી કાઢવા અને નવા પ્રવેશતાં લોકોને પાછાં જવાની શરતે જ વિઝા આપવાનો પ્રસ્તાવ મૂક્યો છે. વિપક્ષના નેતા બનાવવા માટે ઋષિ સુનકના સ્થાને ઉભા રાખવામાં આવેલા ચાર ઉમેદવારો પૈકી એક રોબર્ટ જેનરિક છે. જેમણે અગાઉ 2023 સુધી રાજ્યના ઈમિગ્રેશન મંત્રી તરીકે કારભાર સંભાળ્યો હતો.
યુકેમાં ગેરકાયદે ઈમિગ્રેશન વધ્યું
યુકેમાં ગેરકાયદે રહેતાં લોકોની સંખ્યા સતત વધી રહી હોવાનો રિપોર્ટ મળ્યા બાદ રોબર્ટે આ નિવેદન આપ્યું હતું. ખાસ કરીને ભારત અને વિયેતનામમાંથી આવતા લોકો પાછા ન જતાં હોવાની સમસ્યા દૂર કરવા વિઝા પ્રક્રિયાને કડક બનાવવા માગ કરી છે. તેમણે દાવો કર્યો છે કે, યુકેમાં 1 લાખથી વધુ ભારતીયો ગેરકાયદે રહી રહ્યા છે. 2023માં વર્ક, વિઝિટ અને સ્ટડી માટે 2.50 લાખ ભારતીયોના વિઝા મંજૂર થયા હતા.
દેશનિકાલ કરવાની યોજના
જેનરિકનો ઉદ્દેશ યુકેમાં ગેરકાયદે રહેતા લોકોના દેશનિકાલની કાર્યવાહીને વેગવાન બનાવવાનો છે. તેમના મતે, દરવર્ષે યુકેમાંથી 1 લાખ લોકોનો દેશ નિકાલ થવો જોઈએ. જેનાથી સ્થાનિક સ્તરે સમસ્યાઓ ઉકેલાશે. યુકે અને ભારતે 2021માં ગેરકાયદે રહેતા ભારતીયોને પાછા લાવવાની સુવિધા માટે એમઓયુ કર્યા હતા.
દેશનિકાલમાં 15 ટકા ભારતીયો
ડેટા અનુસાર, યુકેમાંથી 2023માં ગેરકાયદે રહેતાં 22807 લોકોનો દેશનિકાલ કરવામાં આવ્યો હતો. જેમાં 3439 (15 ટકા) ભારતીયો સામેલ હતા. જ્યારે હજી પણ યુકેમાં 1 લાખથી વધુ ભારતીયો ગેરકાયદે રહી રહ્યા છે. જેથી વિદેશમાંથી જે હેતુ માટે યુકે આવતાં લોકોનો હેતુ પૂર્ણ થાય ત્યારબાદ તુરંત પાછા પોતાના વતન જવાની શરતે વિઝા આપવાની માગ થઈ રહી છે.
Ad..