BJP Gujarat: પ્રદેશ ભાજપના સંગઠનમાં કોઈપણ હોદ્દેદારને રાતોરાત છૂટા કરી દેવા ખૂબ સામાન્ય બની ગયું છે. રાજકોટમાં ફરી ભાજપનો આવો જ મિજાજ જોવા મળ્યો છે. છેલ્લાં 30 વર્ષથી અલગ-અલગ સંગઠનમાં હોદ્દો ધરાવતા હરેશ જોષીને શહેર ભાજપ કાર્યાલય મંત્રીના પદ પરથી હટાવી દેવાયા છે. 7 ઓક્ટોબરે નિયત સમય પ્રમાણે હરેશ જોષી પોતાનું કામ પૂર્ણ કરતાની સાથે જ શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી અને ત્રણેય મહામંત્રી દ્વારા છૂટા કરવાનો આદેશ કરી દેવાયો છે. આ સાથે જ નવા કાર્યાલય મંત્રી તરીકે હિતેશ ઢોલરિયાની નિમણૂક પણ કરી દેવાઈ છે.
હરેશ જોષી પર લાગ્યા હતાં ગંભીર આરોપ
નોંધનીય છે કે, છેલ્લી બે ટર્મથી હરેશ જોષી કાર્યાલય મંત્રી તરીકે જોડાયેલા છે. કાર્યાલયમાં થતી દરેક કામગીરીની તેઓને ખબર હોય છે. પરંતુ સવાલ એ થઈ રહ્યો છે કે, એવું તો શું થયું કે રાતોરાત હરેશ જોષીને છૂટા કરી દેવાયા? ભૂતકાળમાં હરેશ જોષી પર આરોપ લાગ્યા હતાં કે, તેઓ સંગઠનની વાતોને બહાર મોકલે છે. જોકે, આ કારણોસર તેમને છૂટા કરાયા કે કારણ કંઈક બીજું જ છે તેની કોઈ નક્કર માહિતી સામે આવી નથી.
રાતોરાત બદલવાનું કારણ શું?
હરેશ જોષીને દૂર કરતાં સમયે ભાજપ પ્રમુખ મુકેશ દોશીએ જણાવ્યું હતું કે, કાર્યાલય મંત્રી બદલવાનો નિર્ણય વ્યવસ્થાનો એક ભાગ છે. અમારા વચ્ચે કોઈ વિવાદ નથી. વ્યવસ્થાના ભાગ રૂપે હોદ્દો બદલાતો રહે છે. થોડા સમય પહેલાં પ્રદેશના કાર્યાલય મંત્રી પણ બદલાયા હતાં, તેવી જ રીતે રાજકોટના કાર્યાલય મંત્રી પણ બદલાયા છે.
છેલ્લા 30 વર્ષથી ભાજપમાં સક્રિય રીતે જોડાયેલા હરિશ જોષી પહેલાં ભાજપની મીડિયા ટીમ સાથે હતાં. બાદમાં હિસાબનીશ તરીકે અને પછી મહાનગર પાલિકાના કાર્યાલય મંત્રી તરીકે ફરજ નિરભાવતા હતાં. છેલ્લી બે ટર્મથી તેઓ ભાજપ કાર્યાલયના મંત્રી તરીકે કામ કરતાં હતાં.