ગારિયાધારમાં સ્નેહમુદ્રા સોસાયટીમાં રહેતા લેઉવા પટેલ સમાજના ૬૭ વર્ષના કનુભાઈ પટેલ બ્રેઇન ડેડ થયા હતા. તેમના પરિવારે હિંમત દાખવતાં તેમની કિડની, લિવર, આંખો અને બન્ને હાથનું દાન કરીને પાંચ વ્યક્તિને નવજીવન આપ્યું છે. આમ મુંબઈમાં સુરતથી બીજી વખત હાથ ટ્રાન્સપ્લાન્ટ થવા આવ્યા હતા. સુરત શહેર પોલીસના સહકારથી હાથ મુંબઈ પહોંચાડવા માટે ગ્રીન કૉરિડોર બનાવવામાં આવ્યો હતો. આમ સુરતની કિરણ હૉસ્પિટલથી મુંબઈનું ૨૯૨ કિલોમીટરનું અંતર હવાઈમાર્ગે ૭૫ મિનિટની અંદર કાપીને બન્ને હાથનું ટ્રાન્સપ્લાન્ટ મહારાષ્ટ્રમાં આવેલા બુલઢાણાની મહિલામાં મુંબઈની ગ્લોબલ હૉસ્પિટલમાં કરવામાં આવ્યું હતું.
કનુભાઈ પટેલને ૧૮ જાન્યુઆરીની સાંજે લકવાનો અટૅક આવતાં તેમને સુરતની કિરણ હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા. હૉસ્પિટલમાં સીટી સ્કૅન કરાવતાં બ્રેઇન-હૅમરેજને કારણે મગજમાં લોહીનો ગઠ્ઠો જામી ગયો હોવાનું જાણવા મળ્યું હતું. જોકે સર્જરી બાદ મગજમાં જામેલો લોહીનો ગઠ્ઠો દૂર કરાયો હતો, પરંતુ ૨૦ જાન્યુઆરીએ તેમને બ્રેઇન ડેડ જાહેર કરાતાં પરિવારજનોએ અંગદાનની ઇચ્છા વ્યક્ત કરતાં ડોનેટ લાઇફનો સંપર્ક કરવામાં આવ્યો હતો. ડોનેટ લાઇફના પ્રમુખ નીલેશ માંડલેવાલાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કનુભાઈના દીકરાઓએ કિડની અને લિવરનું દાન કરવાની ઇચ્છા વ્યક્ત કરી, પરંતુ આપણા દેશમાં કેટલીયે વ્યક્તિઓના હાથ અકસ્માતમાં કપાઈ ગયા હોય છે અને તે વ્યક્તિઓ તેમનું સામાન્ય જીવન જીવી શકતી નથી. એથી તેમની કિડની અને લિવરના દાનની સાથે હાથનું દાન કરવાની સંમતિ અપાય તો અકસ્માતમાં હાથ કપાઈ ગયેલી વ્યક્તિઓને નવું જીવન મળી રહે. કનુભાઈના પરિવારમાં તેમનાં પત્ની શારદાબહેન, એક દીકરી અને ત્રણ દીકરાઓ છે. તેમણે હા પાડી હતી. એથી સ્ટેટ ઑર્ગન ઍન્ડ ટિશ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઑર્ગેનાઇઝેશન દ્વારા બન્ને કિડની અમદાવાદની ઇન્સ્ટિટ્યૂટ ઑફ કિડની ડિસીસીઝ ઍન્ડ રિસર્ચ સેન્ટરને, લિવર અમદાવાદની હૉસ્પિટલને, જ્યારે રીજનલ ઑર્ગન ઍન્ડ ટિશ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઑર્ગેનાઇઝેશન મુંબઈ દ્વારા હાથ મુંબઈની ગ્લોબલ હૉસ્પિટલને આપવામાં આવ્યા હતા.’
૭૫ મિનિટમાં હાથ મુંબઈ લાવવામાં આવ્યા
સુરતની કિરણ હૉસ્પિટલથી મુંબઈનું ૨૯૨ કિલોમીટરનું અંતર ૭૫ મિનિટમાં કાપીને કનુભાઈના બન્ને હાથનું ટ્રાન્સપ્લાન્ટ મહારાષ્ટ્રના બુલઢાણાની ૩૫ વર્ષની મહિલા રહેવાસીમાં મુંબઈની ગ્લોબલ હૉસ્પિટલમાં કરવામાં આવ્યું છે. ત્રણ વર્ષ પહેલાં કપડાં સૂકવતાં વીજળીનો કરન્ટ લાગવાને કારણે આ મહિલાના બન્ને હાથ કપાઈ ગયા હતા. મહિલાનો પતિ કરિયાણાંની દુકાનમાં કામ કરે છે. તેમને છ અને આઠ વર્ષની બે દીકરી તથા ચાર વર્ષનો દીકરો છે. આમ હાથના ટ્રાન્સપ્લાન્ટની મુંબઈની આ પાંચમી અને દેશની વીસમી ઘટના છે તેમ જ સુરતથી બીજી વખત હાથ મુંબઈ આવ્યા હતા. હાથ, કિડની અને લિવર સમયસર મુંબઈ અને અમદાવાદ પહોંચાડવા માટે બે ગ્રીન કૉરિડોર બનાવવામાં આવ્યા