દિવાળી એટલે એક એવી અમાસ જેમાં અંધારાં પર સચ્ચાઈનાં અજવાળાંની જીત થઈ.
આજે આસો વદ અમાસ એટલે કે દિવાળીનો શુભ દિવસ, અને એ નિમિત્તે વસુધૈવ કુટુંબનાં સૌ પરિવાર જનોને ખૂબ ખૂબ વધાઈ અને દીવા જેમ સૌનાં જીવન પ્રકાશમય બને એવી અંતરની અભિલાષા. ઉત્સવ એ હિન્દુ સંસ્કૃતિની આગવી પહેચાન છે! અને નાના વર્ગથી માંડી મોટાં વર્ગના સૌ દિવાળી પર્વની હોંશભેર ઉજવણી કરે છે. સમય બદલાયો એમ લોકો ઉત્સવ ઉજવણીનું કારણ ભૂલતાં જાય છે, અને ઉત્સવો તો ઉજવે છે પણ શું કારણ છે એ ભાગ્યે જ કોઈને યાદ હશે! છેક છેવાડાના માનવી સુધી જવું એ ભારતીય સનાતન ધર્મના પાયામાં રહેલ વાત છે. એટલે કે ધર્મના પાયામાં પરોપકાર કે માનવતા રહેલી છે, અહીં સ્વાર્થને સ્થાન નથી! પણ સમયની સાથે સાથે સૌની માનસિકતા ભોગની લાલાયિતાને લીધે સ્વાર્થ તરફ આગળ વધતી જાય છે, જે જીવનને કદાચ સુખમયી બનાવી શકે પણ હર સમય કાલે આ નહીં મળે તો ? એ પ્રશ્ન જીવનનાં સ્થિર શાંતિ એવમ આનંદ ને ટકવા દેતો નથી.તો તહેવાર ઉજવતાં પહેલાં એનું મૂળ કારણ જાણી એને પારંપરિક રીતે એટલે કે સૌની ખુશી વિશે વિચારીને ઉજવીએ.
દિવાળીનો તહેવાર “પ્રકાશના પર્વ” તરીકે જાણીતો છે, આખા વર્ષ દરમિયાન આ એક જ અમાસ એવી છે જે અમાસ હોવા છતાં પણ અજવાળી છે, કારણ કે એ દિવસે બધાના ઘર આંગણામાં દિવા રૂપે સત્ય પ્રકાશ રેલાઈ રહ્યો છે, અને તેનો આધ્યાત્મિક અર્થ થાય છે, “મનના પ્રકાશની જાગૃતિ”નો તહેવાર. સ્થૂળ શરીર તન મનની પેલે પાર પણ કશુંક છે, જે શુદ્ધ, અનંત અને અવિનાશી છે, અને તેને આત્મા કહેવાય છે, તેવી એક વિચારધારા મૂળ હિન્દુ તત્વજ્ઞાનનું,કે પછી હિન્દુ સનાતન ધારાનું કેન્દ્ર છે. આપણે જેવી રીતે આપણા સ્થૂળ જન્મને ઉજવીએ છીએ, તેવી રીતે દિપાવલી આંતરિક પ્રકાશનો તહેવાર છે, કે જેને જાણવાથી અંધકાર પણ પ્રકાશમય બને છે,તમામ મુશ્કેલીઓ દૂર થાય છે, અને અજ્ઞાન વિખેરાઈ જાય છે, વ્યક્તિનું પોતાનું સાચુ સ્વરૂપ જાગૃત થાય છે, ત્યારે શરીર તરીકે નહિ, પરંતુ અપરિવર્તનીય, અનંત, વિશ્વવ્યાપી અને ગુણાતીત વાસ્તવિકતા સમજાય છે. આત્માની અનુભૂતિ થતાની સાથે જ, સમગ્ર સૃષ્ટિ માટે સત્ય પ્રેમ કરુણા, અને તમામ વસ્તુઓના વૈરાગ્યની અને સત્વ તત્વના એકાકારથી જાગૃતિના પ્રકાશથી ઉચ્ચ જ્ઞાન આવે છે. આનાથી આનંદ, આંતરિક ઉલ્લાસ અથવા શાંતિ આવે છે. દિવાળી ફટાકડા, પ્રકાશ, ફૂલો, મિઠાઈઓ તથા ભક્તિ દ્વારા ઉજવવામાં આવે છે. પ્રદેશે-પ્રદેશે દિવાળીની કથા અલગ છે, છતાં પણ તમામનો સાર એકસરખો છે કે, આંતરિક તત્વ આત્માનું અજવાળું જ પાયાનું મુખ્ય સત્ય છે.
બીજું કારણ એ છે કે રામનું અયોધ્યામાં આગમન વનવાસ અને યુદ્ધમાં રાવણના મૃત્યુ પછી 14 વર્ષે અયોધ્યાના રાજા રામ પોતાની પત્ની સીતા અને ભાઈ લક્ષ્મણ સાથે અયોધ્યા પરત ફર્યા, તેની ખુશીમાં પણ દિવાળી ઉજવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, અંધકારભર્યા માર્ગમાં પ્રકાશ પાથરવા માટે અયોધ્યાના લોકોએ ઘીના દીવા કર્યા હતા. દક્ષિણ ભારતમાંથી રામે પોતાના રાજ્ય ઉત્તર ભારત તરફ મુસાફરી કરી હોવાથી, તેઓ પહેલા દક્ષિણમાંથી પસાર થયાં હતા.આ કારણથી દક્ષિણ ભારતમાં આ તહેવાર એક દિવસ વહેલો ઉજવાય છે.
આમ તો દિવાળીનો તહેવાર સૌના જીવનમાં ખુશાલી વ્યાપે, એના માટે ઉજવવામાં આવે છે, અને રાવણ જેવા અહંકાર અને અસત્યનો પૃથ્વી પરથી નાશ થયો છે, હવે કેવળ અને કેવળ રામ તત્વ સમગ્ર ધરા પર વ્યાપ્ત છે, એવા અહોભાવથી આ તહેવાર મનાવવામાં આવે છે, એટલે આપણા અંતર માનસમાં અહમ રૂપે કે અસત્ય રૂપે જો રાવણ બિરાજમાન હોય તો આ દિવાળીએ તેને સમાપ્ત કરી અને માનસ ચોખ્ખું ચણાક કરવાનું છે.
આમ તો હિન્દુ સંસ્કૃતિમાં રામ રાવણ અને રામાયણ વિશે સૌ કોઈ જાણે જ છે, રામ એટલે સત્ય અને રાવણ એટલે અસત્ય, રાજા રામની પત્ની સીતા માતાનું હરણ કરીને રાવણ લંકામાં લઈ જાય છે અને સીતા માતાને પાછા મેળવવા માટે રામ અને રાવણનું યુદ્ધ થાય છે તેમાં રામનો વિજય થયો એટલે કે અસત્ય પર સત્યનો વિજય થયો, ત્રેતાયુગમાં પરિસ્થિતિ શું હશે તે ખબર નથી. પરંતુ હાલ તો દરેક જીવમાં રાવણ અને રામ બંને છે માટે આપણે આ દિવાળીના પરબ પર સંકલ્પ કરીએ કે રામ તત્વ પર રાવણ તત્વ પર ક્યારેય હાવી થાય નહીં, એટલે કે અસત્યથી સત્ય દબાઈ જાય નહીં, કે પછી અંધારું અજવાળા પર આવી જાય નહિ. સૌના જીવન સત્યાદિત પ્રકાશમય રહે, અને આ તહેવાર જેવી ખુશાલી કાયમ રહે,
અને સમાજમાંથી બદીનો નાશ થાય.રામ રાજ્યની પરિકલ્પના જે, આપણા બધા જ બુદ્ધ પુરુષો એ જોઈ હતી તે આપણે પરિપૂર્ણ કરી, અને વિશ્વમાં ભારતને પણ પ્રકાશમય બનાવીએ,આવો એક શુદ્ધ સંકલ્પ ઈશ્વર ચરણે રાખીએ, સૌના જીવન આ દીપાવલીના દીવડા જેમ ઝગમગ થાય,આવનારું વર્ષ દરેક માટે શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ બની રહે,તેમજ માનવી માનવતાના પરમ ધર્મથી જ જીવનમાં સાચી શાંતિને આનંદ પ્રાપ્ત કરી શકાય છે અને એ ઈશ્વરના સચ્ચિદાનંદ સ્વરૂપની ઝાંખી કરીને અનુભવીએ.વીતેલા સમયમાં જે કંઈ થયું એ હવે નહીં થાય અને અહંકાર એ જ અંધકાર છે, એવું સમયે જ્ઞાન થાય તો જ કામનું છે. વિચારો અત્યારે કદાચ રાવણ આવે તો એ પણ આપણને જોઈને પોતાના ચરિત્ર પર ગર્વ કરે! એ હદે આપણે આપણું જીવન ડહોળી નાખ્યું છે, નીતિ અનીતિ ના દ્વન્દ્વ માં જાણવા છતાં નીતિ ને પસંદ કરી શકતા નથી. ઈમાનદારી પર માત્ર ભાષણ થાય છે! દુઃખ કે સંઘર્ષ આવતા નીતિ ની વ્યાખ્યા બદલાઈ જાય છે, અથવા તો એની અપેક્ષા સામેવાળા પાસેથી જ રખાય છે. જરુરીયાતોની ફસલ ઉગાડવી હોય એમ નીત નવીનવી ખરીદી થાય છે! અને આમ સંગ્રહખોરી જેવું પાપ અજાણ્યે થાય છે. તો નાની નાની જાગૃતિ જ આપણા જીવનને સંતોષનો ઓડકાર અપાવશે, એ વાત યાદ રાખી આપણે સૌ વસુધૈવ કુટુંબમાં પ્રાકૃતિક સાંસ્કૃતિક પારિવારિક અને આકૃતિક એટલે કે વ્યક્તિગત સંસ્કાર સંવર્ધન નો સંકલ્પ કરી આ દિવાળીએ દીવા મુકીશું. જય શ્રી રામ.