📝 ફાલ્ગુની વસાવડા
યમરાજા અને તેની બહેન યમુના એ આ પારંપરિક તહેવાર ની શરૂઆત કરી હતી.
નવા વર્ષની બધા એ ખૂબ હર્ષોલ્લાસથી ઉજવણી કરી, અને આજે કારતક સુદ બીજ એટલે ભાઈબીજનો તહેવાર છે.નવા વર્ષ નિમિત્તે પૂજ્ય બાપુ દર્શન થયા અને જીવન ધન્ય બન્યું
દિવાળીના ચાર દિવસ અને આજનો પાંચમો એમ પાંચે પાંચ દિવસ આ વખતે સમાજમાં ખુબ જ હર્ષોલ્લાસ દેખાયો અને લોકોએ ખૂટતી કસર પૂરી કરી હોય એમ દિવાળી ઉજવી. દિવાળીની રાત્રે તો ખૂબ જ ફટાકડા ફૂટયા અને નાના મોટા સૌ વર્ગના લોકોએ પોતપોતાની રીતે આ તહેવાર ખુશીથી ઉજવ્યો, ઈશ્વર કરે વિશ્વમાં હવે કોઈ સંકટ આવે નહીં, અને લોકો આમજ એકબીજા સાથે હળી મળીને એકબીજાની જરૂરિયાતને સમજી માનવતાના ઉચ્ચ ધર્મને નિભાવતા નિભાવતા જીવે. ગઈકાલે નવું વર્ષ હતું અને નવું વર્ષ દરેકના જીવનમાં એક નવું આશાનું કિરણ લઈને પ્રવેશે, દરેકે પોતાના અનુભવ પરથી નવા અને ખૂબ જ સારા સંકલ્પો પણ કર્યા હશે, સૌકોઈ કોઈ ન કોઈ રીતે જીવનના અઘરામાં અઘરા સમયને પસાર કરી ચૂક્યા હશે, તો હવે સમય ગૌણ ગણવાની ભૂલ આપણામાંથી કોઇ કરશે નહીં એવો એક સંકલ્પ પણ કરવો બહુ જરૂરી છે, અને આપણી અતિ આધુનિકતા તરફની દોડને કારણે ઈશ્વરની દંડ વ્યવસ્થાને મગજમાં રાખીને આપણી મૂળ પરંપરા સાથે જોડાયેલા રહીએ એવો પણ એક સંકલ્પ બહુ જરૂરી છે. પોતપોતાના ક્ષેત્રમાં નીતિ અને પ્રામાણિકતાના મૂલ્ય જળવાઈ રહે તેવું જીવન જીવીશું, દરેક વખતે લક્ષ્ય અને ધ્યેય કે મહત્વકાંક્ષા માટે અન્યનું જીવન બરબાદ થતું નથી ને? એ પણ જોવું એટલું જ જરૂરી છે. અમુક કક્ષા એ માત્ર મારા સંબંધ ભૂલી અને આપણાં સંબંધો અંદરો અંદર સ્નેહથી બંધાય એ પણ જરૂરી છે. તો પ્રકૃતિ જેમ પંચતત્વ થી બનેલી છે, દરેકે દરેક જીવ પંચતત્વથી બનેલો છે. એટલે દરેક જીવ આવા નાના-મોટા પાંચ સંકલ્પથી બહારની પ્રકૃતિ તેમજ અંદરની પ્રકૃતિનું સંતુલન જાળવી શકે તો પૃથ્વી ખરેખર સ્વર્ગ બની જાય.
દિવાળી પર્વનો અંતિમ દિવસ એટલે કે ભાઈબીજ. કારતક સુદ બીજના દિવસ ને ભાઈબીજ તરીકે મનાવવામાં આવે છે ગુજરાત, મહારાષ્ટ્ર, હરિયાણા, ગોવા પશ્ચિમ બંગાળ અને કર્ણાટકમાં વધુ પ્રસિદ્ધ છે.
આ દિવસ આમ તો ભાઈ-બહેનના પ્રેમ અને સુગંધ છલકાવવાને વધુ મજબૂત બનાવવાનો માટેનો તહેવાર છે. આ દિવસે ભાઈ પોતાની બહેનને ઘરે ભેટ લઈને જાય છે, અને બહેન તેને ભોજન કરાવે છે. પરંતુ આ પ્રથા સાથે એક પૌરાણિક દંત કથા જોડાયેલી છે.
પૌરાણિક કથા મુજબ યમરાજા પોતાની બહેન યમુનાના ઘરે આ દિવસે ગયા હતા, અને બંનેએ સાથે ચિત્રગુપ્તની પૂજા કરી હતી. તે દિવસથી આ દિવસને ભાઈબીજ તરીકે ઉજવવામાં આવે છે, અને દરેક ભાઈ બહેન બન્ને મળી ને યમરાજા તથા ચિત્રગુપ્તની પૂજા કરે છે, એ ખરેખર આ તહેવાર નું ખરું મહત્વ છે.ભાઈ પોતાની બહેનના સૌભાગ્યના રક્ષણ માટે યમરાજા તથા ચિત્રગુપ્તની પૂજા કરે છે, અને બહેન પોતાના ભાઈના સુખ સમૃદ્ધિ અને આયુષ્યની માટે થઈને યમરાજા તથા ચિત્રગુપ્તની પૂજા કરે છે. સંસારના અતિ પવિત્ર એવા ભાઈ બહેન ના પ્રેમની પૂર્તિ કરતો આ તહેવાર ગુજરાતી ઓ ખૂબ જ ઉત્સાહિત થઈ મનાવે છે. ભાઈ બહેન નો સંબંધ એ એક એવો સંબંધ છે, એ તો જેને ભાઈ ન હોય એ બહેનને ખબર હોય, અને બહેન ન હોય એવા ભાઈને ખબર હોય.આ બાબત હું ખૂબ જ સમૃદ્ધ છું મને ઈશ્વરે ખૂબ ભાઈઓ આપ્યા છે, અને એમાં પણ આ સોશિયલ મીડિયા દ્વારા પણ દીદી, બેનાં, બેન, મોટી બેન, અને ફાલ્ગુની બેન, ના સંબોધનથી મને પ્રેમ આપવા વાળા, મારા એ મોટાં નાના તમામ ભાઈઓને મારા આજના ભાઈબીજ ના પ્રણામ અને ઈશ્વર ચરણે આપના તથા આપના પરિવાર નાં ઉજ્જવળ ભવિષ્યની પ્રાર્થના. ઘણી ખમ્મા! ઘણી ખમ્મા! મારા વીરા ને!
ભારતીય પંચાંગની એક વિશિષ્ટતા છે, જે દરેક તિથિનું તેમાં મહત્વ બતાવાયું છે. એટલે કે દરેક તિથિ,પછી તે એકમ હોય, બીજ હોય, ત્રીજ હોય, ચોથ હોય કે ત્યાં થી શરૂ કરી અમાસ હોય,કારતક માગશર થી શરૂ કરી આસો સુધીમાં કોઈ ને કોઈ તિથી મહત્વની દર્શાવાય છે.
આ રીતે તેને તહેવાર તરીકે મૂકી અને તેનું મહત્વ વધારાય છે, અને તેની સાથે પૂજા પાઠ ઇત્યાદિ જોડી, અને આ રીતે ઈશ્વર અનુસંધાન કેળવાય છે.તહેવાર ગમે તે હોય, તિથી ગમે તે હોય, પરંતુ મૂળ હેતુ એ જ છે, કે જીવ કોઈ ને કોઈ બહાને ઈશ્વરને યાદ કરે, અને તે રીતે જીવનું શિવ સાથેનું અનુસંધાન સતત રહે. કારણકે જીવનમાં એ બહુ જ મહત્વનું છે. ક્યારેક કોઈ તિથી કે કોઈ તહેવાર ને પ્રકૃતિ સાથે પણ જોડવામાં આવે છે, અને એ રીતે પ્રકૃતિ સાથે જીવ સતત જોડાયેલો રહે તે માટે થઈને પણ આ બધું ખૂબ જ જરૂરી છે.અને આમ જુઓ તો બહાર સૃષ્ટિ સ્વરૂપે પણ પંચ મહાભૂત અને જીવ પણ પંચમહાભૂત માંથી બનેલો, એટલે બંને વચ્ચે સંતુલન જળવાઈ રહે તે બહુ જરૂરી છે. શરીરના પંચ પ્રાણ અને પ્રકૃતિ ના પંચ પ્રાણની એકાકારની કક્ષા કે શારીરિક અવસ્થા એટલે નિર્વાણ કે મુક્તિ, જીવને જો જીવતા જ અનુભવતા આવડી જાય, તો એ જીવન મોક્ષ છે.જન્મ અને મૃત્યુની દોર તો ઈશ્વરે પોતાની હસ્ત રાખી છે, અને મનુષ્ય એ વાતે હંમેશા તેની આગળ લાચાર રહ્યો છે.પરંતુ ઈશ્વર મારે કે લાંબુ જીવાડે એ તો પછીની વાત છે, પરંતુ આજનું જીવન પણ ક્યાં મૃત્યુ થી કમ છે! જીવન મૂલ્યોની રીતે મનુષ્યનું જીવન સાવ તળિયે પહોંચી ગયું છે, ના કોઈ આદર્શ, ન કોઈ સિદ્ધાંત, બસ સિદ્ધિ પ્રસિદ્ધિની ભૂખ અથવા તો રૂપિયા પૈસા ની ભૂખ,પેટની ભૂખનો ખાડો પુરવાનું ઈશ્વર નું વચન છે, પરંતુ આ અભાવાની ભૂખ કેમે કરીને પૂરી થતી નથી.ખેર છોડો એની બનાવેલી દુનિયા એ જાણે!! આપણે તો ફક્ત આપણી જાગૃતિ બરકરાર રહે એ જોતાં રહેવાનું છે, અને જીવનના કંઈક વિશેષ કરીને જવું એટલો સંકલ્પ જરૂર લઇ શકીએ.
પ્રકૃતિનું અદભૂત સૌંદર્ય જોવાની દ્રષ્ટિ આપણે કેળવવી પડશે એમાં પણ હવે શિયાળો લાગી રહ્યો છે, અને શિયાળાની સવાર પ્રકૃતિ પ્રેમી ઓ માટે માણવા જેવી હોય છે .એમા પણ કોઈ મુક્ત કુદરતી સ્થળે હોઈએ તો! જ્યાં લીલી લીલી નાળિયેરી અને આંબાના વૃક્ષ, ચારેકોર છવાયેલી હરિયાળી, વહેલી સવારનો સમય, કુંજ,કાબર અને અન્ય પક્ષીઓનો મીઠો કલશોર, જાણે કે આકાશવાણી થતી હોય, ખિસકોલીઓની દોડાદોડ, પૂર્વમાં ધીરે ધીરે ઉપર આવી રહેલો સૂર્ય, અને સૌથી વધુ સદગુરૂનો સતત અનુભવાતું સાનિધ્ય, આ બધું વરદાન નથી તો શું છે!!, પરંતુ સદગુરુ કૃપા વગર જીવ આ બધું અનુભવી ન શકે. દરેક ભાઈ પોતાની બહેનના સૌભાગ્ય માટે પ્રાર્થના કરશે, અને દરેક બહેન પોતાના ભાઈની સુખાકારી માટે પ્રાર્થના કરશે. ભાઇ-બહેનના સંબંધને વધુ મજબૂત બનાવવા માટે, દરેકે દરેક ભાઈ જીવનમાં તેની ઈચ્છા મુજબ સુખ સમૃદ્ધિ અને આનંદ પ્રાપ્ત કરે, તથા પોતાના તરફથી પણ આ સંબંધ સ્નેહ ભર્યો કાયમ રહે એ રીતે બહેનને પ્રેમ અને આદર આપે,મારા તરફથી પણ દરેકે દરેક ભાઈઓને આજના આ ભાઈબીજના પવિત્ર તહેવારના ખુબ ખુબ અભિનંદન, અને જીવનમાં ખૂબ જ પ્રગતિ કરો, અને સાચા આનંદને પ્રાપ્ત કરો એવી શુભકામના, અને વિશ્વ શાંતિ ને વિશ્વ મંગલ માટે આપણા થી જે કંઈ થાય એ આપણે કરી શકીએ એવો કોઈ સંકલ્પ કરીને નવા વર્ષની શરૂઆત કરીએ.જય શ્રી રામ.