હે ઈશ્વર.
આપના શ્રીચરણોમાં મારા સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ પ્રણામ. દિવાળીનાં તહેવારોનું બધાં જુદીજુદી રીતે સરવૈયું કાઢતા હશે! જેમ કે આટલો ખર્ચ થયો! આનાં ઘરે ગયાં ને ત્યાં તો જવાનું રહી ગયું! પેલા ને કેવી મસ્ત કાર્પેટ હતી! કેટલી સરસ મીઠાઈ હતી! અને સામેવાળાનો બંગલો તો રોશનીથી ઝગમગી ઉઠ્યો હતો! એણે તો બે બે ગાડી હોવા છતાં દિવાળીએ નવી ગાડી છોડાવી! અને આપણે તો દિવાળીએ માત્ર નાનો કોર્નર ખરીદવાનો હતો, પણ ખર્ચ વધી જતાં…. કંઈ નહીં આવતે વખતે. આમ તહેવારોમાં થયેલી ભૂલ સુધારવા એનું ચિંતન કરવું જોઈએ.આપણે ત્યાં તહેવાર મનાવવા માટે બીજી એક પ્રથા પણ છે, અને તે છે મહાપુરુષ કે બુદ્ધ પુરુષની જન્મ જયંતી કે પછી પુણ્યતિથિ,તે દિવસે તેને યાદ કરી એને પણ આપણે તહેવાર તરીકે ઉજવીએ છીએ. આજે કારતક સુદ સાતમ એટલે રઘુવંશી ઓનાં પ્રેરણા સ્ત્રોત જલારામ બાપાની જન્મ જયંતી છે. સૌરાષ્ટ્રના વિરપુર ખાતે આવેલું જલારામબાપાનું અન્નક્ષેત્ર આજે તો દુનિયાભરમાં મશહૂર છે, અને હવે તો કેટલા વર્ષોથી દાન કે ભેટ સ્વીકારવામાં આવતી નથી છતાં પણ એ જ રીતે યથાવત ચાલુ છે. આ વાત બતાવે છે કે જલારામ બાપા કેટલા મહાન પુરુષ હતા. જે તે સમયગાળા દરમિયાન જ્યારે તેમણે સેવાનો આ સંકલ્પ કે ભેખ લીધો, ત્યારે તેમની પાસે એવી કોઈ સમૃદ્ધિ હતી નહીં. પરંતુ તેમનું ભજન અને ઈશ્વર પ્રત્યેનો ભરોસો આ બંને અતુટ હોવાથી આ કાર્ય આજે પણ તેમની ઇચ્છા અનુસાર ચાલી રહ્યું છે. તો આજે આપણે સૌરાષ્ટ્રમાં આવેલા વીરપુર તાલુકાના જલારામ બાપા વિશે થોડીક વાત કરીશું.
સંત શ્રી જલારામબાપાનો જન્મ ઇ.સ. વિક્રમ સંવત ૧૮૫૬ની કારતક સુદ સાતમે લોહાણા સમાજના ઠક્કર કુળમાં થયો હતો. તે ભગવાન રામના ભક્ત હતા. નાનપણથી જ તેમને ગૃહસ્થ જીવન કે પિતાના વ્યવસાયમાં કોઈ જ પ્રકારનો રસ હતો નહીં. તેઓ હંમેશા સાધુ સંતોની સેવા કરવામાં પ્રવૃત રહેતા, અને તેમણે તેવું વિચારીને ઘર પણ છોડી દીધું હતું. તેમના કાકાએ તેમને રહેવા એક ઘર આપ્યું અને ત્યાં તેમની માતા સાથે રહેવાનું સૂચન કર્યું. ૧૬ વર્ષની આયુમાં તેમના લગ્ન આટકોટની વીરબાઈ સાથે થયા. વીરબાઇ પણ ભગત આત્મા હતી, આથી તેમણે પતિની આ પ્રવૃત્તિમાં તેનો સાથ આપ્યો. અઢાર વર્ષની આયુમાં તેઓને સંસારમાં વૈરાગ્ય આવી ગયો, આથી તેમણે કાશીની યાત્રાએ જવાનું નક્કી કર્યું, તેમાં પણ વીરબાઈ મા એ તેનો સાથ આપ્યો, અને તેની સાથે જોડાયા. ફતેપુરના ભોજાભગતે જલારામની ઈશ્વર પ્રત્યેની અનન્ય શ્રદ્ધા જોઈને, રામની મૂર્તિ, માળા, અને રામનામનો મંત્ર આપ્યો, અને આ રીતે તેમને એક ધ્યેય પ્રાપ્ત થયું. આજે પણ જલારામ મંદિર ખાતે કાચની પેટીમાં આ વસ્તુ સાચવવામાં આવી છે. તેઓએ તે મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરી, અને વીરપુરમાં રામનું મંદિર બનાવ્યું. ઇતિહાસની વધુ એક દંતકથા એવું કહે છે કે, એક સંત મહાત્માં ત્યાં આવ્યાં અને તેમણે કહ્યું કે આ જગ્યાએ ખોદકામ કરવાથી હનુમાનજીની મૂર્તિ નીકળશે, અને તેવું થયું, પછી રામની સાથે લક્ષ્મણ અને સીતાની પણ સ્થાપના કરવામાં આવી. તે દિવસથી જલારામ ખાતે સદાવ્રત ચાલે છે, અહીં કોઈપણ જાતના જ્ઞાતિભેદ વગર દરેકને ભોજન પીરસવામાં આવે છે. સાધુ સંતોની ત્યાં નિત્ય આવન-જાવન રહેતી હતી. પતિ-પત્ની બંને આ રીતે દિન દુખીયા અને સાધુસંતોની સેવા કરતા હતા. સમાજમાં રોગથી પીડિત કે પછી કોઈ અન્ય કારણોથી પીડિત લોકો જલારામ બાપા પાસે અનન્ય શ્રદ્ધા લઈને પહોંચતા, અને તેઓ ભગવાન રામ પાસે પ્રાર્થના કરતા. આ રીતે આવનાર વ્યક્તિની સમસ્યાનું શમન થતું હોવાથી, આ રીતે પણ જલારામ બાપા પ્રખ્યાત થયા, અને લોક સેવાના પ્રકલ્પને પણ સારું એવું ઈશ્વરીય પીઠબળ રહ્યું. લોકોએ આ કિસ્સાઓને એકત્ર કરી અને તેમના પરચાનું જલારામ જ્યોત એવું પુસ્તક પણ છપાવ્યું છે, પરંતુ આપણે તેમાં નહીં જઈએ.
પતિ-પત્ની બંને સમાજની તથા સાધુ-સંતોની ખૂબ જ સેવા કરતા હતા, એવામાં એક દિવસ એક અપંગ સાધુ આવે છે, અને વીરબાઈની માંગણી કરે છે, જલારામ બાપા વીરબાઇ મા સાથે મસલત કરે છે, અને એ સાધુને હા પાડે છે, અને કોઈપણ પ્રકારની આનાકાની કે ઉદ્વેગ વગર વીરબાઇ મા તે સંતની સેવા માટે તેની સાથે ચાલે છે. થોડેક દૂર આગળ જંગલમાં હમણાં આવું છું, કહીને એ સાધુ વીરબાઈ મા ને એક સ્થાને બેસાડી અને ચાલ્યા જાય છે, ઘણી પ્રતીક્ષા કર્યા બાદ પણ તે આવતા નથી, અને આકાશવાણી થાય છે, કે સ્વયં ભગવાન આ પતિ પત્નીની પરીક્ષા કરવા આવ્યા હતા. તે જ્યારે ગયા ત્યારે એક દંડ અને ઝોળી આપતા ગયા હતાં, જે લઈ અને વીરબાઈ મા ઘરે પાછા ફરે છે, અને કહેવાય છે કે આ ઝોળી એ અક્ષય પાત્રનું કાર્ય કરે છે, અને આજ સુધી આ સદાવ્રત અખંડ રીતે ચાલે છે. તત્વતઃ આ વાત એ સિદ્ધ કરે છે, કે કોઈ પણ પ્રકારની શુદ્ધ ભાવનાથી કરેલો સંકલ્પ ઈશ્વર અવશ્ય પૂરો કરે છે.
ગુજરાત ના સૌરાષ્ટ્ર પંથકમાં રહેણાક હોવાથી જલારામ મંદિરના બે-ત્રણ વાર દર્શન પણ કર્યા છે, અને પ્રસાદ પણ ગ્રહણ કર્યો છે. આમ તો તેના વિશેની જાણકારી, અને શ્રદ્ધા મોરારીબાપુની કથા સાંભળવાથી વધી છે. બાપુની તો પહેલેથી જ ભજન, ભોજન, અને ભાવનાની ત્રિવેણીમાં રુચિ રહેલી છે.ભૂખ્યાને ભોજન કરાવવું, તેનાથી મોટું કોઈ ભજન નથી. આ શીખ તેમની પાસેથી પ્રાપ્ત થઈ છે, અને એ સત્ય પણ છે. જીવ આવા નાના-મોટા પ્રયોગો કરીને, જીવનમાં સત્ય પ્રેમ ને કરુણાને પ્રાપ્ત કરવા સતત પ્રયત્નશીલ રહે છે. કોઈપણ જાતનું તપ ન કરી શકનાર પણ આવા નના નાના નિયમ લઈને જીવનમાં શુદ્ધ ભાવના મેળવી શકે છે. કંઈ જ કરવાનું નથી, માત્ર આપણામાંથી થોડોક ભાગ પાડવાની ટેવ પાડવાની છે, જે કંઈ હોય તેમાં પ્રકૃતિના અન્ય જીવનો પણ હક છે, એમ સમજી અને તે આપવું, અને એ મારી ફરજ પણ છે. આ બે વાતને કેન્દ્રમાં રાખીને જીવન જીવવાની શરૂઆત, આ નવા વર્ષથી કરીએ તો ખરેખર આવતીકાલ ઘણી ઉજ્જવળ છે. આપણે સંસારીઓ આખો આખો દિવસ તપ કે હરિ સ્મરણ કરી શકવાના નથી, પરંતુ આ રીતે કોઈને ભોજન કરાવી એ કે તેના દુઃખદર્દને ઓછા કરીએ, તો કાળનો પ્રભાવ ઘટશે, અને કળિયુગથી સતયુગ સુધીનું અંતર પણ આ જ રીતે ઓછું થશે. કીડીને કણથી શરુઆત કરી શકાય,અને સારું લાગે તો આ પ્રયોગ વધુ સફળ બનાવવા માટે સંકલિત થવું. જીવનમાં દિશાહીન થઈ ખૂબ જ ભટક્યા, અને તેનું પરિણામ પણ આજે આખું વિશ્વ ભોગવી રહ્યું છે, તો આવા કોઈ બુદ્ધ પુરુષને યાદ કરી, અને નાની-મોટી સેવાનો સંકલ્પ લઇ અને દરેક જણ જીવે અને પોતાના જીવનમાં ધર્મની સદભાવના મેળવીને જીવન સુરક્ષિત કરે, એવી એક અનન્ય પ્રાર્થના સાથે હું મારા શબ્દોને આજે અહીં જ વિરામ આપું છું. ફરી મળીશું નવા ચિંતન મનન સાથે, તો સૌને મારા આજનાં દિવસના સ્નેહ વંદન અને જય સીયારામ.
લી. ફાલ્ગુની વસાવડા. ( ભાવનગર)