પત્નીની અંતિમક્રિયામાં આવ્યો અને વલસાડ પોલીસના હાથે ઝડપાયો ઘણી વખત એવા કિસ્સાઓ સામે આવતા હોય છે કે આરોપીઓ ગંભીર ગુનો કરીને ફરાર થઇ ગયો હોય અને પછી તે 15થી 20 વર્ષ પછી પકડાયો હોય. ત્યારે આવો જ એક કિસ્સો વલસાડમાં સામે આવ્યો છે. વલસાડમાં નોકરી મેળવવા ઈચ્છાતા યુવાનો પાસેથી લાખો રૂપિયા પડાવી લેનાર આરોપી 11 વર્ષે પોલીસને હાથે પકડાયો છે. વલસાડમાં રહેતી પત્નીનું અવસાન થતા તે પત્નીની અંતિમવિધિ માટે આવ્યો હતો. ત્યારે પોલીસે બાતમીના આધારે આ આરોપીની ધરપકડ કરી હતી.
રિપોર્ટ અનુસાર જે આરોપીએ પોલીસના હાથે પકડાયો છે તેનું નામ મોહંમદ સલીમ યુસુફ શેખ છે. આ આરોપીએ 11 વર્ષ પહેલા તેના બે દીકરા ઇમરાન અને ઈરફાનની સાથે મળીને મારિયા કન્સલ્ટન્સી નામની એક ઓફિસ શરૂ કરી હતી. આ ઓફિસમાં આ ઇસમ વિદેશમાં નોકરી કરવા ઈચ્છતા યુવકોને મોટી-મોટી લાલચ આપીને બોલાવ્યો હતો. સિંગાપુર, મલેશિયા અને ન્યુઝીલેન્ડ સહિત અલગ-અલગ દેશ,અ યુવાનોને ઊંચા પગારે નોકરી અપાવવાનું કહીને તેમની પાસેથી લાખો રૂપિયા ફી તરીકે મેળવતો હતી. ઊંચા પગારની નોકરી મળશે તેવા સ્વપ્ન સાથે કેટલાક યુવાનો બે-બે લાખ રૂપિયા ભરીને મોહંમદ સલીમની સંસ્થાની સાથે જોડાયા હતા.
ત્યારબાદ સલીમ અને તેના દીકરાઓએ વર્ષ 2010માં 19 યુવાનોને વિદેશમાં મોકલ્યા હતા અને ત્યાં આ યુવાનોને કામ અપાવ્યા વગર બે દિવસના સમયમાં જ પરત બોલાવી લીધા હતા. ત્યારબાદ આ ઇસમ યુવાનોને નોકરી અપાવવા માટે અલગ-અલગ વાયદાઓ આપી રહ્યો હતો. તેથી જે યુવકોએ પૈસા ભર્યા હતા તેમને શંકા ગઈ છે તેમની સાથે છેતરપીંડી થઇ છે. તેથી આ યુવકોએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ ઘટનામાં વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં 20 એપ્રિલ 2010ના રોજ સલીમ અને તેના બે સંતાનોની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
ફરિયાદ નોંધાયા બાદ મહંમદ સલીમ અને તેનો દીકરો યુસુફ વલસાડ છોડીને ભાગી ગયા હતા. ત્યારબાદ પોલીસ દ્વારા મહંમદ સલીમના બીજા દીકરા ઈરફાનની ધરપકડ કરવામાં આવી હતી. સલીમ છેલ્લા 11 વર્ષથી પોલીસની આંખમાં ધૂળ નાંખીને આમ તેમ ફરી રહ્યો હતો. પણ પત્નીની અંતિમક્રિયા કરવા માટે જ્યારે મહંમદ સલીમ તેના ઘરે આવ્યો ત્યારે પોલીસે બાતમીના આધારે 11 વર્ષ બાદ સલીમની ધરપકડ કરી હતી.પૈસા ગુમાવનાર વ્યક્તિએ સમગ્ર મામલે રજૂઆત કરી હતી કે, 11 વર્ષ પહેલા અમે ઊંચા વ્યાજ પર પૈસા લઇને સલીમને આપ્યા હતા કે તે અમને વિદેશમાં સારી નોકરી અપાવી દેશે. પણ અમને નોકરી તો ન મળી સાથે-સાથે પૈસા પણ ગુમાવવાનો વારો આવ્યો છે.