ફાલ્ગુની વસાવડા. (ભાવનગર)
હે ઈશ્વર.
આપના શ્રીચરણોમાં મારા સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ પ્રણામ. પ્રાર્થના પડઘો બની અંતરે અથડાય નહીં, ત્યાં સુધી તે અસરકર્તા સાબિત થતી નથી. એટલે કે પ્રાર્થનામાં તીવ્રતા હોવી ખુબ જ જરૂરી છે. જીવનું ઈશ્વર પ્રત્યેનું ખેંચાણ જ્યારે અતૂટ બને, ત્યારે જ પ્રાર્થના અસર કરે છે. ઈશ્વર સર્વોપરી છે, અને તે સદાય નિસ્પૃહ તથા અસંગ કર્મ ધારી છે. પરંતુ મનુષ્ય તો ડગલેને પગલે ક્રિયા કે કર્મ વગર રહી ન શકે! ક્ષણવાર શાંત બેસી ન શકનાર જો કોઈ પ્રાણી હોય, તો તેમાં મનુષ્ય આવે. શાંતિથી કદાચ પણ કોઈ બેઠું હોય, તો તેનું મન તો ક્યાંય નું ક્યાંય પહોંચ્યું હોય, વિચારોની ગતિથી તે વિદેશ પણ પહોંચી શકે. શારિરીક કે માનસિક ક્રિયા થતી હોય તો પ્રાર્થના અસરકારક ન બને. મસ્તક નમાવવું અને બે હાથ જોડવા એ પ્રાર્થનાની મુદ્રા છે. મસ્તક નમાવવું એટલે શરણાગતિનો ભાવ હોવો અને હાથ જોડવા એટલે વંદન કરવા, એવો એક ભાવ ધર્યા પછી જ પ્રાર્થના થાય છે. સમર્થની જ શરણાગતિ હોય, શરણાગતિ ગમે તેની ના સ્વીકારાય. કોઈપણ પ્રકારનું જ્ઞાન, ભક્તિ કે અન્યની ક્ષેમકુશળતા માટે પ્રાર્થના થાય, તો એક વાત આપણા મગજમાં નક્કી છે, કે ઈશ્વર તે ઈચ્છા પૂરી કરી શકે તેમ છે. એક બહુ જૂની કહેવત યાદ આવે છે કે,” કૂવામાં હોય તો જ અવેડામાં આવે”,એટલે કે જેની પાસે કોઈ પણ પ્રકારની ઇચ્છા વ્યક્ત કરી હોય તેની પાસે જો હોય તો જ તે આપી શકે, આ બહુ સીધી વાત છે. આમ તો આ કહેવત સંસ્કારો માટે વપરાય છે, કે માબાપમાં સંસ્કાર હોય તો સંતાનમાં આવે. દલપતરામની એક બહુ પ્રસિદ્ધ પ્રાર્થના છે, અને લગભગ બધાએ તે પણ નિશાળના વર્ગખંડમાં ગાઈ હશે.
**ઓ ઇશ્વર ભજીએ તને **
ઓ ઇશ્વર ભજીએ તને, મોટું છે તુજ નામ
ગુણ તારાં નિત ગાઇએ, થાય અમારાં કામ.
હેત લાવી હસાવ તું, સદા રાખ દિલ સાફ
ભૂલ કદી કરીએ અમે, તો પ્રભુ કરજો માફ.
પ્રભુ એટલું આપજો, કુટુંબ પોષણ થાય
ભૂખ્યા કોઇ સૂએ નહીં, સાધુ સંત સમાય.
અતિથિ ઝાંખો નવ પડે, આશ્રિત ના દુભાય
જે આવે અમ આંગણે, આશિષ દેતો જાય.
આ પ્રાર્થના ઘણી મોટી છે પરંતુ લગભગ બધી શાળાઓમાં નાનો ટૂકડો જ ગવરાવતા. કેટલા સીધા સાદા શબ્દો અને છતાં પણ ચાર વેદનો જાણે સાર આવી ગયો હોય તેવી ઉત્તમ પંક્તિઓ. ઈશ્વર સદાય સર્વોપરી છે, અને તેનાથી મોટું કોઈ નથી. માટે તેને જ ભજવા અથવા તેનું શરણું લેવું,તેના ગુણગાન ગાવાથી એટલે કે તેનું અનુસંધાન કરવાથી જ મારા કાર્યો થાય છે,કોઈને પણ જોઈએ ત્યારે તેની પર હેત આવી જાય, અને હાસ્ય સદાય મુખ પર ખીલતું રહે એવા ભાવ આપજે, છતાં દિલ સાફ ન રહે તો પણ અમને માફ કરજે. અમે તો જીવ છીએ, કદીક અમારાથી કોઈ ભૂલ થઈ જાય તો, અમને બાળક ગણીને માફ કરજે, હે ઈશ્વર, વધુની ઝંખના નથી, પણ અમને એટલું આપી રહેજે કે અમારા કુટુંબ પરિવારનું પોષણ થાય,કોઈ દિવસ અમારા આંગણેથી કોઈ અતિથિ કે આશ્રિત નિરાશ થઈને પાછો જાય નહીં, અને અંતરના આશિષ આપી હસતાં હસતાં જાય, એટલું અમને આપજે. કવિની શબ્દ સાધના બહુ જ ઉંચી રહી હશે, અથવા તો એમ કહો ઈશ્વર જ સાક્ષાત આવીને આ રચના લખાવી ગયા હશે. આકાશવાણી અને પુષ્પવૃષ્ટિ એ કદાચ જે તે યુગનું નજરાણું બન્યું હોય, પણ આજના સમયમાં તો,ભાવ શુદ્ધીની પરાકાષ્ઠા એ ઈશ્વર શબ્દસૃષ્ટિ કરી પોતાની પ્રસન્નતા વ્યક્ત કરે છે. મોટામાં મોટું જો કોઈ હોય તો તે ઈશ્વર છે, અને તેની આંગળી પકડીને ચાલતાં ચાલતાં આપણને કેટલાય માર્ગમાં એવા મંજર મળે છે કે,જે આપણી જીવ તરીકેની આંખ તે સત્ય છે, એ સ્વીકારી શકતી નથી, પણ એ સત્યથી જીવન બદલે પછી જ તેની કિંમત સમજાય છે.
બહુ પહેલાનું એક દ્રષ્ટાંત કહું, સમર્પણ ધ્યાન કેન્દ્રની વાત છે, જ્યાં એક અંગત સ્વજન ના આયુષ્ય માટે કોઈ એ કહ્યું એટલે જવાનું થયું. ધ્યાન પર આખી ઉપાસના પદ્ધતિ. જીવને પણ પ્રાણાયામ અને ધ્યાનનો થોડો ઘણો મહાવરો હતો, કારણ કે નાનપણથી ગાયત્રી મંત્ર અમુક રકમથી છોડવા અને લેવા એ રીતે અનુલોમ વિલોમ પણ કરેલાં, અનુષ્ઠાન દરમિયાન પણ શ્વાસની ગતિના રોધ અવરોધ પ્રત્યે પણ થોડી ઘણી જાગૃતિ હતી, વેદનાં શાંતિ મંત્ર પણ કથામાં બોલતા. જોકે યોગની કોઈ ક્રિયા અભ્યાસ પર અવલંબે છે એટલે સમજ વગર સાહસ પણ કરાય નહીં. પરંતુ અહીં થોડુંક અલગ ! પંચ પ્રાણ પ્રકૃતિમાં શ્વાસને એટલે કે પ્રાણને મુક્ત કરવાનો, અને ઈશ્વર સ્વરૂપ પરમાત્મા બની ફરી એ જ પ્રાણને હસ્તગત કરવાનો, એવું કંઈક. ખરેખર બહુ સફળ પ્રયોગ રહ્યો, અને ખૂબ જ ઉચ્ચ કક્ષાની રચનાઓ પણ તે સમયે થઈ. સહસ્ત્રાર પર શક્તિ કેન્દ્ર કરવાનું પણ શીખ્યા. “હું એક શુદ્ધ ચેતનાનો પ્રવાહ છું”,બસ આ વાક્ય ધ્યાન ન લાગે ત્યાં સુધી ઉત્કંઠ ઉર્મિથી પહેલા બોલવાનું, ને પછી અનુભવવાનું. એટલે કહેવાનો મતલબ એટલો જ કે ઈશ્વરની સહજ વ્યાખ્યા એટલે, જ્યારે પણ ન સમજાય એવી પરિસ્થિતિમાં આપણે હોઈએ અને કોઈપણ રીતે મદદ કરી જાય, કંઈ નવું સર્જન કરવું હોય ને કંઈ જ ન સુઝતું હોય, ત્યારે જો ઉત્તમ રચના થાય, તો સમજવાનું કે એ ઈશ્વર કરાવી ગયા છે. એટલે જીવનું તો એવું પાકું માનવું છે કે, આવી બધી અમૂલ્ય રચનાઓ તે તો આપણી સંસ્કૃતિનું નજરાણું છે, એને આપણે જાળવી રાખવી જોઈએ, અને સમયે સમયે એનું નવા નવા અભિગમ સાથે મૂલ્યાંકન કરી, પ્રયોગો કરતા રહેવા જોઈએ જેથી કરીને, આવી કોઈ પ્રાર્થનાથી આપણે ઈશ્વર સાથે અનુસંધાન કેળવી શકીએ, અને જીવન સફળ બનાવી શકીએ, નવી પેઢીને પ્રાર્થનાનો નવો આયામ આપી શકીએ. બાકી બે વાર ખાવુ પીવુ સુવું એ તો અન્ય પ્રાણીઓ પણ કરે જ છે, તેમાં કંઈ નવું નથી. મનુષ્ય તરીકેનો જન્મ મળ્યો છે તો કંઈક વિશેષ કરીને, આપણો જન્મ આપણે સિદ્ધ કરવો જ રહ્યો. સૌ પોતાના જીવનમાં મનુષ્ય દેહનું મૂલ્યાંકન કરીને ઉચ્ચ વિચાર ધનના એશ્વર્યથી, પોતાનું જીવન કર્મોની સુસંગતતા માં વિતાવે, એવી એક અનન્ય પ્રાર્થના ઈશ્વર ચરણે રાખી, હું મારા શબ્દોને આજે અહીં જ વિરામ આપું છું ફરી મળીશું નવા ચિંતન મનન સાથે, તો સૌને મારા આજના દિવસના સ્નેહ વંદન અને જય સીયારામ.