સુરતના કોસંબા નજીક નેશનલ હાઇ-વે 48 પર આજરોજ વહેલી સવારે 5 વાગ્યે એક મુસાફરો ભરેલી લક્ઝરી બસ ખાડીમાં ખાબકી હતી. બસ એકાએક રોડથી નીચે ઘસી જતાં તમામ મુસાફરો ઊંઘમાં જ દબાઈ ગયા હતા. લોકોની બુમાબુમ સાંભણીને રસ્તે જતાં અન્ય વાહનચાલકોએ પોતાનું વાહન રોકી ફાયર વિભાગ અને પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં જ સુરત ફાયરની ઇમર્જન્સી ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી.
આ ભયાનક અકસ્માતમાં એક યુવક અને એક મહિલાની હાલત ગંભીર હતી, જેમાં યુવક સંદીપ રામદાસ બાવિસ્કર ઉં.વ.45નું સિવિલમાં સારવાર દરમિયાનમાં મોત નીપજ્યુ છે. હાલમાં 20થી વધુ મુસાફરો સ્મીમેર હોસ્પિટલમાં, જ્યારે 7 જેટલા સિવિલ હોસ્પિટલમાં દાખલ છે. બસના ડ્રાઇવરને ઝોકું આવી જતા બસ ખાડીમાં ખાબકી હોવાની આશંકા સેવવામાં આવી રહી છે.
અકસ્માતની ઘટના સૌપ્રથમ નજરે જોનાર કાંતિભાઈ રાવલે જણાવ્યું હતું કે, અમે વહેલી સવારે સુરત જઇ રહ્યા હતા, ત્યારે કઈક અકસ્માત થયો હોવાનું નજરે ચડતા જ મેં મારી ગાડી ઉભી રાખી દીધી હતી. બસ નજીક આવી ને જોયું તો બહુ લોકો અંદર ફસાયેલા હતા. કાચ તોડી બહાર કાઢવાની કોશિશ કરી હતી, પરંતુ ફસાયેલા લોકોની હાલત ખુબ જ ગંભીર હતી. કોઈક મુસાફરના હાથ-પગ તૂટી ગયા હતા તો કોઈકનું માથું ફૂટી ગયું હતું. આ બધું જોતાં જ 108 અને 1033 નંબર પર કોલ કરી જાણ કરી હતી. થોડીવારમાં જ 12-15 જેટલી 108 એમ્બ્યુલન્સ ટીમ આવી ગઈ હતી. કઈ રીતે અકસ્માત થયો એ ખ્યાલ નથી.
મોટા વરાછા ફાયર ઓફિસર ધીરુભાઈ ચૌહાણે જણાવ્યું હતું કે, હું હાલ રજા પર હતો. ગામડેથી સુરત આવી રહ્યો હતો, ત્યારે કોસંબા પાસે પહોંચતાં મેં રસ્તામાં જોયું કે લક્ઝરી બસ રસ્તાની નીચે ઉતરી ગઈ છે અને લોકો બૂમાબૂમ કરી રહ્યા છે. મારી ફરજ પ્રમાણે મેં તુરંત ગાડી ઊભી રાખી કામગીરી કરી રહેલી ટીમની મદદે ગયો હતો. બસમાં 30-35 લોકો ફસાયેલા હતા, જેમાં 15 જેટલા લોકોને વધારે ઈજાઓ થઈ છે.
સ્મીમેર હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા 24 મુસાફર
- વિષ્ણુ રૂપરામજી સુથાર (ઉંવ.38)
- લુખ્ખીબેન રૂપારામ સુથાર (ઉંવ.62)
- અનનોન (ઉંવ.30)
- અશોક ધનારામ પુરોહિત (ઉંવ.33)
- અનનોન (ઉંવ.40)
- દિપાલીબેન નવજીત સોનવણે (ઉંવ.40)
- મંજુબેન પ્રવિણ દેસાઈ (ઉંવ.27)
- પ્રવિણ રામા દેસાઈ (ઉંવ.36)
- રમેશ છોટુભાઈ ચૌધરી (ઉંવ.18)
- રાકેશ છોટુરામ હરજીવન (ઉંવ.21)
- શાંતિ રેવા ઠાકોર (ઉંવ.1)
- ગણપત વાલા ઠાકોર (ઉંવ.21)
- ચંપાલાલ છગ્નાસમ (ઉંવ.28)
- નવનીત પુંડલીંક સોનવણે (ઉંવ.48)
- દિલિપ લાલજીભાઈ વાઘેલા (ઉંવ.23)
- શિતલ દિલીપ વાઘેલા (ઉંવ.22)
- અકબરખાન હમીરખાન (ઉંવ.45)
- લાલજી રાજા વાઘેલા (ઉંવ.52)
- યોગીતા લાલજી વાઘેલા (ઉંવ.19)
- દિપિકા દિનેશ વાઘેલા (ઉંવ.19)
- અમરત ભાલુરામ ચૌધરી (ઉંવ.18)
- વિક્રમ પારસ દરજી (ઉંવ.22)
- વિમલાબેન લાલજી વાઘેલા (ઉંવ.28)
- પુરખા રાતવા રામ (ઉંવ.49)