વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ જાતિ અને ધર્મની રાજનીતિ છોડી વિકાસની રાજનીતિની શરૂઆત કરી લોકોને જોડયાઃ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ
પ્રથમ દિવસે આદિજાતિ વિકાસ વિભાગના કેબિનેટ મંત્રીશ્રી ડો.કુબેરભાઈ ડીંડોર અને રાજ્ય કક્ષાના મંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિ વિશેષ ઉપસ્થિત રહ્યા
આદિવાસી સમાજના લોક નૃત્ય નિહાળી સૌ મંત્રમુગ્ધ બન્યા, સાંસ્કૃતિક કાર્યક્રમો, વિવિધ ક્ષેત્રના આદિવાસી પ્રબુધ્ધ નાગરિકોનું સન્માન કરાયું
સરકારની વિવિધ યોજના તેમજ આદિવાસી સમાજની ખાદ્ય સામગ્રી અને ઔષધિઓના ૩૨ સ્ટોલ ગોઠવવામાં આવ્યા
ભારત સરકાર દ્વારા તા. ૧૫ નવેમ્બર બિરસા મુંડા જન્મજયંતિના ૧૫૦ વર્ષ પૂર્ણ થતા હોવાથી બિરસા મુંડાની ૧૫૦મી જન્મ જયંતિની ઉજવણી નિમિત્તે રાજ્ય સરકાર દ્વારા આદિજાતિ જન ઉત્કર્ષ મહોત્સવની બે દિવસીય ઉજવણીનો પ્રારંભ વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ધોડીપાડા ખાતે સાંસ્કૃતિક હોલમાં રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં રંગેચંગે પ્રારંભ કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે રાજ્યના આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પૌઢ શિક્ષણ વિભાગના કેબિનેટ મંત્રીશ્રી ડો.કુબેરભાઈ ડીંડોર તેમજ આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર, ગ્રામ વિકાસ વિભાગના રાજ્ય કક્ષાના મંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિની ગરિમામય ઉપસ્થિતિ રહી હતી. આ ઉજવણીમાં વલસાડ, નવસારી, ડાંગ અને સુરત જિલ્લાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
આ પ્રસંગે મુખ્ય મહેમાન પદેથી નાણાં મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે, દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ જાતિ અને ધર્મની રાજનીતિ છોડી વિકાસની રાજનીતિની શરૂઆત કરી લોકોને જોડયા છે. જેમાં ખાસ કરીને આદિવાસી સમાજને અભિનંદન આપવા પડે કે તેઓ પણ વિકાસની આ યાત્રામાં જોડાયા છે. સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાના લાભથી જે લોકો વંચિત છે તેમને પણ લાભ મળે તે માટે પ્રયાસ હાથ ધરવા જોઈએ. જે લોકોને યોજનાનો લાભ મળ્યો છે તે લોકોએ જે વંચિત છે તેને માહિતગાર કરવા જોઈએ. અધિકારીઓ દ્વારા પણ સરકારી યોજનાના લાભથી લોકોના જીવન ધોરણમાં આમૂલ પરિવર્તન આવ્યુ હોય તેની વાત લોકો સુધી પહોંચતી કરવી જોઈએ જેથી વધુમાં વધુ લોકો આ વિકાસ યાત્રામાં સહભાગી બની શકે. મંત્રીશ્રીએ આયુષ્યમાન કાર્ડ યોજનાનો ઉલ્લેખ કરી જણાવ્યું કે, સરકાર દ્વારા ૭૦ વર્ષથી વધુ વયના લોકો માટે વય વંદના આયુષ્યમાન કાર્ડ આપવાની શરૂઆત કરી છે તે ખૂબ જ સુંદર પ્રયાસ છે.
વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લાની બહેનો દૂધ મંડળીના વ્યવસાયમાં પુરૂષો કરતા પણ વધુ આવક મેળવી રહી છે. સખી મંડળ દ્વારા બહેનો આર્થિક રીતે પગભર બની છે. આદિવાસીઓના નામે જમીન થતા તેઓ લોન લઈ વિકાસ કરી રહ્યા છે. આટલુ જ નહી શિક્ષણ ક્ષેત્રે પણ આદિવાસી સમાજ આગળ આવે તે માટે બિરસા મુંડા યુનિવર્સિટી અને આશ્રમશાળા ચાલુ કરી છે. આપણે સૌ સાથે મળીને સુંદર સમાજની રચના કરીએ એવું આહવાન મંત્રીશ્રીએ કર્યુ હતું.
કેબિનેટ મંત્રીશ્રી ડો.કુબેરભાઈ ડીંડોરે જણાવ્યું કે, કેટલાક લોકો આદિવાસી સમાજને ગુમરાહ કરવાનું કામ કરી રહ્યા છે તે લોકોને ઓળખવાની જરૂર છે. ગ્રામ પંચાયતના સરપંચના પદથી લઈને ભારતના સર્વોચ્ચ પદ રાષ્ટ્રપતિના પદ પર આદિવાસી સમાજ જોવા મળી રહ્યો છે. સનાતન સંસ્કૃતિમાં પણ આદિવાસી સમાજના શબરી માતા, એકલવ્ય અને વાલ્મિકી ઋષિનું મહિમામંડન જોવા મળે છે. આ આપણી વિરાસત છે જેને ભૂલાવી દેવામાં આવી છે. વિદ્યાર્થીઓને આદિવાસી સમાજનો ગૌરવશાળી ઈતિહાસ ભણાવવામાં આવશે જેથી નવી પેઢીમાં આ વિરાસતનું જતન થઈ શકે. બિરસા મુંડાના ત્યાગ અને બલિદાનનો ઉલ્લેખ કરી મંત્રીશ્રીએ જણાવ્યું કે, અંગ્રેજો સામેની લડતમાં ભગવાન બિરસા મુંડાએ ‘‘જય જોહાર કા નારા હે, ભારત દેશ હમારા હે’’નો નારો આપ્યો હતો જ્યારે આપણા વડાપ્રધાનશ્રીએ એક ભારત, શ્રેષ્ઠ ભારતનો નારો આપ્યો છે. વડાપ્રધાનશ્રીએ આદિવાસી સમાજના ઉત્કર્ષ માટે રૂ. ૮૦ હજાર કરોડ ફાળવ્યા છે. જેથી અમુક તત્વોની વાતોમાં આદિવાસી સમાજે ભરમાવવાની જરૂર નથી.
આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર, ગ્રામ વિકાસ વિભાગના રાજ્ય કક્ષાના મંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિએ જણાવ્યુ કે, આપણે પ્રકૃતિ પૂજક છે. અમુક લોકો ભાગલા પાડી રાજ કરવાની નીતિ કરી રહ્યા છે તે લોકોને જાકારો આપજો. આદિવાસી સમાજ માટે સૌથી મોટુ બજેટ આપણા નાણા મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ આપ્યુ છે. જમીન અને આવાસ આપી આદિવાસી સમાજને સન્માન આપવાનું કામ સરકારે કર્યુ છે.
આ પ્રસંગે ઉમરગામના ધારાસભ્યશ્રી રમણલાલ પાટકરે જન્મથી લઈને મરણ સુધીની સરકારની ૨૪૧ જેટલી વિવિધ યોજનાઓનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. ગણદેવીના ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલે આદિવાસી સમાજ વિકાસની મુખ્ય ધારામાં જોડાય તે માટે સરકારે કરેલા કાર્યોનું વર્ણન કર્યુ હતું.
ઉજવણીના પ્રારંભે આદિવાસી સમાજના કલાકારો દ્વારા ભવાડા નૃત્ય, તુર નૃત્ય, મેવાસી નૃત્ય, કાહાડી નૃત્ય, ઘૈરેયા નૃત્ય અને ડોબરૂ નૃત્ય રજૂ કર્યુ હતું જે નિહાળી ઉપસ્થિત સૌ મંત્રમુગ્ધ થયા હતા. મંત્રીશ્રીઓના હસ્તે ભગવાન બિરસામુંડા સહિત દેવી દેવતાઓનું પૂજન કરવામાં આવ્યું હતું. ભગવાન બિરસા મુંડા/ આદિજાતિ વિભાગની ફિલ્મ બતાવવામાં આવી હતી. મહાનુભાવોના હસ્તે વિવિધ યોજનાના લાભાર્થીઓને સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. રમત ગમતક્ષેત્રે તેમજ અન્ય ક્ષેત્રે વિશિષ્ટ સિધ્ધિ મેળવનાર આદિવાસી પ્રબુધ્ધ નાગરિકોનું સન્માન કરવામાં આવ્યું હતું. સ્થળ પર વિવિધ યોજનાના તેમજ આદિવાસી ખાદ્ય સામગ્રી અને ઔષધિઓના ૩૨ સ્ટોલ ગોઠવવામાં આવ્યા હતા. જેનું ઉદઘાટન મંત્રીશ્રીઓના હસ્તે કરવામાં આવ્યું હતું.
આ ઉજવણી પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી મનહરભાઈ પટેલ, જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના અધ્યક્ષ ભરતભાઈ જાદવ, ઉમરગામ તાલુકા પંચાયતના પ્રમુખ લલિતાબેન દુમાડા, જિલ્લા કલેકટરશ્રી નૈમેષ દવે, પદ્મશ્રી ડો. યઝદી ઈટાલિયા, તાલુકા સંગઠન પ્રમુખ દીલીપ ભંડારી સહિત વિવિધ ગામના સરપંચો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
સ્વાગત પ્રવચન જિલ્લા વિકાસ અધિકારીશ્રી અતિરાગ ચપલોતે કર્યુ હતું. જ્યારે આભારવિધિ પારડી પ્રાંત અધિકારી નિરવ પટેલે કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન તારેશ સોનીએ કર્યુ હતું.