Namo Saraswati Yojana : ગુજરાતના વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને વર્ષ 2024-25ના ગુજરાત બજેટમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ માટે નવી યોજનાઓ જાહેર કરવામાં આવી હતી, ત્યારે રાજ્યના વિદ્યાર્થીઓને ધોરણ 11-12માં વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરવા માટે પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી રાજ્ય સરકાર દ્વારા નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનાનો અમલ કરાયો. આ યોજના હેઠળ ધોરણ 11 અને 12માં વિજ્ઞાન પ્રવાહમાં ભણતાં વિદ્યાર્થીઓને બે વર્ષ દરમિયાન કુલ 25,000 રૂપિયાની આર્થિક સહાય કરવામાં આવે છે. રાજ્ય સરકારે આ વર્ષના બજેટમાં 250 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે. ઉલ્લેખનીય છે કે, અત્યારસુધીમાં રાજ્ય સરકાર દ્વારા આ યોજના હેઠળ 2.50 લાખથી વધુ વિદ્યાર્થીઓને 28.46 કરોડ રૂપિયાથી વધુની સહાય ચૂકવવામાં આવી છે.
નમો સરસ્વતી યોજના હેઠળ લાભ મેળવવા માટે લાભાર્થીની પાત્રતા
જે વિદ્યાર્થીઓ ધોરણ-10ની બોર્ડ પરીક્ષામાં 50% કે તેથી વધુ ગુણ મેળવીને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSHSEB) અથવા કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ(CBSE)ની માન્યતા પ્રાપ્ત રાજ્યની સરકારી, અનુદાનિત અને સ્વ-નિર્ભર શાળાઓમાં ઉચ્ચતર માધ્યમિકમાં વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવે તેવા વિદ્યાર્થીઓને આ યોજના હેઠળ આર્થિક સહાય મળવાપાત્ર છે. જેમાં રાજ્યની સરકારી અથવા અનુદાનિત માધ્યમિક શાળાઓમાં ધોરણ-9 અને 10માં અભ્યાસ કર્યો હોય તેવા તમામ વિદ્યાર્થીઓ અને તેમની કુટુંબની વાર્ષિક આવક 6 લાખ રૂપિયા કે તેથી ઓછી હોય તેવા વિદ્યાર્થીઓને સહાયનો લાભ મળશે.
કેટલી મળશે આર્થિક સહાય?
આ યોજના હેઠળ ધોરણ 11ના વિદ્યાર્થીઓને માથાદીઠ વાર્ષિક 10,000 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓને માથાદીઠ વાર્ષિક 15,000ની સહાય આપવામાં આવે છે. આમ, બે વર્ષો દરમિયાન વિદ્યાર્થી દીઠ કુલ 25,000 રૂપિયાની આર્થિક સહાય ચૂકવવામાં આવે છે. આ સહાય પૈકી, ધોરણ 11 અને 12મા શૈક્ષણિક વર્ષ દરમિયાન 10 મહિના માટે માસિક 1000 મુજબ વાર્ષિક 10,000 પ્રમાણે બંને વર્ષના મળીને કુલ 20,000 ચૂકવવામાં આવે છે, જ્યારે બાકીના 5000 ધોરણ 12ની બોર્ડ પરીક્ષા પાસ કર્યા પછી મળવાપાત્ર રહે છે.
ગુજરાતની શાળાઓ દ્વારા આ યોજનાનું સંચાલન નમો સરસ્વતી પોર્ટલ પર કરાઈ છે. જેમાં શાળાઓ દ્વારા તેઓની શાળામાં દાખલ થયેલ ઉચ્ચતર માધ્યમિકમાં વિજ્ઞાનપ્રવાહના વિદ્યાર્થીઓની નોંધણી વિદ્યા સમીક્ષા કેન્દ્ર અંતર્ગત ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ (CTS) પોર્ટલમાં કરવામાં આવે છે. અને CTSમાં દાખલ થયેલી તમામ વિગતોને નમો સરસ્વતી પોર્ટલ પર લઈ જવામાં આવે છે. યોજના હેઠળ પાત્રતા ધરાવતાં વિદ્યાર્થીઓને આર્થિક સહાયની ચૂકવણી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) મારફતે વિદ્યાર્થીની માતાના બૅંક ખાતામાં અને માતા હયાત ન હોય તેવા કિસ્સામાં સીધા વિદ્યાર્થીના બૅંક ખાતામાં જમા કરવામાં આવે છે. વિદ્યાર્થીને સરકારની અન્ય કોઈ યોજના હેઠળ સ્કોલરશિપનો લાભ મળતો હોય તો પણ આ યોજનાનો લાભ વધારાના લાભ તરીકે મળવાપાત્ર છે.