64 કરોડના ખર્ચે બનેલાં એક કિમી લાંબા ધંધુકા રેલવે ઓવરબ્રિજનું આખરે લોકાર્પણ !

0
22

– હાઈ-વે પર રેલવે ફાટકના કારણે માનવ કલાકો, ઈંધણનો વ્યય થતો હતો : હવે બચત થશે

– બ્રિજનું કામ પાંચેક વર્ષથી ટેકનિકલ કારણોસર વિલંબિત હતું : બ્રિજ શરૂ થતાં અમદાવાદ, સુરતથી સાળંગપુર-સૌરાષ્ટ્રને જોડતાં યાત્રિકો-ઉદ્યોગકારોને ટ્રાફિક સમસ્યામાંથી રાહત મળશે

ભાવનગર : અમદાવાદથી ભાવનગર, અમરેલી, બોટાદ સહિત સૌરાષ્ટ્રમાં અવર-જવર કરતાં વાહનચાલકો માટે વર્ષોથી માથાના દુઃખાવા સમાન બનેલાં ધંધુકા રેલવે ઓવરબ્રિજનું આશરે પાંચેક વર્ષે કામ પૂર્ણ થતાં આજે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ૬૪ કરોડના ખર્ચે બનેલાં એક કિમી લાંબા આ બ્રિજના કારણે અમદાવાદ શહેર-જિલ્લા સહિત સૌરાષ્ટ્રથી સુરત અને સુરતથી સૌરાષ્ટ્ર જતા યાત્રિકો તથા ઉદ્યોગકારો માટે આ રેલવે ઓવરબ્રિજ આશીર્વાદરૂપ સાબિત થશે.

રાજયના આરોગ્ય મંત્રી અને અમદાવાદ જિલ્લાના પ્રભારીના હસ્તે લોકાર્પિત થયેલાં આ ઓવરબ્રિજનું કામ અંદાજે પાંચેક વર્ષ ચાલ્યું હતું. આમ તો વર્ષ-૨૦૧૭થી શરૂ થયેલાં એક કિમી લાંબા આ બ્રિજના કામના કારણે હાઈ-વે પર ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું.જેના કારણે ટ્રાફિકની સમસ્યા ઘેરી બની હતી. દરમિયાનમાં સ્ટેટ આર એન્ડ બી વિભાગને વર્ષ-૨૦૧૯માં આ બ્રિજ પર રેલવે વિભાગે કરવાની કામગીરી પણ સોંપવામાં આવી હતી. જે એક વર્ષમાં પૂર્ણ કરવાની હતી. પરંતુ, સતત બે વર્ષ સુધી કોરોના કાળ અને બાદમાં રેલવે વિભાગ તરફથી મંજૂરીમાં સર્જાતાં ટેકનિકલ કારણોસર કામમાં વિલંબ સર્જાતા બ્રિજનું કામ વિલંબીત થયું હતું.

આ પણ અધુરૂં હોય તેમ હાઈ-વે પર ચાલું ટ્રાફિકની કામગીરી વચ્ચે બ્રિજ પર આવેલાં રેલવેના ૫૪ મીટર સ્પાનનો ગાળો ૧૧૩૭ મેટ્રિક ટન ફેબ્રિકેશન સ્ટીલથી બનાવવામાં આવ્યો હતો. આ જટીલ કામગીરીમાં પણ સમય લાગવાના કારણ બેવડાં સમયે આ બ્રિજનું કામ પૂર્ણ થયું હતું. તેમ સૂત્રાએ જણાવ્યું હતું.આખરે અક કિમી લાંબો સ્પાન ઓવરબ્રિજ બનીને તૈયાર થઈ જતાં આજે તેને લોકાર્પિત કરાયો હતો. મહત્વપૂર્ણ છે કે, અમદાવાદથી વાયા ધંધુકા થઈને સૌરાષ્ટ્રને જોડતાં આ હાઈ-વે પર રેલવે ફાટક હોવાના કારણે વાહનચાલકોને ભારે વિલંબનો સામનો કરવો પડતો હતો. હવે જયારે, આજે ઓવરબ્રિજ લોકાર્પિત થતાં ટ્રાફિક હાઈ-વે પરનો ટ્રાફિક ડ્રાઈવર્ટ થવાની સાથે ફાટક પર જે વિલંબ કરવો પડતો હતો તેમાં મહદઅંશે રાહત મળશે તથા પ્રજાજનોના ઇંધણ, પૈસા અને સમયની બચત થશે. એટલું જ નહીં, ધંધુકા સહિત સાળંગપુર ધામ અને સૌરાષ્ટ્ર અવરજવર કરતા લોકો તેમજ સૌરાષ્ટ્ર થી સુરત વાયા ધંધુકા જતા લોકો માટે આ રેલવે ઓવરબ્રિજ આર્શીવાદ સમાન સાબિત થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here