મોત નો મલાજો! (બોધકથા.)
✒️ ફાલ્ગુની વસાવડા (ભાવનગર)
જૂનાં જમાનાનાં સ્નાન સૂતકના રિવાજ, કુટુંબનાં પ્રેમ સંબંધને ટકાવી રાખનારા હતાં!
સાંપ્રત સમયમાં બે પેઢી વચ્ચેનો જનરેશન ગેપ વધતો જાય છે, અને એક જ પરિવારમા રહેતાં હોવા છતાં, ઘરના સદસ્યો વચ્ચે હવે પહેલાં જેવું બોન્ડીંગ નથી, એવું લાગે. ટૂંકમાં પરિવાર લાગણીની બાબતે કંગાળ થતો જાય છે, કારણકે વ્યવહાર રુપિયાની રીતે જોવામાં આવે છે. જ્યારે ભેગા થાય ત્યારે એને વિશે ચર્ચા થાય કે પહેલા તો..! જેમ કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માં ભીડેનું સ્પેશિયલ વાક્ય “હમારે જમાને તો…. આજે બુધવારની બોધકથામાં જૂનાં રિત રિવાજ કે જે વિચારવામાં ખરેખર જૂનવાણી લાગે! પણ અમુક રિવાજો સારાં પણ હતાં, જેમ કે “સૂતક”! શું સૂતક પાળવું જોઈએ? એમાં ન જતાં એ રિવાજને કારણે પરિવારમાં એક બોન્ડિગ રહેતું એ સત્ય છે.
સાંજનું બધું કામ પરવારીને માધવી પોતાના એપાર્ટમેન્ટમાં બધાનાં આવવાની રાહ જોઈને બેઠી હતી. એની નજર ઘડિયાળ તરફ ગઈ અને એને વિચાર્યું કે હજી તો અડધી કલાક છે. મોના અને મોન્ટુ પોતાના ટ્યુશન ક્લાસ માંથી ફ્રેન્ડ સર્કલમાં જશે! ક્યાંક ટીપોસ્ટ પર ચા પીશે અથવા ગરમાગરમ સૂપ પીશે! અને પછી ઘરે આવશે, તો મૌલેશને પણ કંઈક કંઈક તો હોય જ! એક પોતે છે કે આ ઘર નામના ખીલે બંધાયેલી છે. ત્યાં જ એનાં ફોનની રીંગ વાગી અને એણે ફોન ઉપાડ્યો, તો સામેથી એની નણંદ સુરેખાનો અવાજ આવ્યો! ભાભી ચંદુ કાકા ગુજરી ગયા છે! અને આવતીકાલે સવારે અંતિમવિધિ રાખી છે! ભાઈને કહેજો સાવ ઘરનું મરણ છે! અને હવે તો કુટુંબમાં કોઈ વડીલ રહ્યું પણ નથી એટલે જવું પડશે, અને પપ્પાના સગાં ભાઈ એટલે આપણને તેર દિવસનું સૂતક પણ લાગે! પણ મૌલેશને આની માટે સમજાવવા એ બહુ અઘરું કાર્ય હતું. એટલે એવું નહોતું કે એને લાગણી નહોતી, પણ એ શોક સૂતકમાં માનતા નહોતા.
માધવીને પોતે પરણીને આવી એ દિવસો યાદ આવી ગયાં, એટલે કે મૌલેશના મા કપિલા બા ત્યારે જીવતા હતા. બહુ નાની ઉંમરે વિધવા થયા હતાં, એટલે મર્યાદાને નામે સમાજે એની પર બહુ પાબંદી લગાવી હતી, અને એને કારણે એ એકદમ રુઢિચુસ્ત હતાં! મઝાલ છે કોઈની કે એની વાત ન માને! કુટુંબનું કોઈપણ મરણ થાય એટલે તેર દિવસ સુધી કાળા કે સફેદ કપડા પહેરવાનાં, ઘરમાં કોઈ સારું પકવાન બને નહીં, નજીકનું મરણ હોય તો ચૂંક ચાંદલામાં પણ શોક! ટીવી તો એ સમયે હતાં નહીં, પણ ફિલ્મ જોવા જવું કે રેસ્ટોરન્ટમાં જવું એવું કંઈ જ નહીં! સગાં સંબંધીને ત્યાં સારો પ્રસંગ હોય તો એમાં પણ જવાનું નહીં. નાની મોટી કોઈ નવી ખરીદી પણ કરવાની નહીં, રેડિયો સાંભળવાનો નહીં, ગીત ગાવાનાં નહીં અને બને એટલું એની પાછળ ગીતાપાઠ ભજન કે નામ સ્મરણ કરવાનું. સાવ નજીકનું હોય તો વર્ષી વાળે ત્યાં સુધી અમુક શોક રાખવા પડતા! અને સાચે એને પણ ત્યારે આ બધું વધું પડતું લાગતું! પણ આજે જે રીતે મરણ વિધિને તેર દિવસમાં જ પતાવી દેવામાં આવે છે, એ વિચારતાં એવું લાગે કે, થોડુંક સારું પણ હતું! એટલે કે મરનાર કે જેણે આ કુટુંબ માટે આખી જિંદગી જે કંઈ સમર્પણ કર્યું હોય એને થોડુંકે માન સન્માન પણ મળવું જ જોઈએ! બા કાયમ કહેતા મોત નો મલાજો જળવાય નહીં તો ખાક છે, આપણા સંસ્કારોમાં! હા દેવ દર્શન કે પૂજા વિધિનો બાદ એણે ક્યારેય રાખ્યો નહોતો! આસપાસનાં ઘરમાં ક્યાંક એ દિવસોમાં ધાર્મિક યજ્ઞ કે એવું કંઈ હોય તો અખંડ દીવાનું ઘી મુકવા જવાનું કહે! પ્રસાદ પણ મોકલે ! નબળો પરિવાર હોય તો રુપિયા પણ મોકલે! ઘરમાંથી ઠામ વાસણ બાજોઠ પાટલા કે વસ્ત્રો પણ પહેરવા માટે આપે! આવી સમાજસેવા માટે પોતાની જરૂરિયાત પર કાપ મૂકવા માટે હંમેશા તત્પર!
માધવીએ સ્નાન કરીને સફેદ કપડા પહેર્યાં, કારણકે એ પરણીને આવી ત્યારે, ચંદુકાકા એ તેને ખૂબ લાડ કર્યા હતાં, જ્યારે આવે ત્યારે કંઈક કંઈક લઈને જ આવે, અને એ ચંદુકાકા વિશે વિચારવા લાગી એમ એમ એમનાં જવાનું દુઃખ વધતું ગયું, પછી વારાફરતી ત્રણે જણા આવી ગયાં. માધવીએ સુરેખાનો ફોન આવ્યો હતો, અને ચંદુકાકા ગુજરી ગયાની વાત કરી, અને ડરતાં ડરતાં 13 દિવસના સુતકની પણ વાત કરી. મૌલેશ એકદમ હસી પડ્યો, અને કહ્યું શું માધવી તું પણ જૂનવાણી થતી જાય છે! આ ઉંમરની અસર છે કે પછી.. માધવી એ કહ્યું ના આ મોતનો મલાજો છે.. અને મેં નક્કી કર્યું છે કે હું એ રાખીશ. મૌલેશ વિચારો આવતીકાલે આપણે પણ… શું તેર દિવસ સુધી આપણા સંતાનો આપણને યાદ કરે, આપણો પરિવાર આપણને યાદ કરે, કે આપણી માટે કંઈક છોડે તો આપણને ગમે કે ન ગમે,? જેણે આપણી માટે જીંદગી ખર્ચી નાખી હોય એની માટે આપણે કંઈ જતું ન કરી શકીએ? આપણે રીત રિવાજને અપનાવીશું, તો આપણા સંતાનો પણ એ શીખશે! આટલું બોલી માધવી મૌલેશને વિચારતો મુકી કિચન તરફ ચાલી ગઈ.
જમવામાં ખીચડી શાક જોઈ મોના અને મોન્ટુ એ મોઢું બગાડ્યું, એટલે માધવીએ કહ્યું બેટા ચંદુ કાકા ગુજરી ગયા છે એટલે 13 દિવસ સુધી ઘરમાં કોઈ વ્યંજન નહીં બને! કોણ ચંદુકાકા! અમે તો એને એટલાં જોયા પણ નથી? તો એની માટે અમે શું કામ શોક રાખીએ! શું મોમ તું પણ 21મી સદીમાં આ શોક અને સુતક લઈને બેઠી છે! મૌલેશે ચુપકી તોડતા કહ્યું ચંદુકાકા મારા કાકા હતા, અને મારા પપ્પા બહું નાની ઉંમરમાં ગુજરી ગયાં એટલે ભણવામાં જોઈતી બધી વસ્તુઓ એ લાવી આપતાં અને સુરેખાને તો પહેલું રમકડું પણ એમણે જ અપાવ્યું હતું. પહેલાં વિધવા માટે બહુ કુરિવાજો હતાં, અને ત્યારે બા માટે પણ એ સમાજ સામે દિવાલ થઇને ઉભા રહેતાં. માધવી સાચું કહે છે! હું બધું ભૂલીને એની ખબર કાઢવા પણ ન ગયો!; એનો મને બહુ અફસોસ થાય છે, પણ એનાં મોતનો મલાજો તો હું પણ રાખીશ! તમે લોકો સાચું કહો છો કે એની સાથે તમારે કોઈ લેવાદેવા નથી! પણ આ ડેડી સાથે તો છે ને! એ ન્હોત તો હું આટલું ભણી શક્યો ન્હોત! એણે કાયમ મને શારિરીક માનસિક અને આર્થિક બળ પૂરું પાડ્યું છે. મારી આજની પોઝિશન માટે એ જવાબદાર છે! અને આ પોઝિશન છે, તો તમારા બધાં મોજશોખ છે! કોઈ દબાણ નથી, પણ વિચારો કે એનો કંઈ રીતે આભાર માનશો! મોન્ટુ અને મોના બંને એ કહ્યું યસ ડેડી! અમે પણ એમના મોત નો મલાજો રાખીશું…
તો મિત્રો આવાં રિવાજ કે જે પરિવારને જોડતા હતાં, એકબીજાના દુઃખ દર્દ માટે કુરબાની આપવા કાયમ તૈયાર રહેતા હતાં. ક્યાંક આધુનિક એટિટ્યુટ કે ક્યાંક આત્મા અમર છે, એવું અધુરું જ્ઞાન અને ક્યાંક વધતી ભોગ વૃત્તિનું વળગણ ! શું પહેલાંનાં લોકો અજ્ઞાની હતાં! એમને આટલું ગીતાનું સહજ જ્ઞાન નહોતું ? પણ આપણા વડવાઓ પાસે એવું કંઈક તો હતું જ, જે આપણે ચૂકી ગયાં અને એટલે પરિવાર તૂટે છે.