હિંમતનગરના રાજપુર (નવા) કામધેનુ યુનિવર્સિટી ખાતે મંત્રીશ્રી જીતુભાઈ ચૌધરીના હસ્તે સ્નાતક અને અનુસ્નાતક મત્સ્યવિજ્ઞાન મહાવિદ્યાલયનું ભૂમિ પૂજન અને નવીન છાત્રાલય ભવનનું લોકાર્પણ
કેન્દ્રિય કેબિનેટ મંત્રીશ્રી પુરૂષોતમ રૂપાલા વર્ચ્યુઅલ માધ્યમ થકી ઉપસ્થિત રહ્યા
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના રાજપુર (નવા) કામધેનુ યુનિવર્સિટી ખાતે રાજ્ય કક્ષાના કલ્પસર, મત્સ્યઉદ્યોગ, નર્મદા જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રીશ્રી જીતુભાઈ ચૌધરીના વરદ હસ્તે સ્નાતક અને અનુસ્નાતક મત્સ્યવિજ્ઞાન મહાવિદ્યાલયના ભૂમિ પૂજન તથા ભાઈઓ માટેની છાત્રાલય ભવનનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્ર્મમાં વર્ચ્યુઅલ માધ્યમથી કેબિનેટમંત્રીશ્રી પુરૂષોત્તમ રૂપાલા હાજર રહ્યા હતા.
આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, આજે અહિં વિધાર્થીઓ માટેના અધ્યતન સુવિધાઓથી સજ્જ ૩૬ રૂમો અને ૧૦૮ વિધાર્થીઓની ક્ષમતાવાળા નવીન છાત્રાલયને ખુલ્લું મુકવામાં આવ્યું છે.
તેમજ સ્નાતક અને અનુસ્નાતક મત્સ્યવિજ્ઞાન મહાવિદ્યાલયનું ભૂમિ પુજન છે. જે ગુજરાતમાં આ ત્રીજી ફિશરીંગ કોલેજ બનવા જઈ રહી છે. વેરાવળ અને વલસાડ દરિયા કિનારે આવેલા છે ત્યાં મત્સ્યઉધોગ છે જ પરંતુ દરિયા કિનારાથી દૂર અહિં ઉત્તર ગુજરાતમાં મત્સ્યઉધોગના વિકાસ થકી મીઠા પાણીની માછલીઓનું સંવર્ધન અને તેના વેચાણ થકી યુવાનોને રોજગારીની નવી તકો પ્રાપ્ત થશે. ગુજરાતને ૧૬૦૦ કિલોમીટરનો લાંબો દરિયા કિનારો મળ્યો છે. જેનો ઉપયોગ મત્સ્યઉધોગના વિકાસ માટે કરી સરકારે ખુબ જ મોટી રોજગારી ઉભી કરી છે. ગુજરાતમાં શ્વેતકાંતિ થકી મહિલાઓને પગભર બનાવવામાં આવી છે. આ મત્સ્યઉધોગ થકી ગામના તળાવોમાં મત્સ્યપાલન થકી રોજગારીની તકોમાં વૃધ્ધિ થશે અને યુવાનોને ઘર આંગણે રોજગાર મળશે.
વધુમાં મંત્રીશ્રીએ જણાવ્યું હતુ કે, જેમ આપણી અમુલ ડેરી દેશમાં દૂધ ઉત્પાદનમાં અગ્રેસર છે તેમ આપણે મત્સ્ય ઉધોગના વિકાસ થકી મત્સ્યપાલનમાં દેશમાં અગ્રેસર બનવા તરફ આગળ વધવાનું છે. આ સંસ્થા આ સ્વપ્નને સાકાર કરવા તરફ પ્રથમ ડગ છે. આ ઉધોગ થકી રાજ્ય સરકાર માટે નવી રેવન્યુ જનરેટ થશે અને આર્થિક સધ્ધરતામાં વધારો થશે.
કેન્દ્રિય કેબિનેટ મંત્રીશ્રી પુરૂષોતમ રૂપાલાએ વર્ચ્યુઅલ માધ્યમથી ઉપસ્થિત રહી જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી ગુજરાતને દેશનુ રોલ મોડલ બનાવ્યું છે. વાઇબ્રન્ટ થકી ગુજરાતમાં રોકાણ લાવી આર્થિક સમૃધ્ધિ વધારી છે. કામધેનું યુનિવર્સિટી તેમની દિર્ધ દ્રષ્ટિનું ફળ છે. આત્મનિર્ભર ગુજરાત થકી આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવાનું પગથિયું છે. આ અનુસ્નાતક કક્ષાની ફિશરીંગ કોલેજ ભારતની પ્રથમ કોલેજ છે જે સાબરકાંઠા ગુજરાત માટે ગૌરવની વાત હોવાનું જણાવ્યું હતું. દેશમાં હાલ સ્નાતક કક્ષા સુધીની જ કોલેજો ઉપલબ્ધ હતી. ગુજરાતના યુવાનો ટેકનોલોજીના ઉપયોગ થકી આ ઉધોગ સાથે જોડાઇને ભવિષ્યમાં દક્ષિણના રાજ્યોથી પણ વધુ મત્સ્યપાલન કરી આર્થિક રીતે સધ્ધર બને તેવી નેમ વ્યક્ત કરી સુંદર માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું.
આ પ્રસંગે કૃષિ, પશુપાલન અને ગૌ-સંવર્ધન મંત્રીશ્રી રાઘવજી પટેલે પોતાનો શુભેચ્છા સંદેશ મોકલ્યો હતો.
આ પ્રસંગે સાંસદશ્રી દિપસિંહ રાઠોડે પ્રાસંગિક પ્રવચન કર્યું હતું આ પ્રસંગે સચિવશ્રી ઉપાધ્યાય, મત્સ્ય ઉધોગ નિયામકશ્રી નિતીન સાંઘવાન, કામધેનુ યુનિવર્સિટી કુલપતિશ્રી કેલાવાલા, કામધેનુ યુનિવર્સિટી કુલસચિવશ્રી ડો. બ્રહ્મક્ષત્રી, સંસ્થાના કાર્યપાલક ઇજનેરશ્રી, વેટેનરી વિભાગના ડૉકટરો, સ્ટાફ અને વિધાર્થિઓ આ પ્રસંગે વર્ચ્યઅલ માધ્યમથી જોડાયા હતા.
Ad..