વૈભવી જોશી
- ખબર નહિ કેમ મને લાગે છે કે ઈશ્વરનાં દરબારમાં પણ મનોરંજનની ખોટ પડી હશે એટલે જ છેલ્લાં ૨ વર્ષોમાં એક પછી એક બહુમુખી પ્રતિભાઓ અનંતની યાત્રાએ નીકળી પડી છે. ગયાં વર્ષે આજનાં દિવસે ગુજરાતી સિનેમાનાં સુવર્ણ ઈતિહાસનાં સાક્ષી રહેલાં શ્રી અરવિંદ જોશી પણ આ યાત્રાએ નીકળી પડ્યા હતાં. આજે એમની પ્રથમ પુણ્યતિથિ પર એમને યાદ કર્યા વગર કેમ રહેવાય.
ગુજરાતી રંગભૂમિનું એક દિગ્ગજ નામ એટલે શ્રી અરવિંદ જોશી. ઉત્તમ કલાકાર, નાટ્યકર્મી, નિર્માતા અને બોલિવૂડ અભિનેતા અને એ છતાંય ગયાં વર્ષે મોટાં ભાગે સવારથી જ્યાં જુવો ત્યાં શરમન જોશીનાં પિતાનું નિધન થયાનાં સમાચાર સાંભળી થોડું વધારે દુઃખ પણ થયેલું. આ એમની સાચી ઓળખ કેવી રીતે હોઈ શકે? એમની ઓળખ શરમન જોશીનાં પિતા કરતા ઘણી વધારે છે. એક આખી પેઢી આ નામ ખૂબ સારી રીતે જાણે છે કે જેમના આમ ચાલ્યા જવાથી ગુજરાતી સિને જગત અને રંગભૂમિને કદીય ન પુરાય એવી ખોટ પડેલી.
કદાચ આ એક જ એવું ગુજરાતી પરિવાર હશે જેના પરિવારનાં મોટાં ભાગનાં સભ્યો અભિનય ક્ષેત્રે સંકળાયેલાં છે. અરવિંદ જોશીને બે ભાઈ પ્રવીણ જોશી અને હેમંત જોશી. પ્રવીણ જોશીને કદાચ જ કોઈ નહિ ઓળખતું હોય અને જે નહિ ઓળખતું હોય એ ગુજરાતી તો નહિ જ હોય. પ્રવીણ જોશીનાં પત્ની એટલે પદ્મશ્રી સરિતા જોશી અને સરિતા જોશી એટલે સ્વ.પદ્મારાણીનાં બહેન.
આ બંને દિગ્ગજ નામો જે કોઈ પણ પ્રકારનાં પરિચયનાં મહોતાજ નથી. સરિતા જોશીની બંને દીકરીઓ પૂર્બી જોશી અને કેતકી દવે બંને અભિનય ક્ષેત્રમાં ખુબ આગળ પડતા. કેતકી દવેનાં પતિ રસિક દવે પણ એક ઉત્તમ કલાકાર અને એમની દીકરી રિદ્ધિ દવે પણ એટલી જ સરસ અદાકારા.
અરવિંદ જોશીનાં પોતાના બંને સંતાનો શરમન જોશી અને માનસી જોશી રોય. અરવિંદ જોશીનાં પુત્ર શરમન જોશી જે પોતે એક ઉત્કૃષ્ટ અભિનેતા છે અને એમણે પ્રેમ ચોપરાની દીકરી પ્રેરણા સાથે લગ્ન કર્યા છે, જ્યારે તેમની દીકરી માનસી જોશીએ અભિનેતા રોહિત રોય સાથે લગ્ન કર્યા છે. રોહિત રોય એટલે અભિનેતા રોનિત રોયનો ભાઈ. આ બંને ભાઈઓ પણ ખૂબ સરસ અભિનેતા. અરવિંદ જોશી અને એમના પરિવારને ધ્યાનમાં રાખી જો આ પંક્તિ હું ટાંકુ કે ‘જ્યાં જ્યાં નજર મારી ઠરે ત્યાં ત્યાં કલાકારોની યાદી ભરી છે’ તો એમાં જરાય અતિશયોક્તિ નથી લાગતી.
ઈ.સ. ૧૯૬૧માં ‘ચૂંદડી ચોખા’ જેવી ગુજરાતી ફિલ્મમાં અભિનય કરનારા અરવિંદ જોશીએ ‘કંકુ’, ‘વેલીને આવ્યાં ફૂલ’, ‘જનમટીપ’, ’રા માંડલિક’, ‘વેરનો વારસ’, ‘ડાકુરાણી ગંગા’, ‘ઘેર ઘેર માટીના ચૂલા’, ‘ગરવો ગરાસિયો’, ‘ઢોલા મારૂ’, ‘નાણાં વગરનો નાથિયો’, ‘ફૂટપાથની રાણી’, ‘વણઝારી વાવ’ જેવી સંખ્યાબંધ જાણીતી ગુજરાતી ફિલ્મોમાં અભિનય કર્યો હતો.
ગુજરાતી નાટ્યજગતમાં તેમણે અભિનેતા ઉપરાંત લેખક, દિગ્દર્શક, નિર્માતા જેવી અનેકવિધ ભૂમિકાઓ ભજવી હતી. અરવિંદ જોશીએ ‘એની સુગંધનો દરિયો’ અને ‘દર્પણની આરપાર’ જેવાં નાટકો પોતે લખ્યા છે. સાથે જ તેમણે ઘણા નાટકો પ્રોડ્યુસ કર્યા છે અને ઘણા નાટકોમાં અભિનય પણ કર્યો છે.
૧૯૬૧માં આઈ.એન.ટી. દ્વારા નિર્મિત ‘કૌમાર અસંભવમ્’ નાટકમાં પ્રવીણ જોશીનાં નિર્દેશન હેઠળ ભૂમિકા ભજવી, વ્યાવસાયિક અભિનેતા તરીકે પદાર્પણ કર્યું. તે પછીનાં વર્ષોમાં એ સંસ્થાનાં ‘મીનપિયાસી’, ‘અલિકબાબુ’, ‘કોઈનો લાડકવાયો’, ‘મને રોકો મા’, ‘માણસ નામે કારાગાર’, ‘તિલોત્તમા’, ‘અગનખેલ’, ‘ધુમ્મસ’, ‘મોતી વેરાણાં ચોકમાં’, ‘શરત’, ‘ખેલંદો’ (દિગ્દર્શક પ્રવીણ જોશી), ‘હિમડંખ’, ‘લીલાલહેર’ (દિગ્દર્શક અરવિંદ ઠક્કર), ‘તહોમત’ (દિગ્દર્શક સુરેશ રાજડા) વગેરે નાટકોમાં તથા ‘સળગ્યાં સૂરજમુખી’, ‘બાણશૈય્યા’, ‘લાક્ષાગૃહ’, ‘મોસમ છલકે’ ‘બરફનાં ચહેરા’, ‘દર્પણની આરપાર’, ‘લેડી લાલકુંવર’, જેવાં અન્ય સંસ્થાનાં નાટકોમાં તેમજ ‘સરી જતી સુંદરી’, ‘કાચનો ચંદ્ર’, ‘ગીધડાં’, ‘કાળચક્ર’, ‘પુનર્જન્મ’, ‘રાહુકેતુ’, ‘વૃશ્ચિક’, ‘એની સુગંધનો દરિયો’ જેવાં સ્વદિગ્દર્શિત નાટકોમાં અનેકવિધ ભૂમિકાઓ ભજવી.
સમકાલીન ગુજરાતી નાટકોનાં નામ સાથે એમને સરખાવીએ એટલે તુરત આપણને એમનાં દરજ્જાનો ખ્યાલ આવી જાય. એમણે પાંચ દાયકાથી વધુ લાંબી પોતાની રંગભૂમિની સફરમાં કદી કાંઈ મોળુ કે નબળું પસંદ જ નહોતુ કર્યું. નાટકોમાં અભિનય કહો, મૌલિક નાટયલેખન કહો કે રૂપાંતર કહો અથવા તો દિગ્દર્શનની વાત કરો – અરવિંદ જોશી કાયમ મુઠી ઉંચેરા જ રહ્યા. ‘બાણશૈય્યા’ નાટકમાં એમણે આંબેલી અભિનયની બુલંદી સુધી આજ સુધી કોઈ બીજો ગુજરાતી અભિનેતા પહોંચી નથી શક્યો.
આજે જાણીને અચરજ થાય કે ૨૯ ઓક્ટોબર ૧૯૩૬માં જન્મેલાં ગુજરાતી રંગભૂમિનાં આ મોભીએ ૧૯૬૨માં બેકસ્ટેજથી પોતાની કરીઅર શરૂ કરી હતી. નાટકનાં દરેક પાસાનો એમણે ૩ વર્ષ સુધી ઝીણવટપૂર્વક અભ્યાસ કર્યા બાદ આઈ.એન.ટી.નાં નાટકમાં એમના ભાઈ પ્રવીણ જોશીએ એમને બ્રેક આપ્યો હતો. પ્રવીણભાઈ એમના નાનાં ભાઈ હતાં છતાં તેઓ નાટકનાં રિહર્સલમાં દિગ્દર્શક તરીકે એમનો જ શબ્દ અંતિમ ગણી એને માથે ચડાવતાં. એટલા માટે કે એમણે પોતાના અનુજની નાટય પ્રતિભાને પારખી લીધી હતી. ખેલંદો નાટકમાં બંને ભાઈઓનાં અભિયની જુગલીબંદી જુની પેઢીનાં નાટયરસિકો આજે પણ નથી ભુલ્યા.
એમણે ગુજરાતી નાટક ઉપરાંત ઘણી બધી હિન્દી સીરીયલમાં પણ તેમના અભિનયનાં ઓજસ પાથર્યા હતાં. ગુજરાતી ફિલ્મો સિવાય અરવિંદ જોશીએ હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ પોતાનું પ્રદાન કર્યું હતું. ક્લાસિક હિટ ફિલ્મ ‘શોલે’માં તેમણે અભિનય કરવા ઉપરાંત આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે પણ કામ કર્યું હતું.
આ ઉપરાંત તેમણે રાજેશ ખન્ના-નંદા સ્ટારર ફિલ્મ ‘ઇત્તેફાક’માં યશ ચોપરાને આસિસ્ટ કર્યા હતાં. આ ઉપરાંત ઈ.સ. ૧૯૯૦માં આવેલી ફિલ્મ ‘અપમાન કી આગ’માં તેમણે ઇન્સ્પેક્ટર પ્રભાકરની ભૂમિકા ભજવી હતી. સંજય દત્ત-કુમાર ગૌરવને ચમકાવતી મહેશ ભટ્ટની સુપરહિટ ફિલ્મ ‘નામ’માં પણ અરવિંદ જોશીએ પૂનમ ધિલ્લોનનાં પિતાની ભૂમિકા ભજવી હતી.
અરવિંદ જોશીએ તેમના ભાઈ પ્રવીણ જોશીની સાથે ખેલંદો, રાહુકેતુ જેવા આઈ.એન.ટી. દ્વારા પ્રોડ્યુસ કરાયેલાં નાટકોમાં સાથે કામ કર્યું છે. બંન્ને ઘણાં વરસો આઈ.એન.ટી.માં સાથે રહ્યા પછી અરવિંદભાઈએ આઈ.એન.ટી. છોડવાનું નક્કી કર્યુ અને પૂછયું, “પ્રવીણ હું મારી સંસ્થાનું નામ શું રાખું?” પ્રવીણભાઈ કહે, “અરવિંદ, તું આઈ.એન.ટી. માંથી જઈ રહ્યો છે, પ્રસ્થાન કરી રહ્યો છે તો પ્રસ્થાન જ નામ રાખ” જે એકી અવાજે બધાએ વધાવી લીધું. પોતાની સ્વતંત્ર નાટ્યસંસ્થા ‘પ્રસ્થાન’નાં નેજા હેઠળ ઉત્કૃષ્ટ નાટકોનું નિર્માણ અને નિર્દેશન કર્યું હતું.
આજપર્યંત ૭૦ જેટલાં ગુજરાતી નાટકો, ૬૫ જેટલી હિંદી ફિલ્મો, ૫ ટીવી ફિલ્મ, ૧૧ ગુજરાતી-હિંદી ટીવી શ્રેણીમાં અભિનય; ૧૫ જેટલાં ગુજરાતી નાટકોનું નિર્માણ, ૬ નાટકોનું લેખન, ૩૫ જેટલાં નાટકોનું દિગ્દર્શન, તેમજ ગુજરાત સરકારના માહિતી ખાતા માટે ‘ભવાઈ, જૂની રંગભૂમિ, નવી રંગભૂમિ’ એમ ૩ ભાગમાં વહેંચાયેલી દસ્તાવેજી ફિલ્મનું નિર્માણ, ‘ગુજરાતની નાટ્યકળા’નું યશસ્વી નિર્માણ અને નિર્દેશન પણ કર્યું.
એમના નાટકોનાં ૭૦૦૦થી વધુ પ્રયોગ થયાં છે. અનેક રેકોર્ડ સર્જનાર શ્રી પદ્મારાણીનાં અભિનયથી શોભી ઉઠેલાં નાટક ‘બા રિટાયર થાય છે’ નું મરાઠીમાંથી ગુજરાતીમાં રૂપાંતર પણ એમણે જ કર્યું હતું. ‘એની સુગંધનો દરિયો’ નાટકમાં એમણે અભિનેતા, લેખક અને દિગ્દર્શક તરીકે ટ્રિપલ રોલ ભજવ્યો હતો.
ગુજરાત રાજ્યનો ‘શ્રેષ્ઠ સહાયક ફિલ્મ અભિનેતા’નો પુરસ્કાર, મહારાષ્ટ્ર રાજ્ય નાટ્યસ્પર્ધામાં અનેક વાર ‘શ્રેષ્ઠ અભિનેતા’નો પુરસ્કાર, કૅપવૂડ દ્વારા આયોજિત ત્રિઅંકી નાટ્યસ્પર્ધામાં શ્રેષ્ઠ અભિનય તથા શ્રેષ્ઠ નાટકનાં પારિતોષિકો પણ તેમણે પ્રાપ્ત કર્યાં હતાં.
દેવેન્દ્રભાઈ એ એમના પ્રવીણભાઈ વિશેનાં લેખમાં બંને ભાઈઓનો એક મજાનો પ્રસંગ લખેલો જે એમના જ શબ્દોમાં ટાંકુ છું. “બંને ભાઈઓનું નાટક એટલે ‘ખેલંદો’. પ્રવીણ જોશી અને અરવિંદ જોશીનું નાટક, બે જ પાત્રો. એમાં ઇન્ટરવલ પહેલાંની પાંચ મિનિટ પહેલાં અરવિંદને પ્રવીણ સીડી ઉપર રિવોલ્વર ધરે છે અને અરવિંદ પ્રવીણ પાછળ ધીરે ધીરે સીડીનાં પગથિયાં ચડતો હોય એવું દૃશ્ય છે. Dull light ને Horror music વચ્ચે સીન હોય છે. એક રાત્રે શો પત્યા પછી અરવિંદ પ્રવીણભાઈને અમારી હાજરીમાં કહેતો હતો, ‘પ્રવીણ તું આવી રીતે મારી સામે ન જો મને ખરેખર બીક લાગે છે.”
તેઓ ગુજરાતી રંગમંચનાં સ્ટાર-એક્ટર હતાં. એક અતિ લોકપ્રિય નાટયકલાકાર હોવા છતાં એમની એક્ટિંગમાં હંમેશા એક ઊંડાણ માણવા મળતું. પોતાની લોકપ્રિયતાને એમણે કદી પોતાના ઉંડાણ પર હાવી નહોતી થવા દીધી. આ નાની સિદ્ધિ નથી. મોટાભાગનાં એકટરો લોકપ્રિય થયા પછી એના વહેણમાં તણાઈ જતા હોય છે. જ્યારે તેમણે આ વહેણ સામે ઝીંક ઝીલીને પોતાના આલા દરજ્જાને કાયમ રાખી શક્યા હતાં.
અરવિંદભાઈને એમની મહાનતા કોઈએ તાસક પર ભેંટમાં નહોતી આપી. તેઓ પોતાની સખત લગન અને મહેનતથી ટોપ પર પહોંચ્યા હતાં. તેઓ ગ્રાસરૂટ લેવલ પરથી આગળ આવેલા કલાકાર હતાં. એમના વ્યક્તિત્વમાં એક પ્રકારનું સોફેસ્ટિકેશન હતું, જેની ઝલક એમની ડાયલોગ ડિલીવરીમાં જોવા મળતી. તેઓ સંવાદમાં શબ્દોનાં સ્પષ્ટ અને સાચા ઉચ્ચારનો હંમેશા આગ્રહ રાખતા. પ્રવીણ જોશીની જેમ જ પરફેક્શન અરવિંદ જોશીનો પણ વિશેષ ગુણ હતો.
ખરેખર ગુજરાતનાં રંગમંચને આગળ વધારવા માટે તેમણે કરેલા પ્રયાસોને હંમેશા યાદ રાખવામાં આવશે. ગયાં વર્ષે આજનાં દિવસે ભલે અરવિંદ જોશીએ સદેહે વિદાય લીધી હોય પરંતુ પ્રેક્ષકોનાં હૃદયમાં તેઓ સદાયને માટે એક અવિસમરણીય છાપ છોડી ગયાં છે. ગયાં વર્ષે એમની વિદાય સાથે જાણે રંગભૂમિનું એક ઉજળું પ્રકરણ પૂર્ણ થયું.
ગુજરાતી રંગમંચ અને સિને જગતનાં એક ઝળહળતાં સિતારાને એમની પ્રથમ પુણ્યતિથિએ હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ..!