ઉનાઈ : સમગ્ર દેશભરમાં પવિત્ર યાત્રાધામ તરીકે વિખ્યાત વાંસદા તાલુકાનું આ ગામ
રામાયણ સાથે જોડાયેલી દંતકથા મુજબ મૂછવાળા રામ-લક્ષ્મણની મૂર્તિ ધરાવતું એકમાત્ર ઐતિહાસિક મંદિર વાંસદાના ઉનાઇ સુપ્રસિદ્ધ યાત્રાધામ ઉનાઈ માતાજીના મંદિર
દક્ષિણ ગુજરાતનો સૌથી મોટો ઉનાઈ ખાતે ભરાતો મકરસંક્રાંતિનો મેળો
દક્ષિણ ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ ઉનાઈ ખાતે વર્ષમાં બે વાર જાત્રા ભરાતી હોય છે.
ભગવાન શ્રીરામ (Shri Ram) વનવાસ દરમિયાન ઉનાઈ ગામમાંથી (Village) પસાર થયા, ત્યારે સીતા માતાએ સ્નાન કરવા માટેની ઇચ્છા પ્રગટ કરતાં ભગવાન શ્રીરામે મંત્રોચ્ચારથી પૃથ્વીના પેટાળમાં તીર મારતાં ગરમ પાણીના (Warm Water) ઝરા નીકળ્યા હતા, બાદ સીતા માતા આ ગરમ પાણીના ઝરામાં સ્નાન કરી ‘હું નાઇ’ એમ કહેતાં આ નામ અપ્રભંસ થઈ ‘ઉનાઈ’ નામ પડ્યું હોવાની લોકવાયકા
નવસારી અને વ્યારા જિલ્લાની બોર્ડર પર આવેલું વાંસદાનું ઉનાઇ ગામ ઉનાઇ માતાના મંદિરના કારણે સમગ્ર દેશભરમાં પવિત્ર યાત્રાધામ તરીકે ખૂબ જ પ્રખ્યાત થયું છે. વાપી-શામળાજી નેશનલ હાઇવે નં.56 ઉપર વસેલા ઉનાઇ ગામમાં 2011ની વસતી ગણતરી મુજબ 6,104 જેટલી વસતી ધરાવે છે. ઉનાઇ ગામમાં સિંણધઇ રોડ, મંદિર રોડ, બજાર રોડ, વાંસદા રોડ, નવું ફળિયું, આનંદનગર, નિજાનંદ રોડ, ટેકરી ફળિયું, નાકું ફળિયું, હાઉસિંગ સોસાયટી, પશુ દવાખાના ફળિયું, ગામીત ફળિયું, ગામીત ફળિયું-2, નાઇકી ફળિયું, પટેલ ફળિયું, નિશાળ ફળિયું અને કોટવાળીયા ફળિયું એમ 14 ફળિયાંમાં કુલ 1187 જેટલા પરિવારો વસવાટ કરી રહ્યા છે. 80 % સાક્ષરતા ધરાવતા ઉનાઈ ગામમાં લોકો એમ તો દરેક પ્રકારની ખેતી કરતા હોય છે, પરંતુ મુખ્યત્વે ડાંગર, શેરડી, મકાઈ અને શિયાળામાં ભીંડાની ખેતી કરે છે.
વિદ્યાર્થીઓ અને યુવાનો માટે રમતનું મેદાન
ઉનાઈ ગામની મધ્યમાં વિશાળ રમતનું મેદાન આવેલું છે. જ્યાં ગામના યુવાનો અને વિદ્યાર્થીઓ અનેક રમતગમતની પ્રેક્ટિસ કરતા હોય છે.
ઉનાઇ મહોત્સવમાં સાંસ્કૃતિક કાર્યક્રમો અને લોકનૃત્યને લોકો મનભરીને માણે છે
વાંસદા તાલુકામાં સુપ્રસિદ્ધ યાત્રાધામ ઉનાઇ ખાતે ઉનાઇ માતાના પાટોત્સવની ઉજવણી નિમિત્તે રાજ્ય સરકારના પ્રવાસન વિભાગ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઉનાઇ માતાજીના મંદિરના પરિસરમાં ઉનાઇ મહોત્સવ ઉજવવામાં આવે છે. આ વિસ્તારના લોકો તથા આદિજાતિનાં ભાઇ-બહેનોને ઉનાઇ માતાજીના મંદિર સાથે અનેરી શ્રદ્ધા છે. આ ઐતિહાસિક મંદિર ખાતે સાંસ્કૃતિક વારસાના જતન અર્થે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ઉનાઇ માતાજીની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા કરી હતી. બેદિવસીય યોજાતો ઉનાઇ મહોત્સવ એ ઐતિહાસિક ધરોહરના સાંસ્કૃતિક વારસાના જતન માટે ગુજરાત સરકારનો સ્તુત્ય પ્રયાસ છે. જેમાં હાલ 2023ના યોજાયેલા ઉનાઇ મહોત્સવમાં ગુજરાત ગૌરવ પુરસ્કૃત ભરત બારિયાએ રજૂ કરેલ ઉનાઇ માતાજીની આરતી, મહિષાસુર મર્દની નૃત્ય, શિવતાંડવ નૃત્ય તથા લોક ડાયરાનો ભક્તજનોએ દિવ્ય નજારો માણ્યો હતો. આ પ્રસંગે ઉનાઇ મંદિરના ટ્રસ્ટી, વાંસદા તાલુકા પંચાયત પ્રમુખ, વાંસદા મામલતદાર, સરપંચો તથા વાંસદા પ્રાંત અધિકારી અને કલેક્ટર વગેરે અધિકારીઓ ઉપસ્થિત રહે છે. તથા મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહી ઉત્સાહભેર આનંદ માણતા હોય છે.
દક્ષિણ ગુજરાતનો સૌથી મોટો ઉનાઈ ખાતે ભરાતો મકરસંક્રાંતિનો મેળો
દક્ષિણ ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ ઉનાઈ ખાતે વર્ષમાં બે વાર જાત્રા ભરાતી હોય છે, એક મકરસંક્રાંતિનો મેળો અને ચૈત્રની જાત્રા જેમાં મકર સંક્રાંતિના મેળાનું મહત્ત્વ અનેકગણું છે. આ દિવસે સૂર્ય મકર દિશામાં પ્રવેશ કરતો હોવાથી શ્રદ્ધાળુઓ ઉનાઇ મંદિર ખાતે આવી દર્શન કરી ગરમ પાણીના ઝરામાં સ્નાન કરવાનું વિશેષ મહત્ત્વ આપે છે. સુપ્રસિદ્ધ યાત્રાધામ ઉનાઈ ગામના લોકમેળામાં દિવસ દરમિયાન હજારો લોકો ઊમટી પડતા હોય છે. ઐતિહાસિક ગરમ પાણીના ઝરામાં રાજા-રજવાડાના સમયથી દૂર દૂરથી ભાવિકો ગરમ પાણીના ઝરામાં સ્નાન કરવા માટે આવતા હોય છે. ત્યારે આ વર્ષે પણ ગરમ પાણીના કૂંડમાં સ્નાન કરવા શ્રદ્ધાળુઓનો ધસારો જોવા મળ્યો હતો, સ્નાન કર્યા બાદ ભાવિકો ઉનાઈ માતાજીનાં દર્શન કરી ઉનાઈના મેળામાં ખાણીપીણી તેમજ મનોરંજનનાં સાધનોની મજા માણતા હોય છે. મેળામાં રમકડાં વેચાણના સ્ટોલ ઉપરાંત ખાણીપીણીના સ્ટોલ તેમજ ફન રાઈડ્સ, મોતના કૂવા, ટોય ટ્રેન, નાના ચકડોળ જેવી ચિલ્ડ્રન રાઈડ્સ આકર્ષણનું કેન્દ્ર બની રહે છે. મેળામાં સ્થાનિક વેપરીઓ સહિત ગુજરાતભરમાંથી અને મહારાષ્ટ્રના વેપારીઓ પણ અહીં આવી પોતાની દુકાનો અને સ્ટોલો લગાવી સારી એવી રોજગારી મેળવી લે છે. મેળામાં મોટા પ્રમાણમાં માનવ મહેરામણ ઊમટી પડે છે. જેના પગલે ટ્રાફિકની સમસ્યા ન સર્જાય અને કોઇ અનિચ્છનીય બનાવ ન બને એ માટે વોટર ફાઇટર, મેડિકલ ટીમ સહિત તંત્ર ખડે પગે ફરજ બજાવતા હોય છે. તેમજ કાયદો-વ્યવસ્થા જળવાઇ રહે તે માટે તાલુકાની પોલીસ પણ ચુસ્ત બંદોબસ્ત સાથે મેળા પર નજર રાખતી હોય છે.
ઐતિહાસિક વણઝારી વાવ પર્યટકો માટે જોવાલાયક સ્થળ બની શકે તેમ છે
ઉનાઈ ગામની શોભામા અભિવૃદ્ધિ કરનાર રાજા રજવાડાના સમયની ઐતિહાસિક વણજારી વાવ ઉનાઈ માતાજીના મંદિરની થોડાજ અંતરે આવેલ રાજા રજવાડાના સમયની ઐતિહાસિક આ વણઝારી વાવનું ધાર્મિક મહત્ત્વ પણ ગણાય છે,
રામાયણ સાથે જોડાયેલી દંતકથા મુજબ મૂછવાળા રામ-લક્ષ્મણની મૂર્તિ ધરાવતું એકમાત્ર ઐતિહાસિક મંદિર
વાંસદાના ઉનાઇ સુપ્રસિદ્ધ યાત્રાધામ ઉનાઈ માતાજીના મંદિરનું ભવ્ય નિર્માણ તો સરકારે કર્યું હતુ.
ઉનાઈ માતાજી મંદિર પરિસરમાં વર્ષ-૧૮૮૭માં વાંસદાના મહારાજા શ્રી પ્રતાપસિંહજી ગુલાબસિંહજીએ ભગવાન શ્રીરામનું મંદિર બનાવ્યું હતું. અને તે મંદિરમાં રામ-લક્ષ્મણની મૂછવાળી મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા કરાઈ હતી. આવી મૂછવાળી મૂર્તિ ભારતમાં બીજા કોઈપણ મંદિરમાં નહીં હોવાનું સ્થાનિક રામભક્તો અને વડીલો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે.