વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના જોગવેલ ખાતે રૂ. ૨૩.૯૧ લાખના ખર્ચે તેમજ ઓઝરડા ખાતે રૂ. ૨૩.૯૧ લાખના ખર્ચે નિર્માણ થનારા પેટા આરોગ્ય કેન્દ્રના મકાનોના ખાતમુહૂર્ત કલ્પસર અને મત્સ્યોદ્યોગ(સ્વતંત્ર હવાલો), નર્મદા જળ સંપત્તિ અને પાણી પુરવઠા રાજયમંત્રીશ્રી જીતુભાઇ ચૌધરીના વરદ હસ્તે કરાયા હતા.
આ અવસરે પાણી પુરવઠા રાજયમંત્રી જીતુભાઇ ચૌધરીએ જણાવ્યું હતું કે, આરોગ્ય કેન્દ્રનું મકાન બનવાથી આ વિસ્તારના પ્રજાજનોને આરોગ્ય સેવાઓ ઘરથી નજીકના સ્થળે જ મળતી થશે. ગામોમાં વિકાસની સાથે સુવિધાઓ મળી રહે તે માટે રાજ્ય સરકાર અનેકવિધ યોજનાઓ અમલી બનાવી છે. અસ્ટોલ પાણી પુરવઠા યોજના કાર્યરત થશે ત્યારે પૂરતા દબાણથી ઘરે ઘરે પીવાનું શુદ્ધ પાણી મળી રહેશે. ખેડૂતોની આવક બમણી થાય તે માટે રાજ્ય સરકારે ખેડૂત આધુનિક અને મૂલ્યવર્ધિત ખેતી કરી શકે તેવી ખેડૂતલક્ષી યોજનાઓ અમલી બનાવી છે. કોરોના મહામારીમાં આરોગ્યકર્મીઓ, આંગણવાડી વર્કરો સહિત અનેક વ્યક્તિઓએ અનેક મુશ્કેલીઓ વચ્ચે કરેલી સેવાને તેમણે બિરદાવી હતી. છેવાડાના લોકોને કોઈ મુશ્કેલીઓ ન પડે તે માટે રાજ્ય સરકાર ગામેગામ જરૂરિયાત મુજબ કામગીરી કરી રહી હોવાનું જણાવી કપરાડા તાલુકામાં આવનારા સમયમાં બનાવવામાં આવનારા રસ્તાઓ, ગ્રામપંચાયત ભવન, પી.એચ.સી.ના મકાનો, ચેકડેમની જાણકારી તેમણે આપી હતી. દરેક ગામોમાં મોબાઈલ નેટવર્ક મળી રહે તેવા સરકાર પ્રયાસો કરી રહી હોવાનું તેમણે વધુમાં જણાવ્યું હતું.
જિલ્લા પંચાયત કારોબારી સમિતિ અધ્યક્ષ ગુલાબભાઈ રાઉતે પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.અનિલ પટેલે જિલ્લામાં થઈ રહેલી આરોગ્ય સેવાઓની વિસ્તૃત જાણકારી આપી હતી.
આ અવસરે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.અનિલ પટેલ, જોગવેલ સરપંચ વીણાબેન, ઓઝરડા સરપંચ કલ્પનાબેન, તાલુકા આરોગ્ય અધિકારી મહેશભાઈ, જિલ્લા અને તાલુકા પંચાયતના સદસ્યો, આરોગ્યકર્મીઓ, ગ્રામજનો ઉપસ્થિત રહયા હતા.