પાર-તાપી- નર્મદા લીંક યોજનાના કારણે કોઇપણ આદિવાસીને વિસ્‍થાપિત કરવામાં નહિ આવે – મંત્રીશ્રી નરેશભાઇ પટેલ

0
153

  • વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે જિલ્લા કક્ષાનો ગરીબ કલ્‍યાણ મેળો યોજાયો
  • રાજયના આદિજાતિ વિકાસ, અન્ન અને પુરવઠા મંત્રીશ્રી નરેશભાઇ પટેલના હસ્‍તે અંદાજીત ૯૦૦૦ લાભાર્થીઓને રૂા. ૧૦૦ કરોડના લાભો અપાયા
  • પાર-તાપી- નર્મદા લીંક યોજનાના કારણે કોઇપણ આદિવાસીને વિસ્‍થાપિત કરવામાં નહિ આવે – મંત્રીશ્રી નરેશભાઇ પટેલ

રાજ્‍યભરમાં આજથી શરૂ થયેલા ગરીબ કલ્‍યાણ મેળા અંતર્ગત વલસાડ જિલ્‍લાનો ગરીબ કલ્‍યાણ મેળાનો રાજયના આદિજાતિ વિકાસ, અન્ન અને પુરવઠા મંત્રીશ્રી નરેશભાઇ પટેલે વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના વનરાજ આર્ટસ એન્‍ડ કોમર્સ કોલેજ, બામટી ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી અલકાબેન શાહ, સાંસદશ્રી ર્ડા. કે. સી. પટેલ, ધરમપુર, વલસાડ અને ઉમરગામના ધારાસભ્‍યો સર્વશ્રી અરવિંદભાઇ પટેલ, ભરતભાઇ પટેલ અને રમણલાલ પાટકર તેમજ જિલ્લા પ્રમુખશ્રી હેમંતભાઇ કંસારાની ઉપસ્‍થિતમાં દીપ પ્રાગટય કરીને શુભારંભ કર્યો હતો.
આ મેળામાં મંત્રીશ્રી અને મહાનુભાવોની ઉપસ્‍થિતિમાં વલસાડ જિલ્‍લાના અંદાજીત ૯૦૦૦ લાભાર્થીઓને રૂા. ૧૦૦ કરોડના સાધન- સહાય, ચેકો અને કીટોનું વિતરણ કરવામાં આવ્‍યું હતું.
પાર-તાપી-નર્મદા રીવર લીંક યોજના હેઠળ ધરમપુર તાલુકાના ચાસમાંડવા, પૈખેડ અને મોહનાકાંવચાલી ગામે ડેમ બનાવવામાં આવશે અને આ ડેમના લીધે આ વિસ્‍તારના આદિવાસીઓને વિસ્‍થાપિત કરવામાં આવશે એમ ગેરમાર્ગે દોરનારા આદિવાસી સંગઠનોને મંત્રીશ્રીએ જણાવ્‍યું હતું કે, હું પણ એક આદિવાસી આગેવાન છું અને રાજય સરકારના મંત્રી તરીકે હું જવાબદારીપૂર્વક કહું છું કે, આ યોજનામાં હાલના તબક્કે ડી. પી. આર. કરવામાં આવી રહયો છે અને આ ગામોમાં રાજય સરકાર દ્વારા કોઇપણ ડેમ બનાવવામાં આવનાર નથી તેમ જણાવ્‍યું હતું.
આ પ્રસંગે મંત્રીશ્રીએ રાજયના તત્ત્કાલીન મુખ્‍યમંત્રી અને હાલના વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ ગરીબો, વંચિતોના માટે વર્ષઃ ૨૦૦૯ થી શરૂ કરેલા ગરીબ કલ્‍યાણ મેળા અંતર્ગત આજે ૧૨ મા ગરીબ કલ્‍યાણમેળો રાજયની ભૂપેન્‍દ્રભાઇ પટેલની ગરીબો, વંચિતોની સરકાર દ્વારા આયોજીત કરાયો છે એમ જણાવ્‍યું હતું. કોરોના મહામારી દરમિયાન દેશના વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઇ મોદીની દીર્ઘદષ્‍ટિથી દેશની ૧૨૫ કરોડ જનતાને વિના મૂલ્‍યે રસીકરણ કરાવવામાં આવ્‍યું છે. દેશના વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ કંડારેલી વિકાસની કેડી ઉપર ચાલીને આજે રાજયના મુખ્‍યમંત્રીશ્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલની સરકાર રાજય સરકારની વિવિધ યોજનાઓ દ્વારા રાજયને ઉત્તરોતર પ્રગતિના પંથે લઇ જઇ રહી છે.
રાજયના અંબાજીથી ઉમરગામ સુધીના આદિવાસી પટ્ટામાં રહેતા આદિવાસીઓના વિકાસ માટે તત્‍કાલીન મુખ્‍યમંત્રી નરેન્‍દ્રભાઇ મોદીએ શરૂ કરેલી વનબંધુ યોજના થકી રાજય સરકાર આદિવાસીઓનો વિકાસ કરી રહી છે. રાજયમાં છેલ્લા ૨૭ વર્ષથી સ્‍થિર સરકાર હોવાના કારણે જે રીતે વિકાસમાં ગતિ પકડાઇ છે તેમાં ઉત્તરોઉત્તર વધારો થઇ રહયો છે એમ આ તબક્કે મંત્રીશ્રીએ જણાવ્‍યું હતું.
મંત્રીશ્રીએ તેમના વિભાગ દ્વારા તાજેતરમાં રાજયની ભૌગૌલિક પરિસ્‍થિતિ મુજબ જે જિલ્‍લામાં જે ધાન્‍ય વધારે ખવાતું હોય તે પ્રમાણે લાભ આપવાની એક નવતર પહેલ કરી છે એમ જણાવતાં મંત્રીશ્રીએ વલસાડ થી ભરૂચ જિલ્લામાં ઘઉંનો ઓછો વપરાશ થતો હોય સરકારના પુરવઠા વિભાગ દ્વારા હાલમાં જે લોકોને ૩.૫ કિલો ઘંઉ અને ૧.૫ કિલો ચોખા આપવામાં આવતા હતા તેની જગ્‍યાએ ૩ કિલો ઘંઉ અને ૨ કિલો ચોખા આપવાનો એક નવતર અભિગમ અપનાવ્‍યો છે.
આ કાર્યક્રમમાં ધરમપુરના ધારાસભ્‍યશ્રી અરવિંદભાઇ પટેલે પ્રાસંગિક પ્રવચન કર્યુ હતું. આ કાર્યક્રમમાં સ્‍વાગત પ્રવચન જિલ્લા ગ્રામવિકાસ એજન્‍સીના નિયામકશ્રી જે. પી. મયાત્રાએ કર્યુ હતું. આ મેળામાં ધરમપુરની એસ. એમ. એસ. હાઇસ્‍કૂલ, આદર્શ નિવાસી શાળાની બહેનો દ્વારા સ્‍વાગત ગીત અને ગરબા તેમજ કપરાડાની એકલવ્‍ય સ્‍કૂલ દ્વારા આદિવાસી નૃત્‍ય રજૂ કરવામાં આવ્‍યું હતું.
આ કાર્યક્રમમાં વલસાડ કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રે, જિલ્લા વિકાસ અધિકારીશ્રી મનીષ ગુરવાની, પ્રાયોજના વહીવટદારશ્રી બી. કે. વસાવા, આસીસ્‍ટન્‍ટ કલેકટરશ્રી આકાંક્ષા, ધરમપુર અને વલસાડ અને પારડીના પ્રાંત અધિકારીઓ સર્વશ્રી કેતુલ ઇટાલીયા, નીલેશ કુકડીયા અને આનંદુ ગોવિંદન તેમજ જિલ્‍લાના ધરમપુર, વલસાડ, પારડી, વાપી, કપરાડા અને ઉમરગામ તાલુકાના મામલતદારો તેમજ ધરમપુર નગરપાલિકાના પ્રમુખ શ્રીમતિ જયોત્‍સનાબેન દેસાઇ અને ધરમપુર શહેર અને આજુબાજુના પ્રજાજનો હાજર રહયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here