- એકતરફી પ્રેમમાં યુવક હિંસક બન્યો:પારડીમાં ઘરમાં ઘૂસીને પરિવારના સભ્યોને ઢોરમાર મારીને સગીરાનું અપહરણ કરી ગયો
- થોડા દિવસો પહેલાં એકતરફી પ્રેમમાં અંધ બેનલા સુરતના ફેનિલ નામના યુવાને ગ્રીષમાં નામની યુવતીને તેની માતા અને ભાઈ સામે રહેંસી નાખી હતી.એ ઘટનાની સાહી સુકાઈ નથી
- પોલીસે ઘટનાની ગંભીરતા લઈ નાકાબંધી કરી સર્ચ-ઓપરેશન હાથ ધર્યું હતું.
ત્યાં એકતરફી પ્રેમમાં પાગલ પારડી તાલુકાના એક ગામમાં યુવકે ઘરમાં ધસી જઈ તેની માતા અને કાકા તેમજ બહેન પર લાકડા જેવા હથિયારથી જીવલેણ હુમલો કરી 17 વર્ષીય સગીરાને લઈ ભાગી ગયો હતો. સુરત જેવી ઘટનાનું પુનરાવર્તન ન થાય એ માટે જિલ્લાની પોલીસ દોડતી થઇ હતી. પોલીસે ઘટનાની ગંભીરતા લઈ નાકાબંધી કરી સર્ચ-ઓપરેશન હાથ ધર્યું હતું.
પારડીના પરિયા વેલવાગડ તળાવ ફળિયામાં રહેતો સુનીલ જયેશ છીબુ પટેલ એક ગામની 17 વર્ષીય સગીરાને એકતરફી પ્રેમ કરતો હતો. એ બાબતની જાણ બંનેના પરિવારને થતાં છેલ્લા એક વર્ષથી કુટુંબના સભ્યો દ્વારા વારંવાર સમજાવવા છતાં સુનીલ પોતાની જીદ છોડવા તૈયાર ન હોય અને સગીરાના પરિવારને જાનથી મારી નાખીશ ને પણ હું આને લઈ જઈશ એવી ધમકી આપતો હતો.
શુક્રવારે યુવકે સગીરાના ઘરે પાછળથી પ્રવેશી તેની માતા અને કાકા તેમજ એક બહેન પર લાકડા જેવા સાધન વડે જીવલેણ હુમલો કરી તમામને માથા, પગ તથા હાથમાં ફટકા મારી સગીરાને લઈ ઘરની નજીક આવેલી એક વાડીમાંથી ભાગી ગયો હતો. હુમલામાં ઘાયલ તમામને 108 દ્વારા સારવાર અર્થે પારડીની મોહન દયાળ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.
ઘટનાની જાણ થતાં તાત્કાલિક પારડી પોલીસને તથા તેમના ડી સ્ટાફ મોટી સંખ્યામાં સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે. છેલ્લા એક વર્ષથી એકતરફી પ્રેમની બંને કુટુંબને જાણ હોવા છતાં સમાજમાં ઈજ્જત જવાના ડરે પોલીસને જાણ ન કરતા આજે તેનો આ અંજામ આવ્યો છે.
મારી નાખવાની કે બીજા પાસે મર્ડર કરાવવાની ધમકી આપતો
સગીરાના પિતા જણાવ્યું હતું કે આ યુવાન છેલ્લા એક વર્ષથી હેરાન કરતો હતો. આ બાબતે યુવાનના પિતા સાથે ફોન પર વાત થઈ હતી ત્યારે તેમના ફોનથી યુવાને વાત કરી મને અને મારી પત્નીને મારી નાખવાની ક્યાં તો બીજા પાસે મર્ડર કરાવી દઇશની ધમકી આપતો હતો. અને તમારી દીકરીને હું લઈ જઈશ જ એવું કહેતો. અમે નાના ગરીબ માણસ છીએ અમે શું કરી શકીએ એવું કહી રડી પડ્યા હતા.
સગીરાને શોધવાના તમામ પ્રયાસ ચાલુ છે
સગીરાને શોધવા તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. પારડી પોલીસ સહિત LCB અને SOGની અલગ અલગ ટીમ બનાવવામાં આવી છે. નાકાબંધી સાથે વાડીમાં સર્ચ કરવા ડ્રોનનો ઉપયોગ કરી શોધખોળ હાથ ધરવામાં આવ્યું છે. આરોપીને પકડવાના પ્રયાસો ચાલુ છે. – ડો. રાજદીપસિંહ ઝાલા, જિલ્લા પોલીસવડા, વલસાડ.
અન્ય પોલીસની ટીમો તેડાવી વાડીમાં સર્ચ
સુરત જેવી ઘટના ન બને એ માટે પી.એસ.આઈ કે.એમ.બેરિયા. તાત્કાલિક ડી સ્ટાફના ટીમના કાફલા સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને વાડી માં સર્ચ-ઓપરેશન હાથ ધર્યું હતું. વાડી મોટી હોવાથી સર્ચ માટે પોલીસની ટીમ નાની પડતા પારડી પોલીસે અન્ય પોલીસ મથકો પાસેથી પોલીસ બોલાવી હતી