બહાદુર બૂટલેગર બહેનો.

0
206

ફાલ્ગુની વસાવડા (ભાવનગર )

જૂલી હું જે બાજુ જઈ રહી છું તે ખતરા ભર્યો વિસ્તાર છે, જરાક ધ્યાન રાખી અને ગાડી ડ્રાયવ કરજે. આજુબાજુ નજર કરતી, કરતી, આવજે. કોઈ સાદા વેશમાં પોલીસ ન હોય તેનુ ધ્યાન રાખજે, મને એવો અણસાર આવશે તો હું સીટી મારીશ. અને તું ત્યાંથી જ પાછી વળી જજે.તુ મારુતિ વાનની સર્વિસ પણ જોઈ લેજે, બધું બરાબર છે ને, નહીં તો રસ્તામાં બંધ પડી જશે આ ડબલુ તો આપણે બેઉ મુશ્કેલીમાં મુકાઈ જશુ. આમ તો આ બાજુના કોન્સ્ટેબલ તો ફૂટેલા જ છે. પણ સાંભળ્યું છે કે પેલો માથા ફરેલો અર્જુનસિંહની બદલી આ બાજુનાં પોલીસ સ્ટેશનમાં થઈ છે, અને તે ગમે ત્યારે ગમે ત્યાં આવી જઈ શકે છે જાણે છે ને.”હા બાપા હા” રુમી એ કહ્યું હું બધું જ જોઈ લઈશ,તું જરાય ચિંતા ના કર. ને આજે સવારે ગાડી સર્વિસ માટે આપી દીધી છે, અને આ ફેરામાં કોઈ જ તકલીફ ન થાય તેનું પણ આયોજન કરી લીધું છે. કારણ કે આમા બહુ મોટો માલ મળવાનો છે. અને તું અર્જુનસિંહ ની પણ ચિંતા ન કર, મેં મારા બે ત્રણ ફ્રેન્ડ ને કહી તેને બ્લેન્ક કોલ કરવાનું કહી દીધું છે, એટલે તે બિચારો આખી રાત તેમાજ અટવાતો રહેશે. અને જુલી અને રુમી બન્ને એકબીજાને હાથતાળી દઇ, અને બંને જોર જોરથી હસ્યાં.અને મારુતિ વાન ખોલી અને તેમાં ઈંગ્લીશ દારૂના બોક્સ ગોઠવ્યા. 1, 2, 3, 4, અને 5, આજે તો જામો પડી જવાના છે, અને દામ પણ સારા નક્કી થયા છે. એટલે પછી આખું અઠવાડિયું એશ.જો જુલી હું તને કહી દઉં છું આ ફેરો ફર્યા પછી, મને એક અઠવાડિયાનો રેસ્ટ જોઈશે. બહુ લાલચ સારી નહીં, નહીં તો કોઈ દિવસ રંગેહાથ પણ પકડાઈ જઈએ. અઠવાડિયે એક વાર આટલો મોટો ઓર્ડર મળી જાય તો, પછી સંતોષ રાખવાનો. અને જુલીએ કહ્યું “હા મારી માં હા” મને બધી જ ખબર છે. તું બહુ આળસુ છો, તારે શું જોઇએ, પિક્ચર જોવા જોઈએ, ફ્રેંડ્સ ને મળવા જોઇએ, બધી જ મને ખબર છે. અને રુમી “માય ઓનલી વન લવ” એમ કહીને તેને વળગી પડી. અને જૂલીએ તેને આઘી કરી હસતા હસતા કહ્યુ,મસ્કા મારવાનું બંધ કર, અને કામ પર ધ્યાન દે.

જુલી અને રુમી બન્ને સગી જોડિયા બહેનો હતી. તેઓને જિંદગી આ મુકામે લઈ આવી હતી. તેઓનો જન્મ એક બહુ જ ગરીબ ઘરમાં થયો હતો, અને બાપ દારૂડિયો અને માં બિચારી મજૂરી કરી, અને ઘર ચલાવતી હતી. તેમાં ત્રીજી સુવાવડમાં જોડિયા બાળકીઓ આવી. અને જન્મ તો થયો પણ, પછી ઉછેર બહુ મુશ્કેલ હતો, કારણ કે ચાર સંતાનો એક દારૂડિયા પતિ અને પોતે, એટલે છ જણ નો ગુજારો કઈ રીતે આ મોંઘવારીમાં થાય!! પણ મા હતી, એટલે જેમ તેમ કરી અને કરતી હતી. પણ આ પણ બહુ લાંબુ ચાલ્યું નહીં, અને એક દિવસ તેને ખૂબ જ તાવ આવ્યો અને, એ સમયે દવા ન મળતાં તેને ખેંચ ઉપડી અને એનાથી પેરેલિસિસ થઈ ગયું. હવે છોકરીઓ ત્યારે 12 વર્ષની થઈ હતી, અને આગળ ના દીકરા બે એક ૧૪ અનેક 16 વર્ષના હતા. એટલે આમ જુઓ તો હજી કમાવા જેવડું કોઈ ન હતું. છતાં ત્યારે સંતાનો પોતાની રીતે મહેનત કરતા. ઈશ્વરે ગરીબીની સાથે-સાથે જુલી અને રુમી નેસૌંદર્ય પણ ખૂબ આપ્યું હતું. એટલે તેની રક્ષા કરવાનું પણ હવે થોડું અઘરું થતું હતું. તેઓ પહેલેથી જ છોકરાઓના જ લગભગ કપડાં પહેરતી, કારણકે મોટા ભાઈઓ ના પેન્ટ અને ટી-શર્ટ વગેરે ચાલે એટલે ચારેય અંદર અંદર એકબીજાના કપડા પહેરતા.માં જ્યાં ઘરકામ કરવા જતી હતી ત્યાં, તેઓ બંને પણ કામ કરવા લાગી. પણ ઉંમર નાની હતી એટલે આખા ઘરનું બધું કામ તો, તેનાથી થાય નહીં. અને ઘરના પુરૂષોની નજર હંમેશા, તેઓ પર પડતી આથી તેઓ બંને વિચારવા લાગ્યા કે આવું ક્યાં સુધી કરીશું, અને ક્યાં સુધી બચી શકીશું. આમને આમ આગળ કરતા કરતા બીજા ચાર વર્ષ નીકળી ગયાં, અને તેઓ સોળ વર્ષની થઈ ગઈ. બન્ને ભાઈઓ એટલે કે રઘુ અને દીપ વધુ કમાવા માટે બીજા શહેરમાં ગયા. એટલે શેરી, નુંકકડના જુવાનીયાઓને તો જાણે આ લોકોને છેડવાનો પરવાનો મળ્યો. અને બાપને તો એટલી હદે, દારૂની ટેવ પડી ગઈ હતી. કે ગમે તે કરો તેને રોજ એક બોટલ તો જોઈએ જ દેશી ની તો દેશીની. અને પેરેલિસિસ વાળી માં બિચારી પથારીએ પડી, બે ટંક ખાવાનું અને દવા તો માંગે જ. એવામાં એક દિવસ શ્યામલાલ નામનો, આ વસ્તી માં રહેતો શહેરના એક ડોન ની નજર આ બંને પર પડી,શ્યામલાલ એ બંને બહેનોને પોતાના માણસો મોકલી મળવા બોલાવી, અને કહયું છે આ રૂપ લઈ અને તમે ગમે ત્યાં કમાવા જશો. ત્યાં બોટવાની એટલે કે આ ઈજ્જત જવાનો પૂરો ખતરો છે. પણ તમે બંને જો મારી સાથે કામ કરો તો, કામ બે નંબર નુ છે અને અંધારી આલમમાં જ્યારે શહેર આખુ સુતું હોય ત્યારે થાય છે. પણ હું તમારી બંને ની ઈજ્જત ની સો ટકા જવાબદારી લઉ છું, કે તેને આંચ નહીં આવે. અને બંને બહેનોએ એકબીજા સામે જોયું અને આંખો આંખો માં વાત કરી લીધી કે આ સોદો ખોટો નથી. કારણકે બેવડો થઈ પડેલો બાપ માં તો કંઈ દમ છે નહીં કે આપણી રક્ષા કરી શકે. અને ભાઈઓ પણ આ શહેરમાં નથી તો, અને કમાવુ તો પડશે જ એટલે તેણે શ્યામલાલ ની આ ઓફર સ્વીકારી લીધી. અને તેની સાથે, આ ધંધામાં હાથ મિલાવી લીધા. અને પછી તો બંને બહેનો ની જોડી બુટલેગર તરીકે, આખા શહેર ના અંધારી આલમમાં ખૂબ જ જાણીતી હતી. તીષ્ણ તલવાર જેવી તેની છાતી ચીરતી આંખો, અને મદહોશ કરતી તેની અદાઓ જોઈને જ, વગર દારૂ એ બધાને નશો ચડી જતો. પણ કોઈ આંગળી અડકાડવાની હિંમત કરતું નહીં, કારણકે શ્યામલાલ ની તે મુહ બોલી બેનો હતી.

અને રાત નો એક વાગ્યો, બંને બહેનો કાળા પેન્ટ ટીશર્ટ, અને બુકાની બાંધીને બહાર નીકળી. જૂલી એ બાઇક સ્ટાર્ટ કરી ઢરઢરરરરર કરતી, રાતના અંધારામાં ખામોશીને ચીરતી સુનસાન સડક પર આગળ ચાલવા લાગી. અને પાછળ જ રુમી એ પણ મારુતિ વાન સ્ટાર્ટ કરી અને તે પણ અંધારાને ચીરતી તીવ્રતા થી એ બાઈક ની પાછળ જ ચાલવા લાગી. તેણે જોયું કે રસ્તાની એક્સાઇડ એક ટોળું વળીને પાંચ જણા ઉભા છે, પણ જુલીની સૂચના હતી કે, ક્યાંય પણ રોકાવાનું નથી. કયા વેશમાં પોલીસ હોઈ શકે તે નક્કી કરી શકાય નહીં. આથી ગમે તે થાય પણ રોકાવાનું તો નહીં જ. અને તેણે બધા જ દ્રશ્ય, અણ દેખ્યા કર્યા અને તે વીજળી જેવી તેજ ગતિએ, એ નિશ્ચિત ઠેકાણે પહોંચી ગઈ. જુલી ત્યાં પહેલેથી જ મોજૂદ હતી. એટલે બંને બેનો એ સોદો પતાવ્યો, અને રૂપિયાની થોકડીઓ ગણી ને લઈ લીધી.અને બન્ને જણા ઘરે પાછા આવે છે. હવે તો બંને પોતાની કમાણી માંથી ઠીકઠાક એક ઘર પણ લઈ લીધું છે. અને માને સાચવવા માટે એક બાઈ પણ રાખી છે.બંને જણા દોડી અને મા પાસે જાય છે, અને તેના પગમાં રૂપિયા રાખે છે. આ તેમનો દર વખત નો નિયમ હતો, કારણ કે આ સ્ત્રી એ જીવનના કેટલા વર્ષો આ રીતે મજૂરી કરી અને કાઢ્યા. પણ કોઈ દિવસ આટલા રૂપિયા જોયા નહીં, અને આટલી સુખ-સગવડ પણ જોઈ ન હતી. આથી બંને નો નિયમ હતો કે જે કમાણી થાય તે માના ચરણોમાં રાખી દેવી, પછી તેમાંથી જરૂર પ્રમાણે વાપરવા.

સવારના દસ વાગ્યા હશે, તેઓ બંને કોઈની રાહ જોઈ રહ્યા હતા, અને આજે રક્ષાબંધનનો દિવસ હતો, બંને ખુબ જ ખુશ હતા. અને બન્ને જણા આજે સલવાર સુટ પહેરી અને તૈયાર થયા હતા. તેઓનો નિયમ હતો કે તેઓ, ઘરમાં છોકરીઓ જેવા કપડાં પહેરે, અને બહાર છોકરાઓ જેવા. અને એટલામાં જ ડોરબેલ વાગે છે. બંને દોડી અને દરવાજા પાસે પહોંચે છે, તો સામે તેના બન્ને ભાઈઓ હતા.પણ તેઓ તેને જોઈ અને ખુશ ના થઈ, કારણ કે બંને બહેનો ને નસીબના ભરોસે છોડી અને તેઓ આજે, એટલે કે દસ વર્ષે પાછા આવ્યા હતા.તેઓ બંને ખૂબ જ શરમિંદા હતા પોતાના વ્યવહારથી, અને રાખડી બંધાવવા આવ્યા હતા. પણ બન્નેનો એક જ મત પડ્યો કે, અમે બંને પહેલા શ્યામલાલ ને રાખડી બાંધીશુ પછી જ તમને. અને અંધારી આલમનો એવાં બાદશાહ શ્યામલાલની ગાડી કમ્પાઉન્ડમાં આવી અને ઉભી રહી, અને પહેલા બંને બહેનોએ તેને જ રાખડી બાંધી, પછી જ પોતાના સગા ભાઇને આ બહેનો એ રાખડી બાંધી, કારણ કે આ 10 વર્ષ તેઓની ઈજ્જતની રક્ષા આ ભાઈએ જ કરી હતી. અને આજે શ્યામલાલ એ પણ નક્કી કર્યું હતું કે, હું આ મારી બંને બહેનો ને વીર પસલી માં તેઓને ઉજળી દુનિયા મા ઈજ્જત ભેર જીવવાનો પરવાનો મળે તેવા સંબંધોમાં બાંધી અને તેના લગ્ન કરાવીશ.

અને પંદર દિવસમાં તો શ્યામલાલ એ પોતાનું વચન પૂરું કર્યું. અને બે સોહામણા યુવાનોની બારાત આ માંડવે આવી ગઈ. અને બંન્ને જોડિયા બહેનો એટલે કે જુલી અને રુમી જે,ગઈકાલ સુધી અંધારી આલમની બુટલેગર કહેવાતી હતી, તેઓ આજે પરણીને એક ઈજ્જતદાર જીવન જીવવા જઈ રહી હતી.

તો મિત્રો સ્ત્રી ઓનો એક વધુ કિસ્સો લઈને આજ હું આવી છું,કા કે આવા પણ સમાજમાં કિસ્સાઓ થતા હોય છે. અને તેના દાખલા આપણે ઇતિહાસમાં જોયા જ છે. અને તેની પર પિક્ચરો પણ બની છે. જ્યાં સ્ત્રી પોતે પોતાના પરિવારનું પોષણ કરવા માટે આવો ધંધો પણ ડર્યા વગર અપનાવતી હોય છે. ફક્ત શર્ત એટલી કે સ્ત્રી શરીરની ઈજ્જત સાથે કોઈ ખેલ નહીં. તમે પોતે વાંચી અને નક્કી કરજો કે ખરેખર તેમનો નિર્ણય સાચો હતો કે ખોટો.

– ફાલ્ગુની વસાવડા (ભાવનગર)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here