Photo from SAMBHAV SANDESH

0
167

સદગુરુ કૃપા હી કેવલમ.
પરિચય- ફાલ્ગુની વસાવડા.
ચિંતનની ક્ષણે.
મિત્રો- શુભ સવાર.

હે ઈશ્વર.
આપના શ્રીચરણોમાં મારા સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ પ્રણામ.સતત બદલાતાં, અને પરિવર્તનના આ યુગમાં આપણા સત્યનિષ્ઠ મૂલ્યોને સાચવવું ઘણું અઘરું છે. છતાં આપણા જીવંતતાની ખાતરી આપણે હવે આપવી પડશે. વૃક્ષ તો ઉત્સર્જનમાં પણ અન્યને ઉપયોગી વસ્તુઓ છોડે છે, જ્યારે આપણી તો ભાવ રુપ નીપજ પણ વખાણવાલાયક હોતી નથી. પંચમહાભૂતમાં જળ અને પવન આ બંને તત્વ આપણી ત્વચા ને સ્પર્શી અંદર સંવેદના જાગૃત કરે છે, એટલે કે અનુભૂતિ પ્રત્યક્ષરૂપે થઈ શકે છે, અને જરૂરી નથી કે દર વખતે શીતળતા થી જ તૃપ્ત થવાય, એટલે કે સારું લાગે. જેમકે ભરશિયાળે ઠંડીમાં આપણે હીટરનો પ્રયોગ પણ કરતા હોઈએ છીએ, અને ગરમ પાણી ચા-કોફી વગેરે પણ પીતા હોઈએ છીએ, ટૂંકમાં પરિસ્થિતિ મુજબ અનુભવ બદલાય, એ જ રીતે આવી આંતરિક અનૂભૂતિ થી જ આંતર તત્વ ને પુષ્ટિ મળતી હોય છે. હમણાં એક દિવસ કોઈએ ગ્રુપમાં ધ્યાન કેન્દ્ર બિંદુ પર જીવ કેન્દ્રિત કરવાની વાત કરી હતી, એટલે એના જવાબમાં લખ્યું કે જો જીવ એ ધ્યાન બિંદુ પર કેન્દ્રિત થાય તો પુષ્કળ માત્રામાં ઉર્જાનો ઉદ્ભવ થાય છે, અને સૂર્ય જેમ અજવાળાં અજવાળાં રેલાય છે. અહીં ઉત્પન્ન શબ્દ વપરાયો નથી, એટલે કે જે સુષુપ્ત શક્તિ છે, એને જાગૃત કરી છે, અથવા તો જે દેખાતું નહોતું એ દેખાવા લાગે છે. પ્રકૃતિના અન્ય ઘટક ની જેમ આપણે પણ અન્યના જીવનને ઉપયોગી થવું એવું વિચારી અથવા તો નિર્ધાર કરીને જીવીએ તો આપણે જીવંત છીએ એવું કહેવાય, બાકી તો પ્રમાદ મૃત્યુની જેમ જીવતી લાશ થઈ આપણા ભોગ માટે સતત લાલાયિત થઈ ને શ્વાન જેમ લાળ ટપકાવતા રહીએ, તેને જીવંત ન કહેવાય. રામાયણની વાત કરીએ તો કહેવાતા માનવો કરતાં, રીંછ ભાલુ વાનર અને આદિવાસી પ્રજાએ ભગવાન શ્રી રામની વધુ મદદ કરી હતી, ઈવન વિભીષણ ને ત્રીજટા રુપે રાક્ષસ એ પણ મદદ કરી, એટલે મદદ કરવા માટે હરક્ષણ તૈયાર રહીએ તો જ આપણે જીવંત છીએ. કોઈ ને મદદ કરવી હોય તો શક્તિ ને સાહસ બંને જોઈએ, પંચમહાભૂતના આ વિગ્રહ માં રહેલા પવન તત્વની પુષ્ટિ માટે આપણે હનુમાનની પૂજા કરીશું તો આપણામાં શક્તિ અને સાહસ બંને હકારાત્મક શક્તિનો ઉદ્ભવ થશે.આપણે આજે એ વિશે ચિંતનમાં વાત કરીશું.

આપણે ગઈકાલે જ વાત કરી તેમ હનુમાન એ કોઈ અનુમાન નથી,એ પવન રૂપે સતત આપણી આસપાસ ફરે છે, અને આપણને તેની અનુભૂતિ થતી રહે છે. આ ઉપરાંત હિંદુ સંસ્કૃતિ ના પંચદેવ સાકાર સ્વરૂપે પણ ખૂબ જ લોકપ્રિય, અને સૌના અંતરમાં વસી ચૂકેલાં સ્વરૂપો છે. આપણે ઉપર વાત કરી તેમ ધ્યાન માર્ગમાં, ધ્યાન બિંદુ પર આપણા ઇષ્ટદેવને જોવાના હોય છે. એટલે ભગવાન શંકર છે, કે હનુમાન છે, કે પછી અન્ય કોઈ દુર્ગા કે આ પાંચ માંથી કોઈપણ સાકાર સ્વરૂપ ને જોવા એટલા અઘરા નથી. પરંતુ એમાં પણ હનુમાનજી ને જોવા પ્રમાણમાં વધુ સહેલા છે, અને એથી પેલી જે ઉર્જાની વાત કરી હતી, તે તરત ઉપલબ્ધ થાય છે. આમ પણ કોઈ પણ પ્રકારનો નિશ્ચય કે સંકલ્પ કરીએ તો આપોઆપ આપણું ધ્યાન પોતાનામાંથી હટીને, લક્ષ્ય તરફ કેન્દ્રિત થાય છે. એટલે ખુદ ને લઈને જે સમસ્યા હતી, જે પ્રશ્નો હતાં, જે દુઃખના ભાવ હતાં, એ તમામ ઓછા અનુભવાય છે, અને તે લક્ષ્યને પૂરું કરવા માટે જીવ ક્રિયાત્મક બને છે. ક્રિયાને પણ આપણે ત્યાં જીવંતતાની નિશાની રૂપે જોવામાં આવે છે, એટલે કે કોઈનું મૃત્યુ થયું હોય તો આપણે તેના હાથ-પગ હલાવીએ છીએ, અને એ રીતે જોઈએ છીએ કે ક્રિયા કરી શકે છે કે નહીં? આ ક્રિયા કરવાથી હંમેશા શક્તિ નો ખર્ચ થતો હોય છે પરંતુ અન્યની મદદ માટે જ્યારે ક્રીયા કે કાર્ય થતું હોય, ત્યારે આ રીતે આપણી સુષુપ્ત શક્તિઓ જાગૃત થાય છે, અને એ કાર્ય પ્રમાણમાં આસાનીથી પાર પડતું હોય છે, એવા આપણા સૌના અનુભવ છે. કાર્ય શક્તિ રૂપે તો હજી પણ સમજાય, પરંતુ ઘણીવાર તો આર્થિક સમસ્યા પણ દૂર થઈ જતી હોય છે. એટલે કે કોઈ સારું કામ કરવા માટે રૂપિયા પણ જોઈએ અને એ રીતે આપણે સદ્ધર ન હોઈએ, તો મન ઘડી બે ઘડી શંકા-કુશંકા કરે કે, એ કેમ પૂરું થશે? પણ કોઈને કોઈ રીતે રૂપિયાની વ્યવસ્થા થઈ જતી હોય છે, એટલે એમ કહી શકાય કે કોઈને મદદરૂપ થવાનો સારો સંકલ્પ કે સારો મનોરથ કરીએ તો અસ્તિત્વ પણ તેને પૂર્ણ કરવા માટે મદદ કરે છે.

ધ્યાન માર્ગ દરેક જણા પસંદ કરતા નથી, અને દરેકના રસરૂચિ પણ તેમાં હોતા નથી. તો આપણને એમ થાય કે સુષુપ્ત સકારાત્મક શક્તિઓ એ વગર કેમ જાગી શકે! આપણે ગઈકાલે વાત કરી તેમ હનુમાન ચાલીસા એક સિદ્ધ મંત્ર છે, એટલે તેનો જાપ કરવાથી પણ સુષુપ્ત શક્તિ નો ઉદ્ભવ થાય છે.
જેમ કે હનુમાન ચાલીસા માં આવે છે, જય હનુમાન જ્ઞાન ગુન સાગર, પછી મહાવીર વિક્રમ બજરંગી, કુમતિ નીવાર સુમતિ કે સંગી.ભીમ રૂપ ધરિ અસુર સંહારે,રામચંદ્ર કે કાજ સંવારે.
સબ સુખ લહૈ તુમ્હારી સરના,તુમ રક્ષક કાહુ કો ડરના. નાસે રોગ હરે સબ પીરા,
જપત નિરંતર હનુમંત બિરા. આ બધી જ અર્ધાલી આપણને હનુમાન ચરિત્ર બતાવે છે,અને એનાં નિરંતર સ્મરણ થી આ ભાવ આ શક્તિ અને સાહસ બધું જ આપણામાં આવી શકે, પરંતુ શરત માત્ર એટલી કે આપણું કાર્ય સ્વાર્થ માટે નહીં પણ પરમાર્થ માટે હોવું જોઈએ. રામાયણમાં જરાક નજર કરીએ તો હનુમાન નું આખું પાત્ર ફક્ત અને ફક્ત રામની મદદ માટે જ હતું એવું લાગે, માની લ્યો કે એ તો અવતાર ને લીલા કરવાની હતી, એટલે અન્ય દેવો તેની મદદ માટે આવ્યાં હતાં. પરંતુ આપણને કોણ ? અવતાર શું કામ જન્મ લે છે? પૃથ્વી પર પાપાચાર જ્યારે હદથી વધુ વધી જાય ત્યારે, અધર્મનો નાશ કરવા અને ધર્મની પુનઃસ્થાપના માટે અવતાર જન્મ લેતા હોય છે. ફરી પાછો એ સમય આવી ગયો છે, અને કળિયુગ તેની પરાકાષ્ઠાએ અધર્મ નું આચરણ કરી રહ્યો છે, ત્યારે આપણે કોઈ એવા સંત સાધુ કે બૌદ્ધ પુરુષ આવું કાર્ય કરી રહ્યા છે, તેના સહાયક બની ને પણ કાર્ય કરી શકાય. અથવા તો તેનો વિરોધ ન કરીએ, તો એ પણ મદદરૂપ થયા જેટલું કામ કરશે. આપણા અંતરમાં અન્ય વાત વસ્તુ કે વ્યક્તિ પ્રત્યે વિરોધ ઉભો થાય તો,એ અન્ય માટે તો ખતરનાક છે જ પણ એથી વધુ આપણી માટે છે,કારણ કે પછી એને ખોટાં પૂરવાર કરવામાં આપણી બધી શક્તિ ખર્ચાય જાય,અને છતાં એ સાચું ન હોવાથી શાંતિ તો મળતી નથી,હા વિકૃત આનંદ મળે છે, જે દાનવોની પહેચાન છે. આપણો ઈતિહાસ સાક્ષી છે કે આવા મલિન ઈરાદા વાળા ગમે તેટલા શક્તિશાળી કેમ ન હોય,પણ આચરણ અનીતિ કે અસત્ય નું એટલે કે અન્ય ને હેરાન પરેશાન કે હાનિ પહોંચાડવા થતું હોય તો એનો વિનાશ બહુ ભંયકર રીતે થાય છે.

હિન્દુ સંસ્કૃતિમાં ચાલીસાનું બહુ જ મહત્વ છે, એટલે કે હનુમાન ચાલીસા, શિવ ચાલીસા, ગાયત્રી ચાલીસા, જલારામ ચાલીસા,અને બીજાં પણ હશે. તો આપણને વિચાર આવે કે વીસ નહીં! પચ્ચીસ નહીં! ચાલીસ જ શું કામ?
કારણ કે આપણે ત્યાં 40 વર્ષ સુધીમાં સ્ત્રી હોય કે પુરુષ તેને લગભગ બધા જ રસનો આસ્વાદ લઇ લીધો હોય છે. એટલે કે સંસારસુખ ભોગવી ચુક્યા હોય છે, અને આ ચાલીસ વર્ષના અનુભવે તેઓ કોઇ એક વિચાર પર આવી ચૂક્યા હોય છે. એટલે કે ભોગ એ સુખ આપતું નથી, અથવા તો જન્મ સુધારવા કર્મ કરી લેવા જોઈએ,કે પછી કોને શરણે જવાથી શાશ્વત સુખ શાંતિ ને પામી શકાય એમ છે. જન્મ મૃત્યુ ના આ ભવબંધન માંથી મુક્ત ક્યાં જવાથી થવાશે,કે પછી હવે ભક્તિ તરફ ગતિ કરવી જોઈએ, આવાં કોઈ પણ એક નિર્ધાર કે નિશ્ર્ચય પર જીવ ચાલીસા સુધીમાં પહોંચી ગયો હોય છે. અને જેના જેના ચાલીસા સિદ્ધ થયા છે, તેમણે આ વાત પુરવાર પણ કરી છે. આ ઉપરાંત આપણે ત્યાં બાવન ની સંખ્યા પણ આવું વિચારવા નક્કી કરાઈ છે, એટલે કે જે ચાલીસે આવો નિર્ણય ન લે તે બાવને તો લે જ, પરંતુ હવે દેશકાળ પ્રમાણે આ સંસાર સુખ બધાને એવાં ભાવિ ગયા છે કે કોઈ ને આવું સુઝતું નથી, અને હજી તો ભોગ ભોગવવાની ઉંમર છે,એમ કરી સ્વાર્થ માટે ગમે તે સમાધાન કરી જીવે છે. પરંતુ જીવંત હોવા માટે હનુમાનની સાધના કરી કે, સાધના કરી એટલે જીવંત થયાં, એ જે હોય તે, પરંતુ હવે આવું સ્વાર્થ ભર્યું જીવન જીવી પ્રમાદ મૃત્યુને પસંદ કરવાનું નથી, એ વાત સતત મનમાં યાદ રાખવાની છે, અને પંચતત્વ નહીં આત્મપુષ્ટિ માટે સતત આ પંચદેવની પૂજા કોઈને કોઈ રૂપે કરી આત્મતત્વ ને સમૃદ્ધ બનાવવા નું છે. આપણે સૌ આ કાર્ય સુચારુ રૂપે કરી શકીએ એવી અનન્ય પ્રાર્થના ઈશ્વર ચરણે રાખી, હું મારા શબ્દોને આજે અહીં જ વિરામ આપું છું. ફરી મળીશું વાર ચિંતન મનન સાથે, તો સૌને મારા આજના દિવસના સ્નેહવંદન અને જય સીયારામ.

લી ફાલ્ગુની વસાવડા (ભાવનગર)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here