અમદાવાદમાં ભવ્ય રોડ શો થકી પીએમ નરેન્દ્ર મોદીના હસ્તે 11 માં મહાકુંભનું ઉદ્ઘાટન
અમદાવાદમાં ભવ્ય રોડશો દ્વારા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં “ગુજરાત ખેલ મહાકુંભ -૨૦૨૨”નો શુભારંભ કરાયો.
જીએનએ અમદાવાદ: ‘ અમદાવાદ સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે ખેલ મહાકુંભનો પીએમ નરેન્દ્ર મોદીના હસ્તે ભવ્ય પ્રારંભ કરાયો હતો. પરંતુ તે પહેલાં ઈન્દિરાબ્રિજ થી સ્ટેડિયમ સુધી ભવ્ય રોડ શો કરવામાં આવ્યો હતો જેમાં લાખોની સંખ્યમાંમાં લોકો તેમને જોવા માટે ઉમટ્યા હતા.
આજે ખેલે તે ખીલે”ના ઉમદા વિચારથી 2010 થી આરંભ થયેલા ખેલ મહાકુંભના પગલે ગુજરાતમાં અબાલવૃદ્ધમાં રમત-ગમત પ્રત્યે જાગૃતિ ઉભી થઈ : મુખ્યમંત્રીશ્રી
અગિયારમા ખેલ મહાકુંભની શુભકામનાઓ આપવાની સાથે ઉપસ્થિત ”યુવા જોશ” ના ઉમંગથી લહેરાતા સાગરને સંબોધિત કરતા દેશના વડાપ્રધાન શ્રીનરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, ગુજરાતનો નૌજવાન હવે આસમાનને આંબવા માટે તૈયાર છે. આ માત્ર ખેલનો જ મહાકુંભ જ નહિ, ગુજરાતની યુવા મહાશક્તિનો મહાકુંભ છે.” કૉરોનાકાળમાં બે વર્ષથી મુલતવી રહેલા ખેલમહાકુંભનું ચાલુ વર્ષે વધુ જોશ અને આયોજનપૂર્વકનું આયોજન કરવા બદલ શ્રી મોદીએ ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની પ્રસંશા કરતા જણાવ્યું હતું કે, તેમના આ પ્રયાસોએ યુવા ખેલાડીઓને નવા જોશથી ભરી દીધા છે.
શ્રી મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે તેમના કાર્યકાળને યાદ કરતા જણાવ્યું હતું કે, મને બરાબર યાદ છે કે, 12 વર્ષ પહેલા વર્ષ-2010માં રાજ્યના મેં ખેલમહાકુંભનો પ્રારંભ કરાવ્યો હતો. જે સ્વપ્નોનું મેં બીજ વાવ્યું હતું; તે આજ વટવૃક્ષ બનીને વૈશ્વિક ફલક ઉપર વિસ્તરી ચૂક્યું છે. વર્ષ-2010માં 16 ખેલ, 13 લાખ ખેલાડીઓ સાથે થયેલી શરૂઆત વર્ષ-2019માં 40 લાખ ખેલાડીઓની ભાગીદારી અને 36 સ્પોર્ટ્સ, 26 પેરા-સ્પોર્ટ્સ બાદ હવે આ સંખ્યા 55 લાખ ખેલાડીઓ ઉપર પહોંચી ગઈ છે. આપણા ખેલાડીઓ કબડ્ડી, ખો-ખો, યોગાસન, સ્કેટીંગ ,ટેનિસ, ફેન્સીંગ સહિતની રમતોમાં કમાલ કરી રહ્યા છે. શક્તિ દૂત જેવી સરકારની યોજનાઓ ખેલાડીઓને સહયોગ આપી રહી છે. મને કહેતા એ આનંદ થાય છે કે, તમારા સૌના સતત-અવિરત પ્રયાસ, સાધના, તપસ્યાના લીધે ગુજરાતના લોકોએ મળીને જે સંકલ્પ લીધો હતો તે આજ દુનિયામાં તેનો પરચમ લહેરાવી રહ્યો છે. ખેલમહાકુંભ જેવા આયોજનમાંથી નીકળતા યુવાઓ એશિયન- ઓલેમ્પિક-કોમનવેલ્થ જેવા રમતોત્સવમાં ગુજરાત અને દેશનું ગૌરવ વધારી રહ્યા છે. હજુ પણ અહીંથી નવી પ્રતિભા નીકળશે તેવો વિશ્વાસ વ્યક્ત કરતા વડાપ્રધાનશ્રી ઉમેર્યું હતું કે, એક સમય હતો, જયારે ખેલજગતમાં ભારતની ઓળખ માત્ર એક-બે ખેલ પૂરતી જ માર્યાદિત હતી. જેના લીધે કેટલીક ગૌરવાન્વિત પ્રતિભાઓ પણ છુપાયેલી રહી હતી. આ પૂર્વે, સ્પોર્ટસ માટે જે પ્રાથમિકતા આપવામાં આવતી જોઈતી હતી, તેના પ્રત્યે દુર્લક્ષ સેવવામાં આવ્યું હતું. એટલું જ નહિ, રાજકારણની માફક, સ્પોર્ટ્સમાં પણ ભાઈ-ભતીજાવાદ ઘુસી ગયો હતો અને સારા ખેલાડીઓની પસંદગીમાં પારદર્શિતાનો ભારે આભાવ હતો. આ વમળમાંથી નીકળીને આજે ભારતની યુવાપ્રતિભા હવે નવી ઊંચાઈઓ આંબી રહી છે. દુનિયાનો સૌથી યુવા દેશ ખેલના મેદાનમાં પણ એક તાકાત બનીને ઉભરી રહ્યો છે. ટોક્યો ઓલમ્પિકમાં 07 મેડલ અને ટોક્યો પેરા ઓલમ્પિકમાં 19 મેડલ્સ જીતીને ભારતે વૈશ્વિક સ્તરે તેના પરચમ લહેરાવી દીધા છે. મને ભરોસો છે કે, ”ના હિન્દુસ્તાન ઝુકેગા, ના હિન્દુસ્તાન થકેગા”! મને મારા દેશના ખેલાડીઓ અને તેમની તપશ્ચર્યા ઉપર વિશ્વાસ છે, તેમના સપના-સંકલ્પ ઉપર ભરોસો છે. આજે હું લાખો યુવા સામે હિંમતથી કહી શકું છું કે, ભારતની યુવા શક્તિ દેશને ખુબ જ આગળ લઈને જશે.
દેશ આગામી ભવિષ્યમાં ઘણા મેડલો જીતશે તેવો આશાવાદ વ્યકત કરતા વડાપ્રધાનશ્રી મોદીએ આગળ જણાવ્યું હતું કે, યુક્રેનથી દેશ સલામત રીતે પરત ફરતી વેળા દેશના યુવાઓએ તિરંગાની આન-બાન-શાનને જોઈ છે. દેશ માટેની આ ભાવના મેં મેડલ પ્રાપ્ત કરી પોડિયમ ઉપર ઉભા રહી ગૌરવથી હર્ષાશ્રુ વહેવડાવતા ખેલાડીની આંખમાં જોઈ છે. જે યુવાઓ સંકલ્પ અને સમર્પણભાવથી જોડાય છે, તે દેશને દિશા આપવામાં મોટી ભૂમિકા નિભાવે છે.
શ્રી મોદીએ કહ્યું કે, આજે રાજ્યના ગામ-શહેરથી લાખોની સંખ્યામાં તમે આવ્યા છો, તમારા સ્વપ્નોને પુરા કરવા તમે દિન-રાત મહેનત કરી રહ્યા છો, તમારા સ્વપ્નમાં હું તમારું , રાજ્ય અને દેશનું ભવિષ્ય જોઈ રહ્યો છું. ડિજિટલ ઇન્ડિયા, આત્મનિર્ભર ભારત, સ્ટાર્ટ-અપ, સ્ટેન્ડ-અપ, વોક્લથી લોકલ તથા મેક ઈન ઇન્ડિયાથી મેડ ઈન ઇન્ડિયા સહિતની યોજનાઓ થકી ”નયા ભારત”ના તમામ અભિયાનનોની જવાબદારી દેશના યુવાએ ઉઠાવી છે. આજે સોફ્ટવેરથી સ્પેસ, ડિફેન્સથી આર્ટીફીસીયલ ઇન્ટેલિજન્સ, પ્રત્યેક ફિલ્ડમાં ભારતનો દબદબો છે. દુનિયા ભારતને એક મોટી શક્તિના સ્વરૂપમાં જોઈ રહી છે, તેમ મોદીએ ઉમેર્યું હતું.
ખેલના મુખ્ય ગુણધર્મોને યાદ કરતા વડાપ્રધાશ્રીએ જણાવ્યું હતું કે, ખેલ એ ખેલદિલી વધારે છે. જે ખેલે તે જ ખીલે છે. યુવાઓને સલાહ આપતા શ્રી મોદીએ કહ્યું હતું કે, સફળતા માટે કોઈ શોર્ટકટ ન શોધશો. આ અલ્પજીવી રસ્તો છે. સફળતાનો એક જ મંત્ર છે ; લોન્ગ ટર્મ પ્લાનિંગ એન્ડ કન્ટિન્યુઅસ કમિટમેન્ટ. રોકાયા વિના, થાક્યા વગર, ઝૂક્યા વગર રમવું. આ ભાવનાના લીધે જ દેશ આગળ વધી રહ્યો છે. આપ પણ સતત પરિશ્રમથી જ આગળ વધો. 360 ડિગ્રી પરફોર્મ કરી ટીમવર્કથી આગળ વધો. ભારતમાં ખેલને સફળતાનાં શિખર ઉપર પહોંચાડવા માટે 360 ડિગ્રી ટીમવર્કની જરૂર છે. છેલ્લા 7-8 વર્ષમાં સ્પોર્ટ્સ બજેટ 70% વધારવામાં આવ્યું છે. ખેલાડીના ભવિષ્યની ચિંતા દૂર કરવા માટે તેમને મળનારા પ્રોત્સાહન ઇનામ અને અનુદાનની રકમ વધારી છે. આ કારણે પછાત અને આદિવાસી વર્ગથી પણ ખેલાડીઓ આવી રહ્યા છે. આ માટે દેશમાં પ્રોફેશનલ સંસ્થાઓ ઉભી થઈ રહી છે. આ માટે જ વર્ષ-2018મા મણિપુર નેશનલ સ્પોર્ટ્સ યુનિવર્સિટી સ્થપાઈ છે, જયારે ઉત્તરપ્રદેશમાં મેજર ધ્યાનચંદ યુનિવર્સિટી ઉભી થઇ રહી છે. હરિયાણાના આઈઆઈએમ- રોહતકમાં સ્પોર્ટ્સના પીજી પ્રોગ્રામ ચાલી રહ્યા છે તો ગુજરાતની સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી પણ સ્પોર્ટ્સમાં કારકિર્દી બનાવવા માટેના ઉત્તમ સ્થળો છે.
ગુજરાતમાં સ્પોર્ટ્સની ઇકો-સિસ્ટમને વધુ વ્યાપક બનાવવા માટે તાલુકા અને જિલ્લા સ્તરે સ્પોર્ટ્સ સંકુલ બનાવાઈ રહ્યાં છે, જે સરાહનીય બાબત છે તેમ જણાવતા વડાપ્રધાનશ્રીએ જણાવ્યું હતું કે, રાજ્યના વિશાળ દરિયાઈ સંસાધનને ધ્યાને રાખતા આ ક્ષેત્ર માટે પણ બીચ સ્પોર્ટ્સની સંભાવના માટે વિચારવું જોઈશે. આપ રમશો-ફિટ રહેશો તો રાષ્ટ્રનિર્માણ કરી શકશો અને ”નયા ભારત”ના સ્વપ્નને સાકાર કરી શકશો. શ્રી મોદીએ ખેલને પ્રોત્સાહન આપવા વાલીઓને તેમના બાળકોને તાકીદ કરી હતી અને ભારપૂર્વક જણાવ્યું હતું કે, આખું ગામ મળીને-હાજર રહીને, કશું નહિ તો તાળીઓ દ્વારા પણ રમત રમતા યુવાઓને પ્રોત્સાહન આપી શકે છે.
આ અવસરે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, આજથી ૧૨ વર્ષ પહેલા શ્રી નરેન્દ્રભાઈએ રમતગમતને ગુજરાતની સંસ્કૃતિનો અભિન્ન હિસ્સો બનાવવાનું જે સપનું જોયું હતું તે તેમના માર્ગદર્શન અને નેતૃત્વમાં સાકાર થઈ રહ્યું છે.
તેમણે ઉમેર્યું કે, વડાપ્રધાનશ્રીએ આપેલો ખેલ મહાકુંભનો વિચાર આજે વટવૃક્ષ બની ચૂક્યો છે અને 2010માં ૧૩ લાખ રમતવીરોની સહભાગીતાથી આરંભ થયેલા આ મહાકુંભમાં આજે ૫૫ લાખથી વધુ રમતવીરો હોંશભેર ભાગ લઈ રહ્યા છે.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાતમાં રમત-ગમતના બદલાયેલા પરિદ્રશ્ય અંગે વાત કરતાં કહ્યું કે, આજે ગુજરાતમાં રમતગમત એ ઈત્તર પ્રવૃત્તિ નથી રહી, પરંતુ તે વે ઓફ લાઈફ એટલે કે જીવન જીવવાની રીત બની ચૂકી છે અને નાગરિકના સર્વાંગી વિકાસનું સાધન બની ચૂકીછે.
આ પ્રસંગે સ્વાગત પ્રવચનમાં રાજ્યના રમતગમત, યુવા સાંસ્કૃતિક વિભાગના મંત્રી શ્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપણી સમક્ષ સંકલ્પશક્તિની તાકાતનું શું હોય છે, તેનું ઉદાહરણ પુરું પાડ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં વિકાસ દેશના છેવાડાના માનવી સુધી પહોંચ્યો છે અને દેશના પ્રત્યેક નાગરિકને વિકાસ માટેના અવસર પ્રાપ્ત થયા છે. તેમણે કહ્યું કે, સંકટગ્રસ્ત યુક્રેનમાંથી ભારતના વિદ્યાર્થીઓને હેમખેમ ભારત પરત લાવીને ભારતના પ્રધાનમંત્રીશ્રીએ મજબૂત નેતૃત્વનું ઉદાહરણ પુરુ પાડ્યું છે.
મંત્રીશ્રીએ ગુજરાતમાં રમતગમત ક્ષેત્રે આવેલા આમૂલ પરિવર્તન અંગે વાત કરતા કહ્યું કે, ગુજરાતમાં વર્ષ 2002 પહેલા માત્ર 3 સ્પોર્ટસ કોમ્પ્લેક્સ હતા, જેની સંખ્યા આજે 24એ પહોંચી છે. તેમણે રાજ્યમાં 44 સ્પોર્ટ્સ સ્કુલ કાર્યરત હોવાનું પણ જણાવ્યું હતું.
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના હસ્તે ખેલ મહાકુંભના 11-મા સંસ્કરણના સરદાર પટેલ સ્ટેડિયમ ખાતેથી ભવ્યાતિભવ્ય શુભારંભના પ્રસંગે રાજ્યના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ, ગૃહરાજ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી, રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ, પદાધિકારીઓ તથા મોટા પ્રમાણમાં ખેલપ્રેમીઓ, કોચ અને કલાકારો જોડાયા હતા.
આ પ્રસંગે વડાપ્રધાનશ્રીએ રાજ્યની વર્ષ-2022-27ની ખેલકૂદ નીતિનું ડિજિટલ અનાવરણ કરાવ્યા બાદ ખેલ મહાકુંભનો વિધિવત પ્રારંભ કરાવ્યો હતો.
આ કાર્યક્રમનું સંચાલન ઉપસ્થિત સૌને સાથે જકડી રાખતા જાણીતી રેડિયો જોકી (આરજે) દેવકી દવે દ્વારા કરવામાં આવ્યું હતું. રાજ્યના કેટલાક પ્રતિષ્ઠિત અને ઉપરાંત ગાયકો સર્વશ્રી પાર્થિવ ગોહિલ, સુશ્રી ભૂમિ ત્રિવેદી, સુશ્રી જયશ્રી શ્રીમાન્કર, શ્રી ભાવિક શાસ્ત્રી સહિતનાઓએ પરફોર્મન્સ આપીને ઉપસ્થિત યુવાઓને હિલ્લોળે ચડાવ્યા હતા. આ તબક્કે કલાકારો-યોગાભ્યાસીઓએ તથા નર્તનકારોએ તેમના કરતબ પ્રદર્શિત કર્યા હતા.
Ad…