અમદાવાદ ખાતે 40મુ અંગદાન: ભીંત પર અંગદાનની જાગૃતિ અંગેના પોસ્ટર વાંચીને પરિવારના લોકોએ અંગદાનનો નિર્ણય કર્યો

0
197

મોરબીના બ્રેઇનડેડ કાન્તિભાઇ ગરાળાના અંગદાનમાં મળેલી બે કિડની અને એક લીવરથી ત્રણ જરૂરિયાતમંદ પીડિત દર્દીઓને નવજીવન મળ્યું

જીએનએ અમદાવાદ:

કાન્તિભાઇ ગરાળા સાયકલ ચલાવીને ઘરે જઇ રહ્યા હતા.રસ્તામાં એકા-એક કુતરુ આવી જતા તેઓએ સંતુલન ગુમાવ્યું અને રસ્તા પર ઢળી પડતા માથાના ભાગમાં ગંભીર ઇજા થઇ હતી.

ઇજાગ્રસ્ત કાન્તિભાઇને પ્રાથમિક સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા. તબીબોએ તપાસ કરતા પરિસ્થિતિ અતિગંભીર જણાઇ આવી. તબીબોએ તેમને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ જવા કહ્યું.

૬૨ વર્ષીય કાન્તિભાઇને ૧૦ મી માર્ચના રોજ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. સ્થિતિ વધુ ગંભીર બનતા આઇ.સી.યુ.માં શિફ્ટ કરાયા. આ દરમિયાન પરિવારજનો હોસ્પિટલના વેઇટીંગ એરીયામાં બેઠા હતા. એકાએક પરિવારજનોની નજર સિવિલ હોસ્પિટલના વેઇટીંગ એરીયામાં ભીંત પર અંગદાન વિશે લગાવેલા પોસ્ટર ઉપર પડી.

વિગતવાર આ પોસ્ટરમાં અંગદાન અંગેની માહિતી વાંચતા ખ્યાલ આવ્યો કે, એક બ્રેઇનડેડ વ્યક્તિના અંગો થકી ૯ જરૂરિયાતમંદોને નવજીવન આપી શકાય છે. પરિવારજનોએ પરસ્પર અંગદાન અંગે ચર્ચા કરી. હોસ્પિટલના તબીબો દ્વારા કાન્તિભાઇના બ્રેઇનડેડ થવાના સમાચાર મળતા પરિવારજનોએ સામે ચાલીને અંગદાન અંગેની ઇચ્છા વ્યક્ત કરી.

સિવિલ હોસ્પિટલની SOTTO(State Organ Tissue And Transplant Organisation)ની ટીમ દ્વારા ૧૨ મી માર્ચે બ્રેઇનડેડ કાન્તિભાઇના અંગદાન માટેના જરૂરી ટેસ્ટ કરાવ્યા બાદ અંગોના રીટ્રાઇવલની પ્રક્રિયા હાથ ધરવામાં આવી. ૬ કલાકના અથાગ પરિશ્રમ બાદ બે કિડની અને એક લીવરનું દાન મેળવવામાં સફળતા મળી.
કાન્તિભાઇના અંગત પરિવારમાં તેમના ધર્મપત્ની અને બે પુત્રો છે.

પરિવારજનોનું કહેવું છે કે, કાન્તિભાઇ સેવાભાવી હતા. જીવનપર્યત તેઓ અનેક સેવાકીય પ્રવૃતિઓ સાથે સંકળાયેલા રહ્યા. તેમણે સ્વને ભૂલીને સમસ્તિ માટે પોતાનું જીવન સમર્પિત કર્યું. બ્રેઇનડેડ થયા બાદ મરણોપરાંત પણ તેઓ ત્રણ જરૂરિયાતમંદ પીડિત વ્યક્તિઓને નવજીવન આપી ગયા. તેનો અમારા પરિવારનજનોને ગર્વ છે.

સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ ડ઼ૉ. રાકેશ જોષીએ સિવિલ હોસ્પિટલ અને રાજ્યની અંગદાન માટે SOTTO ની ટીમ દ્વારા આદરેલા અંગદાનના મહાયજ્ઞમાં સમાજના દરેક વર્ગને જોડાવવા અનુરોધ કર્યો છે.તેમણે વધુમાં જણાવ્યું કે, સિવિલ હોસ્પિટલમાં છેલ્લા ૧૪ મહિનામાં કુલ ૪૦ અંગોના દાન મેળવવામાં સફળતા મળી છે. જેમાં મળેલા ૧૨૨ અંગો દ્વારા ૧૦૬ જરૂરિયાતમંદ પીડિત દર્દીઓને નવજીવન મળ્યું છે. તેમના જીવનમાં ઉજાસ પથરાયો છે.

અહીં વિચારવું જરૂરી બને કે, ભીંત પર લગાવેલા પોસ્ટર વાંચીને પણ એક પરિવારે અંગદાન અંગે ગહન વિચાર કર્યો. વિચારને અમલમાં મૂકીને અંગદાન પણ કર્યું. જે દર્શાવે છે કે,સમાજમાં આજે દિન-પ્રતિદિન અંગદાન અંગે લોકોમાં જાગૃકતા પ્રવર્તી રહી છે તેનું આ જીવંત ઉદાહરણ છે. ભીંતચિત્ર પર કંઇક વાંચીને કરેલા નિર્ણય થી ત્રણ લોકોને નવજીવન મળતું હોય. ત્યારે એક જવાબદાર નાગરિક તરીકે આપણે પણ અંગદાન અંગે સમાજમાં મહત્તમ જાગૃકતા પ્રસરાવવી જોઇએ.

Ad…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here