સદગુરુ કૃપા હી કેવલમ.પીળા પાંદડાની પીડા!
સંતોક પોતાના ઘરનું આંગણું વાળી રહી હતી, અને એક મોટો ઢગલો પીળાં પડી ગયેલા પાંદડાનો ભેગો થયો, અને આવા તો દિવસમાં ત્રણ ઢગલા થતાં હતાં. કારણકે આંગણામાં દસથી બાર મોટા મોટા વૃક્ષો હતાં, આસોપાલવ, લીમડાં, ગુલમોર, ગરમાળા, બોરસલી અને આંબા, અને પાછી અત્યારે પાનખર ચાલતી હોવાથી બધા જ વૃક્ષોમાં આગળ પાછળ પાંદડાં ખરતાં જ રહે, એટલે વાળવું તો પડે જ! એ વિચારતી હતી કે હવે તો પાનખર પૂરી થાય તો સારું. ત્યાંજ ઘરમાંથી રમા બા ની ઉધરસ સંભળાઈ,અને સાથો સાથ ઉંમરની અવસ્થાનો કકળાટ પણ ખરો! બોલતા હતાં કે રોજ ભગવાનને પ્રાર્થના કરું છું કે, આ પીળા પડી ગયેલા પાંદડાને ખેરવી નાખ! આવી રીતે જીવવાનો શું અર્થ છે! નથી હાથ ચાલતાં, નથી પગ ચાલતાં,બસ એક આ બોબડી ની માંગ કાયમ ચાલુ છે, અને એકશ્વાસે બોલતા હોવાથી વળી ઉધરસ ચડી. આંગણા ની ધૂડ ઘરમાં જાય નહીં, એટલે સંતોક એ બારણું આડું કર્યું હતું, અને તેમને એમ કે સંતોક સૂઈ ગઈ છે, એટલે ગમે તેમ બોલવા લાગ્યા,કે તેને તો એમ છે કે કાલ મરતી હોય તો આજ મરે! પણ એમ હું જવાની નથી, મારા વંશ ને વધારનાર ગગાનું મોઢું જોયાં વગર ક્યાંય જવાની નથી એટલું સમજી લેજે!! સંતોક એક નિસાસો નાખી સાવરણો મૂકીને પાણીનો પ્યાલો લઈને પહોંચી, અને બોલી બા શું કામ ને શક્તિ વેડફી નાખો છો! ઈશ્વરના દરબારમાં આપણું કંઈ ચાલતું નથી, જે સમયે જે માંડ્યું હોય તે જ થાય! ન ઉતાવળ કરવાથી કંઈ વળે, કે ના ધીરજ રાખવાથી, બધું સહન કરવું પડે. બસ જે થાય છે તે બધું જોયે રાખીએ, અને આપણી સમજ પ્રમાણે એમાં જીવી લઈએ એટલે ભયોભયો. રમાં બા એ કહ્યું કે મંદિરના પટાંગણમાં સપ્તાહ બેઠી હતી, એ સાંભળી ત્યારથી તું તો બહુ ડાહીને મોટી જ્ઞાનની વાતો કરવા લાગી છે.પરંતુ આપણે તો રહ્યા ખેડૂત એટલે એમ બેઠાં બેઠાં કંઈ ખાવા ન મળે, કંઈક જતન તો કરવું જ પડે,અને વંશ ચલાવવા કે હળ ચલાવવા દિકરો જોઈએ જ!! સંતોક ને થયું કે રમા બા ની સાથે કોઇ ચર્ચા કરવાનો અર્થ નથી, કારણ કે ઈન્દ્રિયો શિથિલ થવાને કારણે પરવશતા આવી ગઈ છે, અને પરવશતા જેવો ભયંકર વ્યાધિ બીજો એક પણ નથી. એ વળી પાછી આંગણામાં આવી, કારણ કે હજી થોડું કામ બાકી હતું. એ પાંદડા ભેગા કરીને મોટા કોથળામાં ભરી રહી હતી, ત્યાં જ છમ છમ કરતી એની દીકરી શ્રાવણી આવી, અને બોલી મા જો ને કેટલા પીળા પાન ખરે છે! મને પાંદડા પીળા થાય એ જરાય ગમે નહીં, પાંદડા તો લીલાછમ હોય તો જ ઝાડ સારું લાગે. સંતોક ને થયું કે રમા બા આગળ તો જ્ઞાનની વાત પથ્થર પર પાણી જેવી છે, પરંતુ આ નાનકડી શ્રાવણી ને થોડું સમજાવી શકાય, તો મોટી થતાં સાસરે જાય ત્યારે આવી પરિસ્થિતિ આવે તો તેને સંભાળી શકે. એણે શ્રાવણી ને પાસે બોલાવી ને કહ્યું ચાલ તારા ચોટલા ગુંથી દઉં નહીં તો ગુંચ થઈ જશે, અને પછી તું મા ખેંચાય છે! ખેંચાય છે! એમ રાડો પાડીશ.
શ્રાવણી સંતોકની દિકરી હતી ને સાત વર્ષની થઈ,પણ તેનો બાપ ગામડા ગામની ખેતીમાં કંઈ મળતું નથી એમ કરીને શહેરમાં કમાવા ગયો, તે ગયો! આજે એ વાતને પણ પાંચ વર્ષ થયાં,પણ ગામમાં આવવાનું નામ જ લેતો નથી,હા કોઈ કોઈ વાર થોડાં ઘણા રુપિયા મોકલે છે, બાકી કંઈ નહીં,ને કોઈવાર તાર ટપાલ પણ નહીં, કે ખબર અંતર પૂછવાની દરકાર પણ નહીં, અને બોલો રમા બા ને તો હજી વારસની આશા છે! શું કરવું આનુ, એ જ સમજાતું નથી. ઘણીવાર વિચાર આવતો હતો કે શહેર જઈને તપાસ કરું, પણ પછી થયું એમાં તપાસ શું કરે! પાંચ વર્ષ સ્ત્રી મરદ વગર કાઢી શકે, પણ મરદ તો ન જ કાઢી શકે! એણે તો ત્યાં બીજું ઘર માંડી જ લીધું હોય! પણ નજરે જોયું ન હોય ત્યાં સુધી ઉમ્મીદ રહે,અને જઈને જોઈ આવું તો પુરું! પછી તો જીવતર દોહ્યલું થઈ જાય, એટલે જેમ ચાલે છે એમ જ ચાલવા દેવાય.
શ્રાવણીનાં ચોટલા ગુંથતા-ગુંથતા સંતોકે કહ્યું બેટા પીળા પાંદડા એ તો આપણા જીવનની વાસ્તવિકતા છે, અને ગમે કે ન ગમે બધા એ પીળા પડવું જ પડે! પણ બિચારી શ્રાવણી ને ક્યાંથી ખબર પડે કે મા શું કહેવા માંગે છે, એટલે એ મા સામે જોઈ રહી. સંતોકે પોતાની વાત આગળ ચલાવતા કહ્યું, આપણા ઘરમાં રમાબા છે ને, એને પીળું પાંદડું કહેવાય, જે ગમે ત્યારે ખરી પડે! શ્રાવણી કંઈ સમજી નહીં, પણ એને કંઈક યાદ આવ્યું હોય તેમ એ બોલી મા! બા તને રોજ રોજ વંશ વારસની વાત કરે છે એ શું કહેવાય! અને એ ક્યાંથી આવે? એનાં આવવાથી બા કેમ રાજી થશે? અને તને શું કામ લાવવાનું કહે છે? બાપુ ને કેમ નહીં? અને તું કહે છે કે આ વખતે હોળી પર બાપુ આવશે,પણ એવી હોળી ક્યારે આવશે? અને તું મને ક્યાંથી લાવી હતી? સંતોક ને થયું કે એ જ તો સૌથી મોટી હોળી છે, અને થયું આની અગળ એવી વાત કરવી અત્યારે હજી વ્યાજબી નથી, એટલે કહ્યું કે તું તો મારી પરી છો. જે મને ભગવાને ભેટ આપી છે,એમ કરી તેને ચૂમી ને ખૂબ વહાલ કર્યું,અને શ્રાવણી પણ હેતથી જાણે લીલીછમ્મ થઈ ગઈ,અને બાકીનું બધું જ ભૂલી ગઈ,અને બાજું માં રહેતી સખી ને સાદ કર્યો, ચાલ રેણું રેતીના ઢગલામાં રમવા જઈએ,અને બંને ખિલખિલાટ હસતાં રમવા ઉપડી ગયા,અને સંતોકે હાશકારો અનુભવ્યો.
સંતોક ને રહી રહીને શ્રાવણીની વાતો યાદ આવતી હતી, તેને થતું કે બાળ માનસમાં કેવાં કેવાં સવાલો ઊભા થાય છે, અને હું એને કેમ સમજાવી શકીશ. પીળા પાંદડાની વાત યાદ આવતા એને થયું કે, આમ જુઓ તો બા પીળુ પાન નથી, પરંતુ હું જ પીળું પાંદડું હોઉં એમ આવડી યુવાન ઉંમરમાં શ્રાવણીના બાપુ મને છોડી ગયાં. એણે કદાચ જે વિચાર્યું હોય એ પણ હકીકત તો એ જ છે કે હું એને પીળું પાંદડું લાગું છું. એને યાદ આવ્યું,કે એકવાર રમા બા એ ગમે તેમ કહ્યું ત્યારે સહન ન થતાં કહ્યું કે બા, વારસ વારસ કરો છો, પણ તમારા દિકરા આવતા નથી એનું શું! ત્યારે બા બોલ્યા હતા,એ વાક્ય કાંટા જેમ હજી ચૂભે છે, કે એ જ ને તું તો મારાં દિકરાની યોગ્ય બૈરી પણ ન બની શકી, મા ક્યાંથી બની શકે! એને કેટલીય વાર મન થતું કે બા!તોય એ જ અયોગ્ય બૈરી જ તમારું જતન કરે છે,પણ કાયમ એ બળબળતી લ્હાય મનમાં રાખીને ચૂપ રહેતી. પણ ક્યાં સુધી? આજે નહીં તો કાલે પણ શ્રાવણી પુછશે કે મા બાપુ કેમ નથી આવતાં!! તો એને શું કહેશે કે તારાં બાપુ ને તારી મા પીળું પાંદડું લાગે છે!! પણ કાશ…. પીળા પાંદડું તો વિસર્જન પામી ફરી લીલા પાંદડા તરીકે કૂંપળ ફૂટે છે,પણ અહીં તો વિસર્જન થતું નથી અને છતાં બા ને સર્જન ની આશા છે!
લી. ફાલ્ગુની વસાવડા. (ભાવનગર)
ad…