મિત્રો- શુભ સવાર.
- આપણી જીવંતતા સાબિત કરવા માટે આપણી સંસ્કૃતિને જીવંત રાખવી બહુ જ જરૂરી છે
- અધ્યાત્મ એ આમ તો એક ધારણા છે, જેમાં ઈશ્વર વિશે પરિકલ્પના કરવામાં આવે છે. સૂર્ય સાક્ષાત છે, મનુષ્યરૂપે જીવ પણ સાક્ષાત છે
હે ઈશ્વર.
આપના શ્રીચરણોમાં મારા સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ પ્રણામ. પરિવાર હોય કે રાષ્ટ્ર તેને સદ્ધર કઈ રીતે બનાવી શકાય, અથવા તો શારીરિક, માનસિક અને આર્થિક સપોર્ટ મળે તો જ એ સદ્ધર બની શકે કે રહી શકે, એ આપણે ગઈ કાલે જોયું. ઘણાંને ચિંતનમાં આવી વાત પસંદ નહીં પણ આવી હોય,પણ આ ચિંતન હિન્દુ સંસ્કૃતિ ના પુનરોદ્ધાર માટે જ છે.એટલે આપણી જીવંતતા સાબિત કરવા માટે આપણી સંસ્કૃતિને જીવંત રાખવી બહુ જ જરૂરી છે, અને કયા કયા પરિબળોથી તે વધુ ને વધુ સમય સુધી આપણા માનસમાં પણ જીવંત રહે, એ પણ હવે જોવું રહ્યું. આપણે ત્યાં મંદિરો, પર્વતો, અને નદીઓ પણ સંસ્કૃતિની ધરોહર તરીકે સ્વીકારવામાં આવ્યા છે. મારી માટે તો આ જ પૂજા છે,કારણ કે નિત્ય સવારે વહેતી આ ચિંતનની ધારા રૂપે પવિત્ર જળથી સ્નાન કરી સાધનાના ઉચ્ચતમ શિખર સુધી પહોંચ્યાની અનૂભૂતિ,માત્ર મન મંદિરમાં સ્થાપિત પ્રાણ તત્વ રુપે રહેલા ઈષ્ટની આ રીતે શુદ્ધ સાત્વિક પૂજા કરવાથી થાય છે, અને આ કોઈ નવી વાત નથી,આ જ આપણી સંસ્કૃતિ છે. સુખ અને શાંતિ બંને ને શાશ્વત સમય સુધી સાથે ઈચ્છતા હોઈએ, તો ખુદના શરીરને જેટલું મહત્વ આપવામાં આવે છે. એટલું જ મહત્વ પ્રકૃતિમાં વસતા દરેક ઘટકને આપવું બહુ જ જરૂરી છે, અને સાથોસાથ ખુદના સંરક્ષણની માટે જેમ જીવ મથતો હોય છે, એ જ રીતે પ્રકૃતિ સંરક્ષણ પણ બહુ જરૂરી છે. દિવસેને દિવસે સુખ સગવડતા માટે, વિજ્ઞાન એટલે બધે અંશે આગળ વધી રહ્યું છે, કે જેને માટે થઈને પ્રકૃતિમાં વિપુલ માત્રામાં પ્રદુષણ વધતું જાય છે. અને એ સમસ્યા આપણા અસ્તિત્વ સામે પડકારરૂપ બનતી જાય છે. છેલ્લા થોડા વર્ષો માં આપણે જોઈએ, તો કુદરતી આફતોનું પ્રમાણ વધી ગયું છે, અને બતાવે છે કે પ્રકૃતિ અસંતુલિત થઇ છે. મનુષ્યની પ્રકૃતિ પણ અનીતિ અને ભ્રષ્ટ થતાં અત્યંત અસંતુલિત થઇ છે. એના પરથી કહી શકાય કે, અસંતુલન સામે અસંતુલન એ પ્રલયની નિશાની છે. હાલમાં તાજેતરના તાપમાનના આંકડા જે રીતે વધી રહ્યા છે, તે જોતા આ વખતે કદાચ 50 સેલ્સિયસ આસપાસ તાપમાનનો પારો રહેશે એવું લાગે છે. કારણ કે હોળી પહેલા આટલી ગરમી અનુભવાય છે, તો વૈશાખમાં તો શું થશે!!તો પંચમહાભૂતના એ પાંચમાં અગ્નિ તત્વની પુષ્ટિ માટે આપણે પ્રત્યક્ષ દેવ તરીકે પૂજાતા સૂર્યની પૂજા વિશે ચિંતનમાં વાત કરીશું.આકાશ ગંગાના સૂર્ય નામના આ ગ્રહ થી સમગ્ર બ્રહ્માંડ પ્રકાશિત તો છે જ, પરંતુ આ ઉપરાંત ચલિત પણ છે, એમ કહી શકાય. સૂર્ય વિશે આપણે ભૂગોળમાં ભણી ગયા છીએ, અને એશિયાના દેશો અને એમાં પણ ખાસ કરીને ભારત માટે તો સૂર્ય એક વરદાન છે. કારણ કે અન્ય દેશોમાં જોઈએ, તો તેઓને આપણા જેટલો સૂર્યપ્રકાશ મળતો નથી. આજકાલ સોલાર પ્લાન્ટ અને સોલાર ઉપકરણોથી ખુબ જ શક્તિ પ્રાપ્ત કરવાના સાધનો પણ વિજ્ઞાનને વિકસાવ્યા છે, આ બધું જ બતાવે છે કે સૂર્ય આપણને ઊર્જા આપે છે. પરંતુ ઉર્જા કરતા પણ વધુ મહત્વ તેનાં પ્રકાશનું આંકવામાં આવ્યું છે, અને અને જીવન જીવવા માટે પ્રકાશ એટલે કે જ્ઞાનની અભિલાષાથી જ આપણે સૂર્ય ને પુજતા હોઈએ છીએ.સ્થૂળ રૂપે સૂર્ય પૂજા માં આપણે તાંબાના કળશમાં પાણી લઈ તેના અર્ધ્ય આપી અને પ્રાર્થના કરતા હોઈએ છીએ. નમું આજ આદિત્યને હાથ જોડી, પ્રભુ કર્મના બંધનો નાખ તોડી. રવિ ઉગતા તુજને શિશ નામું, કૃપા દ્રષ્ટિ થી જો મુજ રંક સામું. આ સૂર્ય પાઠ લગભગ બધા જ સૂર્ય ને અર્ધ્ય આપતી વખતે કરતા હશે. પવનને આપણે અનુભવી શકીએ છીએ પરંતુ એ અદ્રશ્ય છે. આકાશ પણ આપણે માત્ર જોઈ શકીએ, એને સ્પર્શી શકતા નથી. જ્યારે સૂર્ય કિરણનો સ્પર્શ આપણાં આંતર તત્વ સુધી પહોંચે છે, એમાં પણ સવારના સૂર્યોદયના સમયે ધ્યાન કરવાથી ખૂબ જ સુંદર આધ્યાત્મિક અનુભૂતિ થતી હોય છે, અને સકારાત્મક ઉર્જા પણ પ્રાપ્ત થતી હોય છે. એટલે જ ધ્યાન માટે સૂર્ય ઉદય પહેલાનો એક કલાક અને સૂર્યોદય પછી નો એક કલાક સ્વીકારવામાં આવ્યો છે. કુંડલિની જાગરણ માટે પણ પ્રભાતનો સમય એટલા માટે પસંદ કરવામાં આવે છે, એટલે એમ કહી શકાય કે આધ્યાત્મિક સાધના માટે સૂર્ય એ બહુ મહત્વનો દેવ છે. એટલે જ હિન્દુસ્તાનની સંસ્કૃતિ અન્ય દેશો કરતાં પ્રમાણમાં વધુ આધ્યાત્મિક રહી છે, કારણકે આપણને અન્ય કરતાં વધુ સૂર્યપ્રકાશ પ્રાપ્ત થાય છે.અધ્યાત્મ એ આમ તો એક ધારણા છે, જેમાં ઈશ્વર વિશે પરિકલ્પના કરવામાં આવે છે. સૂર્ય સાક્ષાત છે, મનુષ્યરૂપે જીવ પણ સાક્ષાત છે, પરંતુ આ બંનેની હાજરીમાં જે પરમ તત્વ વિષેની ધારણા છે, એ તો કાલ્પનિક જ છે, અને કાલ્પનિક એ અનુભૂતિથી ને શાશ્વત એટલે કે લાંબો સમય સુખ શાંતિ કે આનંદ તો જ પ્રાપ્ત કરી શકાય, જો એ જ વાતને જીવન સાથે જોડવામાં આવે. કારણકે ધ્યાન ઈત્યાદિ કર્મ તો મિનિટ થી કલાક થાય, બાકી તો ધ્યાન રાખવાનું હોય. જીવન સાથે આવી જોડતી વાતને જ્ઞાન કહેવામાં આવે છે, એટલે કે અનુભવ કે અનુભૂતિથી પ્રાપ્ત થયેલું જ્ઞાન આપણાં જીવન જીવવા માટે ઉપયોગી હોય, કે તેનું સંરક્ષણ કરનારું હોય તો જ આપણું જીવન શાશ્વત સુખ શાંતિ અને આનંદ સુધી પહોંચી શકે. મનુષ્ય પંચતત્વની પૂજા પણ એટલે જ કરતો હોય છે, કે તેનું જીવન સુખ શાંતિ આનંદ ની પરાકાષ્ઠાએ પહોંચે, અને તેનું જીવન પ્રસન્નતાથી હર્યુંભર્યું રહે. પરંતુ આપણે શું કરીએ છીએ, કે માત્ર સ્થૂળ રૂપે પૂજા કરીએ છીએ, અને તોય પાછું પરિણામ પૂર્ણ મળે તેવી આશા રાખીએ છીએ. આપણી પૂજાથી સુક્ષ્મ તત્વની પુષ્ટિ થતી ન હોવાથી જોઈએ એટલી પ્રસન્નતા મળતી નથી.સૂર્યદેવ માંથી જ્ઞાનનો પ્રકાશ પ્રાપ્ત કરીને, જીવવાથી ઘણા બધા અંધારાં દૂર થતાં હોય છે. એટલે કે દરેક વખતે સમજ રુપે સમાધાન કરીને સહજતાથી જીવવું એને સીધાસાદા શબ્દો માં કહીયે તો જ્ઞાન કહેવાય. જ્ઞાન માટે કોઈ મોટા મોટા ગ્રંથો ભણવાની જરૂર નથી, કે પછી જાણકારીને રૂપે રહેલી માહિતી એ પણ જ્ઞાન નથી. જ્ઞાન તો એ જ છે, કે જે આપણા જીવનને વધુ ને વધુ સરળ બનાવે, અને અન્ય ને એનાં સત્ય કે સ્વભાવ સાથે સ્વીકારે. જો આપણા બધાના જીવન, આ રીતે જીવાતા હોય તો, આપણે સૂર્ય ની સાચી પૂજા કરી કહેવાય. પરંતુ એ આજના પ્રવર્તમાન સમાજનું હકીકતનું સત્ય નથી, એટલે કે સ્થૂળ રૂપે પૂજા થતી હોય પણ આત્મતત્વ માં પંચદેવ ના એ અગ્નિતત્વની પુષ્ટિ થતી નથી, અને એને કારણે આપણે સહજતાથી જીવી શકતા નથી. આજકાલ બધાના અહમનો સૂર્ય બળવાન થાય છે, અથવા તો ક્રોધનો પારો ઉંચો જતો અનુભવાય છે, જે પરિસ્થિતિને વધુ ને વધુ ખતરનાક બનાવી રહ્યું છે.આધ્યાત્મની રીતે ન વિચારીએ,અને માત્ર એક જીવ તરીકે પણ જો આપણે આપણું અસ્તિત્વ અહીં સલામત રાખવું હશે, તો દિવસે દિવસે વધતો તાપમાનનો પારો હવે વધુ ઊંચે ન જાય તે જોવું બહુ જરૂરી થઇ ગયું છે.
સુખસગવડ વધારવા માટે વિજ્ઞાને ઘણી શોધ કરી અને સદ્ધર લોકો પોતાના ઘરમાં એસી લગાડી અને આ તાપમાનથી બચી પણ શકે. પરંતુ ફૂટપાથ પર જીવન વિતાવનારા આપણા દેશના સેંકડો માનવીઓ તેમજ પશુ પંખીઓ આ તાપમાનથી કઈ રીતે બચી શકે! અને એને વિષે હવે નહીં વિચારીએ તો ક્યારે વિચારીશું? એમની પરિસ્થિતિનો અંદાજ કાઢવા માટે બપોરે થોડીવાર પંખા વગર રહી જોવું, તરત જ એ ઘરમાં બેઠાં પણ એ પરિસ્થિતિનો અંદાજ આવી જશે. ટેકનોલોજીના આ યુગમાં બે-ચાર સાધનો આર્થિક રીતે સદ્ધર પરિવારો માટે ઉપલબ્ધ થશે. એટલે કે વીજળી કાપ હોય ત્યારે ચાલી શકે તેવા ઈન્વેટરો અને જનરેટરરો પણ હવે નાના યુનિટો માટે શોધાઈ રહ્યા છે, એટલે એની માટે તાપમાને નો પારો વધવો એ બહુ હાનિકારક નથી. પરંતુ અન્ય લોકોનું ન વિચારીએ તો પણ પાક બળી જવાની પૂરેપૂરી શક્યતા છે, પૃથ્વીના સ્તર એટલે કે પ્લેટ માં અસંતલન થતાં લાવા બહાર આવવા કરે,અને એ રીતે જ્વાળામુખી પણ ફાટી શકે. આ ઉપરાંત વાતાવરણમાં રહેલા ઓઝોન વાયુનું સ્તર દિવસે ને દિવસે પાતળું થતું જાય છે, એમાં છેદ જેવું પણ થતું જાય છે. અતિ વૃષ્ટિ અને દુષ્કાળ પણ આવે,તો આપણાં અસ્તિત્વ ને બચાવવા માટે પણ હવે તાપમાન ન વધે એ જોવું બહુ જરૂરી છે.ભયંકર ગરમી ના દિવસો હવે આવશે એટલે પાણીના બગાડ પર થોડું નિયંત્રણ કરીને, પણ અન્ય માટે બચાવવુ. વૃક્ષો ને પાણી પાવું, પશુ પંખીઓ ને પાણી મળી રહે એવી કોઈ વ્યવસ્થા કરવી,અને જરુરિયાત વાળા અન્ય માનવીઓ ને પણ થતી કંઈક કંઈક મદદ કરવી. આમ કર્મની શીતળતા જ વધતા તાપમાનનાં પારાની દાહકતા સામે રક્ષણ આપી શકશે, એ વાત પાક્કી છે. પંચદેવ ની સ્થૂળ પૂજા તો આપણે બહુ કરી પણ એટલું પરિણામ મળ્યું નહીં, કારણ કે એનાથી આંતર તત્વ માં રહેલ એ પંચતત્વની પુષ્ટિ થતી નથી. તો હવે જ્યારે સદગુરુ કૃપા એ જ્ઞાન પ્રાપ્ત થયું છે, કે આ રીતે આંતર તત્વ પણ પૃષ્ઠ કરી શકાય છે તો એ રીતે સ્થૂળ સૂક્ષ્મ અને કારણ શરીર સુધી પૂજા નાં આ પ્રકલ્પ ને લઈ જઈ સમગ્ર સૃષ્ટિ ના અસ્તિત્વ નું સંરક્ષણ કરી શકીએ, એવી એક અનન્ય પ્રાર્થના ઈશ્વર ચરણે રાખી, હું મારા શબ્દોને આજે અહીં જ વિરામ આપું છું. ફરી મળીશું નવા ચિંતન-મનન સાથે, તો સૌને મારા આજના દિવસના સ્નેહ વંદન અને જય સીયારામ.
લી.ફાલ્ગુની વસાવડા – ભાવનગર
AD…