‘ધ કાશ્મીર ફાઈલ્સ’ 1990ના દશકની કાશ્મીર ઘાટી કાશ્મીરી પંડિતો પર આતંકીઓએ કરેલા અત્યાચારને લોકોના જીવનની સાચી વાર્તા પર આધારિત ફિલ્મ…

0
180

કાશ્મીરી પંડિતોની પીડાને દર્શાવતી ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ થિયેટરમાં રિલીઝ થઈ છે. આ એક એવી ફિલ્મ છે જે તમારી સંવેદનાઓને જગાડે છે. ફિલ્મમાં અનુપમ ખેરે દમદાર એક્ટિંગ કરી છે. તેમના પાત્રની વેદના જોઈને આંખમાં પાણી ભરાઈ જાય છે. ફિલ્મમાં મિથુન ચક્રવર્તી અને પલ્લવી જોષી પણ મહત્વના રોલમાં છે.ઈતિહાસના પાનામાં એવી કેટલીય પીડાદાયક ઘટનાઓ નોંધાયેલી છે જેણે માનવજાત અને સમાજ બંનેને શર્મસાર કર્યા છે. સાથે જ એવા ઊંડા ઘા આપ્યા છે જેના નિશાન આજે પણ જોવા મળે છે. કાશ્મીરમાંથી અલ્પસંખ્યક હિન્દુ પંડિતોના પલાયનની અને તેમની દુર્દશાથી કોઈ અજાણ નથી.‘ધ કાશ્મીર ફાઈલ્સ’ 1990ના દશકની કાશ્મીર ઘાટી ફિલ્મમાં જોવા મળે છે. કાશ્મીરી પંડિતો પર આતંકીઓએ કરેલા અત્યાચારને ફિલ્મ દેખાડે છે. ઈસ્લામિક આતંકવાદીઓએ પંડિતોને કેવી રીતે તેમના ઘરમાંથી ભાગવા મજબૂર કર્યા હતા તેની વાર્તા ફિલ્મ બતાવે છે.જે ધરતી પર તમે જન્મ લીધો, જ્યાં તમારું બાળપણ વિત્યું, જે ગલીઓમાં જવાનીમાં મસ્તી કરી એ ધરતી, આંગણું અને ગલીઓને કાયમ માટે છોડવી પડે અને પોતાના જ દેશમાં રેફ્યુજીની જેમ જિંદગી વિતાવવી પડે તો? આ પીડાને જેણે વેઠી હોય તે જ સારી રીતે સમજી શકે છે. ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ આ પીડાનો ડંખ વેઠી રહેલા લોકોના જીવનની સાચી વાર્તા પર આધારિત છે. આ લોકો શરણાર્થીઓ તરીકે ઓળખાવા લાગ્યા હતા. ફિલ્મ તર્ક કરે છે કે, આ માત્ર પલાયન નહોતું એક બર્બર નરસંહાર હતો, જેને રાજકીય કારણોસર દબાવી દેવાયો હતો. આ લોકો લગભગ 30 વર્ષ સુધી પોતાના ઘરથી દૂર રહ્યા. તેમની દુકાન અને મકાન પર સ્થાનિક લોકોએ કબ્જો કરી લીધો હતો. કાશ્મીરી પંડિતો આજે પણ ન્યાયની આશા રાખીને બેઠા છે. સૌથી મહત્વનું એ છે કે તેમને પોતાની ઓળખ અને માન પાછું મળવું જોઈએ. ફિલ્મી પડદે કાશ્મીરી પંડિતોના દુઃખને ખૂબ ઓછીવાર દર્શાવવાનો કોઈએ પ્રયાસ કર્યો છે.કોઈ પણ વિચારધારામાં માનતા હો અથવા કોઈ પણ ધર્મમાં માનતા હો પરંતુ કોઈના અવાજને દબાવી દેવો એક દુઃખદ સ્વપ્ન સમાન છે. કાશ્મીર સ્વર્ગ છે જે ક્યાંક ખોવાઈ ગયું છે. આતંકવાદ, સરહદ પર ટેન્શન, માનવીય સંકટ, અલગાવવાદીઓના આંદોલનો અને એક લડાઈ પોતાના માટે. આજે કાશ્મીર આ બધી બાબતોમાં જ ફસાયેલું છે. એક સમયે કાશ્મીર સમૃદ્ધ હતું અને અહીં એકસાથે કેટલીય સંસ્કૃતિઓ સાથે રહેતી હતી. પરંતુ હાલ વિવાદિત ક્ષેત્ર બની ગયું છે અને વધતા-ઘટતા તણાવ વચ્ચે પોતાને સ્થિર કરવાના પ્રયાસમાં છે. ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ આ ઘાને વાચા આપે છે. ત્રણ કલાકથી ઓછા સમયની ફિલ્મ થકી સત્ય લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે પરંતુ કહેવાય છે ને કે દરેક સિક્કાની બે બાજુ હોય છે.વિવેક અગ્નિહોત્રીની આ ફિલ્મ પલાયનની વેદના દર્શાવે છે. જે એ સમયના રિપોર્ટ્સ પર આધારિત છે. કાશ્મીરી પંડિતોએ પોતે કહેલી વાર્તા પર આધારિત છે. ધર્મના કારણે તેમની સાથે જે ક્રૂરતા થઈ એ વિશે ફિલ્મ વાત કરે છે. ટેલિકોમ એન્જિનિયર બીકે ગંજુના ચોખાના પીપડામાં હત્યા હોય કે નદીમાર્ગ હત્યાકાંડ જ્યાં સેનાની વરદી પહેરેલા આતંકવાદીઓએ 24 કાશ્મીરી પંડિતોની હત્યા કરી હતી. ફિલ્મમાં આ સાચી ઘટનાઓને ઉંમરલાયક રાષ્ટ્રવાદી પુષ્કરનાથ પંડિત (અનુપમ ખેર), તેમના ચાર સૌથી સારા મિત્રો અને પૌત્ર કૃષ્ણા (દર્શન કુમાર)ના દ્રષ્ટિકોણથી બતાવાઈ છે. આ વાર્તા પોતાનો ભૂતકાળ શોધવા મથતાં કૃષ્ણાની પણ આંખો ખોલે છે.જૂના ઘા પરથી પાટો હટાવી લેવો સમાધાન નથી. પરંતુ જ્યારે ઈજાને સ્વીકારી લેવામાં આવે ત્યારે જ સારવાર થઈ શકે છે. વિવેક અગ્નિહોત્રીએ ફિલ્મમાં બર્બર ઘટનાઓને દર્શાવવામાં સહેજ પણ સંકોચ નથી કર્યો. કોઈ ફિલ્ટર દ્વારા કંઈ છુપાવાનો પ્રયાસ પણ નથી કર્યો. એટલે ફિલ્મમાં જે દેખાય છે તે અત્યંત ગંભીર અને ગહન છે. ફિલ્મ થોડી ગૂંચવણભરી લાગે કારણકે સીધી સપાટ રીતે વાર્તા કહેવાને બદલે ફલાણાએ કહ્યું ઢીકણાએ કહ્યું તે રીતે દર્શાવાયું છે. ફિલ્મમાં એકસાથે કેટલાય મુદ્દાને દેખાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ફિલ્મમાં જેએનયુની વાત છે, મીડિયાના તુલના આતંકવાદીઓની રખાત સાથે કરવામાં આવી છે, વિદેશી મીડિયા પર સિલેક્ટિવ રિપોર્ટિંગનો આરોપ લાગ્યો છે, ભારતીય સેના, રાજકીય યુદ્ધ, કલમ 370 અને પૌરાણિક કથાઓથી માંડીને કાશ્મીરના પ્રાચીન ઈતિહાસ સુધી બધું જ એકસાથે દર્શાવાયું છે.પુષ્કરનાથ પંડિત અને તેમની વાર્તા આંખો ભીની કરી દેશે. પરંતુ ફિલ્મ ક્યાંક ખોવાઈ જાય છે, ભટકી જાય છે. ફિલ્મ લાંબી લાગે છે અને ડિટેલિંગની કમી દેખાય છે. એવું લાગે છે કે અરાજકતા વધુ અને સંદર્ભ ઘટી ગયો છે. તમારી અંદર અસહમતિનો ભાવ જાગવા લાગે છે. પાત્રો એકતરફી કહાણીને લઈને આગળ વધે છે જેના કારણે સંતુલન બગડી જાય છે. છેલ્લે એવું લાગવા માંડે છે કે આ બધી ઔપચારિકતા છે.અનુપમ ખેરે જબરદસ્ત એક્ટિંગ કરી છે. તેમનું પર્ફોર્મન્સ તાળીઓ વગાડવા મજબૂર કરે છે. પડદા પર તેમની પીડા જોઈને તમને પણ ડૂમો ભરાઈ આવશે. પોતાના ખોવાયેલા ઘરને શોધતાં વ્યક્તિના પાત્રમાં તેઓ પર્ફેક્ટ છે. પલ્લવી જોષી ખાસ પ્રભાવ નથી છોડી શક્યા. દર્શક તરીકે તમને લાગશે કે તેમના પાત્રમાં કંઈક વધારે હોવું જોઈતું હતું. ચિન્મય મંડલેકર અને મિથુન ચક્રવર્તી પણ પોતપોતાના પાત્રને ન્યાય આપી શક્યા છે.કાશ્મીરી પંડિતોની પીડાને દર્શાવવા અગાઉ વિધુ વિનોદ ચોપરા રોમેન્ટિક ડ્રામા ‘શિકારા’ લઈને આવ્યા હતા. એ વખતે તેમણે કાશ્મીરી પંડિતોની પીડાને યોગ્ય રીતે દર્શાવી ના હોવાથી તેમની ટીકા થઈ હતી. જોકે, તે ફિલ્મ તમને એમની સંસ્કૃતિ, પીડા અને નિરાશાની સ્થિતિની નજીક લઈ જાય છે. પરંતુ વિવેક અગ્નિએ એવું નથી કર્યું. તેઓ એ પીડાને બેધડક થઈને દર્શાવે છે અને રાજકારણ અને ઉગ્રવાદને આગળ રાખે છે.સંકલન : આઇ એમ ગુજરાતAd…..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here