અશાંત જીવનનો ઉકેલ માત્ર ઈશ્વર જ લાવી શકશે

0
182

મિત્રો- શુભ સવાર.

હે ઈશ્વર.
આપના શ્રીચરણોમાં મારા સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ પ્રણામ. પંચમહાભૂતના અગ્નિતત્વની પુષ્ટિ સાક્ષાત દેવ સૂર્ય દ્વારા થાય છે, અને ઊગતા સૂર્યના અજવાળા આપણા જીવનમાં ઘણો આધયાઊ પ્રકાશ પાથરે છે. સ્થૂળ રૂપે જાગવા પણ આપણને દિવસ-રાત એટલે કે સૂર્યનો સહારો જરૂરી છે, અને હિન્દુ સંસ્કૃતિમાં તો સૂર્ય ઉદય અને સૂર્ય અસ્ત એમ દિવસ રાત્રી ના ચોઘડિયા લેખાતા હોય છે, આમ ઘણી બધી રીતે સૂર્ય આપણી માટે મંગલ વર્ષા કરનારો સાબિત થાય છે. આ ઉપરાંત મનુષ્યની જેમ અન્ય જન જીવન માટે સૂર્યપ્રકાશ જરૂરી છે. જેમ કે વનસ્પતિ કે અન્ય સજીવ ના જીવન માટે સૂર્યપ્રકાશ જરૂરી છે. વનસ્પતિ તો સૂર્યપ્રકાશની હાજરીમાં જ પ્રકાશ સંશ્લેષણ નું કાર્ય કરી વૃદ્ધિ નો દર આગળ વધારે છે, એ આપણે સૌ પ્રાથમિક શાળામાં વિજ્ઞાન અંતર્ગત ભણી ગયા છીએ. એટલે કે અવકાશી એ ગ્રહ ખગોળશાસ્ત્ર, અધ્યાત્મ શાસ્ત્ર, અને વિજ્ઞાન શાસ્ત્ર ની અદ્યતન માં અદ્યતન શોધ માટે ખૂબ જ જરૂરી અને કારણભૂત છે. પાણી દ્વારા વિજળી પ્રાપ્ત થાય છે, સૂર્ય દ્વારા પણ વિજળી પ્રાપ્ત થાય છે,અને પવન ચક્કી દ્વારા પણ વિજળી પ્રાપ્ત થાય છે. વધતી જતી વસ્તી માં દરેક ને આજે વીજળી ઉપલબ્ધ થાય એ માટે સોલાર સીસ્ટમ બહુ ઉપયોગી સાબિત થાય છે, અને સરકાર એટલે એની પર સબસિડી પણ આપે છે, અને વધુ ને વધુ તેનો પ્રચાર થાય. બદલાતા ઔદ્યોગિક યુગ સાથે કદમ મિલાવવા માટે ભારત દેશે પણ આવી વિવિધ શોધની ક્રાંતિ તરફ વધુ ધ્યાન આપવું પડશે, અને અન્ય દેશોમાં સૂર્યની હાજરી ઓછી હોવાથી વનસ્પતિ નું પ્રમાણ પણ ઘણું ઓછું છે, અને એ રીતે ત્યાં ઓક્સિજન પણ ઓછો ઉપલબ્ધ થતાં ઓક્સિજન બાર શરૂ કરવામાં આવ્યા છે. આપણે જો તેનાથી બચવું હોય તો, સૂર્યપ્રકાશનો યોગ્ય ઉપયોગ કરી, વધુને વધુ વૃક્ષો વાવી એ રીતે પણ ઓક્સિજનનું લેવલ વાતાવરણમાં બરાબર રાખવું પડશે. જીવનને વધુ ને વધુ સરળ બનાવવા માટે, જ્ઞાન એટલે કે સહજ સમજ જરૂરી છે,એ આપણને આ પંચદેવની પૂજા થકી પ્રાપ્ત થાય છે, પરંતુ પૂજા માત્ર સ્થૂળ ન હોતાં સુક્ષ્મ સ્તરે પણ આપણાં આત્મ તત્વની પુષ્ટિ કરનાર હોય તો જ એ સાર્થક થાય છે. પરંપરાગત રીતે કે પછી આપણા આ અશાંત જીવનનો ઉકેલ માત્ર ઈશ્વર જ લાવી શકશે, એવું વિચારીને પૂજા તો આજે બધા જ ઘરોમાં કોઈને કોઈ રીતે થતી જોવા મળે છે. પરંતુ એ ધાર્યું પરિણામ આપી શકતી નથી, કારણકે કાંતો એ માત્ર સ્થૂળ રૂપે જ થતી હોય છે, અને અથવા તો કરવી પડે છે માટે કરીએ છીએ, એટલે કે વેઠ જેવું પણ થતું હોય, તો કોઈ પરિણામ મળે નહીં. તો આજે આપણે સ્થૂળ પૂજાની વિધિ વિશે ચિંતનમાં વાત કરીશું.

સર્વપ્રથમ તો આ પૂજન વિધિનાં પણ પાંચ ભાગ છે એટલે કે પહેલું સ્નાન પંચદેવની મૂર્તિઓ ને વારાફરતી પાણી, દૂધ, કે પંચામૃત એનાથી સ્નાન કરાવવું. પછી તૈયાર કરીએ એટલે કે જેને વાઘા પહેરાવવાતા હોય તેને વાધા પહેરાવી એ, બાકીના અન્ય ને તિલક ટપકાં કરીએ, પછી શણગાર પુષ્પ કે પુષ્પના હાર ચડાવીએ લાલજી હોય તો મુગટ માળા. પછી ભોગ એટલે કે વિધવિધ પ્રસાદ ધરીએ,અને પછી ધૂપ દીવા આરતી કરીએ. એટલે વિધિ તો સાવ સીધીસાદી છે. પરંતુ એમાં આપણે પરંપરા કહીને ખૂબ બધા આગ્રહો જોડ્યા છે. જેમકે આ ભગવાનને ઠંડે પાણીએ, આ ભગવાનને ગરમ પાણીએ, આને ગાયના દૂધથી, આને પંચામૃતથી કે ગંગાજળ યમુના જળથી સ્નાન કરાવવું. શંકરને કંકુનુ તિલક ના હોય શંકરને તુલસી ન હોય, એ બધું તો ઠીક છે, પણ આજે આ વાર છે એટલે તેલનો દીવા, અને આજે આ વાર છે એટલે ઘીના દીવા. ભગવાનની જમણી બાજુએ ઘીનો દીવો, અને ડાબી બાજુએ તેલનો દીવો. આજે ગણપતિનો વાર છે માટે પીળા ફૂલ થી શણગાર કરવાનો, આજે માતાજીને લાલ ફૂલ ચઢાવવાં કે, પછી શ્રાવણ છે તો શંકરને બીલીપત્ર ચડાવવા, અને એ પણ ખંડિત ન હોય એવા. પ્રસાદમાં પણ આટલું આટલું તો જોઇશે જ અમુક ભગવાનને ગરમ દૂધ, અમુકને ઠંડુ, સૂકો મેવો, મીઠાઈ અને ફળ આટલા ભોગ તો જોઈએ જ. અને આ રીતે પૂજાની વિધિ ને થોડી અઘરી બનાવી. પરિવારનું જે સભ્ય પૂજા કરતું હોય તે આ બધા આગ્રહને ધ્યાનમાં રાખી અને પૂજા કરે તો એ પૂજા વ્યવસ્થિત થઈ એમ કહેવાય, નહીં તો પછી વેઠ ઉતારી એમ કહેવાય. કોઈ કોઈ વાર ઘરમાં ફળ ઇત્યાદિ ન હોય ત્યારે પણ વેઠ જેવો ભાવ થાય. અથવા કોઈ વાર સમય ની તંગી હોય કે પછી મહેમાન ઇત્યાદિ ઘરમાં હોય તો સમય પણ સચવાય નહીં. એટલે કે પૂજા નો સમય પહેલા તો સાતનો હતો, પણ હવે મોટેભાગે આઠથી નવમા લગભગ પૂજા થઈ જતી હોય છે. પણ મારે જ નથી થતી,કારણ પહેલા આ ચિંતન ને પછી ઘરના સર્વની પૂજા પહેલા કરવી પડે. એટલે કે એના ચા પાણી નાસ્તો, એટલે જ મેં ચિંતન ને જ પૂજા ગણાવી લીધી.

ચિંતનમાં ઘણી વાર લખાયું છે કે ભક્તિ એ કેવળ ને કેવળ ભાવનું પ્રાધાન્ય વધારે તો જ પરિણામ મળી શકે. પરંતુ આપણે છીએ કે આવા આગ્રહોમાં જ પૂજા વિધિને જોતરી દીધી અને એને પરિણામે ધાર્યું પરિણામ મળતું નથી. શંકર તો પૂર્ણ વૈરાગી છે, એને શું ફરક પડે કે ને ઠંડું દૂધ ચડ્યું કે ગરમ? એને બિલી ચડી કે ધતૂરો ચડ્યો! પણ પરંપરા ને નામે અહમ આગ્રહ વધી જાય, ત્યારે એ પૂજા માત્ર સ્થૂળ રૂપે જ થાય છે,એ સમજવું બહુ જરૂરી છે. ઘણાં આખો શ્રાવણ રુદ્રી પાઠ કરે અને તયારે અભિષેકમાં અડધો કે આખો લીટર દૂધ વાપરવું એ કેટલે અંશે યોગ્ય છે! એ જ રીતે શણગારનું પણ છે એટલે કે ભગવાનને તો ફૂલ છોડ પર રહે એ જ વધુ પસંદ આવે છે, એટલે પૂજા ને નામે પણ ખૂબ ફૂલ તોડવા એ વ્યાજબી નથી. ગમે તેટલો પ્રસાદ ધરી એ પણ એ પ્રસાદ તો અંતે આપણે ગ્રહણ કરવાનો હોય છે, એના કરતાં પ્રસાદના નામે કોઈ બેને ભોજન કરાવવું, કે કોઈના ઘરે કાયમ ચૂલો સળગે એવી કોઈ વ્યવસ્થા વિચારવી એ છપ્પન ભોગ ધરવા એની કરતા વધુ ઉત્તમ છે,અને ભાવ પૂરતી તો ત્યાં જ થશે. કારણ કે આપણે જેને ધરીએ છીએ, તે જો આપણી સામે સાક્ષાત આરોગે તો આપણને ખરેખર ખૂબ જ આનંદ થાય. એમ આપણે આવા કોઈની આંતરડી ઠારીએ, તો એ ખરેખર વધુ આનંદદાયક અને સંતોષકારક પરિણામ આપે. ટૂંકમાં કહેવાનું એ છે કે પૂજા ને નામે બહુ બધા પ્રપંચો કરવાની જરૂર હોતી નથી. કારણ કે ભગવાન ભાવનો ભૂખ્યો છે, એટલે આપણે ભાવથી તેને ગમે તે રીતે ભજીશુ તે આપણું પૂજન કબૂલ કરશે.

તો આપણા કોઈ સ્વાર્થ માટે કે મનોરંજન માટે, આપણે પૂજા વિધિ ગમેતેમ પતાવી દેવાના ઉદ્દેશથી પૂજા કરતાં હોઈએ,જેમ કે આજે ઉઠવામાં મોડું થયું,અને વિધિસર પૂજા કરીશ તો નાસ્તો કરવાનો સમય નહીં,કે બસ છૂટી જશે, સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરવાનો સમય નહીં રહે,કારણ આજકાલ બધાજ વર્ગ ત્યાં વધુ પ્રવૃત રહે છે, અને એ સારું છે.કારણ કે બધા પોતપોતાના માં વ્યસ્ત હોય, ત્યારે આ રીતે તેની એકવીટી, તેને સારી કંપની આપે છે. અને રોજ નવું નવું જાણવા મળે છે, એટલે એ રીતે તે અપડેટ રહે અને બદલાતા સમય સાથે ચાલી શકે. પણ એકંદરે પૂજામાં આવા કોઈ કારણસર ચૂક થાય તો તેને વેઠ કહેવાય. પરંતુ ઘણીવાર કોઈ વ્યવહારિક કારણ હોય, ઘરમાં કોઈને માંદગી આવી કે મહેમાન આવ્યાં,અથવા તો કોઈ સાધન ઉપલબ્ધ ન હોય ત્યારે એવું કંઈ થાય, તો એ સહજ છે, અને ઈશ્વર તો સરળતા અને સહજતા માં માનનારો છે. એટલે એને કોઈ ફરક પડતો નથી, એણે છપ્પનભોગ મૂકી અને વિદુર ને ત્યાં ભાજી આરોગી હતી, એ દાખલો આપણે જાણીએ છીએ. શબરીના એઠા બોર પણ ખાધા હતાં, એ વાત પણ આપણે સારી રીતે જાણીએ છીએ. તો પૂજા જો પરિણામ દાયક બનાવવી હોય, તો આવા પ્રપંચો અને આગ્રહો થી એને મુક્ત બનાવીશું, એટલી તે વધુ ને વધુ સરળતાથી થશે,અને પૂજામાં આ વસ્તુ ન થઈ એવો કોઈ મન ઉપર ભાર નહીં રહે. આધુનિક યુગ સમયની રીતે ખૂબ જ ફાસ્ટ ચાલે છે, અને આપણે પણ બદલાતા આ યુગ સાથે સમયનું મૂલ્ય સ્વીકાર્યું છે, તો ઓછામાં ઓછા સમયમાં પણ સારામાં સારી પૂજા, એટલે કે ઈશ્વર અનુસંધાન થતું હોય, તો એ જ સૌથી ઉત્તમ પૂજન વિધી છે, અને એ રીતે આપણે ભક્તિના આ પ્રકાર પૂજાવિધિ ને નિભાવી,અને એની સાથે એક ભાવનાત્મક મજબૂત જોડાણથી જોડાયેલા રહી શકીએ, એવી એક અનન્ય પ્રાર્થના ઇશ્વર ચરણે રાખી, હો મારા શબ્દોને આજે અહીં જ વિરામ આપું છું. ફરી મળીશું નવા ચિંતન મનન સાથે, તો સૌને મારા આજના દિવસના સ્નેહ વંદન અને જય સીયારામ.

લી ફાલ્ગુની વસાવડા (ભાવનગર)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here