ફાગણ સુદ પુનમ એટલેકે હોળીનો તહેવાર છે અને હોળીની પૌરાણિક કથાથી આપણે સૌ વાકેફ છીએ, એટલે કે હિરણ્યકશ્યપ નો પુત્ર પ્રહલાદ નાનપણથી જ વિષ્ણુ ભક્ત હતો, અને તેને તેની પર અતૂટ શ્રદ્ધા હતી

0
82

મિત્રો- શુભ સવાર.

હે ઈશ્વર.
આપના શ્રીચરણોમાં મારા સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ પ્રણામ. આદિદેવ ભગવાન જગતગુરુ શંકરાચાર્ય ભારતીય સમાજની માનસિકતા ને જાણતાં હતાં, અને તેથી તેમણે આ પંચદેવની પૂજાનો પ્રકલ્પ, અને તેની વિધિ, તેમજ માનસ વિધિ, સમાજને અનન્ય ભેટ રૂપે આપી. લગભગ બધાના ઘરમાં હરિ મંદિરમાં પંચદેવ પુજાતા હશે. કાળક્રમે પરંપરાને નામે જુદા જુદા આગ્રહો સાથે પૂજા હવે થોડી અઘરી બની, એટલે કે મૂળ માહાત્મ્ય ઘટી ગયું, અને આ જોઈશે! તે જોઈશે! અથવા ભગવાનને તો આમ જ કરવું પડે, ગણેશ નું સ્થાન બદલીયે તો ગણેશ નારાજ થઈ જાય, અને શંકરને અભિષેક ન કરીએ તો શંકર કોપાયમાન થાય, લાલજી નેં સૂકોમેવો તો ધરવો જ પડે, અથવા રાજભોગ ધરવો પડે, આ બધા આગ્રહોને કારણે જ સાત્વિક શ્રદ્ધા ક્યાંક ક્યાંક અંધશ્રધ્ધામાં ફેરવાતી પણ જોવા મળે. એટલે જે પંચ દેવની પૂજા થકી પંચમહાભૂતની પુષ્ટિ કરવાની વાત હતી. તે થઈ નહીં, અને તેને કારણે હવે પૂજા પણ એટલી માનસિક શાંતિ આપી શકતી નથી. સ્થૂળ રૂપે ને અઘરી બતાવી છે, અને તેને માટે ઘણા નિષેધ પણ બતાવાયા છે. હકીકતમાં માં જગત જનની જગદંબા એતો દાનવોને પણ માફ કર્યા હતાં, અને તેના ઉદ્ધાર માટે અથવા તેના મોક્ષ માટે તેનો વધ કર્યો હતો. એટલે પૂજામાં નાની મોટી ચૂક થાય તો એમાં કંઈ મોટો અપરાધ થઈ જતો નથી, અને ઈશ્વર તો બિલકુલ નારાજ થતાં નથી‌. એટલે એવા વખતે કોઈ બહુ ખાસ ચિંતા કરવી નહીં. અંદર એની પ્રત્યેની જે શ્રદ્ધા છે, એ ક્યારેય ડગી ન જાય અને અંધશ્રદ્ધા માં ફેરવાઈ ન જાય તેનું ખાસ ધ્યાન રાખવું. આપણે કોઈ ફરિયાદ હોય, અથવા તો કંઈ તકલીફ હોય, તો આપણે તેને જણાવતા હોય એ છીએ,બસ તેમ ઈશ્વર સાથે પણ સ્થૂળ રૂપે પૂજા થતી હોય, ત્યારે સૂક્ષ્મ રીતે જોડાવું હોય, તો આવા સ્તુતિ સ્તવન અથવા તો સંવાદથી જોડાયેલા રહીએ તો એ વધુ પરિણામ આપે છે. આજે આપણે ચિંતનમાં એના વિશે વાત કરીશું.

આજે ફાગણ સુદ પુનમ એટલેકે હોળીનો તહેવાર છે અને હોળીની પૌરાણિક કથાથી આપણે સૌ વાકેફ છીએ, એટલે કે હિરણ્યકશ્યપ નો પુત્ર પ્રહલાદ નાનપણથી જ વિષ્ણુ ભક્ત હતો, અને તેને તેની પર અતૂટ શ્રદ્ધા હતી. જ્યારે હિરણ્યકશ્યપ એટલે એક દાનવ કુળમાંથી હતો, અને રાક્ષસી વિચાર ધારા હોવાથી, તે પોતાની જાતથી વધુ કોઇ શ્રેષ્ઠ છે, એવું સ્વીકારી શકતો નહીં. તેણે પોતાના પુત્રને પણ કહ્યું કે ભગવાન જેવું કંઇ હોતું નથી, તું મને સંસારનો શ્રેષ્ઠ માની અને મારી ભક્તિ કર, એટલે કે મારા કહ્યા મુજબ તું જીવ. પરંતુ પ્રહલાદે તેની વાત માની નહીં, અને એને કારણે હિરણ્યકશ્યપ એ પોતાના સગા પુત્ર ને મારવા માટે ખૂબ બધી કોશિશ કરી, અને છતાં તે કામયાબ થયો નહીં, ત્યારે તેની બહેન હોલિકા કે જેને અગ્નિ બાળે નહીં તેવું વરદાન હતું, તેણે કહ્યું કે ભાઈ હું એને મારા ખોળામાં લઇ અને અગ્નિ ઉપર બેસીશ એટલે તે ભસ્મ થઇ જશે. પરંતુ એવું કંઈ થયું નહીં, હોલિકા ને વરદાન હોવા છતાં તે બચી નહીં, અને ભક્ત પ્રહલાદ આબાદ રીતે બચી ગયો,અને એટલે આ દિવસ હોલિકા દહન ને નામે ઓળખાય છે, અને સત્ય હનો વિજય થયો એટલે બીજા દિવસને ધૂળેટી તરીકે ઉજવવામાં આવે છે.

પહેલા રાજાઓ ઘણી રાણી રાખતાં હતાં, અને હિરણ્ય કશ્યપને પણ ઘણી રાણી હતી. એમાંની એક રાણી ના પુત્ર તરીકે ભક્ત પ્રહલાદનો જન્મ થયો. માનીતી અને અણમાનીતી રાણી તરીકે ઓળખાતી આ સ્ત્રીઓ પાસે ઘણી વાર તો રાજા એકવાર જાય, અને પછી ક્યારેય જાય પણ નહીં. એ જ રીતે પ્રહલાદની માતા પાસે પણ તેના પિતા આવતા ન હતાં,અને તેની માતા દુઃખી થઈ જતી. પોતાની માતાનું દુખ જોઈ ભક્ત પ્રહલાદ, ભગવાન તે આવું શું કામ કર્યું એમ પ્રાર્થના અથવા તો ફરિયાદી સંવાદથી ભગવાન સાથે જોડાયાં, અને પછી તો નાની-મોટી બધી જ વાત તે ભગવાનને કહેતાં, અને તેનું નિત્ય સ્મરણ કરતાં. તેનાથી તેને ઘણું સારું લાગતું અને તેની મુસીબત સમયે ભગવાન તેની મદદ કરતાં. આ ઉપરથી તેને ભગવાન નામનું કોઈ તત્વ છે, અને તે કાયમ મારી રક્ષા કરે છે, તેવો ભરોસો દ્રઢ થઇ ગયો હતો, અને આપણે સૌ જાણીએ છીએ, તેમ ભક્ત પ્રહલાદના રક્ષણ અને ભગવાન કણકણમાં છે,એ સત્ય પુરવાર કરવા માટે ભગવાને નૃસિંહ સ્વરૂપ ધારણ કર્યું અને હિરણ્યકશ્યપનો વધ કર્યો.

આપણે ત્યાં લગભગ ઘરની વડીલ સ્ત્રીઓ પૂજા કરતી હોય છે,અને કંઈ ના આવડે તો એ ભગવાન સાથે સંવાદાત્મક રીતે વાતો કરતી હોય છે, જેમ કે આજે બહુ મોડું થઈ ગયું છે,તો માની લેજે. પોતાના નાના બાળક સાથે વાત કરતી હોય એ જ રીતે ભગવાન ને કહેતી હોય છે, કે આજે આનાથી ચલાવી લેવાનું છે, આજે દૂધ ઉભરાઈ ગયું, આજે ઠંડું દૂધ કાઢવાનું રહી ગયું છે, આજે ફળમાં કંઈ નથી, કે પછી આજે જમવામાં ખીચડી બનાવી છે અથવા તો અન્ય કોઈ રીતે તેની સાથે કાલીઘેલી ભાષામાં વાત કરી અને તે પોતાનો ભાવ વ્યક્ત કરે, અને તેની સાથેનું જોડાણ મજબૂત બનાવે છે. ભક્તની આ સંવાદાતમ્ક ક્રિયાને કારણે જ, આપણે ત્યાં પ્રાર્થનાનો પ્રકલ્પ આવ્યો, અને જે ખૂબ જ સુંદર પરિણામદાયી છે, એ આપણે સૌ કોઈ જાણીએ છીએ. ભીડ પડે ત્યારે ભક્ત ભગવાનને પોકારે અને અંતરિયામી કોઈ ને કોઈ રુપે તેની મદદે આવે છે,આ આપણો બધાનો અનુભવ છે. પરંતુ તે છતાં આપણી શ્રદ્ધા ડગી જતી હોય છે, એ સત્ય પણ નકારી શકાતું નથી.

આ ઉપરાંત ઘરમાં ચાર પાંચ વ્યક્તિ હોય તો બધા સ્થળ પૂજા ન કરે, અને માનસિક રીતે કરે, અથવા પાઠ કે તેના સ્તુતિ સ્તવન કરી ને પણ એની સાથે જોડાયેલા રહે, ટૂંકમાં પ્રત્યક્ષ હોય તેની સાથે જે રીતે વાતચીત કરી, અને આપણે સંબંધ ને ગાઢ બનાવતા હોઈએ, એ જ રીતે ઈશ્વર સાથે પણ સંવાદ કરવાથી આપણો સંબંધ મજબૂત થાય છે. હમણાં હમણાંથી એટલે કે ચાર મહિના થી પૂજા કરવાનું શરૂ કર્યું છે, અને ઘણીવાર કોઈ વસ્તુ ચૂકાઈ જાય, ઘણીવાર તો ચિંતન પણ યાદ આવી જાય, તો ગણેશને ચંદનની બદલે કંકુ પણ લાગી જાય, કે પછી અન્ય કોઈ ચૂક થાય તો તેને કંઈ ફેર નથી પડતો એ જાણવા છતાં, આવું તો થાય આટલી બધી જવાબદારી નાખી છે તો!!એમ કરી વાત કરી લઉં. ક્યારેક સમયની મારા મારી હોય તો આજે તો બધાને સમુહ સ્નાન કરવાનું છે, એમ કરી પણ સંવાદ સાધુ, અમે તો બહુ સમુહ સ્નાન કર્યું છે, તને પણ એનો લાભ મળવો જોઇએ! નાના હતાં અને વેકેશનમાં મોસાળ જઈએ, ત્યારે એક સરખા બાળકોને લાઇનબંધ ઊભા રાખી અને એક માસી સાબુ ચોળે, એક પાણી રેડે, એક ડીલ લૂછે, અને એક કપડાં પહેરાવે,એક ચોટલા વાળે, જાજી માસી હોવાના ફાયદા પણ બહું! એક તો માંથી સવાઈ હોય તેને માસી કહેવાય, એટલે લાડ પણ અદકેરા. આવું બધું તે ક્યાંથી અનુભવ્યું હોય! એ તો અમને જ ખબર હોય, એવી વાતો પણ થાય, અને સાચું કહું એ જ પૂજા છે,કારણ કે અન્ય બીજું બધું ભૂલીને એની સાથે એ પ્રત્યક્ષ છે એમ સંવાદ કરવો, એ જ આપણને સુક્ષ્મ સ્તરે પણ એની સાથે જોડે છે, અને તો જ આંતર તત્વની પુષ્ટિ થાય છે. આમ પણ આપણા મનનો ભાર કોઈને કહી દેવાથી ઓછો થતો હોય છે. તો ઇશ્વર જેવું સૌથી શ્રેષ્ઠ પાત્ર બીજું કયું હોય? કે જેને આપણે આપણા મનના બધા જ ભાવ કહી દઈએ, અને અંતર ખાલી થઈ જાય, એટલે બધાજ વિકારો નીકળી જાય, અને પરમાત્મા તત્વ તારીખે સ્વીકારાયેલા સત્ય પ્રેમ અને કરુણાથી માનસ છલકાય.

ભક્ત પ્રહલાદ બહુ નાની ઉંમરમાં ભગવાન પરનનો ભરોસો, રોજ એની સાથે સંવાદ કરીને જ મેળવી શક્યા. તો આપણે સૌ પણ પૂજા વિધિ નામે થતા વધુ પડતાં આગ્રહો કે પ્રપંચો ને છોડી, એની સાથે બિલકુલ પોતીકું સ્વજન હોય એમ સંવાદ એટલે કે વાતચીત કરીને, આ ભક્તિનો સાચો ભાવ કેળવી શકીએ છીએ,અને ભક્ત ભગવાનનો સંબંધ વધુ મજબૂત બનાવી શકીએ છીએ. તો હું ને તમે આપણે સૌ પૂજાને માત્ર દ્રવ્ય કે અન્ય કોઈ સાધન માં સીમિત ન કરીએ. પરંતુ આપણો ભાવ ઉપર બેઠેલા એ ઈશ્વર તત્વ સુધી અગરબત્તીની જેમ પહોંચે,અને એને આપણો એ સુગંધિત પ્રેમ આકર્ષી શકે, એવું કંઈક કરી શકીએ, એવી અન્ય પ્રાર્થના ઈશ્વર ચરણે રાખી, હું મારા શબ્દોને આજે અહીં જ વિરામ આપું છું. ફરી મળીશું નવા ચિંતન મનન સાથે, તો સૌને મારા આજના દિવસના સ્નેહ વંદન અને જય સીયારામ.

લી. ફાલ્ગુની વસાવડા. (ભાવનગર)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here