હે ઈશ્વર.
આપના શ્રીચરણોમાં મારા સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ પ્રણામ. આનંદ અને મસ્તીનો તહેવાર એટલે કે હોળી ધુળેટીનો તહેવાર બધાએ ખૂબ જ ઉમંગ-ઉત્સાહથી ઉજવ્યો. પ્રકૃતિમાં પણ હવે વસંત જવાની તૈયારી કરી રહી છે, અને ગ્રીષ્મની ઉષ્ણતાની શરૂઆત થઇ ચૂકી છે. વિવિધ રંગના વિવિધ ભાવ અને એ ઉપરાંત ઉંમરના પણ અમુક રંગ ભાવ હોય છે, એ વિષે આપણે ગઈકાલે વાત કરી. પરમાત્મા કે પછી પંચદેવની પૂજા વિધિ અંતર્ગત આપણા મનોભાવનો રંગ પ્રેમ અને વૈરાગ્ય મિશ્રિત કરી ગુલાબી રંગનો ગુલાલ પણ આપણે સૌએ પરમાત્માના ચરણે ચડાવ્યો. જીવન જો કોઈ એક જ રંગ ને મહત્વ આપે તો એ થોડું કષ્ટદાયક બની જાય, પરંતુ જીવનમાં રંગ રસ રાગ અને રુપની માધુરી ધરાવતા શ્રીકૃષ્ણ કે જે પ્રેમ આવતાર છે, તેની સાથે ભક્તિ નાં અનન્ય નાતાથી જોડાઈએ તો જીવનમાં છેક સુધી પ્રેમાનંદ રહી શકે. આમ પણ દરેક રસ રાગ અને દરેક રંગનું સંતુલન જળવાઈ રહે, ત્યાં સુધી રોગ પણ તન મનથી દૂર રહે છે. પરંતુ કોઈ પણ એક રંગ, રાગ, રસ રુપ નું સંમોહન વધે, એટલે રોગ થતો હોય છે. પરંતુ પ્રવર્તમાન સમાજમાં આજે અસંતુલન દેખાય રહ્યું છે, ભોગ રુપી રસ, મોહ મમતા રૂપી રાગ, અને પ્રેમ પઝેશન નામે રંગ અને કાયમ યુવાનીના રુપની ઘેલછા, આ બધું અતિ થઈ ગયું છે, અને આ બધું પુરું કરવા એની ધનની લાલસા વધી ગઈ છે. તો આજે આપણે ચિંતનમાં યોગ્ય ધન ને પ્રાપ્ત કરવા નિત્ય પૂજન વિધિમાં સમાવવામાં આવેલી હિન્દુ સંસ્કૃતિની એક અનેરી પૂજા એટલે કે ઉંબર પૂજા વિશે વાત કરીશું.
ઉંબર એટલે મુખ્ય ગૃહમાં પ્રવેશવા માટે ઓળંગવામાં આવતો એક સપાટ અને તળિયા થી સહેજ ઉંચો ને લાંબો પત્થર. ઉંબર ભારતીય સંસ્કૃતિ મુજબ ના ઘરનું રક્ષણ કરનાર પણ એક અગત્યનું અંગ છે. સ્થૂળ રીતે પણ બહારથી કોઈ જીવજંતુ ઉંબર હોય તો એટલું સહજ રીતે પ્રવેશી શકે નહીં, એટલે એ રીતે પણ એ મહત્વ ધરાવે છે. આ ઉપરાંત હિન્દુ સંસ્કૃતિમાં ઉંબરામાં લક્ષ્મીનો વાસ હોય છે, એવી એક પ્રણાલી પણ છે, અને તેથી ઘરની ગૃહલક્ષ્મી એ આ ઉંબરાનુ પુજન કરે છે, અને પોતાના ઘર પરિવારને મહાલક્ષ્મી ધન-ધાન્યથી સંપન્ન રાખે, એવી પ્રાર્થનાનો મૂળ ભાવ આની સાથે જોડાયેલો છે. પરંતુ આજકાલ હવે ઉંબરાનુ મહત્વ ઓછું થતું જાય છે, અને ફ્લેટમાં તો ઉંબરા હોતા પણ નથી. ભારતીય અને એમા પણ ઉચ્ચ સંસ્કાર ધરાવતી સ્ત્રીઓ પોતાના ઘર પરિવાર ની સમસ્યાઓનું નિવારણ પણ આ રીતે કરતી. આજે પણ ઘણા બધા ઉંબર પૂજા કરતાં હશે, પરંતુ મૂળ તેનું મહત્વ શું છે, એ જાણવું પણ એટલું જ જરૂરી છે.
લક્ષ્મી એટલે કે ધન એ અર્થ લઈએ, તો ધન બે રીતે કમાઈ શકાય. એટલે કે નીતિ અને પ્રમાણિકતાથી પણ મહેનત કરીને ધનની કમાણી થાય, અને અનીતિ થી પણ ધનની કમાણી થાય. તો માત્ર લક્ષ્મીનું ધન સ્વરૂપ એટલે કે ગમે તે માર્ગે પ્રાપ્ત થયું હોય, તો એ ઘરમાં સુખ શાંતિ અને બરકત કરનારું નથી હોતું. એટલે ઘરની સ્ત્રી ઉંબરાની પૂજા કરી અને માતા લક્ષ્મીને પ્રાર્થના કરે છે કે, મારા ઘરમાં હંમેશા નીતિનું ધન આવે, અને જેનાથી મારો ઘર પરિવાર સુખ શાંતિ અને પ્રસન્નતા અનુભવે. આ ઉપરાંત તેને સુખ શાંતિ સાચા અર્થમાં પ્રાપ્ત થાય તો સંતોષનો ઓડકાર પણ આવે, એટલે કે વધુની તમન્ના ન રહે. તો ઉંબર પૂજાનો અર્થ તો એ જ છે, કે માત્ર ધનની કામનાથી ઉંબરની પૂજા નથી થતી, પરંતુ અનીતિ નુ ધન પણ મારા ઘરમાં ન આવે, એવી પ્રાર્થના પણ સાથે જોડાયેલી હોય છે, અને જેટલું આવશે એનાથી હું પૂરું કરીશ, પરંતુ અનીતિનું તો ન જ આવવું જોઈએ, એવી ગૃહ લક્ષ્મીનો ઉંબર પૂજન કરવાનો મુખ્ય ભાવ હોય છે.
ઉંબરા ની પૂજા જે કોઈ કરતા હશે, તે સૌને ખ્યાલ હશે કે વચ્ચે તેમાં સ્વસ્તિક કરવામાં આવે છે, અને તેની બંને બાજુએ લક્ષ્મીના પગલા દોરવામાં આવે છે. સ્વસ્તિક તે હિન્દુ સંસ્કૃતિમાં શુભનું પ્રતીક તરીકે સ્વીકારવામાં આવ્યું છે. એટલે સાથે સાથે એવી ભાવના પણ આમાં રહેલી છે કે, જેમાં સૌનું શુભ સમાયેલું હોય, એવું ધન અમારા ઘરમાં આવે. એટલે કે કોઈ નું છીનવેલુ નહીં, કોઈનું પચાવી પાડેલું નહીં, કે પછી અન્ય કોઈ રીતે હાંસલ કરેલું નહીં, એ માત્ર સર્વ શુભની ભાવના જેમાં રહેલી છે, એવું ધન અમારા ઘરમાં આવે. શુભ ની સાથે સર્વ જોડાયેલું છે, એટલે કે આ પરિવારની સાથે અન્ય કોઈ ગણ જોડાયેલા હોય, જેમ કે ઘરમાં કામ કરવા આવનારા, જે મહોલ્લામાં રહેતા હોઈએ ત્યાં આડોશપાડોશી, અને એ ઉપરાંત શેરી મહોલ્લાના રખડતા ઢોર, કુતરા, બિલાડી, ગાય, અને વૃક્ષો સહિતનું શુભ તેની સાથે જોડાયેલું હોય છે. એટલે કે આ ધનમાંથી એ સર્વના પોષણની થોડીઘણી જવાબદારી સ્વીકારવામાં આવે છે, અને આ કોઇ નવી વાત નથી. આપણા પૂર્વજો આવું બધું કરતાં, એટલે જ અત્યારના પ્રમાણમાં તેઓના ગૃહસ્થાશ્રમ વધુ પ્રસન્ના અને સુખ શાંતિ તેમજ સંતોષના ઓડકાર વાળા હતાં, એ આપણે નિખાલસતાથી કબૂલ કરવું પડે. સુખી થવું અને સમૃદ્ધ થવું આ બંને વાત માં ઘણું અંતર છે, સુખ ધન થકી પ્રાપ્ત થાય, પરંતુ સમૃદ્ધ થવા માટે ધનની સાથોસાથ ગુણ ની પણ જરૂર પડે છે. એટલે જ કહેવાય છે કે ગૃહ લક્ષ્મી જો સંસ્કારી હોય તો ઘર પરિવાર દીપી ઉઠે, અને સુખ શાંતિ બની રહે.
આ ઉપરાંત ઘરની લક્ષ્મી કહેવાતી પુત્રવધુ એ પુરા પરિવાર માટે ધન અને સુખ સંપત્તિ માંગે છે, અને એ પણ નીતિ દ્વારા કમાયેલું. આજની વાસ્તવિકતા જુદી છે, આજે સહનશક્તિ અને સમર્પણ બંને ભાવ પહેલાના પ્રમાણમાં ઘટી ગયા છે, અને ખુદની જરૂરિયાતો પણ વધી ગઈ છે. એટલે ઘરની સ્ત્રીઓ પણ પોતાના માટે વધુ વિચારતી થઈ ગઈ છે, પોતાને કેમ વધુ સુખ સગવડ મળે, ફેશન કરવા મળે, રોજ નવા નવા વસ્ત્રો પરિધાન કરવા મળે, તેમજ ખુદનું પોતાનું એક વાહન હોય, અને ખૂબ સારા રૂપિયા તેના બેંક એકાઉન્ટમાં હોય, આવી બધી તમન્નાઓ તેની પણ હવે થતી ગઈ છે, અને આ બધું કાળક્રમે આપણે જોયું તેમ તેના મનનાં ભાવ સાથે ક્યારેક થયેલી છેતરામણી નું પરિણામ પણ છે, એટલે એ વિશે આપણે વધુ વાત નહીં કરીએ. પરંતુ મૂળ વાત એ છે કે હવે તેનામાં પુરા ઘર-પરિવારની સુખ શાંતિ અનુભવે કેટલો ભાવ રહ્યો નથી, કારણકે ખુદની પણ માંગ અને જરૂરિયાત વધી છે. જ્યારે આપણા પૂર્વજોના જીવન જોઈએ તો આપણને સમજાઈ જશે, કે તેઓ કેટલી સાદગીમાં જીવ્યા અને તેમણે જિંદગી ભર પોતાની માટે એવું ખાસ કંઈ માંગ્યુ નહીં, અને જેમાં આખા પરિવારનું સુખ સમાયું હોય તેવી વાતને પ્રાધાન્ય આપ્યું, અને એને કારણે ઘર પરિવારો પ્રસન્ના રહેતા. ટૂંકમાં ગૃહસ્થાશ્રમની પ્રસન્નતા અને સુખ-શાંતિ પાછા જોઇતા હશે, તો સહન શક્તિ અને સમર્પણનો ભાવ વધુ થાય, એવા પ્રયત્નો કરવા પડે, અને આ જ આપણી મૂળ સંસ્કૃતિ છે. પરિવારમાં પુરુષ નુ કર્તવ્ય કર્મ ધન કમાવવાનું હતું, બાકીની બધી જ જવાબદારી સ્ત્રી ના ખભે હતી. એટલે કે તેના દ્વારા જે અર્થ ઉપાર્જન થયું હોય તેમાંથી આખા પરિવારનું શુદ્ધ સાત્વિક અને પૌષ્ટિક ભોજન તેમજ નાસ્તો કપડા લતા દવા, અને આ ઉપરાંત સામાજિક વ્યવહાર આ બધા નું આયોજન જેટલાં રુપિયા આવ્યા હોય એમાંથી કરવાનું રહેતું.
આજના પ્રમાણના પહેલા રૂપિયાનું મૂલ્ય ઘણું બધુ હતું જ્યારે આજે આવક વધી ગઈ છે, પણ મૂલ્ય ઘટી ગયું છે. એટલે કે પહેલા આવક ઓછી હતી, પરંતુ સોંઘવારી હતી, અને એને કારણે બધું થઈ જતું એવો પણ ઘણા તર્ક મુકી શકે. પરંતુ સોંઘવારી અને મોંઘવારી એ હંમેશા જરુરિયાત મુજબ નક્કી થતી હોય છે. એટલે કે સોંઘવારી તો જ રહી શકે કે માણસોની જરુરીયાત સીમિત હોય, ત્યારે આજે બધી જ બાબતમાં આજનો આધુનિક માનવી સીમા ઓળંગી ગયો છે, અને જરૂરિયાત જ એટલી બધી તેણે વધારી દીધી છે કે, તેને પૂરી કરવા માટે તે રાત દિવસ મથે તો પણ આ સ્પર્ધાત્મક યુગમાં તે એટલું મેળવી શકતો નથી, અને એને કારણે નીતિ કોરાણે મુકવી પડે છે. જે કોઈ વસ્તુની માંગ વધતી જાય તેમ તેના મૂલ્ય પણ વધતા જાય, આ સીધું ગણિત જો સૌ કોઈ સમજી જાય, તો જ મોંઘવારી પર પણ નિયંત્રણ આવે, અથવા તો મોંઘવારી ભલે વધે, હું મારી જરૂરિયાત સીમિત કરી દઉં, તો એ પ્રશ્ન મને નડે નહીં, આવું પણ વિચારી શકાય. દાખલા તરીકે આજે સોનાના ભાવ પચાસ હજાર ઉપર થઈ ગયા છે, લોકો જ્યાં સુધી આ મોંઘા ભાવનું સોનું ખરીદે છે, ત્યાં સુધી એના ભાવ વધવાના જ છે, જેમ તેને ખરીદવાનું બંધ કર્યું,એમ અન્ય મોંઘી વસ્તુઓ વગર ચલાવતા શીખી જઈએ, તો એનો ભાવ વધારો આપણને પરેશાન કરી ન શકે,આ વાત સમજવી પડે.
તો ઉંબરની પૂજાથી માત્ર લક્ષ્મીજી ઘરમાં આવે એ મહત્વનું નથી, પરંતુ સાથે સાથે એ નીતિ નું ધન હોવું એ પણ મહત્વનું છે,અને પછી પણ એ પરિવાર અને પરિવાર સાથે જોડાયેલા સર્વ ના હિત માટે વપરાય એ મહત્વનું છે. જો આ ધનની કમાણી અને તેનો ખર્ચ બંને થાય, સર્વના શુભનો વિચાર પાયામાં હોય તો,જ પરિવાર સુખ શાંતિ અને પ્રસન્નતા અનુભવે, અને તો જ ધનની બરકત થાય. એટલે કે સાચા અર્થમાં લક્ષ્મીનો વાસ થાય, બાકી ધનથી તિજોરી છલકાતી હોય,કે બેન્કો માં રુપિયા સમાતાં ન હોય અદ્યતન માં અદ્યતન સુખ સામગ્રી થી ઘર ભરેલું હોય,પણ સુખ શાંતિ નો અનુભવ કરાવે નહીં તો સમજવું કે અનીતિ નું ધન ઘરમાં આવી ગયું છે. આ ઉપરાંત જે ઘરની ગૃહલક્ષ્મી પણ સંસ્કારી હોવી બહુ જરૂરી છે. સંસ્કાર તો પેઢી દર પેઢી આગળ ચાલતા હોય છે, એટલે માતાનું જોઈને જ તેના સંતાનો શીખતા હોય છે. હવે જો માતા જ યોગ્ય વર્તન ના કરે તો સંતાનો ક્યાંથી શીખે? એટલે આપણી અપેક્ષા જો આવી હોય તો, પહેલાં તો આપણે જ આચરણ કરવું પડે. એટલે કે આપણી જરૂરિયાતો પર ધ્યાન આપ્યા વગર પરિવારના સુખ શાંતિ માટે વિચારવું પડે, અને તો જ આ સૂક્ષ્મ રૂપે ઉંબર પૂજા થઈ કહેવાય. પ્રવર્તમાન સમાજ વૈજ્ઞાનિક રીતે ખૂબ જ વિકસિત થઇ રહ્યો છે, અને દરેક ના ઘર માં સુખ સામગ્રીના પુરતા સાધનો છે. પરંતુ હવે એ સુખ શાંતિ કે પ્રસન્નતા અનુભવાતી નથી, એટલે એનો અર્થ એમ થયો કે ક્યાંક ને ક્યાંક આપણી નીતિ સામે પ્રશ્ન ઉભો થયો છે. કદાચ ધન અનીતિથી ન આવતું હોય, તો એ ધન ઘરમાં આવ્યા પછી પણ પક્ષપાતની રીતે ઉપયોગમાં લેવાતું હોય, એવું પણ બની શકે. તો આ બધા જ પાસા ઉપર વિચારી અને ઘર પરિવારમાં ફરીથી પહેલા જેવા સુખ શાંતિ અને પ્રસન્નતા બની રહે, એવા આપણે સૌ પ્રયત્ન કરી શકીએ એવી એક અનન્ય પ્રાર્થના ઇશ્વર ચરણે રાખી, હું મારા શબ્દોને આજે અહીં જ વિરામ આપું છું. ફરી મળીશું નવા ચિંતન મનન સાથે, તો સૌને મારા આજના દિવસના સ્નેહ વંદન અને જય સીયારામ.
લી. ફાલ્ગુની વસાવડા. (ભાવનગર)