ઈશ્વર ચરણે શરણાગત થવું એટલે કે તેના ચરણોમાં માથું પ્રસાદ રૂપે રાખવાની પણ એક પ્રણાલી છે. માથું એટલે અહમ તેના ચરણે સમર્પિત કરી નિરાભિમાની જીવન જીવવું.

0
149

મિત્રો- શુભ સવાર.હે ઈશ્વર.
આપના શ્રીચરણોમાં મારા સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ પ્રણામ. ભક્તિના પાંચમા પ્રકાર પૂજાવિધિ અંતર્ગત આપણે વાત કરી રહ્યા છીએ પંચદેવની પૂજામાં પાંચેય તત્વની પુષ્ટિ કઈ રીતે થાય, એ વિશે પણ આપણે વિસ્તૃત વાત કરી. ગઈકાલ નો લેખ ઘણાને ખૂબ જ પસંદ આવ્યો, અને ઉંબર પૂજા એ ભારતીય સંસ્કૃતિનું એક અનેરું અંગ ગણવામાં આવ્યું છે, અને એને વિશે વાત કરી એટલે ખૂબ બધા પ્રતિભાવો આવ્યાં. વળી પાછી બધાને એકદમ સરળતાથી સમજાઈ જતી, અને છતાં સ્પષ્ટ એવી લેખન શૈલીની પ્રશંસા થઈ. આ ઉપરાંત ઘણાં ગૃહિણી શબ્દ સાંભળીને આશ્ચર્ય ચકિત થઈ જાય છે, એટલે એક બાજુથી ગૌરવાન્વિત થવાય છે, અને બીજી બાજુથી એમ થાય છે કે આધુનિક સમાજ ગૃહિણી વિશે શું એટલી ઓછી માન્યતા ધરાવે છે? પણ સમાજ ક્યાંકને ક્યાંક ગૃહિણીને અંડર એસ્ટીમેન્ટ કરી રહ્યો છે, એવું પણ લાગે.ખેર આ બાબતે તો કેવળ અને કેવળ સદગુરુ કૃપા જ કારણભૂત છે. ગઈકાલે એક ગ્રુપના નાનકડા ભાઈનો એવો પણ પ્રશ્ન હતો કે, દીદી સદગુરુ કૃપા એટલે શું?; સદગુરુ કૃપા એટલે આપણી હેસિયત કરતાં, અથવા આપણી પાત્રતા ના છેદ ને જોયા વગર માત્ર કૃપા ને કારણે વધુને વધુ સદગુરુ દ્વાર આપવું.40 કે 50 વિદ્યાર્થીઓનો ક્લાસ હોય અને શિક્ષક તો એકસરખું જ ભણાવે છે, છતાં દરેક જણ પોતાની હેસિયત પ્રમાણે તેને ગ્રહણ કરતા હોય છે. પરંતુ કોઇ પ્રકારની લાક્ષણિકતા કે કોઈ ખાસિયત વાળો વિદ્યાર્થી શિક્ષક ને વધુ પ્રિય હોય છે, અને તે એને પોતાનું તમામ જ્ઞાન આપવા પણ તૈયાર થાય છે,બસ આનુ નામ સદગુરુ કૃપા. એટલે સીધા સાદા શબ્દોમાં કહીએ, તો થોડી ઘણી લાક્ષણિકતા કે લાયકાત કેળવવી પડે, તો અસ્તિત્વ તરફથી, ઈશ્વર તરફથી, અને સદગુરુ તરફથી કૃપાનો વરસાદ થાય છે અને તે આપણે અનુભવી પણ શકીએ છીએ. જોકે અંતે તો તે ત્રણે ત્રિગુણાતીત અને એકજ પ્રકારની મનષા ધરાવતા હોય છે,અને જેની પર કૃપા કરે, એને પણ એ માર્ગે દોરતાં હોય છે. પરંતુ ઘણીવાર એવું થાય કે સંસારી જીવ અંતે મોહમાયા અને મમતા વશ ક્યારેક અણદેખ્યુ પણ કરે, અને માત્ર એક જન્મમાં મંઝિલ સુધી પહોંચી શકવાની ક્ષમતા હોવાં છતાં જન્મો જનમ વિતાવે. આપણે પંચદેવની પૂજન વિધિ ને પાંચ ભાગમાં વહેંચી હતી, સ્નાન, શુદ્ધ, શણગાર, ભોગ એટલે કે પ્રસાદ અને ધૂપ દીપ આરતી. તો ઘણા પૂજનવિધીમાં ભગવાનને સ્નાન કરાવવું,કે શણગાર કરવો એવું કરતા નથી. માત્ર ભોગ રૂપે કોઈ પ્રસાદ ઘરીને, ત્યારબાદ દીવો કે આરતી કરતા હોય છે, અને ઘણા વ્યવસ્થિત રીતે સ્નાન ઇત્યાદિ કર્મ કરીને .ઈશ્વરને પ્રસન્ન કરવા માટે આપણે ત્યાં ભોગ કરવાની એક પ્રણાલી છે, અથવા તો એને પણ આપણી જેમ ભૂખ, તરસ, થાક લાગતા હોય એમ સમજીને પણ એને ભોગ ધરવામાં આવે છે. આ ઉપરાંત ભગવાનને ભોગ ધરાવી અને એ પદાર્થ પ્રસાદરૂપે ગ્રહણ કરવાથી આપણા આંતર વિકારો સમાપ્ત થાય છે, એવી પણ એક માન્યતા આની સાથે જોડાયેલી છે અને જે સર્વશ્રેષ્ઠ આ વાત છે. આપણે ત્યાં ઈશ્વરને ભોગમાં બધું જ ધરવામાં આવે છે, એટલે કે માત્ર ખાવાપીવાના દ્રવ્યો જ નહીં, પરંતુ રામાયણમાં લખ્યા મુજબ ઘરમાં નવા વસ્ત્ર અને આભૂષણ પણ આવે તો એ સર્વપ્રથમ ભગવાનને અર્પણ કરી અને પછી ધારણ કરવામાં આવે, તો તે આપણે સુખ શાંતિથી પહેરી ઓઢી શકીએ, એવી પણ એક ભાવના તેની સાથે જોડાયેલી હોય છે. અથવા તો તારે કારણે અમે આ આજે ખરીદી શક્યા, કે પહેરી શક્યા એવો ભાવ પણ તેને અર્પણ કરવાનો હોય છે. ટૂંકમાં બધું જ ઈશ્વર સાક્ષીએ થાય, તો તે નિર્વિકાર બનાવવા માટે પર્યાપ્ત છે, એવું આપણી સંસ્કૃતિમાં કહેવાયું છે. પરંતુ માત્ર સ્થૂળ રીતે નહીં પણ સુક્ષ્મ રીતે પણ જો ઇશ્વર સાથે જોડાઈને આ વાત થાય તો એ વધુ અસરકારક પરિણામ આપે. અસરકારક પરિણામ એટલે કે જીવની જે ભોગ વૃત્તિ છે, એ ધીરે ધીરે ઓછી થતી જાય, અને જીવનના તમામ રસ રાગ ને રંગ એ તેને તેના શરણમાં અનુભવાય છે. એટલે કે સંસાર સુખો તેને ફીક્કા લાગવા લાગે, અને આ ભક્તિની રસ માધુરીથી જીવન ગદગદિત થતું જાય, તો આપણી આ પ્રસાદ ધરાવવાની વિધિ સંપન્ન કે સાર્થક થઈ.પરંતુ પ્રવર્તમાન સમાજમાં પૂજા નું પ્રમાણ વધ્યું છે, અધ્યાત્મ વિશે પણ લોકો વિચારતા થયા છે, શરીર સ્વાસ્થ્ય અને માનસિક રીતે સ્વસ્થ થવા લોકો યોગનો સહારો પણ લેતા થયા છે. ધાર્મિક વાંચન પણ કરે છે, કથા રસ પાન કરવા પણ શ્રોતાઓ મોટી સંખ્યામાં ઉમટતાં જોવા મળે છે, પરંતુ તે છતાં લોકોની ભોગ વૃત્તિ ઘટતી નથી. ઉંમર વધે તેમ ઇન્દ્રિયો શિથિલ થવા લાગે, અને છતાં સંસાર આસાનીથી છૂટતો નથી, અને આ કોઈ એક વર્ગ કે વર્ણ નું સત્ય નથી, ભલભલા પંડિત અને વિદ્ધાન પણ કોઈ ને કોઈ તંતુ પર અટકતા જોવા મળે છે, કંઈ ન હોય તો અહમ ના પ્રશ્ને પણ વિરક્ત થઈ શકતાં નથી. બહુ વખત પહેલા એકવાર ચિંતનમાં વડીલ વિશે વ્યાખ્યા કરી હતી, કે જેનું અસ્તિત્વ ડીલ એટલે કે શરીરથી નથી એ વડીલ, અને જેની એક એક વૃત્તિ વિલીન થઈ અંગ અંગ માંથી વૈરાગ્ય ટપકતો હોય એ વડીલ, જે દ્રષ્ટિ માત્રથી વ્હાલ વરસાવે, અને એનાં વિશુદ્ધ આચરણ તરફ આપણાં ચરણ જાણ્યે અજાણ્યે વળી જાય, આને વડીલ કહેવાય,અને આપણાં વડીલો ખરેખર આવું જ જીવન જીવતા.આપણે ત્યાં ભગવાનને પ્રસાદ માં વિવિધ પ્રકારનાં ભોગ્ય પદાર્થ ધરવાની પણ એક પ્રણાલી છે. જેમ કે દૂધ, મીઠાઈ, સૂકોમેવો, લીલા ફળ, વગેરે પદાર્થો આપણે ભોગ તરીકે ધરતા હોઈએ છીએ, કારણ કે આપણે પરમાત્માને પ્રસન્ન કરવા માગીએ છીએ, અને એક બીજો ભાવ એ પણ જોડાયેલો રહે છે, કે અમે તને જે ધરીએ છીએ, એવા જ ભોગ્ય પદાર્થો તું અમને આપતો રહે, અથવા તો અમે એ ભોગવી શકીએ. હકીકતમાં તો મૂર્તિ કે તસવીર એ આ પ્રસાદ રૂપે રહેલા પદાર્થો ગ્રહણ કરતી નથી, અને અંતે તો એ આપણે જ આરોગવાનું હોય છે, એટલે જે કંઈ ધરવું હોય એ ધરી શકાય. પરંતુ હમણાં જો એ ધરેલા પદાર્થો ગાયબ થઈ જતા હોત તો શું આપણે એને રોજ એ પદાર્થ કે પટ આભૂષણ ધરાવત! વિચારો! કદાચ માત્રા ઓછી થઈ જાત! અથવા પદાર્થ બદલાઈ જાત! આ જ આપણાં જીવનનું સત્ય છે,કે આપણે કોઈનો એટલી આસાનીથી ભાગ પાડી શકતા નથી. હા મમતા હોય તો ભાગ પડી શકે! અને એટલે જ આપણે ત્યાં પ્રસાદ વહેંચવામાં આવે છે. બસ તો અન્ય સાથે પણ એ જ મમતાના સંબંધે બંધાઈ ને આવાં ઠાકોરજી ને ધરાવાતા પદાર્થ આપણી ક્ષમતા મુજબ સૌને વહેંચીએ. ફરી પાછી એક જૂની વાતનું સ્મરણ કરું તો, અમારા ઘરમાં અમારા દાદી એટલે કે કાકીબા રોજ ઠાકોરજીને પ્રસાદમાં દૂધ અને ખાંડ બે જ વસ્તુ ધરતાં. પપ્પા ઘણીવાર કહેતા કે સુકોમેવો મીઠાઈ વગેરે ધરો, પણ એ ઘસીને ના પાડી દેતાં, અને કહેતા કે ઈશ્વરને એ જ વસ્તુઓ આરોગવાનો હક છે,કે જે એ દરેકને આપી શકે! અને એ જીવ્યા ત્યાં સુધી એણે ઠાકોરજી ને પ્રસાદમાં ખાંડ જ ધરી.એ લોકો ના જીવનની સાદગી વિશે તો આપણે વાત પણ ન કરી શકીએ,સ્મરણ થયું ત્યાં આંખો ભરાઈ ગઈ. કોઈ કોઈવાર હું મસ્તી કરું કે તમારે ખાવાનું અને ભગવાન ને નહીં! તો કહેતા કે આપણે તો જીવ છીએ, એટલે ચૂક માફ પણ હોય,પણ એને ચૂક કરવાનો હક્ક નથી. પણ પ્રસાદ સાથે એક નિતાંત સત્ય જોડાયેલ છે,કે પ્રસાદ એકલા એકલા ન ખવાય, એને વહેંચી ને જ ખવાય.આપણે ત્યાં ઈશ્વર ચરણે શરણાગત થવું એટલે કે તેના ચરણોમાં માથું પ્રસાદ રૂપે રાખવાની પણ એક પ્રણાલી છે. માથું એટલે અહમ તેના ચરણે સમર્પિત કરી નિરાભિમાની જીવન જીવવું. આ ઉપરાંત પ્રારબ્ધ પણ પ્રસાદ રુપે ધરી દેવામાં આવે છે, એટલે કે ભોગમાં ભાગ્ય ધરવું. દરેકના પ્રારબ્ધ જુદા જુદા હોય છે શારીરિક માનસિક અને આર્થિક તેમજ ગુણોની રીતે પણ દરેક જણ જુદી જુદી ક્ષમતા કે સદ્ધરતા ધરાવતું હોય છે. ઈશ્વરના ચરણોમાં પ્રસાદરૂપે પ્રારબ્ધ ધર્યા પછી નિરાભિમાની થઈ,અને આપણી શારીરિક, માનસિક, આર્થિક, તેમજ ગુણની તમાંમ શક્તિ નો ઉપયોગ પ્રસાદ જેમ લોક કલ્યાણ કે લોક મંગલના કાર્ય કરી વહેંચી નાખવાની, એવો એક સીધોસાદો અર્થ પ્રારબ્ધને ઈશ્વર ચરણોમાં ધરવાનો થાય.આપણા એવા કોઈ કર્મ નથી, એ આપણે સૌ જાણીએ છીએ, નથી એવું કોઈ જ્ઞાન છતાં અહંકાર સમાતો નથી, નથી એવું રુપ કે સ્વરૂપ છતાં દેહની તૃષ્ણા મટતી નથી, અને આપણાં સિવાય કોઈ અન્ય નું તો વિચાર્યું જ નથી!! છતાં ઈશ્વરે આપણને આવું સુંદર પ્રારબ્ધ આપ્યું, અને આપણને આ પૃથ્વી પર મનુષ્ય તરીકે જન્મ આપ્યો છે. તો એણે આપેલી આ ક્ષમતા કે સદ્ધરતા નો ઉપયોગ આપણે અન્ય ની મદદ કરવા માટે શું કામ વાપરી ન શકીએ? પ્રવર્તમાન સમાજમાં વર્ગ વ્યવસ્થા ને કારણે બહુ જ અસમાનતા છે, તો સદ્ધર લોકો જ્યાં સુધી પોતે આ વાત નહીં વિચારે ત્યાં સુધી કંઈ થવાનું નથી,અને પીડિત, પ્રતાડિત લોકોની સંખ્યા વધતી જશે, જે પોતાની આ સમસ્યાનું નિવારણ જ્યાં મળશે એનો આશરો સ્વીકારશે! એટલે કે ધર્મ પરિવર્તન! હવે સમજાયું કે શું કામ હિન્દુઓ ધર્મ પરિવર્તન કરી બીજું સ્વીકારે છે!! તો હજી મોડું નથી થયું, આપણે સૌ આપણા પ્રારબ્ધ ને ઈશ્વર ચરણે રાખી, અને આપણાથી જે કંઈ થાય એ કરીએ એટલે કે આપણી તમામ શક્તિ પ્રસાદ જેમ વહેંચી શકીએ એવી એક અનન્ય પ્રાર્થના ઈશ્વર ચરણે રાખી, હું મારા શબ્દોને આજે અહીં જ વિરામ આપું છું. ફરી મળીશું નવા ચિંતન-મનન સાથે, તો સૌને મારા આજના દિવસના સ્નેહ વંદન અને જય સીયારામ.

લી. ફાલ્ગુની વસાવડા. (ભાવનગર)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here