પૂર્ણ આર્તતા ના ભાવ સાથે ભક્ત ભગવાનની શરણાગતિ સ્વીકારીને જો આરતી કરવામાં આવે તો ભગવાન જરુર એ સાંભળે છે. સદીઓથી માનવી પોતાની સમસ્યા લઈને ઈશ્વરના શરણે જતો હોય છે

0
213

મિત્રો- શુભ સવાર.

હે ઈશ્વર.
આપના શ્રીચરણોમાં મારા સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ પ્રણામ. સર્વપ્રથમ તો ગઈકાલે ચકલી દિવસ હતો તો જેમ આપણી સંસ્કૃતિ વિસરાતી જાય છે, એ જ રીતે વિજ્ઞાનના વિકાસને કારણે પક્ષીઓની પણ ઘણી બધી પ્રજાતિ લુપ્ત થતી જાય છે, અને તે સારી વાત નથી. તો આપણે પશુ-પંખી ના સંરક્ષણ વિશે વિચારવું પડશે, અને માત્ર ચકલી દિવસે કે પછી, પર્યાવરણ દિવસે પર્યાવરણ વિશે વિચારીએ, એવું હવે કામ નહીં લાગે. કંઈ નહીં તો છેવટે એક વૃક્ષને રોજ પાણી પાવાથી પણ ઘણો ફાયદો થાય છે. વૃક્ષોની વૃદ્ધિથી તે હરિયાળું બને છે, અને પક્ષીઓ તેને શોધતા-શોધતા એની મેળે જ આવે છે. ત્યાં તેનું જીવન સામાન્ય બંને તો બે માંથી ચાર, ને ચાર માંથી આઠ, એમ સંખ્યા વધશે. ઉનાળામાં અગાસીમાં પાણીના મોટા મોટા છીછરા કુંડા રાખવાથી પણ સારું કાર્ય થશે, એટલે જે થઈ શકે એવું કાર્ય તો કરી શકાય. ગઈકાલે અમારાં ઘરની ચકલી કહો તો ચકલી ને કોયલ કહો તો કોયલ એવી દૂર દેશાવર વસતી દીકરી આવી અને એના મધુર ચહેકાટમાં ઘર ભરાઈ ગયું. ઈશ્વરની કૃપા ના કંઈક પ્રમાણ મળી આવે છે, અને એમાં જે આંગણ દીકરીની ખુશખુશાલ કિલકારી ગુંજે એ પણ કોઈ ની અસીમ કૃપાનું કારણ જ છે. ભક્તિના પાંચમા પ્રકાર પૂજા વિધિ એ અંતર્ગત પંચદેવ સાથે પંચમહાભૂત ને સરખાવી તેની પુષ્ટિ કેમ થાય એ અંતર્ગત આપણે વિસ્તૃત વાત કરી, સ્નાન, શુદ્ધ વસ્ત્ર પરિધાન, શણગાર, ભોગ એટલે પ્રસાદ, અને આરતી. પ્રથમ ત્રણ વિધિ એ દરેકની પસંદ પ્રમાણે થાય! એટલે એ વિશે આપણે વાત નહોતી કરી. આપણે ગઈકાલના ચિંતનમાં પ્રસાદ વિશે વિસ્તૃત વાત કરી,અને આમ જુવો તો આ ચિંતનની ધારા એ કૃપાનો‌ પ્રસાદ લઈને જ રોજ સૌના દ્વારે દસ્તક દે છે. આપણે ત્યાં પ્રસાદ વહેંચી ને ગ્રહણ કરવામાં આવે છે. આ ઉપરાંત પ્રસાદ ને માથે ચડાવી ને લેવામાં આવે છે, એટલે કે એને એટલું માન સન્માન આપવામાં આવે છે. આ પંચદેવની પૂજા વિધિમાં આરતીનું પણ ખૂબ જ મહત્વ હોય છે, અને આપણે સૌ ભગવાનનાં પાંચેય સ્વરૂપની જુદી-જુદી આરતી તેના તહેવારો અનુસાર કરતાં જ આવ્યા છીએ. પરંતુ તે છતાં આરતીનો મૂળ સંસ્કૃતિ ગત અર્થ શું થાય છે? એ જાણવા માટે આજે આપણે ચિંતનમાં આરતી વિશે થોડી વાત કરીશું.

આરતી શબ્દ આમ તો મૂળ સંસ્કૃત શબ્દ આ,આરાત્રિકા નું અપભ્રંશ છે, અને તેનો મૂળભૂત અર્થ રાત્રી દૂર થવી, અથવા અંધકાર દૂર થવો એવો થાય છે. એટલે કે સંસારી જીવનની મોહરાત્રી નો અંધકાર દૂર કરવા તેને ભગવાનના દિવ્ય સ્વરૂપની ઝાંખી કરાવતા પ્રકાશની જરૂર પડે છે, અને એ પ્રકાશ તેને આરતી ની આશકા દ્વારા પ્રાપ્ત થાય છે. ભગવાનના સ્નાન દાર ઇત્યાદિ પૂજન વિધિ બાદ તેની આરતી ઉતારવામાં આવે છે અને આપણે સૌ જાણીએ છીએ તેમ આરતી એક દીવાથી શરૂ કરીને સાત દિવસ સુધીની કરવામાં આવે છે અને ઘી માં વાટ બોળી પૂરી સાથે કપૂર મૂકી અને આરતી પ્રગટાવી એ છીએ. દીવાની આશકા ભગવાન એના ચરણારવિંદ નથી શરૂ કરી ઉપર મુખ સુધી લઈ જવાની હોય છે ચરણારવિંદ ને ત્રણ વાર આરતી ગોળાકારે ફેરવવાની ત્યારબાદ નાભિ થી ઉપરના સ્વરૂપ ની ત્રણ વાર અને એકવાર મુખારવિંદની આરતી આપણે ઉતારતા હોઈએ છીએ. આરતીના દિવ્ય પ્રકાશમાં ભગવાનના સ્વરૂપના દર્શન ની ઝાંખી કરવાથી તેનું પૂર્ણતઃ દર્શન એટલે કે ચરિત્ર આત્મસાત થાય છે આ ઉપરાંત આરતી સાથે આપણે ત્યાં ઘંટડી વગાડવાનું અને ગાવાની પણ એક પ્રણાલી છે એટલે કે વાતાવરણને પૂર્ણ ભક્તિમય બનાવવા માટે નાગ અવાજનો પણ સહારો લેવામાં આવે છે અને ઘંટનાદ તેમજ સુરાવલી થી ગવાતી આરતી થી એક અત્યંત આલ્હાદક વાતાવરણ ઊભું થાય છે અને જેમાં જીવ સંસારની તમામ મોહમાયા કે સુખ દુઃખ ભૂલી અને ઈશ્વર સાથે મન એકાગ્ર કરે છે. ટૂંકમાં સંસારની સમગ્ર વ્યગ્રતા એક બાજુએ મૂકીને તે ભગવાન સાથે અનુસંધાન કેળવી શકે એ માટે આરતી બહુ જરૂરી માનવામાં આવી છે આ ઉપરાંત જૈન અને મંત્ર જાપ વિશે કોઈ જ્ઞાન ન હોય, અથવા તો ગુરુ આપે તો જ મંત્રનો જાપ કરવો, એવી માન્યતા ધરાવતા હોય, તો આરતી પણ મંત્રનું કામ કરે છે, અને આરતી ગાવાથી પણ ઈશ્વર ની ઉપાસના થાય છે.

આપણે ત્યાં આરતીમાં આપણે જે તે સ્વરૂપની આરતી ઉતારતા હોઈએ તેના પરચાઓ વણી લેવામાં આવે છે, અથવા તો તેનાં ઉદભવની કે અસ્તિત્વની મહત્તા બતાવતું વર્ણન કરવામાં આવે છે,કે પછી તેની યથાર્થ પ્રશંસા પણ કરવામાં આવે છે.પૂર્ણ આર્તતા ના ભાવ સાથે ભક્ત ભગવાન ની શરણાગતિ સ્વીકારી ને જો આરતી કરવામાં આવે તો ભગવાન જરુર એ સાંભળે છે. સદીઓથી માનવી પોતાની સમસ્યા લઈને ઈશ્વરના શરણે જતો હોય છે એટલે કે સુખ સાધન-સંપન્ન ના હોય ત્યાં સુધી તેને બહુ ઈશ્વર યાદ આવતો નથી પરંતુ જેવી વિપદા આવે ત્યારે તરત જ તેને ઈશ્વરનું સ્મરણ થતું હોય છે અને તે તેના શરણે જાય છે એટલે કે કષ્ટ નિવારણ માટે જ મોટેભાગે આપણે ઈશ્વરના શરણે જતા હોઈએ છીએ પરંતુ કોઈપણ કારણસર આપણે તેના શરણે જઈએ અને આરતી દ્વારા તેના ચરણારવિંદને આરતી કરવામાં આવે ત્યારે આરતીની આસકા તેના ચરણ કમળ પર ફરે ત્યારે તેના ચરણની નખ જ્યોતિ માંથી જેમ ગંગા નો ઉદ્ભવ થયો હતો તેમ આપણને તે આચરણ ગંગા તરફ વળવા સંકેત કરે છે. જેમ જેમ આરતીની આસકા ઉપર જતી જાય તેમ નાભિ પર ધ્યાન કેન્દ્રિત થાય તો સમગ્ર બ્રહ્માંડ ની રચના પરમાત્માની નાભિ કમળમાંથી થઈ હોવાની વાત આપણને પુરાણોમાંથી મળે છે.
તો આશકાની દિવ્ય જ્યોતીનાં પ્રકાશથી, એવાં એવાં ગુઢ જ્ઞાનના રહસ્યનો ભંડાર ખુલે છે,અને આપણે જ્ઞાન સભર થઈએ છીએ. હવે આરતી ભગવાનના મુખારવિંદ તરફ ફેરવવાની છે ભગવાનનું મધુર મુસ્કાન મઢેલું મુખ જોઈ અને આપણા સગાં દુઃખનું નિવારણ થાય છે પાપ-પુણ્યની બ્રાન તેમાંથી જીવ બહાર આવે છે અને એના નેત્રો ની પ્રેમાળ દ્રષ્ટિમાં સમગ્ર ચેતના ઓળઘોળ થઈ જાય છે.

પરંતુ આ બધું તો જ શક્ય છે કે જીવનનું ઈશ્વર સાથે સાચા અર્થમાં અનુસંધાન થયું હોય એટલે કે સંસારની મોહ-માયા એ તને ભૂલાઇ ગઇ હોય, અને જીવ શિવમાં એટલે કે ભગવાનના સ્વરૂપમાં ઓતપ્રોત થઈ ગયો હોય.
પરંતુ આપણે આ રીતે આરતી કરી શકતા નથી એટલે કે વિધિથી જાણકાર છીએ, કેટલી વાર મૂર્તિ ની ક્યાં આગળ આરતી ફેરવવી અને તેનો અર્થ શું છે, તે પણ કદાચ મોટાભાગના જાણતા હશે. જો આરતી યોગ્ય રીતે થાય તો તેની દિવ્યતા આપણા અંતર મનમાં અજવાળા પ્રગટાવે છે, અને ધીરે-ધીરે વિકારો છૂટતા જાય એ બધું જ જાણીએ છીએ,પણ એવું અનુભવાતું નથી. કારણ કે આપણે આરતી વ્યવસ્થિત રીતે પૂરીએ છીએ, કપૂર મુકીએ છીએ, ઘંટડી વગાડીએ છીએ, આરતી પણ તાલ મેલ અને સૂર સંગીતનું ધ્યાન રાખી સાથે સાથે ગાતા હોઇએ છીએ. પરંતુ રસોડામાં કુકર ની કેટલી વિહસ્લ થઈ! બાઈ શું કરે છે! કપડાં ધોવાયા કે નહીં! શાકવાળીનો અવાજ કેમ સંભળાયો નહી! વગેરે વિચારો ચાલતા હોય છે,અને વચ્ચે વચ્ચે સૂચનાનાં સંવાદો પણ ચાલતાં હોય છે. દીકરો દીકરી એ ચા પીધી કે નહીં? આજે કોલેજ માં રજા છે? આજે તે કેમ આ પહેર્યું! આજે રસોઇમાં શું બનાવવું છે? બજાર જાવ તો આ ખાસ લેતા આવજો! વગેરે વગેરે ચાલતું હોય, એમાં ક્યાંથી એકાગ્રતા રહે? કે પછી ઈશ્વર અનુસંધાન થાય! બહુ સીધી વાત છે કે, જો પરિણામ જોઈતું હોય તો આ બધું બંધ કરવું પડે! તો જ પૂજા વિધિ કે પછી ઈશ્વર ઉપાસનાનું કોઈ પણ સાધન પરિણામ આપે, બાકી તો સ્થૂળ રૂપે પૂજા થાય જેમ આજ સુધી થતી આવી છે તેમ, જેમાં માત્ર અહમ આગ્રહનાં નિર્વાહ થાય!

આ ઉપરાંત આપણે ત્યાં આરતીના પાત્રને પણ ખૂબ જ મહત્વ આપવામાં આવે છે. એટલે કે શુદ્ધ ધાતુના પાત્રને આપણે આરતીના પાત્ર તરીકે વાપરતા હોઈએ છીએ. જેમકે પિત્તળની આરતી, રૂપાની આરતી, અને ક્યાંક ક્યાંક તો સુવર્ણ ધાતુની પણ આરતી ઉપયોગમાં લેવામાં આવે છે. આ ઉપરાંત તેમાં શણગાર પણ હોય છે, એટલે કે રત્ન જડિત કરી તેને વધુ સુશોભિત કરવામાં આવે છે. આ બધું કરનારની સદ્ધરતા મની સાથે સાથે, તેણે પણ પોતાના પાત્રને આ રીતે ગુણોથી સદ્ધર અને સુશોભિત કર્યું છે, એવું સૂક્ષ્મ રીતે બતાવવાનો અર્થ થાય. આપણે જાણીએ છીએ તેમ આપણું શરીર પણ કેટલી ધાતુઓ થી બનેલું છે, અને તેના નિર્વાહ માટે પણ એ ધાતુનું પ્રમાણ જળવાઈ રહે, એ બહુ જ જરૂરી છે. તો શુદ્ધ ને નિયત માત્રામાં ધાતુ તત્વ ધરાવતા આ દેહમાં આત્મ દીપની દૈદિપ્યમાન જ્યોતિ સજાવી ને પરમાત્માની જો આરતી ઉતારવામાં આવે, તો એ જીવના માનસ ને પૂર્ણ પણે પ્રકાશિત કરે છે, અને ત્યાં એના જન્મોજન્મના અંધકાર દૂર થાય છે, આ ભવબંધન માંથી એ જીવતાં મુક્તિ પ્રાપ્ત કરે છે, અને સનાતન સત્ય એવાં જન્મ મૃત્યુનાં બંધનો છોડી પરમ તત્વમાં ઓગળી જાય છે, અને એ ઈચ્છા મૃત્યુ તેમજ ઈચ્છા જન્મ ના વરદાન પણ પ્રાપ્ત કરે છે. તો કેલ્શિયમ મેગ્નેશિયમ સોડિયમ ફોસ્ફરસ કે પોટેશિયમ વગેરે ધાતુ ધારણ કરી ને એ રૂપે આપણે જેમ સૃદ્રઢ બાંધો ધરાવીએ છીએ, તેમ સાબિત થાય છે. એ જ રીતે નીતિ, પ્રમાણિકતા, ઈમાનદારી, ક્ષમા, મૈત્રી, સંવેદના, સત્ય, પ્રેમ, કરુણા,એ બધી જ ભાવધાતુ નીજી પાત્રતા માટે પણ બહુ જરૂરી છે. આપણે સૌ પંચ દેવ ની આરતીના પાત્ર જેમ આપણાં દેહના પાત્રને ચકચકિત કરી ને અંદર-બહાર બધે જ દિવ્ય પ્રકાશ રેલાવે તેઓ આત્મબુદ્ધિ પ્રગટાવે અને ભગવાનના રૂપ સ્વરૂપ નું અનુસંધાન કરી શકીએ એવા ભાવથી આરતી કરીએ અને આપણા ભોગી અને સંસારી જીવને પરમાત્માના દિવ્ય દર્શનની ઝાંખી થતાં આ મોહ રાત્રિના અંધારા દૂર થાય, એવી એક અનન્ય પ્રાર્થના ઈશ્વર ચરણે રાખી, હું મારા શબ્દોને આજે અહીં જ વિરામ આપું છું. ફરી મળીશું નવા ચિંતન મનન સાથે, તો સૌને મારા આજના દિવસના સ્નેહવંદન અને જય સીયારામ.

લી. ફાલ્ગુની વસાવડા. (ભાવનગર)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here