આંતરિક પ્રકૃતિની વાત કરીએ તો જળ એટલે કે પાણી અને પાણી એટલે કે પ્રવાહી એનું પ્રમાણ બરાબર હોય તો જ આપણું જીવન શક્ય છે. માનવીને પાણી, વાણી, અને લાગણી વગર ચાલી શકે નહીં

0
232

મિત્રો શુભ સવાર.

  • સત્ય હવે સમજવાની જરૂર છે. એટલે કે પાણીનો બને તેટલો ઓછો બગાડ કરીને આ તૃષા છીપાવતુ પૃથ્વી નુ અમૂલ્ય અમૃત આપણે સૌ એ બચાવવાનું છે,
  • પાણી એ માનવીનું જીવન ટકાવી રાખવા માટે હવા અને ખોરાક જેટલું જ જરૂરી છે બાહ્ય પ્રકૃતિમાં 70 ટકા જળથી પૃથ્વી આચ્છાદિત છે, એ જ રીતે માનવીના શરીર માં પણ 65 થી 70 ટકા પાણી નો ભાગ રહેલો છે.
  • પ્રકૃતિનું પ્રદૂષણ ઘટે તો આખી સાયકલ વ્યવસ્થિત ચાલે. એથી તેને ઘટાડવા આપણાથી જેટલા થાય એટલા પ્રયત્નો કરવા પડશે.

હે ઈશ્વર.

આપના શ્રીચરણોમાં મારા સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ પ્રણામ. ઈશ્વર તરીકે પંચદેવની પૂજા માં પ્રસ્થાપિત કરે તેની પંચ વિધિ અનુસાર પૂજા કરી અને અંતે ધૂપ દીપ આરતી કરવી એ મૂળભૂત પૂજા વિધિ કહેવાય છે આરતીની આસકા ભગવાનના ચરણ વિંદ થી શરૂ કરે મુખારવિંદ તરફ આગળ વધે છે અને ભક્તને તેના રૂપની સાથે-સાથે સ્વરૂપનું અનુસંધાન કરવાની પણ તક સાંપડે છે આરતીના એ દિવ્ય પ્રકાશમાં પરમાત્માને વધુ નજીક જઈ શકે છે અને એ સ્વરૂપને આત્મસાત કરવામાં મદદરૂપ થાય છે રૂપ અને સ્વરૂપ માં એટલું અંતર છે કે રૂપ માત્ર રંગ બતાવે છે જ્યારે સ્વરૂપે અંગનું કાર્ય પણ બતાવે છે એટલે કે હાથ છે તો ઈશ્વર હજારો હાથ વારા કેવું કાર્ય કરે છે પગ છે તો તેનું આચરણ કેવું છે, આંખ છે એની નિર્મળ અને પ્રેમાળ દ્રષ્ટી છે, આમ ભક્ત ઉચ્ચ ચરિત્ર જેવું આચરણ કરી શકે છે સામાન્યથી સામાન્ય માનવીના પણ રૂપ કરતાં સ્વરૂપ કંઈક જુદું જ હોય છે, અને ઘણીવાર રૂપના મોહમાં સ્વરૂપમાં કંઈ ન મળવાથી ધોખો થયાની લાગણી પણ થાય છે એટલે જ કહેવાયું છે કે રૂપ તો નાશવંત છે પરંતુ ગુણવાળા વ્યક્તિ સાથે જ સંબંધ રાખવો જેથી કરીને આપણું જીવન પણ ગુણોથી સદ્ધર બને. આપણે હમણાંથી ચિંતનની ધારામાં નિત્ય પરમાત્માની ભક્તિ કેમ કરવી એ વિશે વાત કરી રહ્યા છીએ અને શ્રવણ કીર્તન સ્મરણ પાદસેવન અર્ચન એટલે કે પૂજન સુધીના ભક્તિ ના પ્રકાર વિશે આપણે વાત કરી. ભગવાન આદિદેવ શંકરા ચાર્ય ને કારણે આપણે ઈશ્વર એક છે,એ જાણવા છતાં પંચમહાભૂતથી આ દેહ બન્યો છે, આપણી આસપાસની પ્રકૃતિ પાણી પંચમહાભૂતની છે, તેથી ઈશ્વર આપણને એ રીતે વધુ સમજાય, વધુ અનુભવાય, અને વધુ આત્મસાત થાય, એટલે પંચ દેવની પૂજા સરળ પડે એ જોયું. આજે વિશ્વ જળ દિવસ છે, તો ચિંતનમાં પંચમહાભૂતના જળ તત્વ વિશે વાત કરીશું.

પંચદેવની પૂજામાં ભગવાન ગણેશને જળ તત્વના અધિષ્ઠાતા ગણવામાં આવ્યા છે અને તેની પૂજા કરવાથી પંચમહાભૂતના બનેલા આ શરીરમાં જળ તત્વની પુષ્ટિ થાય છે, તે વિશે આપણે વાત કરી હતી. પરંતુ પાણી એ માનવીનું જીવન ટકાવી રાખવા માટે હવા અને ખોરાક જેટલું જ જરૂરી છે બાહ્ય પ્રકૃતિમાં 70 ટકા જળથી પૃથ્વી આચ્છાદિત છે, એ જ રીતે માનવીના શરીર માં પણ 65 થી 70 ટકા પાણી નો ભાગ રહેલો છે. બાહ્ય પ્રકૃતિ અને આંતરિક પ્રકૃતિનું સંતુલન બની રહે, એટલે બંનેના પ્રમાણનું સમતોલન દર્શાવાયું છે. ઉનાળાના કાળઝાળ દિવસો આવશે, અને જળ તત્વ આપણી મુખ્ય જરૂરિયાત છે, એ તો આપણે સૌ કોઈ જાણીએ છીએ. પરંતુ આપણી સાથે સાથે એ અન્ય સૌની જરૂરિયાત છે, એ સત્ય હવે સમજવાની જરૂર છે. એટલે કે પાણીનો બને તેટલો ઓછો બગાડ કરીને આ તૃષા છીપાવતુ પૃથ્વી નુ અમૂલ્ય અમૃત આપણે સૌ એ બચાવવાનું છે, અને એટલે ઉનાળાની શરૂઆત માં જ આ જળ દિવસ રાખવામાં આવ્યો હશે એવું લાગે છે.

પૃથ્વી પર આપણે નદી-નાળાં સરોવર તેમજ સમુદ્ર સ્વરૂપે જળ તત્વને જોઈ શકીએ છીએ, અને એ રીતે તેનો યથાર્થ ઉપયોગ પણ આપણે કરીએ છીએ. સમુદ્રના પાણી નું પ્રમાણ વિપુલ માત્રામાં આપણી પાસે હોવા છતાં, તે ખારું હોવાથી જરૂરિયાત માટે એટલું કામ આવી શકતું નથી, અને એને કારણે આપણને પાણીની ઊણપ વર્તાય છે. દિવસે દાડે વસ્તી વધતી જાય છે, અને આ જથ્થામાંથી જ આપણે કામ ચલાવવાનું હોવાથી, એ રીતે પણ દિવસે દિવસે બધું અઘરું થતું જાય છે. આ ઉપરાંત વાતાવરણમાંના ઓક્સિજન નું પ્રમાણ જાળવવા માટે પણ પાણી બહુ જ જરૂરી છે. પાણી નું રાસાયણિક સૂત્ર પણ H૨O છે, એટલે કે બે હાઇડ્રોજન ના અણુ એ એક ઓક્સિજનનો અણું હોય તો જ પાણીનું બંધારણ શક્ય છે. પાણી છે તો ઓક્સિજન છે, પાણીથી વૃક્ષો વાવીને પણ ઓક્સિજન તેમજ આહાર પણ મેળવી શકાય છે. એટલે હવા પાણી અને ખોરાક એ માનવીની ત્રણેય મુખ્ય જરૂરિયાત માટે જળ તત્વ ખૂબ જ જરૂરી છે, માટે તેનો બગાડ ન થાય એ જોવું જરૂરી છે.

પૃથ્વી પરની જળ સપાટીમાં પાણીનું પ્રમાણ યથાવત રહે, એ માટે કુદરતી વરસાદ કારણભૂત છે, અને દરિયાની સપાટી નું પાણી ગરમ થવાથી વરાળ થાય છે, અને એ આખી સાયકલ આપણે સૌ કોઈ ભણી ગયા છીએ. પરંતુ પ્રવર્તમાન પ્રકૃતિ પ્રદૂષિત થઈ ગઈ હોવાથી, વરસાદનું પ્રમાણ કોઈવાર અતિ થઈ જાય છે, તો કોઈ વાર ઓછું થાય, અને એને કારણે આપણને તકલીફ પડે. પીવામાં વાપરવાના પાણી, ઉપરાંત અનાજ માટે ખેતીને પણ પાણી જોઈએ, આ ઉપરાંત કમોસમી વરસાદ થતા પાકને નુકસાન પણ થાય, એટલે કે કોઈવાર પ્રમાણમાં નીપજ ઓછી મળે,કે ન મળે એવું પણ થાય. એટલે પ્રકૃતિનું પ્રદૂષણ ઘટે તો આખી સાયકલ વ્યવસ્થિત ચાલે. એથી તેને ઘટાડવા આપણાથી જેટલા થાય એટલા પ્રયત્નો કરવા પડશે. વાતાવરણને પ્રદૂષણ મુક્ત કરવા ઘણું બધું કરવું પડે. આખી સાયકલ વ્યવસ્થિત કરવા વાતાવરણમા રહેલા કાર્બન ડાયોકસાઇડનું પ્રમાણ ઓછું કરવું એ બહુ જ જરૂરી પગલું છે. કચરાનાનો ઢગલો કોહવાય એટલે એમાંથી કાર્બન ડાયોકસાઇડ વાયુ બને છે, અને કાર્બન ડાયોકસાઇડ નું પ્રમાણ ઘટાડવા નું કામ આપણે સૌ કરી શકીએ છીએ. જ્યાં ત્યાં કચરો ન નાખતા એને કચરાપેટીમાં જ નાખવો અને તેનો યોગ્ય જગ્યાએ નિકાલ કરવો. આ ઉપરાંત વૃક્ષો ઉછેરવા, તેમજ કુદરતી સંપત્તિ રુપે રહેલા નદી નાળા ના પાણી ખરાબ ન થાય એનુ પણ ધ્યાન રાખવું, કારણકે આ બધું આપણા એકલાનું નથી, અન્ય કેટલાય જીવ એની પર નિર્ભર છે.

આંતરિક પ્રકૃતિની વાત કરીએ તો જળ એટલે કે પાણી અને પાણી એટલે કે પ્રવાહી એનું પ્રમાણ બરાબર હોય તો જ આપણું જીવન શક્ય છે. માનવીને પાણી, વાણી, અને લાગણી વગર ચાલી શકે નહીં.આ ત્રણેયનો મુખ્ય ગુણ સરળતા છે, એટલે એ રીતે જે સંતુલિત છે એ વ્યક્તિ સરળ હોય છે. માનવીના હૃદયમાં વહેતી આ લાગણીનાં બંધારણ માટે પ્રેમ રૂપે પાણી, અને સહારા રુપે શબ્દ મળે તો એ સકારાત્મક ઊર્જા બની નસનસમાં દોડે છે. પરંતુ આ બધું જ દેખાડા અને આડંબર મુક્ત હોય તો જ તે પૂરતું પરિણામ આપે છે, નહીં તો વારે ઘડીએ દગો અને વિશ્વાસઘાત થયાની લાગણી, એ જીવનને નકારાત્મક બનાવે છે, અને જે ઉર્જા હોય છે તે પણ ધીરે ધીરે ઓછી થવા લાગે છે.

લાગણીનુ એક સ્વરૂપ આંસુ પણ છે, જો પ્રેમની લાગણી મળી હોય તો એ આંસુ ખુશી કે હરખના પણ હોય. પરંતુ જો નફરત ની લાગણી કે તિરસ્કાર ધૃણા કે ઉપેક્ષા વગેરે થાય ત્યારે જે આંસુ દ્વારા લાગણી વ્યક્ત થાય છે, તે દુઃખની હોય છે.આમ આંસુ સુખનું છે કે દુઃખ નું એ કહેવું મુશ્કેલ બને છે. દરેક વખતે લાગણીશીલ બનવું પણ યોગ્ય નથી હોતું,અને એટલે જ “કોરી આંખો રાખવી” એવા શબ્દપ્રયોગ પણ આપણે ત્યાં થતાં હોય છે. પરિવારના અંદરો અંદરના સંબંધો લાગણીશીલ અને પ્રેમાળ બની રહે એ માટે વાણી પર સંયમ રાખી, અને સૌ સાથે પ્રેમાળ, અને આતમીય ભાવથી વાતચીત કરવી, અને કોઈ ને લાગણી ના જળની ખોટ ન પડે,અને તેની આંખમાં આંસું ન આવે, એટલે કે એને દુઃખ થાય એવું કરવું નહીં. પરંતુ માત્ર આપણા ઘર પરિવારના સંબંધો વિષે ન વિચારતાં, આવનારા ઉનાળાનાં આ ભયંકર દિવસોમાં પ્રકૃતિમાં વસતાં ઢોર ઢાખર અને જ્યાં આજે પણ પાણીની સુવિધા નથી, એવા અંતરિયાળ ગ્રામ્ય વિસ્તાર વિશે જરૂર વિચારી, અને તેમના તરફ લાગણી રાખી, પાણીનો બગાડ આ વખતે ન થાય તેનું પૂરતું ધ્યાન રાખવું એ આપણી નૈતિક ફરજ પણ છે.

વિશ્વ જળ દિવસે આપણે પૃથ્વી પર જળનું પ્રમાણ જળવાઈ રહે, આપણા દેહમાં પણ જળનું પ્રમાણ જળવાઈ રહે, તેમજ અન્ય સજીવ કે અન્ય માનવીના શરીરમાં પણ લાગણીરૂપી જળ નું પ્રમાણ જળવાઈ રહે, એ માટે પૂરતા પ્રયત્નો કરીશું. તેમજ ઢોર ઢાખરને પશુ-પંખી ને પણ પાણી મળી રહે, તેવી કોઇ ઉત્તમ વ્યવસ્થા આપણાથી થઈ શકે તેટલી માત્રામાં કરીશું, અને એ રીતે આ વિશ્વ જળ દિવસ ઉજવવો, એવો સંકલ્પ આપણે સૌ સાથે મળીને કરી શકીએ, એવી એક અનન્ય પ્રાર્થનામાં ઈશ્વર ચરણે રાખી, હું મારા શબ્દોને આજે અહીં જ વિરામ આપું છું. ફરી મળીશું નવા ચિંતન મનન સાથે, તો સૌને મારા આજના દિવસમાં સ્નેહવંદન અને જય સીયારામ.

લી ફાલ્ગુની વસાવડા (ભાવનગર)

AD…..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here