ઉગતા સૂર્ય સામે ગાયત્રી મંત્રના જાપ કરવાથી અદભૂત અને ચમત્કારિક શક્તિઓ પ્રાપ્ત થાય છે. જે જીવનના અંધકારને કાયમ માટે દૂર કરે છે,

0
185

  • આજકાલની યુવાની આહારની જરુરીયાત ને નામે સ્વાદ ને જ મહત્વ આપે છે, અને સ્વાદને નામે ઘણું બધું એવું ખાતાં થઈ ગયા છે,કે હવે એને આહાર પ્રસાદ જેમ ગ્રહણ કરવાનો હોય એ સમજાવવું થોડું અઘરું થતું જાય છે.
  • જીવન ને બહેતર બનાવવાનો મોકો જો જતો રહેશે, તો શાંતિ ઝડપથી મળશે નહીં. રાગ-દ્વેષ, મોહ-માયા, આગ્રહ અહમ, આ બધા જ ભાવ સંસારી જીવ સાથે સતત કોઈને કોઈ રીતે જોડાયેલા રહે છે,જીવન ને બહેતર બનાવવાનો મોકો જો જતો રહેશે, તો શાંતિ ઝડપથી મળશે નહીં. રાગ-દ્વેષ, મોહ-માયા, આગ્રહ અહમ, આ બધા જ ભાવ સંસારી જીવ સાથે સતત કોઈને કોઈ રીતે જોડાયેલા રહે છે,

મિત્રો- શુભ સવાર.

હે ઈશ્વર.
આપના શ્રીચરણોમાં મારા સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ પ્રણામ. હમણાં તો ચકલી દિવસ, કવિતા દિવસ, જળ દિવસ, આમ રોજ જુદા જુદા દિવસ આવે છે. પરંતુ આપણે તો રોજ ચિંતન દિવસ ને જ વધુ મહત્વ આપવાનું છે, કારણકે પ્રવર્તમાન સમાજમાં 80 થી 90 ટકા લોકો કોઈને કોઈ નેગેટીવ ભાવ મનની અંદર ધરાવે છે, અને એને કારણે જ સમાજનું સ્વરૂપ બદલાતું નથી. એટલે કે ક્યાંક ને ક્યાંક આપણામાં રહેલી નકારાત્મકતા જ જીવનની ખુશી કે આનંદને માણવા દેતુ નથી, અને અન્ય આડંબર કે પ્રપંચ માં જીવન વેડફાઇ જાય છે, અને એવું ન થાય એના માટે દરેકે ચિંતન કરવું બહુ જરૂરી છે. સદગુરુ કૃપા મૂળ રૂપે ચિંતનની ધારા સૌને એટલે જ પસંદ આવે છે, કે દરેક ને એમાં પોતાના જીવનની ક્યાંકને ક્યાંક સચ્ચાઈ નજર આવે છે. પસંદ પડવું, પ્રતિભાવ આપવો, એ બધું તો બરાબર છે. પરંતુ મૂળ વાત સદગુરુનો બોધ ગ્રહણ કરીને જીવન સુધારતી આ ઘડી ને પકડી લેવાની છે. કારણ કે જીવન ને બહેતર બનાવવાનો મોકો જો જતો રહેશે, તો શાંતિ ઝડપથી મળશે નહીં. રાગ-દ્વેષ, મોહ-માયા, આગ્રહ અહમ, આ બધા જ ભાવ સંસારી જીવ સાથે સતત કોઈને કોઈ રીતે જોડાયેલા રહે છે, અને તેને કારણે જીવનમા જોઈએ તેવી શાંતિ અનુભવાતી નથી. પરંતુ જીવ જેને પસંદ કરે છે, જેનું તેને સતત આકર્ષણ છે, જેના પ્રત્યે તેને પ્રેમ ભાવ છે, તેની માટે તે બધું જ કરી છૂટવા તૈયાર હોય છે. તો આ પ્રેમની ભાવના કે પોતાપણાની ભાવના જેટલા વધુ સાથે સંકળાશે એટલો ફરિયાદનો ભાવ ઓછો થશે, અને એમ વધુ શાંતિ અનુભવાશે. ચિંતનની શરૂઆતમાં લખાતા મારા સહ પરિવારનું વર્તુળ ધીરે ધીરે ખૂબ જ વિસ્તૃત થતું જાય છે, એટલે કે આપણાં સૌ વતી પ્રણામ પાઠવવામાં આવે છે.
આમ તો ભક્તિની આ ધારામાં અર્ચન એટલે કે પૂજન વિધિ બાદ વંદન ભક્તિની વાત આવે છે, પરંતુ આપણે ગઈકાલે જળ દિવસ હોવાથી એ વિશે વાત કરી હતી, અને અત્યારે ઋતુ પ્રમાણે ઉનાળાની ઋતુ ચાલી રહી હોવાથી, બધે આગ નો અનુભવ થશે, તો આજે આપણે પંચણહાભૂત ના અગ્નિ તત્વ વિશે ચિંતનમાં વાત કરીશું.

સર્વપ્રથમ તો અગ્નિ શબ્દ એ સંસ્કૃત ની અજ ધાતુ પરથી આવ્યો છે, અને તેનો મૂળ અર્થ ગતિ થાય છે. એટલે કે અગ્નિનો એક અર્થ ગતિમાન પણ થાય, અગિ ગતૌ એટલે કે જે ઉપર તરફ ગતિ કરે છે તે. કોઈપણ યજ્ઞ કર્મ કરવું હોય તો તેની માટે અગ્નિ ખૂબ જ જરૂરી હોય છે, અને આપણે હવન કે યજ્ઞમાં અગ્નિને સતત પ્રજ્વલિત રાખવા માટે, યજ્ઞ સમિધ અને ઘી હોમતા જઈએ છીએ, એટલે રીતે અગ્નિને દેવમુખ પણ કહેવામાં આવ્યું છે. હિંદુ સંસ્કૃતિમાં તો યજ્ઞને ખૂબ જ મહત્વ આપવામાં આવે છે. આજે પણ ઘણી બધી સમસ્યાઓના નિવારણ માટે આપણે યજ્ઞનો સહારો લેતા હોઈએ છીએ. સામાજિક સમસ્યા કે કુદરતી આફતોથી બચવા માટે પણ, આપણે ત્યાં સદીઓથી યજ્ઞ થતાં આવ્યા છે. એટલે એમ કહી શકાય કે ઈશ્વર સુધી, આપણી વાત પહોંચાડવા માટે અગ્નિ તત્વ બહુ જરૂરી છે. આપણી માન્યતા અનુસાર ઈશ્વર આકાશમાં બિરાજમાન છે, એટલે કે ઉપર અને અગ્નિ શિખાઓ ઉપર તરફ ગતિ કરતી હોવાથી અગ્નિ આપણું આ કાર્ય સરળ બનાવે છે અને આપણી વાત કે આપણો ભાવ ઈશ્વર સુધી પહોંચાડે છે.

અગ્નિના ગુણની વાત કરીએ તો અગ્નિ દાહક છે, એટલે કે આપણને દઝાડે છે, એટલે એનો અર્થ ચેતવણી આપે છે એવો પણ કરી શકાય. આ ઉપરાંત અગ્નિ પ્રકાશ વર્ધક છે, એટલે જ્યાં અગ્નિ હોય ત્યાં આગળ પ્રકાશ હોય, અને અંધારું દૂર થાય અંધારું દૂર થતાં, આપણને બધુ દ્રષ્ટિમાન થાય છે, અને એટલે જ આપણે ત્યાં આત્મ દીપ પ્રજ્વલિત કરવાની વાત છે. બહારના અંધારા તો કુત્રિમ લાઈટથી પણ આપણે ઓછા કરી શકીએ, અથવા નાબૂદ કરી શકીએ. એટલે કે દિવસે આપણને સુર્યા પ્રકાશ મળે, પરંતુ રાત્રે આપણે વીજળીથી પ્રકાશ પ્રાપ્ત કરતા હોઈએ છીએ. પણ જીવન જીવવા માટે અંદરનું અજવાળું ખૂબ જ જરૂરી છે,જે ક્ષણે ક્ષણે એ આપણને જાગૃત રાખે છે, અને તેથી આત્મા દીપ પ્રજ્વલિત હોય તો, આ સંસાર યાત્રા પ્રમાણમાં સરળ રહે, અને સત્યના પથ પરથી ડગી જવાની શક્યતા નહીંવત રહે. અગ્નિનો મુખ્ય ગુણ બાળવું છે એટલે કે તેનાં સંપર્ક માં જે આવે તેને તે બાળી ને ભસ્મ કરે છે. યોગ્ય રીતે આપણા આત્મા દીપમાં જ્ઞાન, સ્નેહ અને ભાવ, એટલે કે સત્ય પ્રેમ અને કરુણા નું ઈંધણ પુરાતું રહે તો તે આપણા સંસાર કે ભોગના તમામ વિકારોને ભસ્મીભૂત કરી શકે છે. જીવન દૈદિપ્યમાન બનાવવા માટે અગ્નિ તત્વ બહુ જરૂરી છે. એટલે જ આપણે ત્યાં અગરબત્તી નું ઉદાહરણ પણ આપવામાં આવે છે કે, ખુદ સળગીને પણ જે સુગંધ ફેલાવે, એવું જીવન હોવું જોઈએ.

પંચદેવોમાં સૂર્યદેવને અગ્નિતત્વ સાથે આપણે સરખાવી અને તેની પૂજા કરી અંદર-બહાર અગ્નિ તત્વનું સંતુલન કે પુષ્ટિ કરીએ છીએ. આકાશ ગંગાના સતત સળગતા એવા સૂર્ય નામના ગ્રહથી જ જીવન છે, એવું કહી શકાય. કારણકે તે પ્રકાશ આપે છે અને આ પ્રકાશ શક્તિથી આપણા દરેક કાર્ય સરળ બને છે. આજની અત્યંત આધુનિક ટેકનોલોજી માં સોલાર ઉપકરણોનો ખૂબ જ મહત્વનો ફાળો છે. આ ઉપરાંત પૃથ્વી પર આવતી તમામ વનસ્પતિઓની વૃદ્ધિ નું કારણ પણ સૂર્યપ્રકાશ છે, અને એ રીતે વનસ્પતિ છે તો ઓક્સિજનનું પ્રમાણ પણ જળવાયેલું રહે છે,એટલે સૂર્ય ને સાક્ષાત દેવ માનવામાં આવ્યો છે. આપણે પંચદેવોમાં સૂર્યદેવની પૂજા વખતે વાત કરી હતી તેમ, અન્ય દેશો કરતાં આપણા દેશ પાસે સૂર્ય શક્તિ પ્રમાણમાં વધુ ઉપલબ્ધ છે, તો એ રીતે પણ જો આ શક્તિનો વધુ ને વધુ યોગ્ય રીતે ઉપયોગ થાય, તો આપણે વધારે શક્તિશાળી સાબિત થઇ શકીએ છીએ. સૂર્યની ઉપાસનામાં જ મા સવિતા ની ઉપાસના આવી જાય છે.બસ થોડાક દિવસમાં જ ચૈત્ર નવરાત્રિનો તહેવાર આવશે, અને આ દિવસોમાં ઉગતા સૂર્ય સામે ગાયત્રી મંત્રના જાપ કરવાથી અદભૂત અને ચમત્કારિક શક્તિઓ પ્રાપ્ત થાય છે. જે જીવનના અંધકારને કાયમ માટે દૂર કરે છે, એટલે કે શુદ્ધ ને સહજ જ્ઞાનની સમજ ત્યાંથી આપણને પ્રાપ્ત થાય છે. ચિંતનની આ ધારાનું મૂળ પણ, સદગુરુ કૃપાથી ચૈત્રી નવરાત્રી અને આસો નવરાત્રમાં માં આદ્ય શક્તિ મા જગત જનની જગદંબાની ઉપાસના છે. તો ખુદની અને સમાજની સમસ્યાઓના નિવારણ માટે આ અનુષ્ઠાન કરી અને આપણે આપણા આત્મ દીપ પ્રજ્વલિત કરી શકીએ.

અગ્નિને પંચાગ્નિ પણ કહેવામાં આવ્યો છે, એટલે કે અગ્નિને પાંચ મુખ છે. જે આપણે ને જ્ઞાન વર્ધક, પ્રકાશ દાતા, શત્રુ નાષક, વંશ વૃદ્ધિદાતા, સચ્ચિદાનંદ ધન સ્વરૂપ તરીકે પ્રસ્થાપિત કરે છે. માનવીના શરીરમાં જઠરાગ્નિ તરીકે પણ અગ્નિ તત્વ મોજુદ હોય છે, અને જેને આપણે પાચનશક્તિ કહીએ છીએ, અને જેની જેટલી પાચન શક્તિ હોય, તે મુજબનો જ તે ખોરાક પચાવી શકે છે, અને ન પચાવી શકે તો સ્વાભાવિક શારિરીક તેમજ માનસિક વિકાર આવવાની શક્યતા વધી જાય છે. આપણે વિવિધ દેશ અને પ્રાંતની સંસ્કૃતિ વિશે વાત કરી હતી ત્યારે તેની ભૌગોલિક રચના પ્રમાણે જ તેના વેશભૂષા અને ખોરાક હોય છે તેવી વાત કરી હતી. ઉનાળાની ઋતુ આવી રહી છે, અને બહાર પણ અગ્નિ અને અંદર પણ જો વધુ પડતો અગ્નિ પ્રજ્વલિત રહે, તો શારીરિક તેમજ માનસિક વિકાર એટલે કે રોગ થવાની શક્યતા વધી જાય છે. માટે જઠરાગ્નિ ને શાંત રાખવા બને તેટલા ઓછા મસાલાવાળા અને સાદા આહાર ગ્રહણ કરવા, તેમજ પૂરતી માત્રામાં પાણી પીવું. આ ઉપરાંત ઉંમર પ્રમાણે નો ખોરાક ગ્રહણ કરવો. પંદર વીસ વર્ષનો યુવાન કે યુવતી જે ખોરાક ગમે ત્યારે પચાવી શકે, તેટલો ખોરાક ઉમરવાળા પચાવી શકતા નથી, આ સત્ય પણ આ ઋતુમાં ખાસ યાદ રાખવું. જોકે આજકાલની યુવાની આહારની જરુરીયાત ને નામે સ્વાદ ને જ મહત્વ આપે છે, અને સ્વાદને નામે ઘણું બધું એવું ખાતાં થઈ ગયા છે,કે હવે એને આહાર પ્રસાદ જેમ ગ્રહણ કરવાનો હોય એ સમજાવવું થોડું અઘરું થતું જાય છે.

સૂર્ય સામે સૂર્યનો કોઈ મંત્ર, કે ગાયત્રી મંત્રનો મન સ્થિર કરીને જાય થાય, તો એ યજ્ઞ નું ફળ આપનાર છે, અને આ પંચાઅગ્નિ ના પાંચેય ગુણ આપણામાં શારીરિક અને માનસિક શક્તિનો વધારો કરી જીવન દૈદિપ્યમાન બનાવે છે, આંતરિક વિકારો ને ભસ્મીભૂત કરે છે, અને એ રીતે આપણે જીવનમાં ખુશી પ્રસન્નતા ને અનુક્રમે આનંદ થી સચ્ચિદાનંદ ઘન સ્વરૂપ તરફ અગ્નિ તત્વ જેમ ઉર્ધ્વ ગતિ કરી આનંદ ને પામી શકીએ છીએ. અગ્નિ એટલે સૂર્ય, અને સૂર્ય એટલે અગ્નિ, એ રીતે હજી વધુ લખી શકાય, અને વિદ્વાનોએ તો આનાથી પણ ખૂબ જ સારી અને જાણકારી વર્ધક વાતો કરી હશે. પરંતુ આપણે જે સમજવાની જરૂર છે, એ રીતે સરળ માં સરળ શબ્દોથી સદગુરુ આપણને બોધ આપી રહ્યા છે. જાણકારી તો આપણી પાસે દુનિયાભરની છે, અને કદાચ ન હોય તો ગુગલથી પણ આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ, પણ જીવન જીવવા માટે જરૂરી સમજને સહજ બનાવી શકાય, તો જ અહીં જીવન ખુશખુશાલ, આનંદદાયક બની શકે છે, અને એ માટે સદગુરુ આપણને આ ચિંતનની ધારા રૂપે બોધ આપી રહ્યા છે. તો એ બોધને ગ્રહણ કરીને, આપણે આ ઉનાળામાં શીતળતા પ્રાપ્ત કરી શકીએ, એવી એક અનન્ય પ્રાર્થના ઇશ્વર ચરણે રાખી, હું મારા શબ્દોને આજે અહીં જ વિરામ આપું છું. ફરી મળીશું નવા ચિંતન મનન સાથે, તો સૌને મારા આજના દિવસના સ્નેહ વંદન અને જય સીયારામ.

લી ફાલ્ગુની વસાવડા (ભાવનગર)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here